અબજો ડોલરનો મલ્ટિવિટામીન ઉદ્યોગ:સ્વાસ્થ્ય કે વેપારનો ખેલ?, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરેની હકીકત

Gujarat6/4/2026, 1:05:00 AM
અબજો ડોલરનો મલ્ટિવિટામીન ઉદ્યોગ:સ્વાસ્થ્ય કે વેપારનો ખેલ?, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરેની હકીકત
મારા ગુજરાતના પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારના નાનકડા ગામ દાહોદમાં જન્મેલા અને આજે 98 વર્ષની ઉંમરે પણ જેમના નખમાં પણ રોગ નથી એવા મારા નીમુબા કાયમ કહે છે 'અમારે શરીરમાં લોહ તત્વની કમી થાય એવું સાંભળ્યું પણ નથી કારણ કે અમારા જમાનામાં લોખંડના વાસણમાં રસોઇ બનતી અને એમાંથી જ જરૂરી તત્વો મળી જતા.' અત્યારે વૈશ્વિક મલ્ટિવિટામીન ઉદ્યોગ અબજો ડોલરનું વિશાળ સામ્રાજ્ય બની ગયો છે. તેની સામે મારા બાનું આ વિધાન વારંવાર વિવાદમાં આવતી મલ્ટિવિટામીન ઇન્ડસ્ટ્રી અંગે ફરીથી વિચારવાનું મન થાય એવું ઇંધણ પૂરું પાડે છે. કોરોના પછી લોકોનો અભિગમ બદલાયો ભારત સહિત અનેક દેશોમાં આઝાદી પછી જન્મેલી પેઢીએ યુદ્ધો, કુદરતી આપત્તિઓ, ચંદ્ર પર માનવનું આગમન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોવિડ જેવી મહામારી જોઇ છે. કોવિડ પછી લોકોના જીવન જીવવાના અભિગમમાં પણ મોટો બદલાવ આવ્યો છે. મલ્ટિવિટામીન ઉદ્યોગ ઝડપથી વિકસતું ક્ષેત્ર આ જ કારણ છે કે મલ્ટિવિટામીન અને ડાયટરી સપ્લિમેન્ટ ઉદ્યોગ આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા હેલ્થકેર ક્ષેત્રોમાંનો એક છે. COVID-19 પછી સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ અંગેની જાગૃતિ વધતાં આ ઉદ્યોગમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. વૈશ્વિક સપ્લિમેન્ટ બજાર આગામી વર્ષોમાં સેંકડો અબજ ડોલર સુધી પહોંચે તેવી આગાહી કરવામાં આવે છે. ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોમાં વિટામીન Dની ખામી આપણે શાળામાં વિજ્ઞાનમાં ભણ્યા હતા કે વિટામિન એવા કાર્બનિક પોષક તત્વો છે. જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓછી માત્રામાં પણ જરૂરી હોય છે. શરીર મોટાભાગના વિટામિન પોતે બનાવી શકતું નથી તેથી તે ખોરાક અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા મેળવવા પડે છે. ખાસ કરીને શાકાહારીઓ અને ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોમાં વિટામિન D જેવી ખામીઓ જોવા મળે છે. જે સપ્લિમેન્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. વિવિધ વિટામિન અને ખનિજ તત્વોના સંયોજનરૂપ મલ્ટિવિટામીન આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગોમાં સામેલ છે. વિટામિન અને ડાયટરી સપ્લિમેન્ટ માર્કેટનું મૂલ્ય સેંકડો અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા-પેસિફિક પ્રદેશ તેના મુખ્ય બજારો છે. આદિમાનવથી લઇને વડીલો મલ્ટિવિટામીન વગર જીવ્યા આદિમાનવથી લઈને આપણા બા-દાદાની પેઢી સુધીના લોકો કોઈ મલ્ટિવિટામીન વિના જીવ્યા અને કદાચ વધુ સારું સ્વાસ્થ્ય પણ ભોગવી ગયા. ખેતરમાં દિવસભર કામ કરવું, પગપાળા મુસાફરી કરવી, અનાજ દળવું કે કૂવામાંથી પાણી ભરવું જેવી જીવનશૈલી સામાન્ય હતી. આજે પણ અનેક જનજાતિઓ અને સમાજો જંગલમાં ઉગતી વનસ્પતિઓથી ઉપચાર કરે છે. આ બધું એક જ પ્રશ્ન ઊભો કરે છે.