માઇકલ જેક્સન પર રજૂ થયેલી ફિલ્મે ધૂમ મચાવી:1983માં પહેલીવાર મૂન વોક કર્યું અને વિશ્વમાં ડાન્સ શૈલીના સમીકરણો બદલી નાખ્યા

Gujarat5/28/2026, 1:00:00 AM
માઇકલ જેક્સન પર રજૂ થયેલી ફિલ્મે ધૂમ મચાવી:1983માં પહેલીવાર મૂન વોક કર્યું અને વિશ્વમાં ડાન્સ શૈલીના સમીકરણો બદલી નાખ્યા
આપણા જાણીતા લેખક ગુણવંત શાહે એક વખત કહેલું- "હિમાલયની ટોચ પર માણસ એકલો જ હોય છે, ભીડ તો તળેટીમાં જ હોય ". આ વાત ગાંધીજી, વાન ગોગ, નિકોલા ટેસ્લા, વર્જિનિયા વુલ્ફ, કવિ રમેશ પારેખ અને માઇકલ જેક્સન જેવા ઘણાને લાગુ પડે છે. આ દરેક વ્યક્તિની આત્મકથા કે સ્મરણકથા વાંચો. તમને પાને પાને આ વાત અનુભવાશે. શું હશે આના કારણો? એવું કયું છૂપું દર્દ, અભાવ એમને બધું પામ્યા પછી પણ સતાવતા હશે? કહેવાય છે ને અમૂક સવાલોના જવાબ નથી હોતા. એ રહસ્યમય રહેવા જ સર્જાયા હોય છે. એ જ કારણસર એ ફરી ફરી ન જનમાનસ સમક્ષ સમયાંતરે ફરી પ્રગટ થયા કરતા હોય છે! હમણાં થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ધ ગોડ ઓફ મ્યૂઝિક એન્ડ ડાન્સ માઇકલ જેક્સનની જિંદગીના અમૂક ટુકડા પર બનેલી ફિલ્મ 'માઇકલ' સાબિત કરી રહી છે. અત્યારે સોશિયલ નેટવર્કિંગના જમાનામાં દરેક વ્યક્તિ પોતાની પ્રોફાઇલ અને વોલ પર સેલિબ્રિટી હોય છે કે એ વહેમમાં રાચતો હોય છે. દરેક માટે પોતાની જગ્યા છે જ્યાં એ પ્રતિભા હોય કે ના હોય, અલગ અલગ રીતે વ્યક્ત કરી શકે છે. દુનિયાની વસ્તી જ એટલી બધી છે કે દરેકને પોતાના ચાહકો મળી રહે છે. સોશિયલ નેટવર્ક, ઇન્ટરનેટ, વૈશ્વિકરણ, રોકેટથી વધારે ઝડપથી દોડતી ટેક્નોલોજીના જમાના પહેલા ના ભૂતો ન ભવિષ્યતિ જેવી સફળતા મેળવનાર અને જોનાર માઇકલ જેક્સન લોકપ્રિયતાની વ્યાખ્યા બદલવી પડે એ હદે આભા સર્જી ગયા. સંગીત ક્ષેત્રે આગળ વધવા ખૂબ મહેનત કરી 29 ઓગસ્ટ, 1958 ના રોજ અમેરિકાના ગેરી શહેરમાં જેમનો જન્મ થયો એ માઇકલ જેક્સન તેમના માતા-પિતાના નવ સંતાનોમાં એક હતા અને તેમના પિતા જો જેક્સન જે સંગીતમાં રસ ધરાવતા હતા. તેમણે પોતાનું સફળ સંગીતકાર, ગાયક બનવાનું સપનું દરેક મા બાપની જેમ પોતાના બાળકો પૂરું કરે એ માટે એમના સંતાનો સંગીત ક્ષેત્રમાં આગળ વધે એ માટે ખૂબ મહેનત કરી. કહે છે કળા તમારામાં ક્યાં તો હોય અને ક્યાં ના હોય અને એ વાતની સાબિતી આપતા હોય એમ માઇકલની માતાના જણાવ્યા મુજબ ખૂબ નાની ઉંમરે માઇકલ ઘરમાં વોશિંગ મશીનના તાલ પર પણ નૃત્ય કરતા. માઇકલ પાંચ વર્ષની ઉંમરે The Jackson 5 સાથે સ્ટેજ પર પરફોર્મ કરવા લાગ્યા હતા અને થોડા જ વર્ષોમાં સફળતાની એ સીડી ચડવા મંડ્યા કે જ્યાંથી ઉતરવું મુશ્કેલ હતું. અમેરિકાના 5 સૌથી સફળ યુવા બેન્ડમાં સ્થાન મેળવ્યું 'I Want You Back', 'ABC' અને 'I'll Be There' જેવા ગીતોથી The Jackson 5 એ અમેરિકાના સૌથી સફળ યુવા બેન્ડમાં સ્થાન મેળવ્યું એના માટે સૌથી મોટું કારણ પાછળથી 'કિંગ ઓફ પોપ' તરીકે જાણીતા માઇકલ જેક્સન હતા અને એ કલા પારખુની નજરથી લાંબો સમય દૂર રહે એવી હકીકત નહોતી. 1982માં આવેલા આલ્બમથી ક્રાંતિ આવી કહે છે ને જંગલનો રાજા એક જ હોય એમ અદ્ભૂત નૃત્યકાર, ગીતકાર, સંગીત નિર્માતા એવા માઇકલે સોલો ગાયક તરીકે પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું. એની શરૂઆત થઇ 1979માં આવેલા તેમના આલ્બમ Off the Wallથી. જે ખૂબ સફળ રહ્યું પરંતુ સાચી ક્રાંતિ 1982માં આવેલા Thriller આલ્બમથી આવી. 'Thriller' આજે પણ વિશ્વનું સૌથી વધુ વેચાતું સંગીત આલ્બમ માનવામાં આવે છે. આ આલ્બમમાંથી 'Beat It', 'Billie Jean' અને 'Thriller' જેવા ગીતો વૈશ્વિક હિટ બન્યા. ખાસ કરીને 'Thriller'નો મ્યુઝિક વીડિયો મનોરંજન જગતમાં એક નવી દિશા લઇને આવ્યું હતું અને જેની નબળી કોપી આજે પણ દર બીજા દિવસે દુનિયા આખીના બજારમાં બહાર પડે છે! અનોખી ડ્રેસિંગ સ્ટાઇલ જ ઓળખ બની સફેદ હાથ મોજા, કાળી ટોપી, ચમકદાર જેકેટ અને ઊર્જાસભર સ્ટેજ પ્રદર્શન જેક્સનની મોટી ઓળખાણ હતી. જેની નકલ આજે પણ દરેક ગલીનું બાળક કરે છે એ ડાન્સ શૈલી હતી. એમાંય ખાસ કરીને 1983માં તેમણે પહેલી વાર 'Moonwalk' નામનો ડાન્સ સ્ટેપ જાહેરમાં રજૂ કર્યો અને આ શૈલીએ વિશ્વના નૃત્યના ઇતિહાસમાં ડાન્સ શૈલીના સમીકરણો બદલી નાખ્યા. આવા તો નૃત્ય, સંગીત, ગાયિકી, સ્ટાઇલ અને લોકપ્રિયતાના કેટલાય સમીકરણો બદલી નાખનાર માઇકલના ગીતો માત્ર અમેરિકા પૂરતા મર્યાદિત રહ્યા નહોતા. એશિયા, યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં તેમની અભૂતપૂર્વ જે લોકપ્રિયતા હતી અને તે પણ ઇન્ટરનેટ પહેલાના યુગમાં તે આજના બાળકો અને યુવાનોની સમજની બહારની વાત છે. 'મીડિયામાં આવ્યું એટલે એ ગોસ્પેલ નથી બની જતું' એવું કહેનાર અને સમયસર સમજી જનાર માઇકલ તેમના અંગત જીવન, દેખાવમાં આવેલા ફેરફારો અને કેટલાક કાનૂની આરોપોને કારણે વારંવાર સમાચારોમાં રહ્યા જેની તેમના ચાહકોને રત્તી ભારની કદાપિ પડી નથી. માઇકલ જેક્સનનો માનવતાવાદી ચહેરો 'મને જજ કરતા પહેલા મને પ્રેમ કરવાનો ખૂબ પ્રયાસ કરો' કહેનાર માઇકલ જેક્સન માત્ર કલાકાર જ નહોતા પરંતુ માનવતાવાદી પણ હતા. તેમણે બાળકો, ગરીબો અને આપત્તિગ્રસ્ત લોકો માટે કરોડો ડોલરનું દાન કર્યું હતું. 1985માં તેમણે We Are the World ગીત માટે અન્ય કલાકારો સાથે મળીને કામ કર્યું હતું. જેના દ્વારા આફ્રિકાના દુષ્કાળ પીડિતો માટે મોટી રકમ એકત્રિત કરવામાં આવી હતી. કિંગ ઓફ પોપનો વારસો સદીઓ સુધી જીવંત રહેશે જેમના જીવનકાળ દરમિયાન 750 મિલિયનથી વધુ રેકોર્ડ વેચવાનો અને 13 વખત સંગીતની દુનિયાનો ઓસ્કાર ગણાતો ગૅમી એવોર્ડ જીતનાર માઇકલ એક ગાયક નહોતા; તેઓ એક સાંસ્કૃતિક ઘટના હતા. તેમની ગાયકી, નૃત્ય, સર્જનાત્મકતા અને માનવતાવાદી કાર્ય એ તેમને સંગીત જગતના અમર દંતકથાઓમાં સ્થાન અપાવ્યું છે. આજે પણ જ્યારે 'Billie Jean' અથવા 'Thriller' વાગે છે, ત્યારે દુનિયાભરના કરોડો લોકોના પગ આપમેળે થિરકવા લાગે છે. 'કિંગ ઓફ પોપ'નું સંગીત અને વારસો આવનારી અનેક પેઢીઓ સુધી જીવંત રહેશે. સંગીત, નૃત્ય, અને માનવતાનો આ વારસો આપી જનાર માઇકલ 50 વર્ષની અતિ નાની ઉંમરે દિલના એક ખૂણામાં સતત જીવનાર કયા દર્દ અને એકલતાને કારણે મૃત્યુ પામ્યા એ કદાચ કોઇ ક્યારેય નહીં જાણી શકે!
Read Original Article →