Editor's View: પેટ્રોલ-ડીઝલમાં લૂંટનો ખેલ:યુદ્ધનાં બહાને વસૂલીનો કારસો, પ્રજાનો ખો અને ઓઇલ કંપનીઓને બખ્ખાં, જાણો મોદી સરકારનાં રોદાણાંનું સત્ય

Gujarat5/27/2026, 2:25:00 PM
Editor's View: પેટ્રોલ-ડીઝલમાં લૂંટનો ખેલ:યુદ્ધનાં બહાને વસૂલીનો કારસો, પ્રજાનો ખો અને ઓઇલ કંપનીઓને બખ્ખાં, જાણો મોદી સરકારનાં રોદાણાંનું સત્ય
કોરોનાના ટાઈમમાં એરોપ્લેન, કાર, ટુવ્હીલર બધું જ બંધ હતું, જેના લીધે અત્યારે જે 97-99 ડોલરે ક્રુડ ઓઈલનું બેરલ મળે છે તે 42-44 ડોલરે મળતું હતું. આમ જોવા જઈએ તો ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની જરૂર હતી પણ ઘટ્યા ન હતા. ત્યારથી લઈને 2026 સુધીમાં ખાલી રશિયા-યુક્રેન યુદ્ધના સમયે જ ક્રુડ ઓઈલના ભાવ વધ્યા, બાકી ભાવ રેન્જમાં જ હતા. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા નહીં અને લોકોના ખિસ્સામાંથી રૂપિયા ખેંચીને સરકારે અને ઓઈલ કંપનીઓએ દબાવીને નફો કર્યો. હવે જ્યારે જનતા તકલીફમાં છે ક્રુડ ઓઈલના ભાવ મોંઘા છે અને ઓઈલ કંપનીઓને ખોટ ખાવાનો વારો આવ્યો ત્યારે એવો નેરેટિવ ચલાવવામાં આવ્યો કે ઓઈલ કંપનીઓને તો રોજ 1600 કરોડની ખોટ આવે છે. આટલા વર્ષોમાં ક્યારેય સાંભળ્યું છે કે 1600 કરોડથી વધારેનો ઓઈલ કંપનીઓને રોજ નફો થાય છે? માટે જ આજે સાદી રીતે સમજીએ આટલા વર્ષોમાં સરકાર અને ઓઈલ કંપનીઓએ કેટલી નફાખોરી કરી અને ખોટ ખાવાનો આવ્યો ત્યારે જનતા પર ભાવ વધારાનો બોજો નાખી દીધો કાળી ગણતરીની. નમસ્કાર... તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મે 2026ના મહિનામાં માત્ર ચાર અઠવાડિયાની અંદર જ કાચા તેલનો ભાવ $70 પ્રતિ બેરલથી ઉછળીને સીધો $122 પર પહોંચી ગયો. એટલે કે સીધો 75 ટકાનો તોતિંગ વધારો! જો કે આજે ફરી તે ઘટીને 97-99 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયું અને તેલ-ગેસ સપ્લાઈ ખોરવાઈ, જેના લીધે ક્રુડ ઓઈલની તંગી ઉભી થઈ અને તેલના બેરલના ભાવ વધ્યા. આ સાથે જ સરકારી ઓઇલ કંપનીઓએ રોદણાં રડવાનું શરૂ કરી દીધું. કંપનીઓએ દાવા કર્યા કે... હવે આ કટોકટી જોઈને ભારત સરકારે 27 માર્ચ 2026ના રોજ એક મોટો નિર્ણય લીધો. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા ટેક્સ જેને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી કહેવાય છે તેમાં પ્રતિ લિટર ₹10 નો ઘટાડો કરી દીધો. સરકારના આદેશ પ્રમાણે પેટ્રોલ પર ટેક્સ ₹13 થી ઘટાડીને સીધો ₹3 કરી દેવાયો અને ડીઝલ પરનો ₹10 નો ટેક્સ સાવ શૂન્ય કરી દીધો. હવે આમાં આપણે ઘટાડો-ઘટાડો જ સંભળાય છે તો લોકોને શું સમજાય? જો સરકારે ટેક્સ ઘટાડ્યો હોય, તો પેટ્રોલ પંપ પર જનતાને પેટ્રોલ સસ્તું મળવું જોઈએ, સાચું ને? પણ અહીં જ સૌથી મોટો ખેલ થયો છે. આ ટેક્સ ઘટાડાનો એક રૂપિયાનો પણ ફાયદો સામાન્ય ગ્રાહકને મળ્યો નથી. પેટ્રોલ પંપ પર તો ભાવ એના એ જ રહ્યા. સરકારે જે ટેક્સ ઘટાડ્યો, એ બધેબધો સીધો ઓઇલ કંપનીઓના ખિસ્સામાં તેમની ખોટ પૂરી કરવા માટે વાળી દેવાયો. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ને જનતાનું સીધું શોષણ આ આખી રમત ખરેખર સમજવા માટે થોડા વર્ષો પાછળ જવું પડશે. વર્ષ 2017માં સરકારે ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ શરૂ કરી. નામ મોટું દર્શન ખોટા. એ વખતે એવું કહેવાયેલું કે હવે રોજેરોજ પેટ્રોલના ભાવ નક્કી થશે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ સસ્તું થશે, તો તરત જનતાને સસ્તું પેટ્રોલ મળશે અને મોંઘુ થશે તો મોંઘુ મળશે. બધું એકદમ કાચ જેવું પારદર્શક! પણ સાહેબ, આંકડાઓ કહે છે કે જ્યારે આ જ ક્રૂડ ઐતિહાસિક રીતે સાવ પાણીના મૂલે મળતું હતું, ત્યારે આ ડાયનેમિક સિસ્ટમના નિયમો જનતા માટે ક્યાં ચારો ચરવા ગયા હતા? આ આખી સિસ્ટમ એક સ્પોન્જ જેવી છે. ઘરે પાણી ઢોળાય ને આપણે સ્પોન્જ મૂકીએ એટલે એ બધું પાણી શોષી લે. બસ આવું જ કંઈક આ બાબતમાં થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થાય છે, ત્યારે ફાયદાનું જે પાણી ઢોળાય છે, તેને સરકાર અને ઓઇલ કંપનીઓ મોટો સ્પોન્જ બનીને પી જાય છે. જનતા સુધી રાહતનું એક ટીપું પણ નથી પહોંચવા દેતા. પણ સાહેબ, જ્યારે દુનિયામાં ભાવ વધે અને મુશ્કેલીનો સમય આવે, ત્યારે આ જ સ્પોન્જને નીચોવીને બધો જ આર્થિક ભાર તમારા અને મારા જેવા મધ્યમવર્ગના ખિસ્સા પર નાખી દેવામાં આવે છે. આપણે વર્ષ 2019થી લઈને અત્યાર સુધીના આંકડા તપાસીએ તો ખબર પડે છે કે ભારતમાં આ પ્રાઇસિંગ સિસ્ટમ ફ્રી માર્કેટ માટે નથી બની. આ તો માત્ર ને માત્ર સરકારની આવક અને મોટી કંપનીઓનો નફો વધારવા માટેનું એક હથિયાર બની ગઈ છે. જનતાના હિત સાથે આ સિસ્ટમને કોઈ જ લેવાદેવા નથી, તે વાત હવે છૂપી રહી નથી. હવે પછીના ભાગમાં આપણે સમજીશું કે ખરેખર પેટ્રોલનો આ ભાવ નક્કી કઈ રીતે થાય છે અને તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયા સીધા ટેક્સમાં જાય છે. પેટ્રોલના ભાવનું અસલી ગણિત શું છે? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો વેપાર બેરલમાં થતો હોય છે. આ એક બેરલ એટલે આશરે 159 લિટર જેટલું કાચું તેલ. વિદેશમાંથી આ કાચું તેલ દરિયાઈ રસ્તે આપણા દેશની મોટી રિફાઇનરીઓમાં આવે. ત્યાં તેને સાફ કરીને તેમાંથી પેટ્રોલ અને ડીઝલ અલગ કરવામાં આવે છે, અને પછી મોટા ટેન્કરોથી તમારા ગામના કે શહેરના પેટ્રોલ પંપ સુધી પહોંચે છે. હવે બરાબર સમજજો કે તમે