- શું મલ્ટિવિટામીન ખરેખર જરૂરી છે? વર્ષો સુધી થયેલા સંશોધનો અને મોટા અભ્યાસો સૂચવે છે કે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેતા લોકો માટે મલ્ટિવિટામીન હૃદયરોગ, કેન્સર અથવા અન્ય લાંબા ગાળાના રોગો સામે ખાસ રક્ષણ પૂરું પાડતા નથી. કેટલાક અભ્યાસોમાં તો કૃત્રિમ વિટામિનના વધુ પડતા ડોઝને જોખમી પણ ગણાવવામાં આવ્યા છે. દેખાદેખીથી ઉદ્યોગ અબજો ડોલરનો બન્યો આજનો વૈશ્વિક મલ્ટિવિટામીન ઉદ્યોગ અબજો ડોલરનું સામ્રાજ્ય બની ગયો છે. વધતી આરોગ્ય જાગૃતિ, ફિટનેસ ટ્રેન્ડ્સ, લાંબું અને સ્વસ્થ જીવન જીવવાની ઇચ્છા તથા દેખાદેખીએ આ ઉદ્યોગને ઝડપથી આગળ ધપાવ્યો છે. જોકે, તેની લોકપ્રિયતા જેટલી મોટી છે એટલા જ મોટા પ્રશ્નો પણ તેની આસપાસ ઉભા થયા છે. ટેકનોલોજી, નવી શોધો તેમજ સ્વાસ્થ્ય અને સુંદરતા સંબંધિત ઉત્પાદનો માટે સતત બજાર ધરાવતા અમેરિકા જેવા દેશમાં લોકો દર વર્ષે અંદાજે 8 અબજ ડોલરથી વધુ રકમ માત્ર મલ્ટિવિટામીન પાછળ ખર્ચે છે. આ કારણે મલ્ટિવિટામીન સમગ્ર વિટામિન ઉદ્યોગનો સૌથી મોટો સેગમેન્ટ બની ગયો છે. લોકો હેલ્થ ઇન્ફ્લૂએન્સર્સના ટ્રેન્ડને વધુ મહત્વ આપે છે સૌંદર્ય, મેમરી, ફોકસ, મગજની કાર્યક્ષમતા, મહિલાઓના હોર્મોનલ હેલ્થ, પ્રેગ્નન્સી, મેનોપોઝ અને ફર્ટિલિટી માટેના મલ્ટિવિટામીન્સથી બજાર છલકાય છે. TikTok, Instagram અને YouTube પરના અનેક હેલ્થ ઇન્ફ્લુએન્સર્સ પૂરતા વૈજ્ઞાનિક આધાર વગર આવા ઉત્પાદનોનો પ્રચાર કરે છે. પરિણામે ઘણા લોકો ડૉક્ટરની સલાહ કરતાં સોશિયલ મીડિયા ટ્રેન્ડને વધુ મહત્ત્વ આપે છે. સંશોધનો દર્શાવે છે કે વિશ્વમાં કરોડો લોકો દરરોજ કોઈને કોઈ પ્રકારના મલ્ટિવિટામીન લે છે. પરંતુ વધુ વિટામિન એટલે વધુ સ્વાસ્થ્ય એવી માન્યતા હંમેશા સાચી નથી. Vitamin A, D, E અને K જેવા ફેટ-સોલ્યુબલ વિટામિન શરીરમાં એકઠા થઈ ઝેરી અસર પણ પેદા કરી શકે છે. આવા સપ્લિમેન્ટ્સ ગંભીર નુકસાન પહોંચાડી શકે નિષ્ણાતોની સલાહ વિના લેવાયેલા સપ્લિમેન્ટ્સ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને આ અંગે તબીબી નિષ્ણાતો વારંવાર ચિંતા વ્યક્ત કરે છે. માત્ર અમેરિકામાં જ લોકો દર વર્ષે અંદાજે 8 અબજ ડોલરથી વધુ રકમ મલ્ટિવિટામીન પાછળ ખર્ચે છે. ઘણા લોકોને એવું લાગે છે કે બજારમાં વેચાતા તમામ વિટામિન ઉત્પાદનોની સરકાર દ્વારા કડક ચકાસણી થતી હશે. હકીકતમાં, અમેરિકામાં દવાઓની જેમ મલ્ટિવિટામીન માટે બજારમાં આવતાં પહેલાં સલામતી અને અસરકારકતાની ફરજિયાત મંજૂરી લેવાની જરૂર નથી. U.S. Food and Drug Administration (FDA) સામાન્ય રીતે ઉત્પાદકો પર જ ગુણવત્તાની જવાબદારી મૂકે છે. વિશ્વભરના પોષણ નિષ્ણાતો એક બાબતે સહમત છે કે પોષક તત્વો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ કુદરતી ખોરાક છે. દરેક વસ્તુની જેમ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ વિવેકપૂર્વક અને નિષ્ણાતોની સલાહ અનુસાર કરવો જોઈએ. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. આજનો વૈશ્વિક મલ્ટિવિટામીન ઉદ્યોગ વિજ્ઞાન, માર્કેટિંગ અને ગ્રાહકોની માનસિકતાના અનોખા સમન્વય પર ઊભો છે, અને કદાચ આ કહેવતને સૌથી વધુ સાચી ઠેરવતું ઉદાહરણ પણ એ જ છે.
Read Original Article →