પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે BAPS સંસ્થાનો મોટો નિર્ણય:શહેરોમાં હવે 2 રવિસભા ઓનલાઇન અને 2 મંદિરે થશે, ઉત્સવોમાં સાદું ભોજન અપાશે
ઇરાન-ઇઝરાયેલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુધ્ધના કારણે હોર્મુઝ સ્ટેટ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાના કારણે આજે વિશ્વભરમાં પેટ્રોલ-ડિઝલની તંગી સર્જાઇ છે. બીજી તરફ આખાય ભારતમાં પેટ્રોલ-ડીઝલ તેમ જ CNGમાં ભાવ વધારો ઝીંકાયો છે. છતાં પણ લોકોને પેટ્રોલ-ડીઝલ મળી રહ્યુ નહીં હોવાનો કકળાટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને જ ટૂંક સમય પહેલાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જાહેરસભાઓમાં લોકોને સરકારી ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો વગેરેનો ઉપયોગ કરવા તેમ જ એક જ વાહનમાં કલબ કરીને જવાનું સૂચન કર્યું હતું. મહિનામાં ચાર વખતના બદલે બે વખત જ રવિ સભા
આ સૂચનના પગલે સરકારી વિભાગોમાં મહત્તમ મીટીંગો ઓનલાઇન કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સહિત કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના કાફલામાં ઘટાડો કરી દીધો છે. આનો અમલ ઘણી કંપનીઓએ પણ પોતાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરાવવાનું ચાલુ કર્યું છે. તેવા સમયે ધાર્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષરપુરષોત્તમર સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) મહિનામાં ચાર વખતના બદલે બે વખત જ રવિ સભા યોજવા સહિતના 11 જાતના પગલાં લેવા જાહેરાત કરી છે. બોચાસણવાસી અક્ષરપુરષોત્તમર સ્વામિનારાયણ સંસ્થા ( બીએપીએસ) પૂજય સ્વામીની આજ્ઞા અનુસાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્રારા કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્વામીની આજ્ઞા અનુસાર સૌ કોઇએ વ્યક્તિગત રીતે તથા આપણાં ઘરમાં આ બાબતોનું અવશ્ય અનુસરણ કરવું જોઇએ. સત્સંગ સભા વગેરે પ્રવૃત્તિ ઓનલાઇન કરાશે
આગામી દિવસોમાં આવનાર ગુરુ પૂનમ જેવા મોટા સમૈયા - ઉત્સવ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. આ ઉત્સવોમાં મંદિરના સ્થાનિક જિલ્લાના જ સંતો- હરિભક્તોએ જવું. બીજા હરિભક્તોએ જે તે ઉત્સવનો લાભ ઘરે બેઠાં ઓનલાઇન પ્રસારણ દ્રારા લેવો. શિખરબધ્ધ મંદિરોમાં થનાર પાટોત્સવ, અન્ય ઉત્સવો, વિવિધ સત્સંગલક્ષી આયોજનો, સ્વામીની ઉપસ્થિતિમાં થનાર કાર્યક્રમો વગેરેમાં જે તે મંદિરના ક્ષેત્રોના ભક્તોએ જ લાભ લેવો. સ્વામી મહંત સ્વામી જયાં બિરાજતા હોય ત્યાં તેઓના દર્શન લાભ માટે નજીકના ક્ષેત્રોના વારા અંગે સ્થાનિક સંતો દ્રારા જાણ થાય એ મુજબ અનુસરવું. કોઇપણ પ્રસંગે જમાડવાના થાય તો સાદુ ભોજન રાખવામાં આવશે. રવિસભા પછી ખીચડી કે સાદુ ભોજન જ મહાપ્રસાદ તરીકે રખાશે
બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સાધુ યજ્ઞપ્રિયદાસે જારી કરેલી સૂચનામાં જણાવ્યું છે કે, અઠવાડિક સભાઓ, પરાસભાઓ તથા પૂનમની સભાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાલ મોટા શહેરોમાં શિખરબધ્ધ મંદિરોમાં દર મહિને ચાર રવિસભા યોજાતી હતી. તેના બદલે હવે બે રવિ સભા ઓનલાઇન થશે અને બે જ રવિસભા મંદિરે થશે. નાના શહેરોમાં તથા ગામડાંમાં રવિસભા રાબેતા મુજબ ચાલુ રહેશે. જયાં રવિસભા પછી જમાડવામાં આવે છે ત્યાં ખીચડી કે સાદુ ભોજન જ મહાપ્રસાદ તરીકે રાખવામાં આવશે. આ અંગે જે તે શહેરના સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય દ્રારા હરિભક્તોને વિશેષ માહિતી આપવામાં આવશે. મંદિરના કોઠારી સંતો તથા ભંડારી સંતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું
હરિ મંદિરોના પાટોત્સવોમાં જે તે ગામ કે વિસ્તારના જ હરિભક્તોએ લાભ લેવો. હરિ મંદિરના પાટોત્સવમાં ભોજનને બદલે સાદો પ્રસાદ જ રાખવામાં આવશે. આ ઉપરાંત સત્સંગલક્ષી કોઇપણ આયોજનો જેવા કે સભાઓ, શિબિર, તાલીમ, મીટીંગ, સંમેલન, સત્સંગ શિક્ષણ પરીક્ષા, પારાયણો, પાટોત્સવો, પૂનમ કે અન્ય વિશિષ્ટ કાર્યક્રમો વગેરેમાં પ્રસાદ સાદો રાખવામાં આવશે. આવા આયોજનોમાં જયાં ભોજન કરાવવામાં આવતું હોય ત્યાં ખીચડી કે સાદું ભોજન જ મહાપ્રસાદ તરીકે રાખવામાં આવશે. આ અંગે મંદિરના કોઠારી સંતો તથા ભંડારી સંતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હાલ હરિભક્તો, સંયુક્ત કે મહિલા મંડળ, યુવક-યુવતી મંડળ, બાળ-બાલિકા મંડઇ માટે કોઇ યાત્રા-પ્રવાસનું આયોજન કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વ્યક્તિગત બાબતો અંગે પણ કેટલાક પગલાં ભરવામાં આવ્યાં છે. તે પ્રમાણે ડીઝલ, પેટ્રોલની બચતને લક્ષ્યમાં રાખીને હાલ બિનજરૂરી પ્રવાસ કે યાત્રામાં ન જવું. કામ પ્રસંગે કોઇ સ્થળે જવાનું થાય ત્યારે ગાડીમાં તેની ક્ષમતા પ્રમાણે પુરતી સંખ્યામાં મુસાફરો બેસે તેમ કરવું. રોજિંદા ટ્રાવેલિંગમાં કાર શેરીંગ દ્રારા પણ વાહનની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે વ્યક્તિઓ પ્રવાસ કરે તેમ કરી શકાય. લાઇટ, પંખા, એ.સી. જેવા ઇલેકટ્રીક સાધનોનો ઉપયોગ જરૂરી હોય તેટલો જ કરવો. બિનજરૂરી બગાડ ન થાય તે માટે ખટકો રાખવો. ઓછામાં ઓછું ઇલેકટ્રીક બિલ આવે તેમ કરવું. બને ત્યાં સુધી પોતાના ઘરે ભોજનમાં વિવિધ ફરસાણ, મિષ્ટાન ન બનાવવા. સાદું ભોજન લેવું. ભોજનનો બગાડ ન થાય અને ખર્ચ ઓછો થાય તે ખાસ ધ્યાન રાખવું.
Read Original Article →