અમેરિકન ડ્રીમ: અતિથિ તુમ કબ જાઓગે?:સરળ પ્રક્રિયા, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો

Gujarat4/9/2026, 1:05:00 AM
અમેરિકન ડ્રીમ: અતિથિ તુમ કબ જાઓગે?:સરળ પ્રક્રિયા, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લોકોએ ગેરફાયદો ઉઠાવ્યો
થોડા સમય પહેલાં ક્યાંક વાંચેલું કોટેશન કે મંતવ્ય યાદ આવે છે. જેમાં એક અમેરિકન પિતા એના બાળકને કહે છે "સન, વર્ક હાર્ડ ઓર ચીની એન્ડ ઇન્ડિયન વિલ ટેક યોર જોબ્સ"! આ વાક્ય કયા સંદર્ભમાં, કયા સંજોગોમાં, કહેવાયું એ વિશે કોઇ માહિતી નથી પણ છતાં અત્યારે આ વાક્ય કે મંતવ્ય અમેરિકા અને અમુક પશ્ચિમી દેશોમાં એશિયન ખાસ કરીને ભારતીય એચ-1 વિઝા અને સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકો માટે સાચું પડી રહ્યું હોય એમ લાગે છે. એ ત્યાં સુધી કે પ્રેસિડેન્ટ ટ્રમ્પને જીતાડવા માટે નોકરી સંબંધિત સ્થળાંતર, ઇમિગ્રેશન એક ખૂબ અગત્યનો મુદ્દો હતો. વિશાળ કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની શોધ પછી દરેક ક્ષેત્રે એક નવી કારકિર્દી ઊભી થઇ છે કારણ કે હોસ્પિટલ, સ્ટોર્સ, શાળાઓ, રેલવે, દરેકે દરેક નાના ધંધા કે વ્યક્તિગત રીતે બધું કોમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયું. અને ખાસ કરીને અમેરિકાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા કેલિફોર્નિયામાં સન માઇક્રો સિસ્ટમ, યાહૂ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ અને પછીના વર્ષોમાં ગૂગલ, મેટા, એપ્પલ જેવી ફેંગ કંપની તરીકે ઓળખાતા વિશાળકાય કોર્પોરેટ અને બીજા કેટલાક નાના મોટા સ્ટાર્ટઅપ્સ અસ્તિત્વમાં આવ્યા. અને એની વિસ્તારવાની ઝડપ એટલી બધી હતી કે એની સામે અમેરિકામાં વસતિના પ્રમાણમાં નિપુણ ટેક્નિકલ હતા નહીં. એટલે એ માંગને અને કામને પહોંચી વળવા એચ-1 બી વિઝા, ટીસીએસ, વિપ્રો, કોગ્નિઝન્ટ, એક્ષેન્સ્યોર અને એચસીએલ જેવી કન્સલ્ટિંગ કંપનીઝની મદદ લેવી પડે એવું થયું. અમેરિકા એટલે વસાહતીઓનો દેશ આમ તો 1960ના દશકથી અમેરિકા દુનિયાભરના લોકોને અહીં ભણવા આવવા માટે અને કાળાંતરે વસવા માટે આકર્ષતું રહ્યું છે અને જોવા જઇએ તો અમેરિકા વસાહતીઓનો દેશ છે અને હતો. અમેરિકાને અમેરિકા, સુપર પાવર બનાવવામાં, એને વિકસિત કરવામાં, એક ડ્રીમ દેશ બનાવવામાં, આ બધા નિપુણ વસાહતીઓનો મોટો હાથ છે. માટે જ એ વખતથી દુનિયાભરના પ્રતિભાશાળી લોકોને આકર્ષવા ખાસ કરીને ટેકનિકલ, મેડિકલ ક્ષેત્રની અછતને પહોંચી વળવા અલગ અલગ વિઝાની કેટેગરી, વિદ્યાર્થી વિઝા સિવાય ઊભી કરવામાં આવી. જેમ કે બિઝનેસ વિઝા, અત્યંત નિપુણ અને આગવી પ્રતિભા ધરાવતા લોકો માટે હાઇલી સ્કિલ્ડ વર્કર વિઝા, ઊભા કરવામાં આવ્યા. કારણ એક જ કે આ બધા દુનિયાભરના અત્યંત પ્રતિભાશાળી લોકો અહીં આવે, ભણે, સંશાધનોનો ઉપયોગ કરે અને અમેરિકાને શ્રેષ્ઠ ટેકનોલોજી, મેડિકલ સંશોધનો, બાયોટેક્નોલોજી, સિવિલ એન્જિનિયરિંગ ઉપરાંત બીજા અગણિત ક્ષેત્રે યોગદાન આપીને શ્રેષ્ઠ દેશ બનાવે. તકની શોધમાં ધાડા ઉતરી આવ્યા અને એવું થયું પણ ખરું. ભારત જેવા દેશોમાંથી ખાસ કરીને આઇઆઇટી, આઇઆઇએમ, ઇસરો જેવી સંસ્થાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો અમેરિકાના સંશાધનો, વળતર, તકથી આકર્ષાઇને અમેરિકા ભણી વળ્યા. આ ઉપરાંત એશિયામાંથી ચીન, સિંગાપોર, તાઇવાન જેવા દેશો તો ખરા જ પણ બીજા વિશ્વયુદ્ધ પછી રોજી રોટી અને તકની શોધમાં આખાને આખા ધાડા અમેરિકા આવી પહોંચ્યા. એ બધાએ સખત મહેનત કરીને આજનું અમેરિકા, સુપર પાવર અમેરિકા, તકોનો દેશ અમેરિકા, શ્રેષ્ઠ મેડિકલ, રસ્તા, ચોખ્ખાઇ, સગવડોનો દેશ બનાવ્યો. અને એની સામે અમેરિકાએ એમને સંશાધનો, સગવડો, તક અને આકર્ષક વળતર આપીને એમની પ્રતિભાને એક ઓળખાણ આપી. પ્રતિભાશાળી અને મહેનતુ લોકો માટે સોનેરી તક અને પછી સોફ્ટવેર, આઇટી, સેમિ કન્ડક્ટર, બાયોટેક્નોલોજી વગેરે ક્ષેત્ર વિકસિત થતાં સુધીમાં તો અમેરિકા પ્રતિભાશાળી, મહેનતુ લોકો માટે સોનેરી તકો અને શ્રેષ્ઠ જીવન, સગવડોના દેશ તરીકે નામના મેળવી ચૂક્યું હતું માટે હવે ફક્ત પ્રતિભાશાળી, ખાસ ક્ષેત્રમાં નિષ્ણાત લોકો જ નહીં પણ દરેક સુખી અને પૈસા કમાવવાની મહેચ્છા રાખનાર વ્યક્તિ કે કુટુંબ માટે પણ અમેરિકન ડ્રીમ એક સપનું, અમુક કેસમાં ઝનૂન બની ચૂક્યું હતું, છે. કેપિટલિસ્ટ દેશ તરીકે ઓળખાતા અંકલ સેમ અમેરિકા પણ આ દરેકના સપનાને હકીકતમાં બદલી શકાય એ માટે એ લોકો આવીને આ દેશમાં કામ કરીને એને સુપર પાવર બની રહેવા માટે કામ કરે, મહેનત કરે અને બદલામાં શ્રેષ્ઠ વ્યક્તિગત, કૌટુંબિક અને વ્યવસાયિક જિંદગી બનાવવા અને માણવા માટે તક અને વળતર પૂરા પાડતું રહ્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ રાતોરાત પ્રથમ પસંદગી બની ગયો એચ વન બી, એલ વન બી, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા અને બિઝનેસ વિઝા જેવાનો ઉપયોગ માટે જ ભારત અને ચીન જેવા એશિયાઇ દેશો સૌથી વધારે કરે છે. અને 2000 ની સાલમાં વાય ટુ કે જેવી ઘટના પછી ભારત જેવા દેશોમાંથી ધાડા ના ધાડા કોમ્યુટર એન્જિનિયર અમેરિકા આવી પહોંચ્યા. રાતો રાત મેડિકલ છોડીને યુનિવર્સિટીઓમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગીનો અભ્યાસક્રમ બની ગયો. આવી જ હાલત પાડોશી દેશ ચીન, રશિયા વગેરેની પણ થઇ. એવું કહેવાય છે કે એ વખતે ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા આઇટી હબ ગણાતા શહેરોની અમેરિકન એમ્બેસીના કોન્સ્યૂલેટ ઓફિસર્સ આ ક્ષેત્રના નિષ્ણાતોની અરજીને જોયા વગર, ઊંચું જોઇને સામે કોણ ઊભું છે એ નોટિસ કર્યા વગર પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી દેતા. 25 વર્ષ પહેલાં આવેલા અબજોપતિ થઇ ગયા અને 25 વર્ષ પહેલાં આવેલા આ બધા નિષ્ણાતો અત્યારે આ તક અને એની કદર કરી જાણનાર દેશ નામે અમેરિકામાં આવીને કરોડપતિ નહીં પણ નોકરી પછી પોતાની કંપની શરૂ કરીને અબજોપતિ થઇ ગયા. હોટમેલના સાબિર ભાટિયા, ગૂગલના સુંદર પીચાઇ, માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા જેવાની કહાની સાંભળીને અને સફળતા જોઇને આજે પણ ભણવા, નોકરી કરવા અને વસવા માટે અમેરિકા શ્રેષ્ઠ દેશ ગણાય છે. તેનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં દરેકે દરેક પ્રક્રિયા જેમ કે સ્ટુડન્ટ વિઝામાંથી નોકરી માટે એચ 1 બી વિઝા અને પછી ગ્રીન કાર્ડ અને અમેરિકન નાગરિકતા મેળવવી એકંદરે સહેલી હતી, છે. ઉપરાંત અમેરિકા જ ફક્ત વિશ્વનો એક એવો શ્રેષ્ઠ જીવનની અને તકોની ખાતરી આપતો દેશ છે જ્યાં કાયદેસર તો ઠીક ગેરકાયદેસર વસાહતીઓના જે બાળકો આ ભૂમિ પર જન્મે તે આપોઆપ અમેરિકન નાગરિક બની જાય એવી સગવડ મળે છે! સરળ પ્રક્રિયાઓનો ગેરફાયદો ઉઠાવ્યો પણ અમેરિકાની આ સરળ પ્રક્રિયાઓ, પ્રોસેસમાં રહેલા છીંડાઓનો લાભ વસતિ વધારાને કારણે આવતી સ્પર્ધામાં હાથ પગ મારીને, બુદ્ધિ સાચી ખોટી જગ્યાએ વાપરીને રસ્તો કરી જાણનાર ચાઇનીઝ, રશિયન અને દુઃખ સાથે ખાસ કરીને ભારતીય મૂળના લોકોએ ખૂબ ઉઠાવ્યો અને એ વ્યવસ્થાઓનું શોષણ કર્યું. એચ વન બી જેવા વિઝા જે પ્રતિભાશાળી નિષ્ણાતો જે અમેરિકામાં ઉપલબ્ધ નહોતા એવા લોકો માટે બનાવેલા, એની કાયદાકીય પ્રક્રિયામાં રહેલા છીંડા શોધીને આર્ટસ, કોમર્સ કે એપટેક જેવી સંસ્થાઓમાંથી કમ્પ્યુટરનો કોર્સ કરેલા લોકોને આ દેશમાં લાવવા માટે કરીને અત્યારે ઘણી જગ્યાએ અળખામણા બન્યા છે. એના કારણોમાં ઘણા બધા મૂળ વસાહતીઓ એવા અમેરિકન લોકો સિવાય 500 વર્ષ પહેલાં આવેલા વસાહતીઓ જે આટલી બધી પેઢીથી અમેરિકાના નાગરિક છે. જેની અહીં 3-4 પેઢી વસી રહી છે એવા ભારતીય અને બીજા મૂળના લોકોને એવું લાગે છે અને ઘણી રીતે હકીકત પણ છે કે આ સામાન્ય આવડતવાળા સામાન્ય કામ માટે આવીને અમારી નોકરી છીનવી રહ્યાં છે. વસાહતીઓ સામે અણગમો વધી રહ્યો છે આ ઉપરાંત જે તે દેશના કાયદા પ્રમાણે રહેવાની ઉદાસીનતા, અમેરિકા જેવા દરેક વાતમાં ઉદાર નીતિ ધરાવતા દેશની એ નીતિનો લાભ લઇને પોતાના રીત રિવાજને જક્કી રહીને વળગી રહેવું, ગંદકી કરવી, કાયદાઓનો, મળતી સગવડોનો ગેરલાભ ઉઠાવવો વગેરે કારણે પણ ફક્ત ભારતીય નહીં આવા દરેક દેશના એવા વસાહતીઓ માટે અણગમો, રોષ વધી રહ્યો છે એ હકીકત છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે "મીઠાં ઝાડના મૂળિયાં ના કપાય "! આ કહેવત ને અને એમાં રહેલા ભાવાર્થને જો આ અમેરિકન ડ્રીમ ધરાવતા લોકો ગંભીર રીતે નહીં લે તો ફક્ત વ્યવસાયિક અને શ્રેષ્ટ સગવડો જ નહીં પણ ખરી રીતે સ્વતંત્રતા, મુક્તિનો અહેસાસ કરાવતા અને પોતાના નાગરિકની જીંદગી, મહત્તા સમજતા અને એની જાળવણી કરતા આ એક અતિ સુંદર દેશ માટે કાયમ માટે દરવાજા બંધ નહીં થાય તો પણ અળખામણા બનીને જીવવાની તૈયારી રાખવી પડશે.
Read Original Article →