પંપ પર જઈને ₹100ની કડકડતી નોટ આપી, તો એ 100 રૂપિયા જાય છે ક્યાં? એટલે સીધો હિસાબ એ છે કે, તમે જે ₹100 ચૂકવો છો, એમાંથી 45થી 50 રૂપિયા તો સીધા જ કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરીમાં માત્ર ને માત્ર ટેક્સના નામે જતા રહે છે. અડધો ભાગ તો સરકાર જ લઈ જાય છે! રાજ્યો વચ્ચે ટેક્સની લૂંટમાં મોટી હરીફાઈ હમણાંનો જ તાજો દાખલો લઈએ. અત્યારે મે 2026નો સમય ચાલી રહ્યો છે અને આપણા પોતાના અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹101.83 ની આસપાસ પહોંચી ગયો છે. તમે ખાલી વિચાર કરો, ખાલી 11 દિવસમાં જ પેટ્રોલમાં સાત રૂપિયા અને ડીઝલમાં પોણા આઠ રૂપિયાના વધારાનો ઝાટકો આપી દીધો. આટલો મોટો વધારો સામાન્ય માણસ કઈ રીતે સહન કરે? આની પાછળ માત્ર આંતરરાષ્ટ્રીય ભાવ જ નહીં પણ અલગ-અલગ સરકારોનો ભારેખમ ટેક્સ પણ જવાબદાર છે. આપણા ગુજરાતમાં અત્યારે પેટ્રોલ પર 13.7 ટકા બેઝિક વેટ અને બીજા 4 ટકા સેસ લાગે છે. દિલ્હીવાળા તો 19 ટકાથી પણ વધુ ટેક્સ વસૂલે છે. અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ તો હદ જ કરી નાખી છે! ત્યાં 31 ટકા વેટ છે અને ઉપરથી બીજા 4 રૂપિયાનો અલગથી ચાર્જ લેવાય છે. એટલે કુલ ટેક્સ 35 ટકાની નજીક પહોંચી જાય. સરકાર બહુ સારી રીતે જાણે છે કે ભાવ ભલે ગમે તેટલા વધશે, પણ લોકો તો પેટ્રોલ પુરાવવાનું બંધ કરી શકવાનો નથી. ખેડૂતને ટ્રેક્ટર ચલાવવું હોય કે મિડલ ક્લાસના વ્યક્તિને નોકરી-ધંધે જવું હોય તો બાઈક કે ગાડીમાં ઈંધણ તો નાખવું જ પડે. કોરોના કાળની કાળી લૂંટનો ખુલાસો કોરોના વખતે આખી દુનિયામાં લોકડાઉન લાગેલું હતું. રસ્તા પર ગાડીઓ બંધ હતી, ફેક્ટરીઓ બંધ હતી અને પ્લેન ઉડતા બંધ થઈ ગયા હતા. જેના લીધે ઈન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કોઈ માંગ જ ન હતી અને ભાવ સાવ ઐતિહાસિક તળિયે જતા રહ્યા હતા. સરેરાશ ભાવ માંડ $40 થી $44 પ્રતિ બેરલ આસપાસ થઈ ગયો હતો. સરકારની ડાયનેમિક પ્રાઇસિંગ સિસ્ટમ માનવા જઈએ તો કોરોના સમયે પેટ્રોલ ઘટીને 50 થી 60 રૂપિયે લિટર મળવું જોઈતું હતું. કોરોનામાં માણસોના ધંધા-રોજગાર બંધ હતા, ખિસ્સા ખાલી હતા, લોકોને બે પૈસાની રાહતની સખત જરૂર હતી. પણ હકિકતમાં શું થયું? સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને જનતાને રાહત આપવાને બદલે રાતોરાત પોતાના ટેક્સમાં મસમોટો વધારો ઝીંકી દીધો! સસ્તા તેલનો બધો ફાયદો સરકારી તિજોરીમાં કોરોનાના એ સમયમાં સરકારે પેટ્રોલ પરનો પોતાનો ટેક્સ એટલે કે એક્સાઇઝ ડ્યૂટી ₹19.98થી વધારીને સીધો ₹32.98 કરી દીધો. અને ડીઝલ પર તો સીધો ડબલ જ કરી નાખ્યો! ₹15.83 થી વધારીને સીધો ₹31.83. જેના લીધે