ગોધરામાં 86 લાખની વ્હેલ ઉલટી સાથે 2 ઝડપાયા:વન વિભાગે 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી
ગોધરાના ભામૈયા પાસેથી ₹86 લાખની કિંમતના 860 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)ની ગેરકાયદેસર હેરાફેરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે વન વિભાગની અરજી પર બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પંચમહાલ SOG પોલીસની ટીમે ગત 18 મેના રોજ અમદાવાદ હાઈવે પર ભામૈયા પાસેથી આ બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹86 લાખ અંદાજવામાં આવી છે. પોલીસે ₹90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે આરોપી ભારતભાઈ માવજીભાઈ વાગડિયા અને વિપુલભાઈ મનાભાઈ નીનામાને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પદાર્થ દરિયાઈ પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાય છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ ગેરકાયદેસર વેપાર અને હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ વન વિભાગે રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ પ્રતિબંધિત પદાર્થ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને ગોધરામાં કોને સપ્લાય કરવાનો હતો. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Read Original Article →