વિચારોથી વિશ્વ પરિવર્તન સુધી:યુનિવર્સિટી ઓફ બર્કલીનું સ્વતંત્રતા અને સંશોધનનું સામ્રાજ્ય

Gujarat5/21/2026, 1:05:00 AM
વિચારોથી વિશ્વ પરિવર્તન સુધી:યુનિવર્સિટી ઓફ બર્કલીનું સ્વતંત્રતા અને સંશોધનનું સામ્રાજ્ય
ગયા અઠવાડિયે ભારતમાં અતિ પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ મેડિકલ શાખામાં પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષાનું પ્રશ્નપત્ર પરીક્ષાના આગલા દિવસે ફૂટી ગયું. જે વિદ્યાર્થીઓ નાનપણથી ડોક્ટર બનવાના સપના જોતા હોય છે, તે માટેની તેમની તડામાર તૈયારીઓ ધોરણ 10 અને 11 થી જ શરૂ થઈ જતી હોય છે. માતા પિતા માટે પણ આ એક અલગ પ્રકારની પરીક્ષા સમાન બની જાય છે કારણ કે તેઓ નાણાંકીય રીતે અને સમયની દ્રષ્ટિએ શક્ય હોય કે ન હોય તેમ છતાં સંતાનોના ભવિષ્ય માટે બધું દાવ પર મૂકી દેતા હોય છે. આવી સ્થિતિમાં આંખોમાં ભાવિ ડોક્ટર બનવાના સપનાં લઈને બેઠેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જ્યારે લાગે કે હવે માત્ર એક સ્પર્ધાત્મક પરીક્ષાનું અંતર બાકી છે, ત્યારે આવી પેપર ફૂટવાની ઘટના તેમના પગ તળેથી જમીન ખેંચી લેતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાય લોકો દેવા, બગડતી તંદુરસ્તી અને બરબાદ થયેલા સમયના ખાડામાં દબાઈ જતા હોય છે. પ્રશ્નપત્ર ફોડનાર અને વેચનાર લોકો ક્યારેય વિચારતા નથી કે તેમની લાલચના કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ શકે છે. શિક્ષણ પદ્ધતિ સામે સવાલ ઊભા થાય છે આવી ઘટનાઓ વારંવાર થોડા દિવસો માટે આપણી શિક્ષણ પદ્ધતિ અને સમગ્ર પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા કરે છે. સવાલ એ પણ થાય છે કે આવી ઘટના પછી પણ લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ જેમના ભાવિ સાથે સીધી રમત રમાય છે, તેઓ રસ્તા પર આવીને શાસન અને જવાબદાર લોકો સામે આંદોલન કેમ નથી કરતા? હક માટે લડવાનું શીખવાતું નથી દરેક આવી ઘટનાના થોડા દિવસો પછી દેશ અને લોકોનું જીવન ફરી યથાવત કેમ થઈ જાય છે? વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો ન ઉઠે તેનું મુખ્ય કારણ સમાજ તરીકે આપણી નિષ્ફળતા તો છે જ, પરંતુ શિક્ષણ સંસ્થાઓનો પણ તેમાં મોટો ફાળો છે. ઘણી સંસ્થાઓ વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવું અને પોતાના હક માટે લડવું શીખવાડતી જ નથી. વિશ્વમાં કેટલીક એવી યુનિવર્સિટીઓ પણ છે જ્યાંનું વાતાવરણ વિદ્યાર્થીઓને મૌલિક રીતે વિચારવા પ્રેરિત કરે છે અને સમાજ તેમજ દુનિયાને વધુ બહેતર બનાવવામાં ફાળો આપવા માટે તૈયાર કરે છે. વિદ્યાર્થીઓ બર્કલીમાં ભણવાનું સપનું જુએ છે એવી જ એક યુનિવર્સિટી છે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલી બર્કલી યુનિવર્સિટી. ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓ જ્યાં ભણવાનું સપનું જુએ છે એવી UC બર્કલી અથવા માત્ર બર્કલી તરીકે ઓળખાતી આ સંસ્થા માત્ર શિક્ષણ પૂરતી સીમિત નથી. વૈજ્ઞાનિક શોધ, સામાજિક આંદોલન, ટેકનોલોજી અને વૈશ્વિક નેતૃત્વ માટે પણ તેનું નામ અગ્રેસર માનવામાં આવે છે. 1868માં સ્થાપના થઇ હતી સતત વિશ્વની નંબર-1 પબ્લિક યુનિવર્સિટી તરીકે સ્થાન મેળવનાર અને 60થી વધુ નોબેલ પારિતોષિક વિજેતા તેમજ 223 ઓલિમ્પિક મેડલ વિજેતા દુનિયાને આપનાર બર્કલી યુનિવર્સિટીની સ્થાપના 1868માં થઈ હતી. અમેરિકાની પબ્લિક યુનિવર્સિટીઓમાં તે સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક ગણાય છે. યુનિવર્સિટીની સ્થાપનાનો હેતુ માત્ર ડિગ્રી આપવાનો નહોતો, પરંતુ સમાજને આગળ વધારવા માટે જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર ઊભું કરવાનો હતો. આજે પણ બર્કલી એ જ વિચારધારાને આગળ ધપાવે છે, જેની સાબિતી તેના 60થી વધુ નોબેલ પારિતોષિક વિજેતાઓ છે. નાનકડા શહેરમાં મોટું સામ્રાજ્ય કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરની સામે આવેલા બર્કલી નામના નાનકડા શહેરમાં 1,232 એકર વિસ્તારમાં ફેલાયેલું આ વિશ્વવિખ્યાત શિક્ષણ કેન્દ્ર એવી અનેક શોધો માટે માહોલ પૂરું પાડતું