થયું એવું કે પેટ્રોલ પંપ પર ભાવ તો ₹80 ની આસપાસ જ રહ્યા, પણ ઈન્ટરનેશનલ બજારમાં તેલ સસ્તું હોવાથી જે મોટો નફો થતો હતો, એ બધેબધો સરકાર પોતાની તિજોરીમાં ખેંચી ગઈ. સરકારી આંકડા જોઈએ તો મગજ કામ કરતું બંધ થઈ જાય. વર્ષ 2019-20માં સરકારને પેટ્રોલ-ડીઝલ વેચીને અંદાજે લગભગ 2.23 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. પણ કોરોનાના એ કપરા કાળમાં, જ્યારે લાખો લોકો બેરોજગાર હતા, વાહનો ઓછા ચાલતા હતા, ત્યારે પણ સરકારની આ જ ટેક્સની આવક સીધી ઉછળીને 3.84 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ! રાજ્યોની કમાણી પણ બે લાખ કરોડને પાર હતી. બધું ભેગું કરીએ તો 6.72 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ ભેગા કરી લીધા. રશિયા-યુક્રેન યુદ્ધ: ચૂંટણી ટાણે ભાવ ઓછા પછી ઉઘાડી લૂંટ કોરોનાથી લઈ 2026માં ઈરાન યુદ્ધ ચાલ્યું ત્યાં સુધીમાં પેટ્રોલ ડીઝલની પ્રાઈઝમાં મોટો ઉછાળો ખાલી રશિયા યુક્રેન યુદ્ધ સમયે 2022માં જ આવ્યો હતો. ત્યારથી તો ક્રુડ ઓઈલના ભાવ ઓછા જ હતા. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું એટલે દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળ્યા. બ્રેન્ટ ક્રૂડ ધીમે ધીમે 130 થી 140 ડોલર સુધી પહોંચી ગયું. નિયમ પ્રમાણે તો પેટ્રોલ 120 કે 130 રૂપિયે મળવું જોઈતું હતું. પણ ત્યારે શું થયું? યુપી સહિત મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. એટલે પંપ પર ભાવ ન વધ્યાં, સળંગ સો દિવસથી વધુ સમય સુધી કંપનીઓએ ભાવ ન વધાર્યા અને કાગળ પર મોટી ખોટ બતાવી દીધી. ચૂંટણીઓ પૂરી થઈ અને પછી આખી બાજી પલટાઈ ગઈ. પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા. આ તકનો લાભ લઈને ભારતે રશિયા પાસેથી સાવ સસ્તા ભાવે, મોટા ડિસ્કાઉન્ટમાં કાચું તેલ ખરીદવાનું ચાલુ કર્યું. પરિણામ એ આવ્યું કે વર્ષ 2023-24 આવતા સુધીમાં તો ભારતને સરેરાશ 75-80 ડોલરના સસ્તા ભાવે ક્રૂડ મળવા લાગ્યું. હવે ફરી પાછો પેલો ડાયનેમિક પ્રાઇસિંગ નો નિયમ યાદ કરો. તેલ સસ્તું થયું, તો પંપ પર તમારા માટે ભાવ ઘટવા જોઈતા હતા ને? પણ ના, ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક પણ રૂપિયાનો ઘટાડો ન કર્યો. એમણે એક જ રોદણું ચાલુ રાખ્યું કે ભાઈ, પેલા ચૂંટણી વખતના મોંઘા તેલની જે જૂની ખોટ ગઈ છે ને, એ અમે અત્યારે આ સસ્તા તેલથી સરભર કરીએ છીએ. 81,000 કરોડનો નફો: તેલ કંપનીઓની લીલા લહેર આ ખોટ સરભર કરવાના નામે કેવો મોટો ખેલ થયો તેને આંકડાઓથી સમજો તમે બરાબર વિચાર કરો! સામાન્ય દિવસોમાં આ કંપનીઓ માંડ 39 હજાર કરોડ કમાતી. પણ તમારી પાસેથી પેટ્રોલના 100 રૂપિયા વસૂલી વસૂલીને, સસ્તા