હાલોલમાં કરંટ લાગતા છોટાઉદેપુરના બે યુવકોના મોત:પાટિયાના મુવાડામાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં કરંટ ઉતરતા બન્ને જમીન પર ઢળી પડ્યા
પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. આ યુવકો છોટાઉદેપુર જિલ્લાના વતની હતા અને હાલોલ GIDCની વિક્રાંત ઓટો કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ પાટિયાના મુવાડા ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. મૃતકોમાં કદવાલ ગામના 28 વર્ષીય વિજય બારીયા અને કદવાલ મુવાડાના કસલા ફળિયાના રહેવાસી રાકેશ રાઠવાનો સમાવેશ થાય છે. રાકેશ પરિણીત હતો અને તેમને ત્રણ સંતાનો છે, જ્યારે વિજય અપરિણીત હતો. પ્રાથમિક માહિતી મુજબ, વિજય બારીયા પોતાના ભાડાના રૂમની બહાર પતરા સાથે જોડાયેલા લોખંડના સળિયા અને લાકડાને પકડીને ઊભા હતા. તે સમયે અચાનક લોખંડના સળિયામાં કરંટ ઉતરતા તેઓ નીચે પટકાયા હતા. આસપાસના લોકોને શરૂઆતમાં ચક્કર આવ્યા હોવાનું લાગ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન, રાકેશ રાઠવા ત્યાં હાજર લોકોને ઘટના વિશે સમજાવી રહ્યા હતા કે વિજય કેવી રીતે અચાનક પડી ગયો. તે જ ક્ષણે રાકેશને પણ તે જ સ્થળે કરંટ લાગ્યો અને તેઓ પણ જમીન પર ઢળી પડ્યા. ઘટનાની ગંભીરતા સમજાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બંને યુવકોને અલગ અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, ખુલ્લા વાયર અથવા વીજ પ્રવાહ લોખંડના સળિયામાં ઉતરવાથી આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →