ઘોઘંબાના જીંજરી ડેમમાં ડૂબી જવાથી બે યુવકના મોત:કાળઝાળ ગરમીથી રાહત મેળવવા નહાવા પડ્યા; ઊંડાણનો અંદાજ ન આવતાં બંને મિત્ર પાણીમાં ગરકાવ થયા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જીંજરી ગામમાં આવેલા જીંજરી ડેમમાં નહાવા પડેલા બે આશાસ્પદ મિત્રના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા ડેમમાં નહાવા ગયેલા બે યુવાન કાળનો કોળિયો બની જતાં સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સમગ્ર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ગરમીમાં નહાવા પડ્યા ને કાળ આંબી ગયો મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના સુરખેડ ફળિયામાં રહેતા બે મિત્ર અશોક હિમજીભાઈ રાઠવા અને યોગેશ પુનાભાઈ રાઠવા સાંજે 6 વાગ્યાની આસપાસ જીંજરી ડેમ ખાતે ગયા હતા. હાલમાં પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે બંને મિત્રએ ડેમના પાણીમાં નહાવાનું નક્કી કર્યું હતું. જોકે, નહાતી વખતે પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં બંને મિત્ર અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા યુવકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ફાયર ફાઈટરો અને તરવૈયાઓની ટીમ તાબડતોબ ડેમ સાઈટ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમના ઊંડા પાણીમાં કલાકો સુધી ભારે જહેમત સાથે અંદાજે રાતના 11 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખરે કલાકોની શોધખોળ બાદ બંને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. વિસ્તારમાં શોકનું મોજું બે આશાસ્પદ યુવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જીંજરી ગામના સુરખેડ ફળિયા સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પરિવારે પોતાના વહાલસોયા દીકરાઓ ગુમાવતા ક્રંદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસે બંને યુવકોના મૃતદેહને કબજે કરી પંચનામું કર્યું હતું અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ---- આ પણ વાંચો માંડવી, ધ્રાંગધ્રા અને શામળાજીમાં ડૂબી જવાથી 8ના મોત 12/5/26ના રોજ સુરતના માંડવી તાલુકા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા અને અરવલ્લીના શામળાજીમાં પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોતની ત્રણ હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માંડવીના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈના મોત થયા હતા, જ્યારે ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં ડૂબી જતાં અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત થયું હતું. તો શામળાજીના મેશ્વો ડેમના બાઇક સાથે બે યુવક ડૂબી જતાં મોત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →