Editor's View: ભારત માથે આર્થિક અંધાધૂંધીનો ખતરો:i-Phoneથી લઇને કાર ને ગુજરાતના ફાર્મા ઉદ્યોગ સુધી સંકટ, ચીનના બે નવા કાયદાથી અમેરિકા અને યુરોપમાં પણ હાહાકાર
અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે આખી દુનિયા એક મોટું બજાર છે, બધા હળીમળીને વેપાર કરશે, જેને આપણે વૈશ્વિકરણ એટલે કે ગ્લોબલાઈઝેશન કહેતા. પણ હવે પિક્ચર સાવ બદલાઈ ગયું છે. હવે આ બધું ડી-કપલિંગ અને ડી-રિસ્કિંગના નામે એક નવા ઈકોનોમિક કોલ્ડવોરમાં ફેરવાઈ ગયું છે. આજની તારીખમાં ટ્રમ્પના અણઘડ નિર્ણયોના કારણે દેશો એકબીજાથી દૂર ભાગી રહ્યા છે. એવા સમયે ચીન એવા બે કાયદાઓ લઈને આવ્યું છે જેમાં તેનો નિશાનો તો અમેરિકા અને યુરોપ છે પણ લેવાદેવા વગર ભારત અટાઈ ગયું છે. આ કાયદાને સાદી રીતે સમજીએ તો પાણી-દૂધ-ચાપત્તિ-ખાંડ વગેરે ચીન બનાવતું હોય અને ભારતને ખાલી ચા જ બનાવવાની હોય તો આ બધી વસ્તુઓ વગર ભારત ચા જ નહીં બનાવી શકે. માત્ર આટલું જ નહીં અમેરિકાના ટ્રમ્પે ભારત પર એવડી મોટી ડિલ થોપવાનું દબાણ લગાવી દીધું છે જે આપણા માટે ઘણી અઘરી છે. આ બંને મોરચેથી આપણને એટલે કે કેવો ફટકો પડશે આજે તેની વાત કરીએ નમસ્કાર... વાત એમ છે કે એક તરફ મધ્ય પૂર્વમાં, એટલે કે આરબ દેશોમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી લડાઈ ફાટી નીકળી છે. આ લડાઈને કારણે હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ થઈ ગઈ છે. હવે તમને થશે કે આ સામુદ્રધુની શું છે? આ દરિયાનો એવો સાંકડો રસ્તો છે જ્યાંથી દુનિયાના મોટાભાગના તેલના જહાજો પસાર થાય છે. આ રસ્તો બ્લોક થવાથી આખી દુનિયાના ઊર્જા બજારમાં, એટલે કે પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં મોટો ભૂકંપ આવી ગયો છે. બીજી બાજુ, દુનિયાની બે સૌથી મોટી તાકાત એટલે કે અમેરિકા અને ચીન વચ્ચે દુનિયા પર રાજ કરવાની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. આ લડાઈમાં ભારત એક એવું મોહરું બની ગયું છે જેનો ઉપયોગ બંને દેશો પોતાના સ્વાર્થ માટે કરવા માંગે છે. સૌથી પહેલા ચીનની વાત કરીએ. ચીને પોતાની દાદાગીરી જાળવી રાખવા માટે એપ્રિલ 2026માં બે નવા કાયદા લાગુ કર્યા છે જેનું નામ છે સ્ટેટ ડિક્રી 834 અને 835. અત્યાર સુધી ચીન સસ્તો માલ બનાવીને રાજ કરતું હતું, પણ હવે તે કાયદાઓથી બધી કંપનીઓના ગળા દબાવી રહ્યું છે. જો કે તેનો મેઈન ફોકસ અમેરિકા અને યુરોપ છે. દુનિયાના દેશો જ્યારે ચાઇના પ્લસ વન એટલે કે ચીન છોડીને ભારતમાં ફેક્ટરીઓ લાવવાનું વિચારી રહ્યા છે, ત્યારે ચીને આ કાનૂની હથિયાર