ગોધરા નજીક રાજસ્થાનના પરિવારનો કાર અકસ્માત:પાવાગઢથી પરત ફરતા 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત, 1ની હાલત નાજુક
પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા રાજસ્થાનના એક પરિવારને ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. વડોદરા-શામળાજી હાઈવે પર દયાલ કાકડા ગામ પાસે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાંસવાડાનો આ પરિવાર પાવાગઢથી પોતાના વતન પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકીને પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં કવિતા પાટીદાર, વિપિન પાટીદાર, રિતિકા પાટીદાર અને કાર ડ્રાઈવર સુનિલ રાવલ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. જોકે, ૨૧ વર્ષીય યુવતી કવિતા પાટીદારની હાલત અત્યંત ગંભીર જણાતા, તેને વધુ ગંભીર સારવાર માટે તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે.
Read Original Article →