ઘોઘંબા પાસે પિકઅપ પલટતા 16 વર્ષના કિશોરનું મોત:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ટાયર ફાટતા સર્જાયો અકસ્માત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાંચપથરા નજીક આજે 24 મેના દિવસે બપોરે એક અકસ્માત સર્જાયો હતો. પશુઓ ભરીને જઈ રહેલી એક પિકઅપ ગાડી પલટી મારી જતાં 16 વર્ષના કિશોર શાહરુખ અલ્લીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામથી પિકઅપ ગાડીમાં પાડા ભરીને ચાલક ઘોઘંબાના હાટબજારમાં જઈ રહ્યા હતા. ઘોઘંબાના પાંચપથરા પાસેથી પસાર થતી વખતે અચાનક ગાડીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે પિકઅપ ગાડી રોડ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 16 વર્ષીય શાહરુખ અલ્લીને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે 26 વર્ષીય આમીન કાળુ બોદુંને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
Read Original Article →