સણસોલી ગામના રસ્તા પર મારામારી:રસ્તા પર મૂકેલા ડીજેના વાહનો હટાવવાનું કહેતાં યુવક પર હુમલો

Gujarat5/12/2026, 2:21:04 AM
કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પરથી વાહન અને ડી.જે. ખસેડવાનું કહેતા એક યુવક પર જીવલેણ હુમલો કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. કાલોલના સણસોલીના મનોજકુમાર સોમસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ 10 મેંના રોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે તેમની પુત્રી બીમાર હોવાના સમાચાર મળતા તેઓ નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા. બપોરે આશરે 12 વાગ્યાના સુમારે નારણપુરા નર્મદા કેનાલના પુલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને તેમના સાથીદારો રસ્તામાં ઇકો ગાડી અને ડી.જે. મૂકીને બેઠેલા હતા. મનોજકુમારે પોતાની એકટીવા ગાડી કાઢવા માટે વાહનો સાઈડમાં કરવાનું કહેતા અર્જુનસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે "તું દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે.માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળના ભાગે મારી ઈજા પહોંચાડી હતી.અને વધુમાં સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે સાતેક વાગ્યાના સુમારે ચાર ઇસમો પથ્થરો અને લાકડીઓ સાથે મનોજભાઇના ઘરે પહોંચીને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકી આપી હતી. તેમજ ધર તરફ છૂટા પથ્થરો મારવાનું શરૂ કર્યું હતું. ફળીયાના લોકોએ બચાવવાનો પ્રયાસ કરતા ઇસમોએ ધમકી આપી હતી કે "જો હવે પછી તું રસ્તે એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશું".કાલોલ પોલીસ મથકે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ, દલપતસિંહ અંદરસિંહ રાઠોડ, ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ અન્ય 5 અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
Read Original Article →