ઉગામ્યું છે. ડિક્રી 834ની જાળ 31 માર્ચ 2026થી શરૂ થયેલો આ કાયદો બહુ અઘરો છે. પણ તેને સાવ સાદી રીતે સમજીએ તો જો કોઈ મોટી અમેરિકન કે યુરોપિયન કંપની ચીનમાં તેમના સપ્લાયરનું ચેકિંગ કરવા માંગે કે ડેટા માંગે, તો ચીન સરકાર તરત જ તેને પોતાની સુરક્ષા માટે ખતરો ગણીને તપાસ શરૂ કરી દેશે. મતલબ કે તમે ચીન પાસેથી માલ લો, પણ તેમને સવાલ નહીં પૂછવાના. ડિક્રી 835 ની ખુલ્લી ધમકી 7 એપ્રિલ 2026ના રોજ આવેલો આ બીજો કાયદો તો એનાથી પણ ચાર કદમ આગળ છે. જો કોઈ કંપની અમેરિકાના કહેવાથી ચીનની કોઈ કંપની સાથેનો વેપાર બંધ કરે, તો ચીન તે વિદેશી કંપનીને પોતાની મેલિશિયસ એન્ટિટી લિસ્ટ એટલે કે ખરાબ કંપનીઓની યાદીમાં મૂકી દેશે. વાત અહીં અટકતી નથી, ચીનનો કાયદો કંપનીના માલિકો અને ડાયરેક્ટરોને સીધા જેલમાં પણ નાખવાની તાકાત આપે છે. આ બેવડા કાયદાઓએ મોટી કંપનીઓને એક એવી જાળમાં ફસાવી દીધી છે કે જો તેઓ અમેરિકાનું માને તો ચીન તેમને ખતમ કરી નાખશે, અને જો ચીનનું માને તો અમેરિકા તેમને પોતાના બજારમાંથી બહાર ફેંકી દેશે. ચીનનો આખો પ્લાન એ જ છે કે આ કંપનીઓ ડરીને ચીનમાં જ રહે અને ભૂલથી પણ ભારતમાં ન આવે. આ કાયદાઓ આપણા દેશના મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રોડક્શન સેક્ટરના સપનાઓ પર સીધો હુમલો છે. આનાથી આપણા વેપારીઓને શું નુકસાન થશે તે પણ આપણે સમજવું જ પડશે. ભારતના સપનાઓ પર મોટો ખતરો ચીને જે નવી કાનૂની જાળ બિછાવી છે તેની સીધી અસર આપણા દેશના ઉત્પાદન પર, એટલે કે મેક ઇન ઇન્ડિયાના સપના પર પડવાની છે. સરકારે વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા માટે નિયમો તો ખૂબ હળવા કર્યા છે, અને આપણે દુનિયાની પ્રોડક્શનનું હબ બનવા માંગીએ છીએ. પણ કડવી વાસ્તવિકતા એ છે કે આપણી મોટી મોટી ફેક્ટરીઓ ચલાવવા માટે મોટા ભાગનો જે કાચો માલ, આધુનિક મશીનો અને ક્રિટિકલ કમ્પોનન્ટ્સ જોઈએ, તે આજે પણ ચીનથી જ આવે છે. જો ચીન તેમના નવા કાયદાઓનો ઉપયોગ કરીને આ સપ્લાય ચેન રોકી દે, તો આપણી આખી ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગણતરીના દિવસોમાં ખોરવાઈ જશે. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ બજારનું સત્ય અત્યારે ભારતમાં બનતા Appleના આઇફોનની ઓક્સપોર્ટ ખૂબ વધી છે, જેનાથી આપણને ગર્વ થાય છે. ટૂંકમાં ભારત ચીનથી સસ્તા ભાવે વસ્તુઓ ખરીદીને ભારતમાં આઈફોન બનાવે છે અને વિદેશમાં તેને મોકલીને નફો કમાવે છે. ભારત સરકારનું લક્ષ્ય છે કે 2026 સુધીમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસ 120 