Editor's View: ડેડલાઇનની 80 મિનિટ પહેલા શું થયું?:વ્હાઇટ હાઉસમાં બેઠક અને ટ્રમ્પનો મુનીરને ફોન, યુદ્ધવિરામમાં એક્સિડેન્ટલ હીરો બન્યું પાકિસ્તાન, ભારતના ખતરાને આ રીતે સમજો
શું માત્ર 80 મિનિટ દુનિયાનો ઈતિહાસ બદલી શકે? ગઈકાલની સાંજે આપણે વર્લ્ડ વોર ત્રણ વિનાશના ઉંબરે હતા. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન અને બીજી બાજુ ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર તોળાતો ખતરો. પણ અચાનક એવું શું થયું કે બજારોમાં રોકેટ જેવો ઉછાળો આવ્યો અને તેલના વધેલા ભાવ સીધા નીચે પટકાયા? કારણ હતું ઈરાને અમેરિકાનો યુદ્ધ બંધ કરવાની વાત સ્વીકારી લીધી. શરતો મુજબ અમેરિકા કે ઈરાન બાજુથી 14 દિવસ કોઈ બોમ્બમારો નહીં થાય. આ કોઈ સામાન્ય શાંતિ નથી, પણ એક એવી ગૂંચવાયેલી રમત છે જેમાં પાકિસ્તાન દુનિયા સામે એક્સિડેન્ટલ હિરો બનીને આવ્યું છે! સસ્તું તેલ અને મજબૂત રૂપિયો ભારત માટે રાહત લાવ્યા છે, તો બીજી તરફ હોર્મુઝની ખાડીમાં ઈરાને જહાજ દીઠ 2 મિલિયન ડોલરનો પીસ ટેક્સ માંગીને આખી દુનિયાને હચમચાવી દીધી છે. શું પાકિસ્તાનનું અમેરિકાની આટલું નજીક જવું ભારતની વિશ્વગુરુ ઈમેજ માટે ખતરો છે? આ 14 દિવસનો યુદ્ધ વિરામ કાયમી ઉકેલ છે કે પછી કોઈ ભયાનક તોફાન પહેલાની શાંતિ? ચાલો આ આખી વાતને ડિકોડ કરીએ. નમસ્કાર... ગઈકાલે ટ્રમ્પે ઈરાનને ધમકી આપીને કહ્યું હતું કે, "જો ઈરાન નમશે નહીં, તો તેના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ માત્ર ઈતિહાસનો હિસ્સો બનીને રહી જશે." જ્યારે ઘડિયાળના કાંટા એ ઝીરો અવર એટલે કે રાતના 8 તરફ વધી રહ્યા હતા, ત્યારે માત્ર 80 મિનિટ પહેલા એક એવા સમાચાર આવ્યા જેણે ગ્લોબલ સ્ટોક માર્કેટથી લઈને સામાન્ય માણસના રસોડા સુધી રાહતની લહેર દોડાવી દીધી. દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ખપ્પરથી બચી આ રાહત હતી 14 દિવસના યુદ્ધવિરામની. આ કોઈ સામાન્ય યુદ્ધવિરામ નહોતો; આ પાકિસ્તાનની મધ્યસ્થીથી શક્ય બનેલી એક એવી ડિપ્લોમેટિક વિક્ટ્રી હતી, જેણે અમેરિકાના અહમ અને ઈરાનના અસ્તિત્વ વચ્ચે એક બ્રિજ બાંધ્યો. આ 14 દિવસ એ માત્ર બંદૂકો શાંત રાખવા માટે નથી, પરંતુ દુનિયાને થર્ડ વર્લ્ડ વોરના ખપ્પરમાં હોમાતા બચાવવા માટેનો એક બ્રીધિંગ સ્પેસ છે. વોર ઈકોનોમીથી પીસ ઈકોનોમી જ્યારે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા સાથે સંઘર્ષની શરૂઆત થઈ, ત્યારે વિશ્વએ એકાએક વોર ઈકોનોમીનો ક્રૂર ચહેરો જોયો. યુદ્ધ અર્થતંત્ર એટલે એવી સ્થિતિ જ્યાં રાષ્ટ્રના તમામ સંસાધનો