Editor's View: નર્કના દરવાજામાં 3 દિવસ રોકાશે ટ્રમ્પ:સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા; શું યુદ્ધ રોકાશે? 10 મુદ્દાથી અમેરિકાની ગરજ સમજો; ગુજરાતને પણ 3 ફાયદા

Gujarat5/12/2026, 2:30:00 PM
Editor's View: નર્કના દરવાજામાં 3 દિવસ રોકાશે ટ્રમ્પ:સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા; શું યુદ્ધ રોકાશે? 10 મુદ્દાથી અમેરિકાની ગરજ સમજો; ગુજરાતને પણ 3 ફાયદા
13થી 15મે 2026નો દિવસ ઈતિહાસના પાનાઓમાં સાદી શાહીથી નહીં પણ સુવર્ણ અક્ષરે લખાશે, આવું એટલા માટે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વનમાંથી ઉતરીને બેજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવશે. આ એ જ ટ્રમ્પ છે જેણે હમણા થોડા દિવસ પહેલા ચીનને હેલહોલ એટલે કે નર્કનો દરવાજો કહ્યું હતું એ જ ટ્રમ્પ પોતાના આકરા શબ્દો ગળીને ગરજના કારણે 3 દિવસ માટે હેલહોલમાં જઈ રહ્યા છે. આ માત્ર બે નેતાઓનું મિલન નહીં હોય પણ લગભગ ઈરાન યુદ્ધના બંધ થતા દરવાજા હોઈ શકે છે. ટ્રમ્પના મગજમાં ઈરાન યુદ્ધના કારણે બારુદ અને અમેરિકામાં વધતી મોંઘવારીના ભણકારા હશે જ્યારે તે મજબૂરીમાં માસ્ટર સ્ટ્રોક રમવા ચીન સાથે કોઈ કોલ્ડ ડિલ કરશે. શતરંજની આ બિછાત પર ચીન ખરેખર ઈરાન યુદ્ધ રોકવા માટે શાંતિદૂત બનશે કે અમેરિકાની ડિપ્લોમેટિક જાળમાં ફસાઈ જશે તે તો મીટિંગ પછી જ ખબર પડશે. માટે જ આજે આપણે વાત કરીએ 21મી સદીના સૌથી મોટા જીઓપોલિટિકલ ડ્રામાની એવી છૂપી વાતો જે આપણને કોઈ નહીં કહે. નમસ્કાર... ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળે. તેનાથી આપણે શું? તો એક ગુજરાતી તરીકે આપણે સમજવું પડે કે આ મુલાકાત આપણા માટે ખરેખર મહત્વની છે કે નહીં. આને આપણે ત્રણ મુદ્દાઓથી સમજીએ. પહેલું તો અમેરિકામાં લાખો ગુજરાતી મૂળના અમેરિકન્સ અને ભણવા ગયેલા વિદ્યાર્થીઓ રહે છે. અત્યારે યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારીમાં ફસાતું જઈ રહ્યું છે. જો ચીન અને અમેરિકા વચ્ચે કોઈ ડિલ થાય તો અમેરિકામાં મોંઘવારી ઘટી શકે અને તેનો ફાયદો ગુજરાતી મૂળના અમેરિકામાં રહેલા લોકો અને વિદ્યાર્થીઓને પણ થઈ શકે. બીજી વસ્તુ છે ધંધાની. મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, સુરતનું ડાયમંડ-ટેક્સટાઈલ માર્કેટ હોય કે ભરૂચ-અંકલેશ્વરનું કેમિકલ માર્કેટ. હોર્મુઝનું જલડમરું પર ડબલ નાકાબંધી થવાના કારણે જહાજોના ભાડાના ભાવ આસમાને પહોંચ્યા છે. જો આ મીટિંગથી ઈરાન યુદ્ધ અટકે, તો ગુજરાતના ઉદ્યોગકારોનો એક્સપોર્ટ ખર્ચ ઓછો થઈ શકે છે. ત્રીજી વાત માર્કેટની