બિલિયન ડોલર સુધી પહોંચે. હાલમાં આપણી કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં અડધોઅડધ હિસ્સો, એટલે કે લગભગ 23.5 બિલિયન ડોલર તો માત્ર iPhoneનો જ છે. હમણાં જ ટાટા અને ફોક્સકોન જેવી કંપનીઓએ ભારતમાં મોબાઈલના નાના પાર્ટ્સ બનાવવાનું પણ શરૂ કર્યું છે અને ચીનને પણ થોડો માલ એક્સપોર્ટ કર્યો છે. પણ અહીં એક મોટો પેચ ફસાયો છે. આ બધું બનાવવા માટે જે હાઈ-એન્ડ માઇક્રોચિપ્સ, સેન્સર અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જોઈએ છે, તે બધું તો ચીનથી જ આવે છે. જો બેઇજિંગ ગુસ્સે ભરાય અને આ કાચો માલ આપવાનું ધીમું કરી દે, તો ભારતમાં બનતા મોબાઈલનું કામ તરત જ ઠપ્પ થઈ જશે. દવાઓ અને વાહનોમાં ચીન આપણી મોટી મજબૂરી ખાલી મોબાઈલની જ વાત નથી, જે દવાઓ ખાઈને આપણે સાજા થઈએ છીએ તેનો કાચો માલ પણ ચીનથી જ આવે છે. ભારત આખી દુનિયાને સસ્તી જિનેરિક દવાઓ આપે છે, પણ એ દવાઓ બનાવવા માટેના API એટલે કે દવાનો પાઉડર બનાવવા માટે આપણે પૂરી રીતે ચીનના જ ભરોસે છીએ. જો ચીન આ પાવડર આપવાનો બંધ કરી દે, તો દેશમાં અને દુનિયામાં મોટી હેલ્થ ક્રાઈસિસ આવી શકે છે. એ જ રીતે, આપણા વાહનોના સ્પેરપાર્ટ્સ, એન્જિન સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે પણ આપણે 30 ટકા જેટલા ચીનના ભરોસે છીએ. સોલાર પેનલ નાખીને આપણે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ, પણ તેના માટેના નાના મશીનો માટે ચીન વગર આપણો કોઈ ઉદ્ધાર નથી. આ બધું સાબિત કરે છે કે ચીને આપણી નસ પકડી લીધી છે. અમેરિકાની સ્વાર્થી અને દબાણવાળી નીતિ એક તરફ ચીન આપણો કાચો માલ રોકીને આપણું ગળું દબાવી રહ્યું છે, તો બીજી તરફ આપણો લોકશાહી મિત્ર ગણાતો દેશ અમેરિકા આપણને એનો મોંઘો માલ પધરાવવા માંગે છે. અત્યારે મે 2026 ચાલી રહ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ બહુ સ્પષ્ટ છે... અમેરિકા ફર્સ્ટ, એટલે કે પહેલા પોતાનો સ્વાર્થ અને પોતાનો ફાયદો જોવાનો. બાકી બધું પછી. હમણાં જ અમેરિકાના મોટા નેતા માર્કો રૂબિયો ભારત આવ્યા હતા. તેમણે વાતો તો બહુ મીઠી કરી, પણ અંદરખાને ભારત પર 500 બિલિયન ડોલરની એટલે કે લગભગ 42 લાખ કરોડ ભારતીય રૂપિયાની ડીલ થોપી દીધી છે. આ ડીલ કોઈ બે દેશો વચ્ચેની મિત્રતા ખાતર નથી થઈ, પણ અમેરિકાનો જે 45.7 બિલિયન ડોલરનો વેપારમાં ખાડો પડી રહ્યો છે, તેને પૂરવા માટે ભારતને દબાવવામાં આવી રહ્યું છે. અમેરિકાની નજર આપણા ખેડૂતો અને ઊર્જા બજાર પર છે. આ ડીલથી આપણો સામાન્ય ખેડૂત કેવી રીતે બરબાદ થઈ શકે છે અને પેટ્રોલ પંપ પર ઉભેલા માણસને શું નુકસાન થશે, તે આપણે સમજીએ. ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' બહુ સ્વાર્થી નીતિ