માત્ર વિનાશ માટે ખર્ચાય છે. વોર ઈકોનોમીએ દુનિયા ધુણાવી છેલ્લા પાંચ-છ અઠવાડિયામાં આપણે જોયું કે કેવી રીતે હોર્મુઝનું જલડમરું બંધ થતા જ વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો. બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ $144 ના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ભારત જેવા દેશોમાં, જ્યાં 90% LPG આ જ હોર્મુઝના રસ્તેથી આવે છે, ત્યાં રાંધણ ગેસના બાટલા બ્લેક માર્કેટમાં 4 હજાર રૂપિયાને પાર પહોંચી ગયા હતા. બે-ત્રણ દિવસ તો પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી. આ વોર ઈકોનોમીની સીધી અસર હતી. હવે પેટ્રોલ-ગેસ ઓછું નહીં પડે હવે આપણે વોર ઈકોનોમીથી 14 દિવસ પીસ ઈકોનોમી જોશું. હવે તેલ કે ગેસના જહાજો માટે ઈરાન હોર્મુઝના દરવાજા ખોલી દેશે. જે શિપિંગ ઈન્શ્યોરન્સના ભાવ 5-10 મિલિયન ડોલર સુધી પહોંચ્યા હતા તેમાં ઘટાડો થવા લાગશે. યુદ્ધના ડરથી સોનામાં થયેલું રોકાણ પ્રોડક્શન સેક્ટરમાં પાછું આવવા લાગશે. પાકિસ્તાન એક્સિડેન્ટ હિરો બન્યું આ આખી રમતમાં સૌથી મોટી આશ્ચર્યજનક ભૂમિકા પાકિસ્તાનની રહી. નિષ્પક્ષ રીતે જો વાત કરીએ તો દેશમાં આર્થિક પાયમાલીના હાલ હોવા છતાં તેણે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનો સીલસીલો ચલાવ્યો. પાકિસ્તાને ગ્લોબલ ડિપ્લોમસીના નિયમો તોડી નાખ્યા. આ વાતચીતમાં સૌથી મોટું કામ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસમી મુનીરે કર્યું. ઈરાનની અમેરિકાને 10 શરતો હવે પાકિસ્તાને અમેરિકા સામે ઈરાનની જે 10 પોઈન્ટની શરતો રાખી હતી તેની વાત કરીએ. હોર્મુઝની લોટરી ઓમાન સાથે થશે શેર ટ્રમ્પ અને ઈરાની વિદેશમંત્રી અરાગચીએ જાહેરમાં પાકિસ્તાનના વખાણ કર્યા. પણ આ શરતોમાં એક વાત આપણે બધાએ ધ્યાન દેવા જેવી છે. ઈરાને જે પ્રતિ જહાજ $2 મિલિયન એટલે કે અંદાજે 17 કરોડ રૂપિયાની ફી હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી માંગી છે, તે માત્ર ઈરાન નહીં પણ ઓમાન સાથે પણ શેર કરવાની છે. બીટવીન ધ લાઈન્સ આમાં એવું સમજી શકાય કે ઓમાન હંમેશા ખાડી દેશોમાં શાંતિ દૂતની ભૂમિકામાં રહ્યું છે. ફીમાં ભાગીદાર બનાવીને ઈરાને સાબિત કર્યું છે કે તે ઈન્ટરનેશનલ લેવલે સાવ એકલું તો નથી જ. ભલે બધા અખાતી દેશો હાલ ઈરાન સામે બાંય ચઢાવીને ઉભા પણ ઓમાન ઈરાન પડખે ભવિષ્યમાં ઉભું રહે તો તે તેમના માટે સારું છે. જ્યારે આપણે ઈરાનની શરતોને સરખી રીતે સમજીએ તો કેટલીક ચોંકાવનારી વાતો નજરે પડે છે. હોર્મુઝમાં ઈરાનનો સમુદ્રી ટોલ સૌથી વધુ ચર્ચા જે મુદ્દાની છે તે છે પ્રતિ જહાજ 2 મિલિયન ડોલરની ફી. ઈરાન ઈચ્છે છે કે હોર્મુઝની સ્ટ્રેટમાંથી નીકળતા બધા જ જહાજ પાસેથી સુરક્ષાના નામે પીસ ફી વસૂલવામાં આવે. જો વિશ્વ આ સ્વીકારે, તો ઈરાન રાતોરાત અબજો ડોલરની કમાણી કરી શકે છે. પણ તેની પાછળનો છૂપો આશય એ છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને પોતાની ખાનગી મિલકત સાબિત કરવા માંગે છે. અમેરિકા-ઈરાનનો ન્યૂક્લિયર નાચ બીજો મહત્વનો મુદ્દો ન્યૂક્લિયર એનરિચમેન્ટનો છે. ઈરાને તેની ફારસી યાદીમાં સિવિલ યુઝ માટે ન્યૂક્લિયર રાઈટ્સની વાત કરી છે. આ ખૂબ જ સ્માર્ટ ચાલ છે. ઈરાન જાણે છે કે ટ્રમ્પ પ્રશાસન તેને પૂરી રીતે પરમાણુ શક્તિ બનતા રોકવા માંગે છે, પણ જો તે શાંતિના બદલામાં થોડા પ્રમાણમાં ન્યૂક્લિયર સંવર્ધનની મંજૂરી મેળવી લે, તો તે ભવિષ્યમાં થ્રેશોલ્ડ ન્યૂક્લિયર સ્ટેટ બની શકે છે. ઈરાનના ન્યૂક્લિયર મુદ્દા મામલે ટ્રમ્પનું પર્ફેક્ટલી ટેકન કેર ઓફ કહેવું એ બીટવીન ધ લાઈન કહી જાય છે કે શાંતિ માટે અમેરિકાએ કદાચ મોટી બાંધછોડ કરી છે. શું ટ્રમ્પ ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવામાં નિષ્ફળ ગયા છે? આ મડાગાંઠ ગ્લોબલ સિક્યોરિટી માટે ખતરો બની શકે છે. અમેરિકાની ઈરાનને પ્રપોઝલ બીજી બાજુ, ડોનાલ્ડ ટ્રમ્પ જેમને આક્રમક ભાષા માટે ઓળખવામાં આવે છે, તેમણે ઈરાન માટે 15 મુદ્દાનો એક કાઉન્ટર પ્રપોઝલ પણ તૈયાર કરી છે. ટ્રમ્પનું વલણ સ્ટીક એન્ડ કેરટ જેવું છે. અમેરિકાએ ઈરાન મામલે જે પ્રપોઝલ આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ફાહાન અને નતાન્ઝ જેવા પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ પ્લાન્ટ્સ પર કાયમી ઈન્ટરનેશનલ વોચ રહેશે. આ યુદ્ધ બરોબર 40 દિવસ ચાલ્યું, આ દિવસોમાં ગ્લોબલ મોંઘવારી જે રીતે વધી તે 2008ની વૈશ્વિક મંદી કરતા પણ ખરાબ હતી. અમેરિકામાં પણ ગેસના ભાવ એટલા વધ્યા કે ત્યાંના સામાન્ય લોકો ટ્રમ્પની વિરુદ્ધ થઈ ગયા હતા. ચૂંટણીના ચકડોળેથી યુદ્ધબંધી નવેમ્બરમાં અમેરિકામાં મિડ-ટર્મ ઈલેક્શન છે. ટ્રમ્પની પોપ્યુલારિટી હાલ રેકોર્ડ સ્તરે નીચી છે. યુદ્ધને કારણે વધેલી મોંઘવારી ટ્રમ્પ માટે રાજકીય આત્મહત્યા સમાન બની છે. એટલે, તેમને એક સક્સેસફૂલ પીસ મેકર તરીકે ઉભરી આવવાની જરૂર છે. ટ્રમ્પ જાણે છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે અને અમેરિકન સૈનિકોના શબ ઘરે આવશે, તો તેમની પોપ્યુલારિટી જે અત્યારે સૌથી નીચલા સ્તરે છે, તે તેમને સત્તા પરથી ફેંકી દેશે. યુદ્ધવિરામમાં ઈઝરાયલનો ધડાકો આપણે પાકિસ્તાન-અમેરિકા અને ઈરાનની વાત કરી પણ જે દેશે અમેરિકાને યુદ્ધના મોરચે ચઢાવ્યો તે ઈઝરાયલને ન ભૂલવું જોઈએ. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ટ્રમ્પના યુદ્ધ વિરામના નિર્ણયને ટેકો તો આપ્યો છે, પણ સાથે એક ડેન્જરસ શરત મૂકી છે કે લેબનોનનું હિઝબુલ્લાહ આમાં સામેલ નથી.આનો મતલબ એ થયો કે ઈરાન અને અમેરિકા વચ્ચે બોમ્બમારો અટકશે, પણ ઈઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રાખશે. આ એક કાચી શાંતિ છે, કારણ કે જો લેબનોનમાં સ્થિતિ બગડશે તો ઈરાન શાંત નહીં બેસે. નેતન્યાહુનો આ સ્ટેન્ડ યુદ્ધવિરામને ગમે ત્યારે તોડી શકે છે. હિઝબુલ્લાહ અને ઈરાનનો શું છે ડખો? હવે આપણે સમજીએ કે હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે ડખો શું છે? હિઝબુલ્લાહ 1982માં બન્યું. જેનો આશય હતો લેબનોન પર ઈઝરાયેલના આક્રમણનો સામનો કરવો. ઈરાન હિઝબુલ્લાહને સપોર્ટ કરે છે. ઈરાન ઈઝરાયલનું દુશ્મન છે એટલે ઈઝરાયેલ હિઝબુલ્લાહને પોતાનો કટ્ટર દુશ્મન માને છે. 2006નું ભીષણ યુદ્ધ અને દાયકાઓથી ચાલતા સરહદી હુમલાઓ હિઝબુલ્લાહ-ઈરાન-ઈઝરાયલના લોહિયાળ ઈતિહાસના સાક્ષી છે. આ સંઘર્ષ માત્ર જમીનનો નથી, પણ ધર્મ, વિચારધારા અને સ્થાનિક વર્ચસ્વની લડાઈ પણ છે. હવે વાત કરીએ શા માટે અમેરિકા જેવી મહાસત્તા યુદ્ધવિરામ માટે તૈયાર થઈ? તેની પાછળના કારણો ખાલી પોલિટિકલ જ નથી, લશ્કરી પણ છે. 1 મહિનામાં યુદ્ધથી કેટલું નુકસાન? યુદ્ધના શરૂઆતના 30 દિવસમાં જે સ્પીડથી અમેરિકાની મિસાઈલો અને દારૂગોળો વપરાયો છે, તેનાથી અમેરિકાના પોતાના સ્ટોક પર અસર પડી છે. નાટો દેશો પણ લાંબા સમય સુધી આ બોજ ઉઠાવવા કેપેબલ નથી. પહેલા 30 દિવસમાં વૈશ્વિક બજારોને અંદાજે $11 ટ્રિલિયનનું નુકસાન થયું છે. આ આંકડો કોઈ પણ વૈશ્વિક મંદી કરતા ભયાનક છે. યુદ્ધથી ઈરાનના હાલ પણ બેહાલ ઈરાનમાં તો 105%ની મોંઘવારી છે. લોટ અને માંસના ભાવ 135% વધ્યા છે. જો યુદ્ધવિરામ ન થાય, તો ઈરાન પણ અંદરથી તૂટી શકે તેમ છે. એટલે કે, બંને પક્ષો માટે આ વેઈટ એન્ડ વોચની સિચ્યુએશન આવી ગઈ છે. યુદ્ધના કારણે તેના સ્ટીલ પ્લાન્ટ્સ, નેવલ બેઝ અને ઉર્જા મથકોને અબજો ડોલરનું નુકસાન થયું છે. ઈરાન પર યુએનની મિસાઈલ ટેકનોલોજી પરની રોક પણ 2023માં હટી ગઈ છે. ઈરાન હવે હજારો કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઈલો બનાવી શકે છે, જે ઈઝરાયેલ અને યુરોપ માટે ખતરો છે. ઈરાનમાં યુદ્ધ રોકાયું પણ લેબનોનમાં ચાલુ આ યુદ્ધવિરામની સૌથી નબળી કડી લેબનોન છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ સીઝફાયરમાં લેબનોનનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલન્ટે સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહ વિરુદ્ધના તેમના ઓપરેશન્સ ચાલુ રહેશે. શું ઈરાન ગમે ત્યારે યુદ્ધ વિરામ તોડી શકે? લેબનોનમાં 20% વસ્તી એટલે કે લગભગ 12 લાખ લોકોનું માઈગ્રેશન થયું છે. જો લેબનોન સરહદે સંઘર્ષ ચાલુ રહેશે, તો ઈરાન ગમે ત્યારે આ યુદ્ધવિરામ તોડી શકે છે. ઈરાન ઈચ્છે છે કે તેના પ્રોક્સી ગ્રુપ્સને આ શાંતિ મંત્રણાથી સુરક્ષા કવચ મળે, જે ઈઝરાયેલને ક્યારેય ગમશે પણ નહીં અને તે સ્વીકારશે પણ નહીં. પાક.ના કારણે દિલ્લીના કપાળે કરચલી એક બાજુ ટ્રમ્પને સત્તા બચાવવી ને ઈરાનને અસ્તિત્વ, પણ આ જંગમાં આપણે એટલે કે ભારત ક્યાં છે તે એક મોટો સવાલ છે. એવામાં પાકિસ્તાન અમેરિકા નજીક જાય એટલે દિલ્લીના કપાળે ચિંતાની કરચલી થાય એ પણ સ્વાભાવિક છે. યુદ્ધ વિરામથી ભારતને અહીં ફાયદો વાત જો આપણી કરીએ તો ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઈમ્પોર્ટર દેશ છે. આપણી જરૂરિયાતનું 80%થી વધુ તેલ અને 90% જેટલું LPG આપણે બહારથી જ મગાવીએ છીએ. જો આ યુદ્ધ લાંબુ ખેંચાયું હોત, તો ભારતના મિડલ ક્લાસની કમર તૂટી શકે તેવી હાલાત હતી. ચોમાસા સુધી ગેસના બાટલાની કમી નહીં? યુદ્ધ વિરામથી ભારતને ફાયદો થાય તેની વાત કરીએ તો બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ હવે સ્ટેબલ થશે જેની સીધી અસર આપણી ઈકોનોમી પર થશે. હજારો કરોડ રૂપિયાનો સીધો ફાયદો આપણને થશે. લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચામાં પણ સારી અસર થશે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો પણ હવે ઘટે એવા એંધાણ શરૂઆતી નજરે દેખાઈ રહ્યા છે. યુદ્ધ થોડા દિવસ માટે રોકાયું છે તેના કારણે ચોમાસા સુધીની ગેસના બાટલાનો સ્ટોક આપણે ભેગો કરી શકીએ છીએ. રૂપિયાની રોલર કોસ્ટર રાઈડ રોકાશે યુદ્ધના કારણે રૂપિયો પણ ડોલર સામે ઓલ ટાઈમ ગગડીને 20-30 માર્ચે 95 સુધી પહોંચી ગયો હતો. હવેનો સૂરજ રૂપિયા માટે સોનેરી સાબિત થઈ શકે તેમ છે. આ રાહતના કારણે વિદેશમાં જેટલા પણ દીકરા-દીકરીઓ ભણે છે તેમને અને કામ કરવા વિદેશ જનાર લોકોને પણ ફાયદો થશે. શેરબજારમાં પણ કરોડોનું નુકસાન થયું હતું તેમાં સુધારો થઈ શકે તેમ છે. 