અમેરિકન જાસૂસી સંસ્થા CIA:અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર નજર રાખે છે
કહેવાય છે કે પહેલાના જમાનામાં રાજા ગુપ્ત વેશે રાત્રે નગરની મુલાકાત લઇ નગરમાં શું ચાલી રહ્યું છે, રાજા વિશે કે એમની રીત ભાત વિશે શું ચર્ચાઓ ચાલે છે તેની માહિતી ભેગી કરી, પ્રજાના હિતમાં કામ કરતા. આપણા લોક ગ્રંથ રામાયણમાં સીતાજીનો રાજા રામ દ્વારા કરાયેલો ત્યાગ આવી જ એક નગરચર્ચાને આધારિત છે એ જાણીતી વાત છે. હવેના જમાનામાં પ્રજાજનો તો ઠીક જે તે દેશના રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા નેતાઓથી લઇને કોઇપણ, કોઇને કોઇ ટેક્નોલોજી દ્વારા સતત દુશ્મન દેશો, કંપનીઓ, જે-તે દેશની સરકાર દ્વારા, કોઇ વ્યક્તિ કે પછી જે-તે દેશની જાસૂસી સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કારણોસર કે કોઇ કારણ વગર પણ સર્વેલન્સ હેઠળ હોય છે અને સેટેલાઇટ, ઇન્ટરનેટ, સર્વેલન્સ કેમેરા જેવી ટેકનોલોજીને કારણે જાસૂસીનું કામ સરળ પણ થઇ ગયું છે. આ ગુરુવારે 2025 માં ધમાલ મચાવનારી ફિલ્મ મેકર આદિત્ય ધારની ધુરંધર ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. જે પણ એક જાસૂસની કથા પર આધારિત છે. સલામતી અને તાકાત માટે જાસૂસી સંસ્થા પર આધાર
કહેવાય છે કે કોઇપણ દેશની સલામતી અને તાકાત એ દેશની સરકારની નજર હેઠળ કે સ્વતંત્ર રીતે ચાલતી અને સરકારને માહિતી પહોંચાડતી જાસૂસી સંસ્થાઓ પર ઘણો મોટો આધાર રાખે છે. ભારતની રો, રશિયાની KGB, બ્રિટનની MI 6, ઇઝરાયલની મોસાદ કે અમેરિકાની CIA જેવી સંસ્થાઓ તેના મોટા ઉદાહરણ છે. એમાં પણ અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના ઉદભવ, એનું કારણ, એની કામગીરી, એની સાથે સંકળાયેલા લોકો વિશે એટલી બધી દંતકથાઓ, અફવાઓ અને કુતૂહલતા એનું અસ્તિત્વ 1947માં આવ્યું ત્યારથી લોકોમાં ચાલે છે. શીતયુદ્ધના કારણે CIA અસ્તિત્વમાં આવી
National Security Act of 1947 દ્વારા શીતયુદ્ધ (કોલ્ડવોર)ની આજુબાજુના સમયમાં અમેરિકાને લાગ્યું કે વિશ્વમાં વધતા રાજકીય અને સૈન્ય સંકટોને ધ્યાનમાં રાખીને એક શક્તિશાળી ગુપ્તચર સંસ્થા હોવી જરૂરી છે એ કારણસર અસ્તિત્વમાં આવી CIA. કોલ્ડ વોરના સમય દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે રાજકીય અને ગુપ્તચર સ્પર્ધા હતી. હાલનું રશિયા અને એ વખતનું સોવિયેત યુનિયન અને બીજા કેટલાક દેશો CIA એ જાસૂસી કામગીરી ચલાવી હતી. આગળ કહ્યું એમ આજની જેમ એ વખતે પણ માહિતી કોઇ પણ યુદ્ધ જીતવા માટે અગત્યની ચાવી હતી. ચાણક્યનીતિ પણ કહે છે કે યુદ્ધની વ્યૂહરચના દુશ્મનની હિલચાલની અંદરની માહિતી આધારિત ઘડાતી હોય છે. જેની પાસે દુશ્મન દેશની જેટલી વધારે માહિતી એટલી એ દેશની યુદ્ધ જીતવાની શક્યતા વધારે. હાલના સમયમાં CIAનું મહત્વ વધ્યું