500 બિલિયન ડોલરની જબરદસ્તી વ્યાપારી ડીલ
પોતાની વેપારી ખાધ ઘટાડવાનો અમેરિકાનો ઉદ્દેશ
ભારતીય બજારો પર કબ્જો જમાવશે અમેરિકાની નજર આપણા ખેડૂતો પર તમને કદાચ એવું લાગતું હશે કે અમેરિકા તો આપણો સૌથી સારો દોસ્ત છે, પણ, વેપારમાં કોઈ કોઈનો સગો હોતો નથી. અમેરિકા લાંબા સમયથી ભારતને એક મેણું મારતું આવ્યું છે કે આપણે તો ટેરિફ કિંગ છીએ. મતલબ કે આપણે વિદેશથી આવતા માલ પર બહુ ભારે ટેક્સ નાખીએ છીએ. જેનાથી સરકાર કરોડો રૂપિયા કમાવે છે. પણ હકીકત એ છે કે આપણા નાના અને ગરીબ ખેડૂતોને બચાવવા માટે જ સરકારે 39થી 65 ટકા જેટલો ભારે ટેક્સ વિદેશી ખેતપેદાશો પર નાખ્યો છે. અમેરિકામાં તો બહુ મોટા અને એડવાન્સ ખેતરો હોય છે. ત્યાંની સરકાર તેમના ખેડૂતોને કરોડો રૂપિયાની મસમોટી સબસિડી આપે છે, એટલે એમનો ખેતપેદાશનો માલ ઈન્ટરનેશનલ બજારમાં સાવ સસ્તો પડે છે. હવે અમેરિકા દબાણ કરી રહ્યું છે કે ભારત આ ટેક્સ તાત્કાલિક હટાવી લે. અમેરિકા એવી શરત મૂકી રહ્યું છે કે જો ભારતના કાપડ ઉદ્યોગો અમેરિકાનો કપાસ વાપરશે, તો જ આપણા કાપડને તેમના બજારમાં સસ્તા દરે વેચવા દેશે. ગયા વર્ષે જ્યારે સરકારે અમેરિકાથી આવતા સોયાબીન અને મકાઈ જેવા પાકો પર ટેક્સ ઘટાડવાની મોટી ભૂલ કરી, ત્યારે આપણા લોકલ બજારમાં ભાવ સાવ તળિયે બેસી ગયા હતા. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ જેને આપણે MSP કહીએ છીએ તેના કરતા પણ 24થી 26 ટકા ઓછા ભાવ મળ્યા. જો આ 500 બિલિયન ડોલરની ડીલમાં અમેરિકાનો સસ્તો માલ ભારતમાં બેરોકટોક ઘૂસી ગયો, તો આપણો સામાન્ય ખેડૂત સાવ પાયમાલ થઈ શકે છે અને દેશમાં બહુ મોટી આર્થિક મંદી આવશે. અમેરિકા આપણને કેવી રીતે લૂંટી રહ્યું છે? ખાલી ખેતી જ નહીં, ઊર્જા અને પેટ્રોલ-ડીઝલના મામલે પણ અમેરિકા આપણને સીધો ચૂનો લગાવી રહ્યું છે. ભૌગોલિક એટલે કે દેશ-દુનિયાની જગ્યાઓને ધ્યાને રાખીને રીતે જોઈએ તો આપણા માટે ગલ્ફ દેશો એટલે કે મિડલ ઈસ્ટમાંથી તેલ મગાવવું ખૂબ જ સસ્તું અને ઝડપી છે. ત્યાંથી જહાજ આવતા માંડ ચાર કે પાંચ દિવસ થાય. પણ અમેરિકા હોર્મુઝની અશાંતિનું બહાનું આગળ ધરીને આપણને પોતાનું અને વેનેઝુએલાનું મોંઘું તેલ લેવા મજબૂર કરે છે. અમેરિકાથી ભારત સુધી તેલ આવતા 40થી 45 દિવસ જેટલો લાંબો સમય લાગે. આટલા લાંબા રસ્તાનો શિપિંગ અને વીમાનો બધો જ વધારાનો ખર્ચો છેવટે તો આપણે જ પેટ્રોલ પંપ પર ભોગવવો પડે છે. ભારતને માત્ર ખરીદદાર બનાવી