5 દુશ્મન દેશોનો એકલો દોસ્ત પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદના અખતરા કરવાના કારણે આપણે પાકિસ્તાનથી ગ્લોબલ લેવલે દૂરી બનાવી રાખી છે. પણ પાકિસ્તાન જે રીતે ઈરાન અને અમેરિકા જેવા કટ્ટર દુશ્મન દેશોને એક ટેબલ પર લાવવા સક્સેસફૂલ રહ્યું તેના કારણે ભારતને મોટું નુકસાન થઈ શકે તેમ છે. જો પાકિસ્તાન હજુ અમેરિકા નજીક જશે તો કાશ્મીર જેવા મુદ્દે આપણને તકલીફ ભવિષ્યમાં પડી શકે તેવા એંધાણ છે. આપણી વિશ્વગૂરૂની ઈમેજને પણ આ એક પ્રકારે પાકિસ્તાની લપડાક છે. પાકિસ્તાન-અમેરિકાની દોસ્તીનો આ કાઉન્ટર પાકિસ્તાન-અમેરિકાની વધતી દોસ્તી વચ્ચે આપણે રશિયા કે ચીન સાથે દોસ્તી વધારીને અમેરિકા પર દબાણ લાવી શકીએ છે. તેના માટે આપણે બંને દેશો સાથે ડિફેન્સને અને એનર્જીને લગતી ડિલ્સ પાર પાડવી પડે. આટલું જ નહીં, ઈરાનના ચાબહાર બંદર અને મિડલ એશિયામાં ડોમિનેન્સ વધારવા ફ્રાન્સ કે ગલ્ફ દેશો સાથેના સંબંધોને પણ નવી ધાર આપવી જરૂરી બની જાય છે. જો આપણે આવું કરીએ તો અમેરિકા-પાકિસ્તાનની દોસ્તીને કાઉન્ટર કરી શકીએ તેમ છીએ. ભારતીય શેર માર્કેટમાં ઈન્વેસ્ટર્સને બખ્ખાં? સારી વાત પર પણ ધ્યાન દઈએ તો ટૂંક સમયમાં ભારતીય ઈન્વેસ્ટર્સને બખ્ખાં બોલી શકે છે. ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં વધારો થઈ શકે છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ સારા સંકેતો પણ દેખાઈ શકે. સોના ચાંદીની કિંમતોમાં પણ સ્ટેબિલિટી આવી શકે તેમ છે. શાંતિ મંત્રણામાં ખાડી દેશો પણ મોખરે આ યુદ્ધવિરામમાં સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર જેવા દેશોનો પણ મોટો હાથ છે. આ દેશો જાણે છે કે જો ઈરાન પર હુમલો વધશે, તો તેમના પોતાના તેલના કુવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિશાન બની શકે છે. તેથી જ, આ અખાતી દેશોએ અમેરિકા પર દબાણ કર્યું હતું કે તે પાકિસ્તાનની મધ્યસ્થી સ્વીકારી લે. જેમને બાસ્ડર્ડ કહ્યું તેની સાથે જ ટ્રમ્પના મનામણા યુદ્ધ દરમિયાન આપણે ધ્યાન આપ્યું હોય તો ટ્રમ્પના ઈરાન માટે વપરાતા શબ્દો જેમ કે બાસ્ટર્ડ અને એનિમલ, ઈરાનને નાશ કરવાની ધમકીઓ એ વાતનો પુરાવો છે કે આ યુદ્ધવિરામ ગમે ત્યારે તૂટી પણ શકે છે. જો 14 દિવસમાં કોઈ નક્કર પરિણામ નહીં આવે, તો અમેરિકી સેના સીધી જ મેદાનમાં ઉતરે તેવી ગંભીર પરિસ્થિતિ છે. અને છેલ્લે… હજુ તો શાંતિની સહીની શાહી સુકાઈ નથી ત્યાં ઈરાનની રિફાઇનરી ભડકે બળી અને કુવૈત પર 28 ડ્રોન ત્રાટક્યા. જો સીઝફાયરના ગણતરીના કલાકોમાં જ ધડાકા અને ધુમાડા શરૂ થાય, તો સમજવું કે આ યુદ્ધવિરામ નથી, પણ કોઈ ભયાનક વિનાશ પહેલાનો લોડિંગ પીરિયડ છે. વિચારજો, આપણે ખરેખર બચ્યા છીએ કે પછી છેતરાયા? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)
Read Original Article →