છે. જો ટ્રમ્પ અને જિનપિંગની આ મુલાકાત ઈરાન-ઈઝરાયલ યુદ્ધ રોકાવી દે તો ક્રૂડ ઓઈલના ભાવ રાતોરાત ઘટી શકે તેમ છે. અને જો આવું થાય તો આપણા શેરબજારમાં પોઝિટિવ ફાયદો થઈ શકે અને સોનાના ભાવમાં પણ ઘટાડો થઈ શકે જેનો સીધો ફાયદો આખી દુનિયાને અને ગુજરાતના ડાંગમાં બેઠેલા કોઈ વ્યક્તિને પણ થઈ શકે. ટ્રમ્પ ચીન જવા કેમ મજબૂર થયા? હવે આ મુલાકાતને સમજવા માટે આપણે એ કેઓસને સમજવો પડશે જેણે વોશિંગ્ટનને બેજિંગ જવા મજબૂર કર્યું છે. આ કોઈ સાદી સિમ્પલ વિઝિટ નથી, દુનિયાની મહાસત્તા ગણાતા બે બળિયાઓ મળી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજનીતિમાં કોઈ કોઈનું કાયમી મિત્ર નથી હોતું અને કોઈ કોઈનું કાયમી દોસ્ત નથી હોતું, બસ એક જ વસ્તુ મેટર કરે છે અને તે છે પોતાના હિતો એટલે કે પર્સનલ ઈન્ટરેસ્ટ. ટ્રમ્પ આમ તો માર્ચ મહિનામાં ચીન જવાના હતા પણ ઈરાન યુદ્ધે આખી દુનિયાને ધુણાવી નાખી. જ્યારે હોર્મુઝના જલડમરુંમાં તેલના ટેન્કર્સ ફસાયા તો ટ્રમ્પને સમજાયું કે ખાલીને ખાલી મિસાઈલ્સ ફોડીને યુદ્ધ નથી જીતી શકાતું, ઈકોનોમીને બચાવવા ડિલ્સ પણ કરવી પડે છે. જે કરવા માટે જ ટ્રમ્પ ચીન જવાના છે. ટ્રમ્પ આ મીટિંગને મોન્યુમેન્ટલ ઈવેન્ટ કહી રહ્યા છે કારણ કે 1972માં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન ચીન ગયા હતા ત્યારે ઉદ્દેશ્ય ચીનને દુનિયા માટે ખોલવાનો હતો પણ આજે 2026માં જ્યારે ટ્રમ્પ ચીન જઈ રહ્યા છે ત્યારે ઉદ્દેશ્ય અમેરિકાને આર્થિક ભીંસમાંથી કાઢવાનો છે. હવે જે સંભાવનાઓ સામે આવી રહી છે તેની વાત કરીએ કે બંને દેશો વચ્ચે શું ગુફ્તગુ થઈ શકે છે. ઈરાન યુદ્ધ બન્યું ટ્રમ્પનો માથાનો દુઃખાવો 28 ફેબ્રુઆરીએ ટ્રમ્પે યુદ્ધ કરતા તો શરૂ કરી દીધું પણ હવે તે ટ્રમ્પના ગળાનું હાડકું બની ગયું છે. જેને તે ગળી પણ નથી શકતા અને કાઢી પણ નથી શકતા. આમ તો અમેરિકાએ ઈરાનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે પણ ઈરાન અમેરિકા સામે ઘૂંટણિયે ઝુક્યું નથી. આ જ અમેરિકાને કઠી રહ્યું છે. માટે જ ટ્રમ્પ પોતે ચીન આવી રહ્યા છે. અહીં ચીનની ભૂમિકા પણ જબરદસ્ત છે. ચીન અત્યારે ઈરાનનું સૌથી મોટું આર્થિક લાઈફલાઈન છે. બેઈડુ-3 નેવિગેશન સિસ્ટમથી ચીન ઈરાનને જે ઈન્ટેલિજન્સ પૂરી પાડી રહી છે તેનાથી અમેરિકી નેવી હેરાન-પરેશાન થઈ ગઈ છે. ટ્રમ્પ જાણે છે કે જો યુદ્ધ વિરામ કરાવવો હોય તો તહેરાનનો રસ્તો બેઈજિંગ થઈને નિકળે છે. તો ઈસ્લામાબાદના ધક્કાઓ બંધ કરીએ અને ચીન બાજુ જઈએ. અર્થતંત્રના ટેબલ પર અહંકારનો ત્યાગ ટ્રમ્પની વિદેશ નીતિ હંમેશા ટ્રાન્ઝેક્શનલ એટલે કે એક હાથ સે લો અને એક હાથ સે દોવાળી રહી છે. આને આપણે એક ઉદાહરણથી સમજીએ. હમણા થોડા દિવસ પહેલા જ અમેરિકાએ તાઈવાનને 11 બિલિયન ડોલરના હથિયારો વેચવાની મંજૂરી આપી છે. આપણે જાણીએ છીએ કે તાઈવાન અને ચીન દુશ્મન છે અને અમેરિકાએ ચીનના તે જ દુશ્મનને હથિયારો આપીને મદદ કરી રહ્યા છે. ટૂંકમાં એક તરફ ટ્રમ્પ હથિયારો વેચીને પૈસા કમાઈ રહ્યા છે અને બીજી તરફ ચીન સાથે બેસીને તાઈવાન મુદ્દે ડીલ કરવા જઈ રહ્યા છે. ચીનને અમેરિકન ચિપ્સ જોઈએ છે અને અમેરિકાને ચીની બજાર અને રેર અર્થ મિનરલ્સનો કાચો માલ. આ જ ટ્રમ્પની ટ્રાન્ઝેક્શનલ ફોરેન પોલિસી છે. અમેરિકાના 2026વાળું મીડ ટર્મ ઈલેક્શન પણ નજીક જ છે અને ટ્રમ્પનો એપ્રુવલ રેટિંગ 36 ટકા પર આવી ગયો છે. અમેરિકાનો સામાન્ય માણસ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના ચીન પ્રવાસના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીના જ કટ્ટરપંથીઓ વોશિંગ્ટનમાં દેખાવો કરી રહ્યા છે, આ સંજોગોમાં ચીન સાથેની કોલ્ડ ડિલ એ ટ્રમ્પનું માસ્ટર કાર્ડ છે. ટ્રમ્પ આ બધુ ખાલી વેપાર માટે જ નહીં પણ એટલા માટે પણ કરી રહ્યા છે કે બંને દેશો એકબીજાની મજબૂરીને સ્વીકારે અને આગળ વધે. આખી રમત અમેરિકાનો બિઝનેસ બચાવવાની 2026ના પહેલા ત્રણ મહિનામાં ચીને 135 અબજ ડોલરના સેમિકન્ડક્ટર્સ ઈમ્પોર્ટ કર્યા છે. આ આંકડો કહે છે કે ચીન AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેટલી હદે ઉતાવળું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યાર સુધી H200 જેવી એડવાન્સ સેમિકન્ડક્ટર ચિપ્સ પર બેન લગાવીને બેઠું હતું, પણ હવે કેસ-બાય-કેસ મંજૂરી આપવાની તૈયારી બતાવી શકે છે. આ સિવાય એક મોટો મુદ્દો ટેરેફિનો પણ છે જે મામલે બંને દેશ વચ્ચે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે. આ એક મોટો સ્ટ્રેટેજિક ચેન્જ છે. ટ્રમ્પ જાણે છે કે જો અમેરિકન કંપનીઓ ચીનને ચિપ્સ નહીં વેચે, તો ચીન પોતાના સંસાધનો લગાવીને પોતાના દેશમાં જ સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા લાગશે. તેના કરતાં ચીનને અમેરિકન ટેકનોલોજી પર નિર્ભર રાખવું તે ટ્રમ્પની નવી ચાલ છે. બંને દેશોના ટેરિફને સાદી રીતે સમજીએ તો, જો ચીનનો 100 રૂપિયાનો માલ અમેરિકા જાય તો 30% ટેક્સ સાથે 130નો થઈ જાય છે, પણ અમેરિકાનો 100 રૂપિયાનો માલ ચીન જાય તો માત્ર 10% ટેક્સ સાથે 110નો જ થાય છે. આ ફરકના કારણે અમેરિકામાં મોંઘવારી 9.2% પહોંચી છે. જો કરાર નહીં થાય તો આ 11-12% જઈ શકે છે. ટૂંકમાં આ આખી રમત અમેરિકન અબજોપતિઓના બિઝનેસ બચાવવાની છે, કારણ કે ટ્રમ્પ સાથે લગભગ ઈલોન