હાલના સમયમાં CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)નું મહત્વ આતંકવાદ, સાયબર યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઇ છે. 9/11ના હુમલા પછી સમીકરણો બદલાયા
એમાંય 9/11ના અમેરિકામાં થયેલા મોટા ત્રાસવાદી હુમલા પછી દુનિયા આખીમાં સુરક્ષા અને સલામતીના સમીકરણો બદલાઇ ગયા છે. ખાસ કરીને વિશ્વમાં સુપર પાવર તરીકે ઓળખાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં. આતંકવાદથી ગ્રસ્ત દેશોને પોતાની સુરક્ષા માટે કરોડો ડોલર્સનું બજેટ ફાળવવું પડે છે. એવામાં CIA અન્ય દેશોની રાજકીય, આર્થિક, વિશ્વભરના આતંકવાદી સંગઠનો અને સૈન્ય પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરે છે. આ માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ અને સરકારને મહત્વપૂર્ણ નીતિ અને સુરક્ષા સંબંધિત નિર્ણય લેવા માટે મદદ કરે છે. અત્યારના સમયમાં યુદ્ધ તીર કામઠાં, તલવારો કે ફક્ત બંદૂક કે તોપ દ્વારા નથી લડાતું પણ જે-તે દેશની સુરક્ષાને લગતી કમ્પ્યુટર સિસ્ટમને સાયબર એટેક દ્વારા ઠપ્પ કરી નાખવી, ડેટા ચોરી લેવો, એ ડેટાનો ઉપયોગ પ્રોક્સી કે ડાયરેક્ટ યુદ્ધમાં માટે કરવો જેવી અવનવી ટેક્નિકથી પણ લડવામાં આવે છે. ગુપ્ત નેટવર્ક પર નજર
એવે વખતે CIA અન્ય દેશો અને હેકિંગ ગ્રુપ્સ તરફથી થતાં સાયબર હુમલાઓ વિશે માહિતી એકત્રિત કરીને અમેરિકાની સુરક્ષા અને ઘણી વખત એ માહિતી બીજા દેશો સાથે વહેંચીને આતંકવાદ સામે લડવા માટે કામ કરે છે. એમાં CIA જેવી સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી, સેટેલાઇટ અને એના દ્વારા ડેટા વિશ્લેષણ અસરકારક રીતે માહિતી ભેગી કરવામાં મદદ કરે છે. અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર પણ નજર રાખે છે જે એને કદાચ સુપર પાવરનું સ્ટેટસ જાળવવામાં મદદ કરે છે. 9/11 ના માસ્ટર માઇન્ડ ગણાતા અલ-કાયદાના ઓસામા બિન લાદેનને Operation Neptune Spear હેઠળ મારી નાખવામાં અત્યંત અગત્યની કામગીરી નિભાવનાર અમેરિકન જાસૂસી સંસ્થા CIAની કેટલીક ગુપ્ત કામગીરી આંતરરાષ્ટ્રીય કાયદા અને નૈતિકતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. છતાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં CIA ને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. HBOના અત્યંત લોકપ્રિય શો 'ગેમ ઓફ થ્રોન'માં એક સંવાદ છે જે યાદદાસ્ત પરથી લખ્યો છે. "માણસ ઘરને સુરક્ષિત રાખવા વાડ બનાવે એટલે બીજા માણસને એ વાડની પેલે પાર શું ચાલી રહ્યું છે એની ઉત્સુકતા થાય જ." ઉત્સુકતા સુધી ઠીક હતું પણ હવે એ લાગણી, ઇર્ષ્યા, સ્પર્ધા અને એ માણસને ખતમ કરવા સુધી પહોંચી ગઇ છે ત્યારે, એ માણસે (દેશે) પોતાના ઘરની વાડની સુરક્ષા વધારવા સિવાય છૂટકો નથી જ!
Read Original Article →