આવ્યું છે, જેમણે સમગ્ર વિશ્વને બદલ્યું છે. પરમાણુ વિજ્ઞાન, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), બાયોટેક્નોલોજી, અર્થશાસ્ત્ર અને પર્યાવરણ વિદ્યામાં બર્કલીનું નામ અગ્રેસર ગણાય છે. વિશ્વપ્રવાસીઓ અને જીવનમાં કંઈક કરી બતાવવાના સપના જોતા વિદ્યાર્થીઓમાં બર્કલીનું સુંદર અને ઐતિહાસિક કેમ્પસ પણ અત્યંત લોકપ્રિય છે. અહીંનું પ્રસિદ્ધ Sather Tower, જેને “Campanile” તરીકે ઓળખવામાં આવે છે, તે બર્કલીનું પ્રતિક માનવામાં આવે છે. ઉપરાંત કેમ્પસમાં વિશાળ લાઇબ્રેરી, આધુનિક લેબોરેટરી, મ્યુઝિયમ, રમતગમતની સુવિધાઓ અને હરિયાળું વાતાવરણ જોવા મળે છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, જેના કારણે બર્કલીનું વાતાવરણ અત્યંત વૈવિધ્યસભર અને વૈશ્વિક બની જાય છે. તેજસ્વી વિદ્યાર્થીઓ જ અરજી કરે છે જ્યાં પ્રવેશ મેળવવો અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે અને વિશ્વભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ માટે અરજી કરે છે. યુનિવર્સિટી ઓફ બર્કલીમાં અભ્યાસ કરવો સન્માનની સાથે સાથે અત્યંત પડકારજનક પણ ગણાય છે. પરંતુ એક વાર પ્રવેશ મળ્યા પછી વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ, પ્રોફેસરોનું માર્ગદર્શન અને અદ્યતન સંશોધનનો અમૂલ્ય અનુભવ મળે છે. બર્કલીમાં 350થી વધુ ડિગ્રી પ્રોગ્રામ ઉપલબ્ધ છે અને વિજ્ઞાન, એન્જિનિયરિંગ, બિઝનેસ, કાયદા, પત્રકારિતા તથા કલા જેવા અનેક ક્ષેત્રોમાં તે અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે. બર્કલીના વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં જોવા મળે આજની અતિ આધુનિક અને સતત બદલાતી ટેકનોલોજી તથા સ્ટાર્ટઅપની દુનિયામાં પણ બર્કલીનું વિશેષ સ્થાન છે. અનેક સફળ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સના સ્થાપકો બર્કલીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા છે. ખાસ કરીને સિલીકોન વેલી નજીક હોવાના કારણે અહીંના વિદ્યાર્થીઓને ટેક્નોલોજી કંપનીઓ સાથે કામ કરવાની મોટી તકો મળે છે. ગૂગલ, એપલ, મેટા અને ઓપન એઆઇ જેવી કંપનીઓમાં બર્કલીના વિદ્યાર્થીઓ અને સંશોધકો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. વિશ્વપ્રસિદ્ધ open-source Berkeley Software Distribution (BSD) UNIX operating system નો પાયો પણ અહીં બર્કલીમાં જ નંખાયો હતો, જેણે આધુનિક કોમ્પ્યુટર નેટવર્કિંગ અને ઈન્ટરનેટ ટેકનોલોજીની દુનિયા બદલી નાખી. ઉપરાંત બર્કલીને આધુનિક ડિસેબિલિટી રાઇટ્સ મૂવમેન્ટનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે. તેનું મૂળ 1960 અને 70ના દાયકામાં અહીંના વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોએ વ્હીલચેર એક્સેસિબિલિટી માટે શરૂ કરેલા મોટા આંદોલનમાં રહેલું છે. સામાજિક ચળવળો માટે પણ જાણીતી 16 રાસાયણિક તત્વોની શોધ માટે ઉદીપકનું કામ કરનાર બર્કલી માત્ર શિક્ષણ માટે જ નહીં પરંતુ સામાજિક ચળવળો માટે પણ જાણીતી છે. 1960ના દાયકામાં અહીં ફ્રી સ્પીચ મૂવમેન્ટ શરૂ થઇ હતી જેમાં વિદ્યાર્થીઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો. આ આંદોલન પછી સમગ્ર અમેરિકામાં વિદ્યાર્થીઓના અધિકારો અને સામાજિક ન્યાય અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ હતી. નિષ્ફળતાને શોધની નવી શરૂઆત મનાય છે જ્યાં નિષ્ફળતાને અંત નહીં પરંતુ નવી શોધની શરૂઆત માનવામાં આવે છે એવી અમેરિકાની યુનિવર્સિટી ઓફ બર્કલી આજના સમયમાં, જ્યારે દુનિયા AI, ક્લાઈમેટ ચેન્જ, હેલ્થકેર અને નવી ટેકનોલોજીના પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ભવિષ્ય ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બર્કલી શીખવે છે કે પ્રશ્ન પૂછવો પણ પ્રગતિનો એક ભાગ છે. આ વાક્યની સાબિતીરૂપ અહીંથી નીકળેલા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને નેતાઓએ સમગ્ર વિશ્વ પર પોતાની અસર છોડી છે. યુનિવર્સિટી ઓફ બર્કલીનો આત્મા સ્વતંત્રતા, સંશોધન અને નવીનતામાં વસે છે.
Read Original Article →