જિલ્લાના મુખ્ય હાઈવે પર 12 જોખમી કટ:પંચમહાલ જિલ્લાના હાઇવે પર ડિવાઇડરો તોડી ગેરકાયદે કરેલા કટ અકસ્માતો માટે કારણભૂત
પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા વિવિધ નેશનલ અને સ્ટેટ હાઈવે પર હાલમાં અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ અકસ્માતો પાછળનું એક મુખ્ય કારણ હાઈવે પર આવેલી હોટલો, પેટ્રોલ પંપો અને ગેરેજ સંચાલકો દ્વારા પોતાની અંગત સગવડ માટે ગેરકાયદે રીતે ડિવાઈડર તોડીને બનાવવામાં આવેલા 'કટ' વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. ગોધરા-અમદાવાદ, ગોધરા-લુણાવાડા, ગોધરા-વડોદરા તેમજ ગોધરા-દાહોદ અને વડોદરા-દાહોદ બાયપાસ હાઇવે હોટલ, પેટ્રોલપંપ , ગેરેજ સહીતના એકમો આવેલા છે. નેશનલ અને સ્ટેટ હાઇવે પર ડિવાઇડર સળંગ હોવાથી હોટલ કે પંપ દ્વારા સામેની બાજુના ગ્રાહકોને લાંબો ફેરો પડતો હોવાથી ગ્રાહકો આવતા નથી. જેથી હાઇવે પરના ગામમાં શોર્ટ કટમાં જવા માટે, હોટલ તથા પેટ્રોલપંપના કેટલાક સંચાલકો દ્વારા આર્થિક લાભ મેળવવા હાઇવે વચ્ચેના ડિવાઇડરો તોડીને મોતનો કટ બનાવી દે છે. જિલ્લામાં હાઇવે પર 12 થી વધુ સ્થળોએ ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ નજીક હાઇવે પરના ગેરકાયદે કટમાંથી પસાર થઈ રહેલા બાઈકને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં આશાસ્પદ 3 યુવાનોના અકાળે મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ જગાડ્યો છે . હાઇવે પર ગેરકાયદેસર કટ બનાવનાર એકમના લાઇસન્સ રદ કરવા જોઇએ
નેશનલ હાઈવે ઓથોરિટી કટ જેવા ગંભીર બાબતે માત્ર આંખ આડા કાન કરી રહી છે.ટ્રાફિક માસમાં આવા કટ ટ્રાફિક પોલીસ દ્વારા શોધીને ઓથોરીટીને જાણ કરીને કટ પુરાવે છે.પણ નબળી કામગીરી અને દેખરેખના અભાવે ગણતરીના દિવસોમાં જ આ કટ પુનઃ અસ્તિત્વમાં આવી જાય છે. હાઈવે પર પૂરતી લાઈટિંગ ન હોવાને કારણે રાત્રે આ કટ દેખાતા નથી. જે હોટલ, ગેરેજ કે પેટ્રોલ પંપ સામે ગેરકાયદે કટ જોવા મળે તેમનું લાયસન્સ અથવા હાઈવે પરથી અંદર આવવાનો રસ્તો કાયમી ધોરણે રદ કરવો જોઈએ. ગેરકાયદે કટ બંધ કરવા ઓથોરિટીને જાણ કરી છે
જિલ્લામાં ગેરકાયદેસર કટનો સર્વે કરીને જોખમી કટને બંધ કરવા જવાબદાર તંત્રને જાણ કરીએ છીએ. હાઇવે ઓથોરીટીને ગેરકાયદેસર કટ બંધ કરવાની સુચના આપી દેવામાં આવી છે. કટ બંધ થયા બાદ ફરીથી ગેરકાયદેરસ કટ કરનાર સામે કાર્યવાહી કરીશું: > ડો. હરેશ દુધાત, જિલ્લા પોલીસવડા
Read Original Article →