મસ્ક અને એપલના ટીમ કૂક પણ ચીન જઈ શકે તેવી ચર્ચાઓ છે. દેશમાં ઘટતી ટ્રમ્પની પોપ્યુલારિટી! કોઈપણ રાષ્ટ્રપતિ ત્યારે જ નરમ પડે છે જ્યારે તેની ખુરશી ડગમગતી હોય. મે 2026 માં અમેરિકામાં ગેસોલિનના ભાવ રેકોર્ડ લેવલે વધુ છે. ટ્રમ્પને ફોલો કરવાવાળા જેઓ મેક અમેરિકા ગ્રેટ અગેનના નારા લગાવતા હતા, તેઓ હવે મેક ગેસોલિન ચીપર અગેનની માંગ કરી રહ્યા છે. ચીન જઈને મોટા ઓર્ડર્સ લાવવા અને ઈરાન યુદ્ધમાં વિરામની જાહેરાત કરવી, એ ટ્રમ્પ માટે 2026ની ચૂંટણી જીતવાની નવી ફોર્મ્યુલા હોઈ શકે છે. એટલે જ આ મુલાકાતમાં ટ્રમ્પ એક ખુંખાર નેતા તરીકે નહીં, પણ એક ટોપ લેવલના સોદાબાજ તરીકે ચીન જઈ રહ્યા છે. અમેરિકાનું ચીન તરફ ખસવું ભારત માટે લાલબત્તી ટ્રમ્પની ચીન સાથે કોઈ કોલ્ડ ડીલ થાય તો તે ભારત માટે જરા પણ મીઠી ખબર નથી. 2026માં ભારતની વિદેશ નીતિ અને ઈકોનોમી એકસાથે અનેક મોરચે લડી રહ્યા છે. સૌથી મોટો આંચકો ટ્રમ્પ સરકારે ભારત પર થોપેલા ટેરિફનો છે. આ એક એવો વળાંક છે જ્યાં અમેરિકા ફર્સ્ટ નીતિ ભારતની સ્ટ્રેટિજિક ઓટોનોમી સાથે સીધી ટકરાઈ રહી છે. અમેરિકાની ભારત સામેની નારાજગીનું મેઈન કારણ સતત રશિયનથી થતી તેલની ખરીદી હતું. 2026ના મધ્ય સુધીમાં, જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે તેલના ભાવ આસમાને છે, ત્યારે ભારતે રશિયા સહિત અનેક દેશો પાસેથી સસ્તું તેલ લેવાનું ચાલુ રાખ્યું છે. ટ્રમ્પ આને અમેરિકન હિતોની વિરુદ્ધ ગણે છે. આ ટેરિફ ભારતીય આઈટી, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટર માટે મોટું જોખમ છે. ચીન સાથે જ્યારે ટ્રમ્પ ટેરિફ ઘટાડવાની વાત કરે છે અને ભારત પર વધારે છે, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે 2026માં મિત્રતા કરતાં આર્થિક વફાદારી વધુ મહત્વની બની ગઈ છે. ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પની મધ્યસ્થીનો વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં 2025-26માં આવેલું ટેન્શન આ ગ્લોબલ ડ્રામાનો એક મહત્વનો હિસ્સો છે. 22 એપ્રિલ 2025ના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે મે 2025માં ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતે આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પોતાના અંગત પ્રયાસોથી દક્ષિણ એશિયામાં યુદ્ધ અટકાવ્યું છે. ભારતે ક્યારેય નથી માન્યું કે ટ્રમ્પના કહેવાથી તેણે અમેરિકા સામેની કાર્યવાહી અટકાવી પણ ચીન જઈને ટ્રમ્પ જ્યારે પાકિસ્તાન દ્વારા કરાયેલી ઈરાન-યુએસ યુદ્ધવિરામની મધ્યસ્થીના વખાણ કરે છે, ત્યારે ભારતની મુશ્કેલી વધી શકે છે. ચીન અને પાકિસ્તાન અત્યારે મિડલ ઈસ્ટના સંકટમાં અમેરિકા માટે ગેટવે બની રહ્યા છે, જેનાથી ભારતની સ્ટ્રેટેજિક વેલ્યૂ અમેરિકાની નજરમાં થોડી ઓછી થતી દેખાય છે. ચીન અમેરિકા સામે તાઈવાન અને સાઉથ ચાઈના સીનું પત્તું ખોલશે? ટ્રમ્પની વિદેશ નીતિમાં હવે લોકશાહી કે આઈડિયોલોજીનું કોઈ સ્થાન નથી, ત્યાં માત્ર લેણદેણ છે. તાઈવાન મામલે ટ્રમ્પનું વલણ 2026માં સ્પષ્ટપણે બદલાયું છે. તેઓ તાઈવાનને સુરક્ષા માટે પ્રીમિયમ ચૂકવવા દબાણ કરી રહ્યા છે. બેઇજિંગમાં યોજાનારી મંત્રણામાં એક એવી સંભાવના છે જેને જીઓપોલિટિકલ એક્સપર્ટ ગ્રાન્ડ બાર્ગેન એટલે કે ઐતિહાસિક સોદો કહી રહ્યા છે. ચીનની ઓફર હોઈ શકે છે કે ઈરાન પર દબાણ લાવીને અમેરિકન તેલ પુરવઠો સિક્યોર કરવો અને યુદ્ધ રોકાવી દેવું. સામેની બાજુ અમેરિકા તાઈવાન મામલે ચીનના લાલ ડોળા સામે આંખ આડા કાન કરી શકે છે અથવા હાઈટેક પ્રતિબંધોમાં મોટી રાહત આપી શકે છે. જો આવું કરીને ચીન અમેરિકાને એક જગ્યાએ મદદ કરે તો અમેરિકા બીજી જગ્યાએ ચીનને મોકળું મેદાન પણ આપી શકે છે. આ સ્થિતિ જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશો માટે માથા પર કરચલી વધારવા જેવી છે, કારણ બની શકે કે ટ્રમ્પ પોતાના ફાયદા માટે પ્રશાંત મહાસાગરની સુરક્ષા સાથે બાંધછોડ પણ કરી શકે. ચીનનો દુનિયા પર વધતો દબદબો મે 2026 સુધીના ડેટા પર નજર કરીએ તો એક વિચિત્ર સ્થિતિ જોવા મળે છે. એકબાજુ ટેરિફ વોર છે, અને બીજી બાજુ ચીનની ઈમ્પોર્ટ 27.8% વધીને 269.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ દર્શાવે છે કે દુનિયા ગમે તેટલી કોશિશ કરે, ચીનથી અલગ થવું તેમને પોસાશે નહીં. ચીને 2026ના પહેલા જ ત્રણ મહિનામાં 135 અબજ ડોલરના સેમિકન્ડક્ટર્સ ઈમ્પોર્ટ કર્યા છે. આ એક ટેક-હંગર છે જે ટ્રમ્પ જાણે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે H200 ચિપ્સના વેચાણ માટે જે કેસ-બાય-કેસ મંજૂરી આપી રહ્યું છે, તે હકીકતમાં અમેરિકન ટેક કંપનીઓના નફાને બચાવવાનો પ્રયાસ છે. ચીની કંપની Nexperia સાથેની સમજૂતી આ જ રમતનો ભાગ છે. ચીન હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નથી, પણ AI અને સેમિકન્ડક્ટરનું સૌથી મોટું ગ્રાહક પણ છે. મિથેન ફોર મિનરલ્સ આ મુલાકાતનો એક સૌથી છુપાયેલો એજન્ડા એનર્જી ટ્રાન્ઝિશન હોઈ શકે છે. ટ્રમ્પ પોતે ઓઈલ લોબીમાં માનવાવાળા છે, જ્યારે ચીન દુનિયાનું ગ્રીન એનર્જી જાયન્ટ છે. 2026માં બંને દેશો વચ્ચે મિથેન ફોર મિનરલ્સ ફ્રેમવર્ક પર ચર્ચા થઈ જાય તો નવાઈ ન કહેવાય. આ સમીકરણ સમજો ટ્રમ્પ આ મિનરલ્સના બદલામાં ચીનને અમેરિકન એનર્જી આપવા માંગે છે. જો આ ડીલ થાય, તો તે 2026ની સૌથી મોટી આર્થિક ક્રાંતિ હશે. તેનાથી અમેરિકામાં મોંઘવારી ઘટશે અને ચીનને તેની ઉર્જા જરૂરિયાતો માટે ઈરાન પર ઓછી નિર્ભર રહેવું પડશે. મોદી-શી ટિંજિન મુલાકાત અમેરિકા અને ચીનને નજીક આવતા જોઈને ભારતે પણ પોતાની વિદેશ નીતિની વ્યૂહાત્મક ચાલ બદલી છે. ગયા વર્ષે જ ટિંજિનમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે જે મુલાકાત થઈ, તે ભારતની બેલેન્સિંગ એક્ટ છે. ભારત સમજી ગયું છે કે જો 2026માં અમેરિકા પોતાના હિતો માટે ચીન સાથે સોદો કરી શકતું હોય, તો ભારતે પણ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર શાંતિ સ્થાપીને આર્થિક મોરચે ધ્યાન આપવું જોઈએ. ભારત અત્યારે સ્ટ્રેટેજિક ઓટોનોમીના નવા મોડલ પર કામ કરી રહ્યું છે, જ્યાં તે અમેરિકાનો સાથી તો છે, પણ તેની શરતો પર નહીં. આઈડિયોલોજીનો એન્ડ ને ડિલનો જમાનો ટ્રમ્પની ચીન મુલાકાત એ માત્ર બે રાષ્ટ્રો વચ્ચેની સમજૂતી નથી, પણ તે 21મી સદીના વૈશ્વિક રાજકારણમાં આઈડિયોલોજીના અંતની ઓફિશિયલી જાહેરાત છે. અત્યાર સુધી અમેરિકા લોકશાહીના રક્ષક તરીકે ચીન સામે ઉભું રહેતું હતું, પરંતુ હવે સમીકરણો બદલાયા છે. ટ્રમ્પનું વલણ હવે સ્પષ્ટ છે: જો કોઈ દેશ અમેરિકાના આર્થિક હિતોને પોષે છે, તો તેની રાજકીય વ્યવસ્થા કે માનવ અધિકારો ગૌણ બની જાય છે. આ મુલાકાત દરમિયાન સાઉથ ચાઈના સીમાં ચીનની હિલચાલ સામે ટ્રમ્પનું મૌન એ આર્થિક બાર્ગેનિંગનો ભાગ બની શકે છે. ઈરાન પાસે યુદ્ધ રોકાવવાના બદલ ચીનને સાઉથ ચાઈના સમુદ્રી વિસ્તારમાં ફ્રી પાસ મળવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ એક એવી ખતરનાક રમત છે જ્યાં નાના રાષ્ટ્રો અમેરિકાના બદલાતા વલણને કારણે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. માત્ર આટલું જ નહીં CSIS ના એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ મુલાકાતથી ટ્રમ્પ અને શી જિનપિંગ દુનિયાને એ મેસેજ આપવા માંગે છે કે, અમે ભલે દુશ્મન હોઈએ, પણ ભીંસ પડે ત્યારે અમે એકબીજાના દોસ્ત બનીને એકબીજાને મેનેજ પણ કરી શકીએ છીએ. અને છેલ્લે... CBS ન્યૂઝે એક રિપોર્ટ બહાર પાડીને ધડાકો કર્યો છે કે પાકિસ્તાને અમેરિકા-ઈરાન યુદ્ધ સમયે ઈરાનના વિમાનોને પોતાના નૂર ખાન બેઝ પર છૂપાવવા માટે જગ્યા આપી હતી. આ એ જ પાકિસ્તાન છે જેના પર ભરોસો રાખીને અમેરિકા ઈરાન સાથે મીટિંગ કરવા એક ટેબલ પર બેસવા તૈયાર હતું. જો કે પાકિસ્તાને અંતે પીઠ પાછળ છૂરો ભોંકી પોતાની અસલિયત સાબિત કરી દીધી. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →