આકસ્મિક આગનીઘટનામાં ખેડૂતને આર્થિક નુકસાન થયું:ગોધરાના લાડુપૂરામાં ખેતરમાં આગ લાગતાં ઘાસનો જથ્થો બળીને ખાક
ગોધરા તાલુકાના લાડુપૂરા ગામે એક ખેતરમાં આકસ્મિક આગ લાગવાની ઘટના સામે આવી છે. ખેતરમાં રાખવામાં આવેલ ઘાસના પુડામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઘાસનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. ગોધરાના લાડુપૂરા ગામે આવેલ એક ખેતરમાં પશુઓ માટે સંગ્રહ કરી રાખેલા ઘાસના પુડામાં કોઈ અકળ કારણોસર આગ લાગી હતી. સૂકું ઘાસ હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોતાના સ્તરે આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ ઘાસનો જથ્થો વધુ હોવાથી અને પવનના કારણે આગ વધુ પ્રસરી રહી હોવાથી ગ્રામજનો તેને કાબુમાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ગ્રામજનો દ્વારા ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. આ આકસ્મિક આગની ઘટનામાં ખેડૂતનો ઘાસનો મોટો જથ્થો બળીને રાખ થઈ જવાથી આર્થિક નુકસાન થયું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Read Original Article →