રાખવાનું કાવતરું અમેરિકા આપણને અબજો રૂપિયાના હથિયારો તો ખુશીથી વેચે છે, પણ પોતાની એડવાન્સ અને હાઈટેક ટેકનોલોજી ક્યારેય નથી આપતું. એનું સૌથી નિરાશાજનક ઉદાહરણ આપણા સ્વદેશી ફાઈટર પ્લેન તેજસ Mk1Aના પ્રોગ્રામમાં જોવા મળ્યું. આ પ્લેન માટે અમેરિકન કંપની GE એરોસ્પેસથી આપણને એન્જિન પૂરા પાડવાના હતા. પાંચ વર્ષના સમયગાળામાં 99 એન્જિન આપવાના હતા, પણ સપ્લાય ચેનનું બહાનું કાઢીને હજુ સુધી માંડ 6 જ એન્જિનો આપ્યા છે. આ જાણીજોઈને કરેલું મોડું છે, જેથી આપણું સરકારી પ્લેન બનાવતું HAL ઝડપથી ફાઈટર જેટ ન બનાવી શકે અને વાયુસેનાના મેર્ડનાઈઝેશનમાં મોટી બ્રેક વાગે. હોર્મુઝની નાકાબંધી અને મોંઘવારીનો માર હવે વાત કરીએ ઈસ્લામિક દેશોમાં સળગેલી આગની. અમેરિકા અને ઈરાન વચ્ચેના સીધા લશ્કરી યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાવ બ્લોક થઈ ગયું છે. આ એ દરિયાઈ જગ્યા છે જ્યાંથી દુનિયાનું 20-22 ટકા ક્રૂડ ઓઇલ પસાર થાય છે. ભારતનું અડધાથી વધુ તેલ અહીંથી જ આવે છે. આ રસ્તો બંધ થવાથી શિપિંગ કંપનીઓએ લાંબો અને જોખમી રસ્તો લેવો પડ્યો છે, જેનાથી ખર્ચ કલ્પના બહાર વધી ગયા છે. આ કટોકટી એટલી મોટી છે કે રાંધણગેસવાળા LPG ગેસનો સપ્લાય પણ ખોરંભે ચઢ્યો છે. થિંક ટેન્ક GTRIની ચેતવણી પછી સરકારે સ્થાનિક બજારને બચાવવા માટે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર ભારે ટેક્સ નાખવો પડ્યો. સરકારી આંકડા ભલે કહેતા હોય કે મોંઘવારી કંટ્રોલમાં છે, પણ જમીની હકીકત એ છે કે ટ્રાન્સપોર્ટ મોંઘું થવાથી અને બ્લેક માર્કેટિંગ શરૂ થવાથી ગરીબ અને મિડલ ક્લાસ માટે વાસ્તવિક મોંઘવારી લગભગ અંદાજે 20થી 30 ટકા જેટલી વધી ગઈ હશે.
રૂપિયાનું ભયંકર ધોવાણ મે 2026માં રૂપિયો અમેરિકી ડોલર સામે ઐતિહાસિક નીચલી સપાટીએ ગગડી ગયો છે. એક ડોલરનો ભાવ લગભગ 96 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં રૂપિયાનું લગભગ 11 ટકા જેટલું ધોવાણ થયું છે, જે છેલ્લા 13 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિ છે. આખી દુનિયામાં અશાંતિ હોવાથી વિદેશી રોકાણકારો ડરી ગયા છે અને તેઓ ભારતના શેરબજારમાંથી પોતાના અબજો રૂપિયા પાછા ખેંચીને પોતાના દેશમાં લઈ જઈ રહ્યા છે. અમેરિકામાં અત્યારે AIનો મોટો ક્રેઝ છે, એટલે બધો પૈસો ત્યાં જઈ રહ્યો છે. જ્યારે આપણી આઈટી કંપનીઓ પાસે એવું કોઈ મોટું નવું રીસર્ચ નથી. તેલ ખરીદવા માટે આપણે ડોલર ચૂકવવા પડે છે, એટલે આપણી તિજોરીમાંથી ડોલર ખલાસ થઈ રહ્યા છે. પરિણામે દેશનું હૂંડિયામણ લગભગ 40 બિલિયન ડોલર