રશિયન તેલનો બધો જ ફાયદો પોતાના ખિસ્સામાં નાખીને એમણે સળંગ સાત ક્વાર્ટર સુધી રેકોર્ડબ્રેક નફો કર્યો! જ્યારે સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાતો હતો, ત્યારે આ કંપનીઓના માલિકો અને રોકાણકારો લીલા લહેર કરતા હતા. પછી જ્યારે માર્ચ 2024ની લોકસભા ચૂંટણીઓ બરાબર માથા પર આવી, ત્યારે જનતાને રાજી કરવા પંપ પર માત્ર 2 રૂપિયાનો ઘટાડો આપી દીધો. 81,000 કરોડના તોતિંગ નફા સામે આ 2 રૂપિયાનો ઘટાડો તો જાણે નાના છોકરાને પકડાવેલી લોલીપોપ જેવો જ હતો. ઈરાન યુદ્ધઃ ફરી ખોટનું નાટક શરૂ આ ખેલ માત્ર ત્યાં જ નથી અટક્યો. આપણે અત્યારની વાત કરીએ. વર્ષ 2025-26ની શરૂઆતમાં પણ કંપનીઓએ આ જ રીતે નફો કમાવવાનું ચાલુ જ રાખ્યું હતું. માત્ર નાણાકીય વર્ષ 2025-26ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રણ જ મહિનામાં આ ત્રણ કંપનીઓનો નફો બમણો થઈને ₹23,743 કરોડ થઈ ગયો હતો. આવી રીતે નવ મહિનાનો કુલ નફો ગણીએ તો એ આશરે 77 હજાર કરોડ રૂપિયા જેટલો થવા જાય છે. પણ આટલો બધો અબજો રૂપિયાનો નફો કમાઈ લીધા પછી, અત્યારે જ્યારે મે 2026માં ઈરાન અને અમેરિકાના માથાકૂટના લીધે ક્રૂડ પાછું 100 ડોલર પાર થઈ ગયું, ત્યારે આ કંપનીઓ પાછી આપણી સામે ખોટની બૂમો પાડીને રોદણા રોવા લાગી છે. રાતોરાત એવા દાવા થવા માંડ્યા કે કંપનીઓને પેટ્રોલ પર ₹26 અને ડીઝલ પર ₹81.90 ની રોજની ખોટ થઈ રહી છે, જે રોજનું અંદાજે 1600થી 2400 કરોડનું નુકસાન છે. વિપક્ષના નેતાઓ મનીષ તિવારી અને માણિકમ ટાગોરે પણ આ જ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે તમે પાછલા બે વર્ષમાં 81 હજાર કરોડ અને 77 હજાર કરોડ જેવા ગગનચૂંબી નફા કર્યા, તો એ પૈસા ક્યાં ગયા? મોંઘવારીના આ કપરા સમયમાં તમે એ નફામાંથી ગ્રાહકોને રાહત કેમ નથી આપતા? અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે કે જ્યારે તમે આટલો મોટો પ્રોફિટ કરો છો, ત્યારે તે નાણાં કોઈ અનામત ફંડમાં રાખવા જોઈએ. જેથી જ્યારે બજારમાં ખરાબ સમય આવે ત્યારે જનતા પર ભાવ વધારો ઝીંકવાને બદલે એ ફંડમાંથી રાહત આપી શકાય. પણ અહીં તો ગંગા ઊલટી જ વહે છે. સસ્તું તેલ આવે ત્યારે કંપનીઓ પોતાનું ખિસ્સું ભરે, સરકાર ટેક્સ વધારે અને જ્યારે મોંઘુ તેલ આવે ત્યારે બધો જ બોજ સામાન્ય સ્કૂટર કે ગાડી ચલાવતા નોકરિયાત અને ખેડૂતોના માથે થોપી દેવામાં આવે છે. વિકાસની ઢાલ અને કોર્પોરેટ નફાનો અસલી ખેલ હવે જ્યારે પણ આપણે સરકાર કે મંત્રીઓને સવાલ પૂછીએ છીએ કે સાહેબ, તમે પેટ્રોલ પર આટલો બધો ટેક્સ કેમ લો છો? ત્યારે સરકારના અર્થશાસ્ત્રીઓ હંમેશા એક સ્ક્રિપ્ટેડ, સરખો અને રૂડો બચાવ કરતા હોય છે કે "આ દેશમાં નવા