ગોધરામાં ભાજપના 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:મેહંદી બંગલોઝથી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું
ગોધરા નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એકસાથે 28 ઉમેદવારોના ફોર્મ ભરવા માટે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ શહેરના મેહંદી બંગલોઝ ખાતેથી કરવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સમર્થકો કેસરીયા માહોલમાં ઉમટી પડ્યા હતા. "ભારત માતા કી જય" અને પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 28 ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફૂલહાર પહેરી રેલીમાં જોડાયા હતા. આ રેલી મેહંદી બંગલોઝથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જ્યાં ઠેર-ઠેર વેપારીઓ અને રહીશો દ્વારા પુષ્પવર્ષા કરીને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં રેલી શિસ્તબદ્ધ રીતે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી. રેલીના અંતે, નિર્ધારિત મુહૂર્તમાં તમામ 28 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓએ આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકાસના મુદ્દે ગોધરાની જનતા ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે.
Read Original Article →