42 વર્ષ પહેલાં સિયાચિનમાં પાકિસ્તાનને મળી હતી મ્હાત:આજના દિવસે ભારતનું ઓપરેશન મેઘદૂત સફળ રહ્યું હતું; અમદાવાદના કેપ્ટન નિલેશ સોની થયા હતા શહીદ
29 મે, 1984: સિયાચીન ગ્લેશિયર. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર. ઓપરેશન મેઘદૂત પર કબજો કરવા માટે સેનાના 20 સૈનિકો પેટ્રોલિંગ પર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. થોડા દિવસોમાં 15 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ 5 જવાનોનો અતોપતો મળ્યો નહીં. 15 ઓગસ્ટ, 2022 : ભારતીય સેનાએ 42 વર્ષ પહેલાં ઓપરેશન મેઘદૂત દરમિયાન સિયાચીનમાં ગુમ થયેલા સૈનિકોમાંના એક લાન્સ નાયક ચંદ્રશેખર હરબોલનો મૃતદેહ શોધી કાઢ્યો. દર વર્ષે 13 એપ્રિલ આવે ને ઓપેરશન મેઘદૂત યાદ આવે. આજની પેઢી ઓપરેશન સિંદૂરથી પરિચિત હશે પણ ઓપરેશન મેઘદૂત બહુ કઠીન અને દુર્ગમ ઓપરેશન હતું. આજે ઓપરેશન મેઘદૂતની વાત કરીએ. 1984માં ભારતીય ગુપ્તચર એજન્સી RAW ને માહિતી મળી હતી કે પાકિસ્તાન સિયાચીન પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે બર્ફીલા પ્રદેશમાં તૈનાત તેના સૈનિકો માટે જર્મની પાસેથી મોટી માત્રામાં કપડાં અને લશ્કરી સાધનો ખરીદી રહ્યું હતું. પાકિસ્તાને 17 એપ્રિલ, 1984 સુધીમાં ઓપરેશન અબાબિલ દ્વારા સિયાચીન પર કબજો કરવાની યોજના બનાવી હતી. આ માહિતી મળતાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સેનાને સિયાચિન પર કબજો કરવાનો અધિકાર આપ્યો. માર્ચ 1984માં કુમાઉ રેજિમેન્ટની એક બટાલિયન અને લદ્દાખ સ્કાઉટ્સના યુનિટ, લેફ્ટનન્ટ કર્નલ ડી.કે. ખન્નાના નેતૃત્વમાં બરફથી ઢંકાયેલા ઝોજિલા પાસ થઈને સિયાચિન માટે પગપાળા રવાના થયા. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની રડારથી બચવા માટે પગપાળા મુસાફરી કરી. આ પછી ભારતે 10 એપ્રિલથી 30 એપ્રિલ, 1984 દરમિયાન લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂનના નેતૃત્વમાં ઓપરેશન મેઘદૂતનું આયોજન કર્યું. બ્રિગેડિયર વિજય ચન્નાને સિયાચીનમાં સાલ્ટારો રિજ પર કબજો કરવાની જવાબદારી સોંપવામાં આવી. ચન્નાએ 13 એપ્રિલની તારીખ પસંદ કરી કારણ કે તે વૈશાખીનો તહેવાર હતો અને પાકિસ્તાની સેનાને કલ્પના પણ નહોતી કે આ તહેવારના દિવસે ભારત લશ્કરી કાર્યવાહી કરશે. પ્રથમ ચિત્તા હેલિકોપ્ટર 13 એપ્રિલના રોજ સવારે 5.30 વાગ્યે બેઝ કેમ્પથી કેપ્ટન સંજય કુલકર્ણી અને એક સૈનિકને લઈને ઉડાન ભરી હતી. બપોર સુધીમાં 29થી વધુ સૈનિકોને લઈને 17 વધુ હેલિકોપ્ટર બિલાફોંડ લા પાસ પર ઉતર્યા. ખરાબ હવામાનને કારણે સૈનિકોનો હેડક્વાર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો. ચાર દિવસ પછી 17 એપ્રિલના રોજ પાંચ ચિત્તા અને બે MI-8 હેલિકોપ્ટરે સિયા લા પાસ પર રેકોર્ડ 32 ઉડાન ભરી ત્યારે સંપર્ક પુનઃસ્થાપિત થયો. તે જ દિવસે એક પાકિસ્તાની હેલિકોપ્ટર ગ્લેશિયર ઉપરથી ઉડાન ભરી અને ત્યાં પહેલાથી જ તૈનાત ભારતીય સૈનિકોને જોયા. આમ ચાર દિવસમાં ઓપરેશન મેઘદૂત દ્વારા, ભારતીય સેનાએ લગભગ 3,000 ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે કર્યો. જેમાં બે મુખ્ય સિયાચિન પાસનો સમાવેશ થાય છે: સિયા લા અને બિલાફોંડ લા. આ ઓપરેશનમાં આશરે 300 ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો; ઓપરેશનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાણી શકાઈ નથી. સિયાચિન ગ્લેશિયર કબજે કર્યા પછી ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમએલ છિબ્બરે એક સત્તાવાર નોંધમાં લખ્યું, "સિયાચિનમાં બે મુખ્ય પાસ કબજે કરવામાં આવ્યા છે. દુશ્મનને ઝટકો આપ્યો અને હવે પાકિસ્તાન અને યુએસ નકશામાં ગેરકાયદેસર રીતે પીઓકે તરીકે દર્શાવવામાં આવેલા આશરે 3,300 ચોરસ કિલોમીટર જમીન પર આપણો કંટ્રોલ છે." 29 મે, 1984 ના રોજ ઓપરેશન મેઘદૂત હેઠળ કુમાઉ રેજિમેન્ટના 20 સૈનિકો, ચંદ્રશેખર સહિત જેઓ સિયાચિનમાં એક હાઈએસ્ટ પોઇન્ટ 5965 કબજે કરવાના મિશનમાં સામેલ હતા, પણ હિમપ્રપાતને કારણે ગુમ થઈ ગયા. 1987માં ભારતે ઓપરેશન રાજીવ મારફત પાકિસ્તાન પાસેથી બીજી સિયાચિન પોસ્ટ કબજે કરી આગામી ત્રણ વર્ષોમાં પાકિસ્તાની સેનાએ સિયાચિનના સૌથી ઊંચા સ્થાને "કાયદ-એ-આઝમ પોસ્ટ" બનાવી. આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેના ભારતીય સેનાની દરેક ગતિવિધિ પર નજર રાખતી હતી. 25 જૂન, 1987ના રોજ ભારતે ઓપરેશન રાજીવ દરમિયાન પાકિસ્તાની સેના પાસેથી કાયદ-એ-આઝમ પોસ્ટ પાછી મેળવી લીધી. આ યુદ્ધમાં તેમની બહાદુરી બદલ સુબેદાર બાના સિંહને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો અને તેમના માનમાં આ પોસ્ટનું નામ બાના પોસ્ટ રાખવામાં આવ્યું હતું. ત્યારથી ભારતે સમગ્ર સિયાચીન ગ્લેશિયર પર કંટ્રોલ મેળવ્યો. બંને બાજુના હજારો સૈનિકો હજુ પણ સિયાચિન ગ્લેશિયરની આસપાસ તૈનાત છે. ઓપરેશન મેઘદૂત દરમિયાન અમદાવાદના કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા અમદાવાદના સોની પરિવારમાં જન્મેલા નિલેશ સોની દેશપ્રેમને કારણે આર્મીમાં જોડાયા. 9મી જૂન 1984ના રોજ તેમને આર્ટિલરીની 62 ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાશિકમાં દેવલાલી ખાતે એક વર્ષની સેવા પૂરી કર્યા પછી તેમને લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી અને પછીથી તેમનું યુનિટ સાથે કારગિલ વિસ્તારમાં સ્થળાંતર થયું. કેપ્ટન નિલેશ સોનીને ડિસેમ્બર 1986માં સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. 1987ની શરૂઆતમાં તેઓ પ્રતિકૂળ હવામાન વચ્ચે સિયાચીન ગ્લેશિયરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કેપ્ટન નિલેશ સોની અને તેમના સૈનિકોને દુશ્મન તરફથી અવારનવાર ગોળીબારનો સામનો કરવો પડતો હતો. 12મી ફેબ્રુઆરી, 1987ની મધ્યરાત્રિની આસપાસ કેપ્ટન નિલેશ અને તેના સૈનિકોને તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ દેખાઈ અને યુદ્ધ થયું. ભારે તોપમારાથી હિમપ્રપાત થયો, જે ભારતીય દળો માટે ખૂબ જ ઘાતક સાબિત થયો. કેપ્ટન નિલેશ સોની બરફની ભેખડ નીચે દબાઈ ગયા અને 12 ફ્રેબ્રુઆરી 1987ના દિવસે શહીદ થયા.
Read Original Article →