હાઇવે, મોટા એક્સપ્રેસ-વે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા આખરે આવશે ક્યાંથી? અમે તમારી પાસેથી જે ટેક્સ લઈએ છીએ તે પૂરેપૂરો દેશના લાંબા ગાળાના વિકાસ માટે જ વપરાય છે." જો કે તે એકરીતે સાચી વાત પણ છે કારણ કે લોકોએ સરકારો એટલા માટે જ ચૂંટી હોય છે. પણ શક્ય હોય એટલી તો લોકોને છૂટ મળવી જ જોઈએ ને એ પણ સરકારની જ જવાબદારીઓ હોય છે. નાણાકીય વર્ષ 2025-26ના બજેટની જ વાત કરીએ તો માત્ર રસ્તાઓ અને પરિવહન માટે આશરે ₹2.87 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં આપણા નેશનલ હાઇવે નેટવર્કમાં 61 ટકાનો મસમોટો વધારો પણ જોવા મળ્યો છે. વિકાસ અત્યંત જરૂરી છે અને તેમાં કોઈ બેમત હોઈ જ ના શકે. પણ સાહેબ, અહીંયા એક મૂળભૂત અને કડવો આર્થિક સવાલ ઉઠે છે: શું આખા રાષ્ટ્રના વિકાસનો બોજ માત્ર ને માત્ર મિડલ ક્લાસના ટૂ-વ્હીલર અને ખેડૂતના ટ્રેક્ટર પર જ નાખવાનો? શું દેશની આર્થિક પ્રગતિની મોટી કિંમત માત્ર સામાન્ય રોજનું કમાવીને પેટીયું રળનાર પાસેથી જ ચૂકવવાની? આવી કટોકટીમાં પણ મોટી ખાનગી કંપનીઓ અંદાજે 35 ટકા જેટલો માલ વિદેશ મોકલીને નફો કમાવી રહ્યા છે તેની પાસેથી ઉઘરાણી નહીં કરવાની? ત્યારે કેમ સરકાર ચૂપ થઈ જાય છે? શું આ એકરીતે દેશદ્રોહ ના કહેવાય? વાત છે સપ્ટેમ્બર 2019ના સમયગાળાની. સરકારે અર્થતંત્રને મોટી ગતિ આપવાના નામે દેશની વિશાળ કોર્પોરેટ કંપનીઓના ટેક્સમાં તોતિંગ અને ઐતિહાસિક ઘટાડો કરી દીધો હતો. સરકારના નાણા મંત્રાલયના પોતાના આંકડાઓ જ સાક્ષી પૂરે છે કે આ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાને કારણે સરકારી તિજોરીને એક જ વર્ષમાં આશરે ₹1.45 લાખ કરોડનું જંગી નુકસાન સહન કરવું પડ્યું હતું! હવે આ રાજકોષીય ખાડો પૂરવો ક્યાંથી? બસ, આ જ મોટો ખાડો પૂરવા માટે સરકારે એક રસ્તો કાઢ્યો. વર્ષ 2020માં જ્યારે આંતરરાષ્ટ્રીય તેલ સસ્તું હતું, ત્યારે સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો એક્સાઇઝ ટેક્સ બેફામ વધારી દીધો. પેટ્રોલિયમ પેદાશોમાંથી સરકારને જે ₹1.50 લાખ કરોડની વધારાની કમાણી ઊભી થઈ, તે સીધી જ પેલી મોટી કંપનીઓના ટેક્સ કાપને સરભર કરવામાં વાપરી નાખવામાં આવી. જે રૂપિયા પણ પ્રજાના ટેક્સમાંથી જ ગયા. આને સાવ સાદી રીતે સમજીએ તો મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવા માટે સરકારે સામાન્ય માણસના ખિસ્સામાંથી પેટ્રોલ ટેક્સના બહાને નાણાં કાઢી લીધા. આને આર્થિક સમાનતા કઈ રીતે કહેવાય? ટોલ ટેક્સ અને સેસની બેવડી જાળમાં ગ્રાહકો આ ટેક્સની લૂંટ માત્ર અહીં જ પૂરી નથી થતી. તમે પેટ્રોલ ભરાવો ત્યારે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસના નામે પૈસા તો ચૂકવો જ છો. વર્ષ 2026-27 ના સમયગાળામાં સરકાર આ એકલા સેસથી જ અંદાજે લગભગ ₹46,930 કરોડ ઉઘરાવવાની તૈયારીમાં છે. પણ તમે જ્યારે આ જ મોંઘુ પેટ્રોલ પૂરાવીને સરકારે બનાવેલા નવા એક્સપ્રેસ-વે પર જાવ, એટલે પાછો તમારે હજારો રૂપિયાનો ટોલ ટેક્સ તો અલગથી ભરવાનો જ! આ તો જાણે ભારતનો સામાન્ય નાગરિક ચારે બાજુથી નીચોવતો હોય તેવી ત્રિમોરચે ટેક્સ સિસ્ટમ બની ગઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપાળા નામે આ એક ટેક્સની મજબૂત જાળ છે. ડાયનેમિક પ્રાઇસિંગ એ માત્ર ને માત્ર સરકાર અને કંપનીઓનો એક મોટો આર્થિક ભ્રમ છે. જ્યારે ક્રૂડના ભાવ ઘટે છે, ત્યારે સરકાર પોતાનો ટેક્સ વધારે છે અને સરકારી કંપનીઓ ઐતિહાસિક નફો પોતાના ખિસ્સામાં નાખે છે. અને જ્યારે બજારમાં ભાવ વધે છે, ત્યારે એનો બધો બોજ રાતોરાત આપણા માથે નાખી દેવાય છે. આ એકતરફી અને અન્યાયી ચક્રવ્યૂહમાંથી સામાન્ય જનતાને બહાર કાઢવાનો એકમાત્ર અને સીધો રસ્તો છે: પેટ્રોલ અને ડીઝલને GSTના સમાન દાયરામાં તાત્કાલિક લાવવા. આજે પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો ભેગી મળીને 50 ટકાથી વધુ ટેક્સ વસૂલી રહી છે. જો સરકાર ખરેખર જનતાનું ભલું ઈચ્છતી હોય અને પેટ્રોલને GST ના સૌથી ઊંચા એટલે કે 28 ટકાના સ્લેબમાં પણ મૂકી દે, તો પણ દેશભરમાં પેટ્રોલના ભાવમાં સીધો 20થી 30 રૂપિયાનો મોટો ઘટાડો આવી શકે છે! યોગગુરુ રામદેવ બાબા તો આ વર્ષો પહેલા કહી ચૂક્યા છે. જો કે હવે તે ચૂપ છે એ વાત અલગ છે. પણ કડવી વાસ્તવિકતા એ છે કે કોઈપણ રાજ્ય કે કેન્દ્ર સરકાર આ માટે સ્વેચ્છાએ તૈયાર નહીં થાય, કારણ કે પેટ્રોલ-ડીઝલ તેમના માટે દરરોજ સોનાના ઈંડા આપતી મરઘી જેવી છે. કોઈપણ આટલી મોટી આવક ગુમાવવા નથી માંગતું. આ સમયે સરકારને સીધા સવાલ પૂછવાનું મન થાય કે... જ્યાં સુધી દેશની સામાન્ય જનતા ફ્યૂલ પ્રાઇસિંગના આ કાળા ગણિતને બરાબર સમજીને જાગૃત નહીં થાય અને પોતાના હક માટે સવાલ નહીં પૂછે, ત્યાં સુધી આ ડાયનેમિક લૂંટ આમ જ નિર્બાધપણે ચાલતી રહેશે. આ આર્થિક રોગનો ઈલાજ માત્ર આપણી જાગૃતિ જ છે. અને છેલ્લે... હમણા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારત આવ્યા હતા. ત્યારે ભારત અને અમેરિકાએ સાથે મળીને એક મોટી ડિલ સાઈન કરી. જે હતી ખનીજોની એટલે કે રેર અર્થ મિનરલ્સની. કારણ કે ભારત પાસે 30 જેટલા ક્રિટિકલ મિનરલ્સના ભંડારો છે. આ જરૂરી એટલા માટે હતી કારણ કે દુનિયાના રેર અર્થ મિનરલ્સ પર ચીનનો કબજો છે. ભારત અને અમેરિકા ભેગા મળીને ખનીજો પરના ચીની દબદબાને લપડાક મારવા હવે આગળ શું કરશે તે જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →