ઉલટા ચશ્માનું સ્થાન સ્માર્ટ ચશ્મા લેશે?:સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે

NRG4/2/2026, 1:05:00 AM
ઉલટા ચશ્માનું સ્થાન સ્માર્ટ ચશ્મા લેશે?:સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે
અનિલ કપૂર અને શ્રીદેવીનું મિસ્ટર ઇન્ડિયા કેટલી વખત જોયું? એમાં અનિલ કપૂર સ્માર્ટ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરે અને તેની સ્વીચ દબાવે એટલે એ આપણી નજર સામેથી અદ્રશ્ય થઇ જાય. એ જોઇને એ જમાનામાં, એ ઉંમરમાં બહુ કુતૂહલ થતું કે એવું થાય ખરું? હવે એવી કલ્પના કરો કે એ ચશ્મા પહેરીને અનિલ કપૂર મોગેમ્બો સામે ઊભો છે. ચશ્માના કાચ જ તેને એવી માહિતી આપે છે કે સામે ઊભેલા મોગેમ્બોની હાઇટ છ ફૂટ છે, તેનું વજન નેવું કિલો છે, તેની કમર ચોત્રીસ ઇંચની છે અને તે કોઇ બીમારીથી પીડાતો લાગે છે. ફેન્ટેસી જેવી આ વાત લાગીને? આવું કંઇ શક્ય છે ખરું? પણ નજીકના ભવિષ્યમાં આનાથી પણ વધુ સગવડતા મળે એવા સ્માર્ટ ગ્લાસીસ આવશે. ક્રાઇમ ડિટેકશનથી લઇને ઇન્ટરનેટ કનેક્શન સુધીના પ્રોગ્રામ ગ્લાસીસમાં હશે. તો શું, આયર્ન મેનને એની આંખ સામે એની હેલ્મેટમાં જેવું દેખાય છે એવું આપણને દેખાશે? જી હાં, ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હવે એવા ચશ્મા મળે છે જે એક કોમ્પ્યુટર જેવું કામ આપશે. તો ચાલો આ ઓગમેન્ટેડ રિયાલિટીવાળા ચશ્માની દુનિયામાં એક ડોકિયું કરીએ અને આ ગ્લાસીસને સ્માર્ટ ગ્લાસીસ કેમ કહે છે એ જાણીએ. હરતું ફરતું કોમ્પ્યુટર આ ઓગમેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ચશ્માને પહેરી શકાય એવા એઆર ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને એને નિયમિત ચશ્માની જેમ જ પહેરવામાં આવે જે વપરાશકર્તાઓ જે જુવે છે એમાં માહિતી ઉમેરી આપે છે અને માટે એને હરતું ફરતું કોમ્પ્યુટર પણ કહી શકાય. આ ઉપરાંત આ સ્માર્ટ ચશ્મા કે ગ્લાસીસ તેમના કમ્પ્યુટર આધારિત કાર્ય, સોશિયલ મીડિયા કે ગેમિંગ સોફ્ટવેરને દૂરથી એક્સેસ કરવામાં પણ મદદ કરે છે. તમે મોર્નિંગ વોક લેતા હોવ અને તમને યાદ આવ્યું કે મિટિંગ કેટલા વાગે છે એ જોવાની તો રહી ગઇ અને ત્યાં તમારા આ સ્માર્ટ ચશ્મા કામમાં આવશે. એની મદદથી તમે તમારું કમ્પ્યુટર એક્સેસ કરી શકશો અને જોઇ શકશો કે મિટિંગ કેટલા વાગે છે. મોર્નિંગ વોક લેતા હો અને સામે દૂરથી પેલા પંચાતિયા માસી દેખાય તો ચશ્મા તમને એલર્ટ પણ આપી શકે અને તમે યુ-ટર્ન લઇ લો. તમે જે જગ્યાએ વાસ્તવમાં છો તે જગ્યાએ તમારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ લિસ્ટમાં હોય એવું કોઇ છે? એ માહિતી પણ ચશ્મા આપી શકે. હવે જોઇએ કે આ સ્માર્ટ ગ્લાસીસ કામ કેવી રીતે કરે છે. આ એઆર ગ્લાસીસ એક પારદર્શક ડિવાઇસ છે જે પહેરનાર વ્યૂ પોઇન્ટ હોય એની લિમિટમાં એઆર કન્ટેન્ટ પેદા કરે છે જે એમને જે જોઇ શકે છે એમાં માહિતી ઉમેરવામાં મદદ કરે છે. સાદી રીતે કહીએ તો તે વાયરલેસ કનેક્ટિવિટી અને ઇમેજિસ જે આપણે ઘરના કોમ્પ્યુટર કે સેલફોન પર માણીએ છીએ તે આપણા ચશ્માના ફ્રેમ્સ અને લેન્સમાં લાવવાનો પ્રયત્ન છે. આપણે બધા જે કી-બોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે ચશ્માની ફ્રેમમાં બનેલા કન્ટ્રોલ્સને ટીંગ કરીને કે સ્વાઇપ કરીને કે ટેપિંગ કરીને એલેક્સા કે સીરીની જેમ આપણી વિનંતીને શાબ્દિક બનાવીને તેના ડિસ્પ્લેને દિશામાન કરીને સ્માર્ટ ચશ્માંને નિયંત્રિત કરી શકાય છે. ફક્ત ડિવાઇસ અને ગેજેટ્સને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે. સીન્ક્રોનાઇઝેશન ઇઝ ધ ફ્યૂચર. ગૂગલનું આઇ વ્યૂઅર્સ ફેલ થયું સ્માર્ટ વોચ અને અન્ય વેરેબલ વાયરલેસ ડિવાઇસેસની લોકપ્રિયતા વધારવાની આશા સાથે ગૂગલે સૌ પ્રથમ 2013 માં ગૂગલ ગ્લાસ એક્સપ્લોરરની રજૂઆત સાથે આઇ વ્યૂઅર્સની શરૂઆત કરી હતી. દુર્ભાગ્યવશ એક્સપ્લોરર મોટાભાગના માટે ખૂબ અસ્પષ્ટ અને ખર્ચાળ ($ 1,500) સાબિત થયું. ગૂગલને 18 મહિના પછી બજારમાંથી તેને પાછું લઇ લેવું પડ્યું. અત્યારે વેવ ઓપ્ટિક્સ, એપ્રેન્ટિસ આઇઓ, વુઝિક્સ, મી.સ્પેક્સ જેવી કંપનીઝ સ્માર્ટ ગ્લાસીસ બનાવે છે. સ્માર્ટ ગ્લાસના ઉપયોગ સામે પડકારો પણ છે આ સ્માર્ટ ગ્લાસની ઉપયોગીતા સામે અમુક પડકારો પણ છે જેમ કે લોકોએ આ ચશ્માને કેવી રીતે વાપરવા એ જ ફક્ત શીખવાનું નહીં રહે પણ અચાનક આંખ સામે આવતા વાયરલેસ ડેટા, ઇમેજિંગથી કેવી રીતે અનુકૂલન સાધવું એ પણ શીખવું પડશે. આની સામે સ્માર્ટ ચશ્માનો ઉપયોગ વિવિધ માહિતી અને ડેટાની એક્સેસ કરવાની ક્ષમતાને વધારે છે અને જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે અને તમે સ્માર્ટલી કામ કરી શકો છો. હવે તમે જ નક્કી કરો કે આ સ્માર્ટ ચશ્મા ફાવી શકે એટલા તમે સ્માર્ટ છો કે આ ચશ્મા જ તમને સ્માર્ટ બનાવી દેશે?
Read Original Article →