જેટલું ઘટી ગયું છે. એટલે ડોલરનો સંઘરી રાખ્યો હતો તે ઘટવા લાગ્યો છે. રિઝર્વ બેંકનું સંકટમોચન ઓપરેશન જ્યારે ઘરનો મોભી જુએ કે બધું વેરવિખેર થઈ રહ્યું છે, ત્યારે તે મેદાનમાં આવે છે. બસ એવું જ કામ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI કરી શકે છે. રૂપિયાને સાવ તળિયે બેસી જતો રોકવા માટે આરબીઆઈ પોતાની તિજોરીમાંથી રોજનો લગભગ 1 બિલિયન ડોલર સીધો બજારમાં વેચી રહી છે. જેથી લોકોને ડોલર મળે અને રૂપિયાની ઈજ્જત બચે. જ્યારે RBI બજારમાં ડોલર આપે, ત્યારે બજારમાંથી રૂપિયા ખેંચાઈ જાય છે. એટલે બજારમાં રૂપિયાની અછત ન થાય અને બેંકોના વ્યાજદરો ન વધે તે માટે RBI સરકારી બોન્ડ્સ ખરીદીને પાછા રૂપિયા બજારમાં ઠાલવે છે. આ સિવાય, બેંકો સટ્ટાબાજી ન કરે તે માટે તેમની પાસે ડૉલર રાખવાની રોજની લિમિટ ખાલી 100 મિલિયન ડોલર નક્કી કરી દીધી છે. પણ અર્થશાસ્ત્રીઓ ચોખ્ખું કહે છે કે આ તો માત્ર દુઃખાવો મટાડવાની ગોળી છે, રોગનો કાયમી ઈલાજ નથી. વિદેશી કાયદાઓથી આપણી કંપનીઓને ખતરો હવે એક બહુ જ ચોંકાવનારો કિસ્સો સમજીએ. જો આપણે આપણું ડિજિટલ રક્ષણ જાતે નહીં કરીએ તો વિદેશી કંપનીઓ આપણને કેવી રીતે રસ્તા પર લાવી શકે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. યુરોપના દેશોએ રશિયાની એક ઓઇલ કંપની રોઝનેફ્ટ પર પ્રતિબંધ મૂક્યો. હવે એ રશિયન કંપનીનો હિસ્સો આપણી ભારતીય કંપની નાયરા એનર્જીમાં હતો. એટલે રાતોરાત અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપનીએ નાયરા એનર્જીના બધા જ કોમ્પ્યુટર સર્વર, ઈમેલ અને ક્લાઉડ સિસ્ટમ બંધ કરી દીધા. વિચારો, હજારો કર્મચારીઓ અને કરોડોનો વેપાર કરતી કંપનીનું કામકાજ અચાનક ટપોટપ બંધ થઈ ગયું! પછી કોર્ટમાં ગયા અને સરકાર વચ્ચે પડી ત્યારે માંડ બધું ચાલુ થયું. આના પરથી ખબર પડે છે કે આપણે ડિજિટલ દુનિયામાં પશ્ચિમી દેશોના ભરોસે જ છીએ. આનાથી બચવા માટે ભારત સરકારે બ્લોકિંગ સ્ટેચ્યુટ નામનો એક નવો કાયદો લાવવો પડશે, જેમાં વિદેશી પ્રતિબંધો માનવા ગેરકાયદેસર ગણાશે, અને આપણું પોતાનું 100 ટકા સ્વદેશી સોવરેન ક્લાઉડ બનાવવું જ પડશે. AIમાં ચીન ભારત કરતાં કેટલું આગળ? આવનારો સમય હથિયારોથી નહીં પણ બુદ્ધિથી લડાશે. જેની પાસે AI હશે તે દુનિયા પર રાજ કરશે. અને અફસોસની વાત એ છે કે આ રેસમાં આપણે બહુ પાછળ રહી ગયા છીએ. નવા આંકડા મુજબ, ઇતિહાસમાં પહેલીવાર ચીન RD એટલે કે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પાછળ અમેરિકા કરતાં પણ વધુ, એટલે કે 1.03 ટ્રિલિયન ડોલર ખર્ચી રહ્યું છે. જ્યારે આપણે માંડ 75 બિલિયન ડોલર ખર્ચીએ છીએ. ચીને હમણાં જ ડીપસીક નામનું એવું સસ્તું અને પાવરફુલ મોડેલ બનાવ્યું છે જેણે અમેરિકાને પરસેવો વાળી દીધો છે. પેટન્ટની વાત કરીએ તો ચીને 35 હજાર પેટન્ટ ફાઈલ કરી, જે અમેરિકા કરતા પણ અનેકગણી વધુ છે. ચીન પાસે AIના 30 હજાર જેટલા યુવા વૈજ્ઞાનિકોની ફૌજ છે. આપણી કમનસીબી એ છે કે આપણી આઈટી કંપનીઓ હજુ પણ માત્ર વિદેશી કંપનીઓના સોફ્ટવેર રીપેર કરવા અને સર્વિસ આપવામાં જ અટવાયેલી છે. મહાવાવાઝોડામાંથી ભારત કેવી રીતે બચી શકે? અત્યારે ભારત એક બહુ અઘરી અને ખતરનાક ડબલ ગેમનો શિકાર બની રહ્યું છે. એક તરફ ચીન કાચો માલ રોકીને આપણને પ્રોડક્શનનું મોટું હબ બનતા રોકવા માંગે છે. બીજી બાજુ અમેરિકા દોસ્તીનો દેખાડો કરીને પોતાના મોંઘા માલ અને સસ્તી ખેતપેદાશો આપણા માથે મારીને આપણને માત્ર એક ગ્રાહક બનાવી રાખવા માંગે છે. વચ્ચે હોર્મુઝના સંકટે બળતામાં ઘી હોમ્યું છે. આ આર્થિક વાવાઝોડામાંથી બચવા માટે આપણે કોઈ એકના ભરોસે બેસી ન શકીએ. આપણે વિદેશી માલ પાછળ આંધળી દોટ મૂકવાના બદલે ઘરઆંગણે નાના ઉદ્યોગો એટલે કે MSMEને મદદ કરીને માંગ ઊભી કરવી જ પડશે. ખેડૂતોને કાયદેસર ટેકાના ભાવ જેને આપણે MSP કહીએ છીએ તે આપીને ગામડાઓને બચાવવા પડશે. કાળા નાણાંને વિદેશ જતા રોકવા પડશે અને સૌથી મહત્વનું, આપણે આપણી પોતાની એડવાન્સ ટેકનોલોજી જાતે જ બનાવવી પડશે. જો આપણે આ પગલાં નહીં લઈએ તો ભવિષ્યમાં આપણો દેશ મહાસત્તાઓની મહેરબાની પર જ જીવતો રહેશે. અને છેલ્લે... ભીખનો કટોરો લઈને ફરતો પાકિસ્તાન દેશ અત્યારે ચર્ચામાં છે કારણ કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પની માગને ફગાવી દીધી છે. વાત એમ છે કે ટ્રમ્પે કહ્યું હતું કે તમે ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપો, તો પછી હિંમત ગણો, રાજકીય મજબૂરી ગણો કે ધાર્મિક મામલો ગણો.... પાકિસ્તાને કહી દીધું છે કે તે પોતાના પાસપોર્ટ પર ઈઝરાયલ માટે માન્ય નથી તેવું લખે છે જેનો મતલબ ચોખ્ખો એવો થાય છે કે તે પોતાની ઈસ્લામિક વિચારધારા માટે ભીખ દેનાર અમેરિકા દેશ સામે પણ વાંધો ઉઠાવી શકે છે. પણ પાકિસ્તાને તો કહેતા કહી દીધું વાત અહીં એ આવીને અટકે છે કે ટ્રમ્પ આ અપમાન ભૂલશે? ઈઝરાયલના લીધે પાકિસ્તાન અમેરિકા સામે પણ દુશ્મની કરવા કે આર્થિક રીતે બરબાદ થવા તૈયાર છે? હવે પોતાના લાડલા પ્રધાનમંત્રી અને ફેવરિટ ફિલ્ડ માર્શન સાથે ટ્રમ્પ શું કરશે તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.
(રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →