Editor's View: સદીની સૌથી વિનાશક આફતનાં મંડાણ:ભયાવહ દુકાળના ડાકલા, ગુજરાત માથે પણ ખતરો, 'સુપર અલ નીનો'થી વૈજ્ઞાનિકોએ ચેતવ્યા, દેશનાં અર્થતંત્રમાં તબાહીનાં એંધાણ
આ વર્ષ આપણાં માટે પડ્યા પર પાટું જેવું કહી શકાય. સળગતી આગમાં પેટ્રોલ નાખવાવાળું પણ ગણી શકાય. એક બાજુ દુનિયાના છેડે યુદ્ધના ધડાકા થઈ રહ્યા છે, અને મોંઘવારીએ આમઆદમીની કમર તોડી નાખી છે. તો બીજી બાજું હવામાન વિભાગે નવો ધડાકો કર્યો છે. 2026નું આ વર્ષ ખેડૂતો જ નહીં સરકાર માટે પણ પડકારો લઈને આવ્યું છે. કુદરત રૂઠી છે અને આ વર્ષે સુપર અલનીનો જાહેર કરવામાં આવ્યું છે. સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ જે ભાગ્યે જ જોવા મળે. જેની અસર આપણાં ખિસ્સાં અને જમવાની થાળી પર થવાની છે. વિસ્તારે વાત કરીએ ચોમાસાથી ભારતનું અર્થતંત્ર કેવી રીતે જોડાયું છે. નમસ્કાર... વાત એવી છે કે ચીન અને અમેરિકા વચ્ચેના પેસિફિક મહાસાગરમાં સુપર અલ નીનો નામનો એક મોટો ખતરો ઉભો થયો છે. આપણા દેશના જીવાદોરી સમાન વરસાદનો આખો આધાર આ જ સમુદ્ર પર આધાર રાખે છે. બીજી બાજુ પશ્ચિમ એશિયામાં, ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ યુદ્ધે આખી દુનિયાના બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. આ બે સાવ અલગ ઘટનાઓ છે, પણ બંને ભેગી મળીને ભારતમાં એક આર્થિક સુનામી લાવી શકે છે, એટલે કે સર્વનાશક આફત લાવી રહી છે. હવામાનની ડરામણી અને ખતરનાક આગાહી આપણા દેશનું અર્થતંત્ર બહુ મોટું છે, પણ આજેય આપણી અડધી ખેતી ખાલી ને ખાલી આકાશના એટલે કે વરસાદના ભરોસે ચાલે છે. ભારતીય હવામાન વિભાગ અને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જે આંકડા આપ્યા છે તે ખરેખર ઊંઘ ઉડાડી દે તેવા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર ચોમાસું સામાન્ય કરતા નીચું રહેવાની પાક્કી શક્યતા છે. આ 100માંથી 90% જ વરસાદ વરસશેની આગાહી બહુ જ ખતરનાક છે. આનો સીધો મતલબ છે કે વરસાદમાં મોટો કડાકો બોલશે. વળી, આ નબળા વરસાદની અસર આખા દેશમાં એકસરખી નહીં હોય. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સૂકો દુષ્કાળ પડી શકે છે. જ્યારે બીજી બાજુ, ચેન્નઈ અને દક્ષિણ ભારતમાં અચાનક પૂર આવી શકે છે. સુપર અલ નીનોનો મોટો ખતરો સામાન્ય ભાષામાં સમજીએ તો, જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાનું તાપમાન એવરેજ કરતા 2 ડિગ્રી વધી જાય, ત્યારે તે સુપર અલ નીનો કહેવાય છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આવો સુપર અલ નીનો આવ્યો છે, ત્યારે તે દુષ્કાળ સાથે જ લાવ્યો છે. આમાં દરિયામાં ફૂંકાતા પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણીનો પ્રવાહ પણ બદલાય જાય છે. આનાથી ભારત પર હવાનું ભારે દબાણ ઉભું થાય છે, જે આપણા વરસાદ લાવતા પવનોને આવતા જ અટકાવે છે. ઇતિહાસ પર નજર કરીએ તો: આ વખતે ખતરો એટલા માટે મોટો છે કારણ કે પૃથ્વી પહેલેથી જ 1.3 ડિગ્રી ગરમ થઈ ગઈ છે. આ કાળઝાળ ગરમી અને દુષ્કાળ ભેગા થશે એટલે ખેડૂતોની કમર સાવ તૂટી જશે. ઈરાન યુદ્ધ અને વૈશ્વિક કટોકટી સામાન્ય સંજોગોમાં જ્યારે આપણા દેશમાં વરસાદ ખેંચાય કે દુષ્કાળ પડે છે, ત્યારે એની મુશ્કેલી અને અસરો માત્ર આપણા દેશ પૂરતી જ નથી હોતી, વિદેશમાં પણ જોવા મળે છે. પશ્ચિમ એશિયામાં, અને ખાસ કરીને ઈરાન તથા તેના પડોશી દેશોની આસપાસ જે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું છે, તેણે આખી દુનિયાની ઊંઘ હરામ કરી નાખી છે. આ યુદ્ધની સૌથી મોટી અને ખતરનાક અસર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પડી છે. આ એક એવી સાંકડી દરિયાઈ પટ્ટી છે, જ્યાંથી આખી દુનિયાનો તેલ અને ગેસનો મોટાભાગનો વેપાર ચાલે છે. આ યુદ્ધને લીધે અને દરિયામાં ઉભા થયેલા ખતરાઓને લીધે આ રસ્તો લગભગ બંધ જેવો જ થઈ ગયો છે. આપણે ભારતીયો આપણી ઊર્જાની જરૂરિયાતો માટે મોટાભાગે બહારથી આવતા માલ પર જ આધાર રાખીએ છીએ, એટલે આપણા માટે આ સ્થિતિ સાવ જીવલેણ છે. આ યુદ્ધે આંતરરાષ્ટ્રીય બજારમાં રીતસરનો ભડકો કર્યો છે. યુદ્ધ શરૂ થતાની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવ 72 ડોલરથી ઉછળીને સીધા સેન્ચ્યુરી પાર કરી ગયા છે. આ તોતિંગ ઉછાળો છે! એક સમયે તો ભાવ 120 ડોલરની ઉપર પણ જતા રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તો આને 1970ના દાયકા પછીની ઇતિહાસની સૌથી મોટી તેલ કટોકટી માને છે. પણ આપણા દેશના ગરીબ ખેડૂતો માટે સાચો ખતરો પેટ્રોલ-ડીઝલ કરતા પણ ખાતરનો છે. આજની આધુનિક ખેતી કેમિકલ ફર્ટિલાઈઝર વગર જરાય શક્ય નથી. આ ખાતર બનાવવાનો 70 ટકા જેટલો ખર્ચો ગેસ અને ઊર્જાનો હોય છે. યુરિયા અને એમોનિયા જેવા ખાતર ગેસમાંથી જ બને છે. વળી, કતાર અને ઈરાન જેવા દેશો દુનિયાનું 45 ટકા સલ્ફર પૂરું પાડે છે, જે ખેતીની દવાઓ અને ખાતર માટે બહુ જરૂરી છે. દરિયાઈ રસ્તો બંધ થવાથી એશિયાના દેશોમાં ખાતર આવતું જ બંધ થઈ ગયું છે. આ આખી સ્થિતિને લીધે ખેડૂતો એક ભયંકર કાતર વચ્ચે ફસાયા છે. એક તરફ, દુષ્કાળને લીધે પાક ઓછો થવાનો છે. અને બીજી બાજુ, ટ્રેક્ટર ચલાવવાનું ડીઝલ અને ખેતરમાં નાખવાનું ખાતર આસમાને પહોંચી ગયા છે. જ્યારે આવક સાવ અડધી થઈ જાય અને ખેતીનો ખર્ચો બમણો થઈ જાય, ત્યારે ખેડૂતોનું દેવાળું ફૂંકાવું નક્કી જ છે. આ વર્ષનું આ સૌથી મોટું નુકસાન છે. દેશના અર્થતંત્ર પર મોટો પ્રહાર હવે આ ઈરાન યુદ્ધ અને વરસાદની ખેંચ, આ બંને ભેગા મળીને દેશના અર્થતંત્રના પાયા હચમચાવી રહ્યા છે. દેશની રિઝર્વ બેંક પણ આ સ્થિતિ જોઈને ભારે ચિંતામાં મુકાઈ ગઈ છે. સૌથી પહેલી અને સૌથી સીધી અસર સામાન્ય માણસને નડતી મોંઘવારી પર પડશે. ડીઝલ અને ખાતર મોંઘા થવાથી વસ્તુઓ બનાવવા પાછળનો ખર્ચ વધશે, જે છેવટે ગ્રાહક પાસેથી જ વસૂલાશે. રિટેલ મોંઘવારી દર જે 2.5 ટકા રહેવાની સારી આશા હતી, તે હવે લગભગ અંદાજે સીધો 5 ટકાથી લઈને 6 ટકા સુધી પહોંચી શકે છે. ભૂતકાળના આંકડાઓ તપાસીએ તો એ પણ બહુ ડરામણા છે. એક મોટા રિપોર્ટ પ્રમાણે, જ્યારે પણ અલ નીનો આવ્યો છે, ત્યારે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સામાન્ય કરતા દોઢથી બે ટકા વધુ જ વધ્યા છે. અને જો ગરમી વધે તો આ ખાધાખોરાકીની મોંઘવારી 7 ટકાથી પણ ઉપર જઈ શકે છે. ટૂંકમાં 100 રૂપિયાની વસ્તું સીધી 107 રૂપિયાની થઈ જાય. આપણા દેશના એકંદર વિકાસ દર પર પણ બહુ મોટો પ્રહાર થયો છે. મોંઘવારી વધવાથી લોકોના હાથમાં વાપરવા માટે પૈસા જ નહિ બચે અને બજારમાં વસ્તુઓની માંગ સાવ ઘટી જશે. દેશનો આર્થિક વિકાસ દર ઘટશે અને ફેક્ટરીઓનું પ્રોડક્શન ધીમું પડશે. આયાત મોંઘી થવાથી રૂપિયાની કિંમત પણ ડોલર સામે ગગડશે. આ આખી ભયાનક અને ઝેરીલી ચેઈન છે. આ બધી આફતનો સૌથી મોટો બોજ આપણા ગામડાના અર્થતંત્ર પર પડશે. જો વરસાદમાં અંદાજે 10 ટકાનો ઘટાડો થશે, તો ખેતીની કુલ આવકમાં 4 ટકાનો સીધો કડાકો બોલશે. ખેતરમાં મજૂરી નહિ મળે એટલે ગરીબ લોકો મનરેગા યોજનામાં મજૂરી શોધવા માટે દોડશે. આખી સિસ્ટમ સમજો, ખેતરમાં પાક નહિ થાય એટલે ખેડૂત પાસે આવક નહિ આવે. ગામડામાં લોકો પાસે પૈસા નહિ હોય એટલે બજારમાં ઘરાકી સાવ તૂટી જશે. ટ્રેક્ટર, મોટરસાયકલ અને ઘરવખરીની વસ્તુઓનું વેચાણ અટકી જશે. આ બધું ભેગું થાય તો આપણું અર્થતંત્ર બહુ ખરાબ વિષચક્રમાં ફસાશે. દેશના ખેડૂતો પર આફત: પાક નિષ્ફળ જવાનો ખતરો આપણા દેશમાં આજે પણ 50 ટકાથી વધુ ખેતીલાયક જમીન એવી છે કે જ્યાં સિંચાઈની કોઈ કાયમી સગવડ નથી. આ ખેતરો માત્ર આકાશમાંથી પડતા વરસાદના ભરોસે જ લીલાછમ થાય છે. હવે જ્યારે સુપર અલ નીનોના કારણે વરસાદ જ ખેંચાઈ જવાનો હોય, ત્યારે તેની સીધી અને સૌથી ખતરનાક અસર આ વિસ્તારોના ગરીબ ખેડૂતો પર પડવાની છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એટલે કે ICARના વૈજ્ઞાનિકોએ કરેલો એક રિપોર્ટ ખરેખર આંખો ખોલી નાખે તેવો છે. આ રિપોર્ટમાં ભૂતકાળના અલ નીનોના વર્ષોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા ચોખ્ખું કહે છે કે જ્યારે પણ અલ નીનો આવે છે, ત્યારે ખરીફ પાકોના પ્રોડક્શનમાં જંગી કડાકો બોલે છે. ખાસ કરીને કયા પાકને કેટલું નુકસાન થશે તે સમજીએ: આવી પાક નિષ્ફળતાની સૌથી ખરાબ અસર આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જોવા મળશે. આમાં સૌથી વધુ જોખમ કઠોળ અને તેલીબિયાં પર રહેલું છે. દાખલા તરીકે, મહારાષ્ટ્ર આખા દેશની 40 ટકા તુવેર દાળ પકવે છે, પણ ત્યાં માત્ર 14 ટકા તુવેરના પાકને જ પાણી પાવવાની સિંચાઈ સગવડ છે. જો જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ નહિ આવે તો મહારાષ્ટ્રનો આખો પાક સાવ નિષ્ફળ જશે. અર્થશાસ્ત્રની ભાષામાં આને કોબવેબ ઇફેક્ટ કહેવાય છે. સાદી ભાષામાં સમજીએ તો, આ વર્ષે પાક નહિ થાય એટલે બજારમાં દાળના ભાવ આસમાને જશે. એ ઊંચા ભાવ જોઈને લાલચમાં ખેડૂતો આવતા વર્ષે વધુ કઠોળ વાવશે, પણ આ વર્ષે તો ઘરમાં ખાવા માટે ભારે તંગી ઉભી થશે. દૂધ અને શાકભાજીના ઉત્પાદન પર ગંભીર અસર ખેડૂતોની મુશ્કેલી માત્ર ખેતર પૂરતી જ નથી રહેવાની. આકરા તાપ અને હીટવેવના કારણે ગાય અને ભેંસ જેવા પશુઓ પણ ભારે તાણ એટલે કે હીટ સ્ટ્રેસ અનુભવે છે. આનાથી તેમની દૂધ આપવાની ક્ષમતા સીધી જ ઘટી જાય છે. દુષ્કાળ પડશે એટલે પશુઓ માટે લીલા ઘાસચારાની ભારે અછત ઉભી થશે, જેથી ખેડૂતનો પશુપાલનનો ખર્ચો બેફામ વધશે. જેના લીધે ડેરીમાં દૂધના ભાવ ભડકે બળશે. જ્યારે વરસાદ ન પડે ત્યારે ડેરીનો ધંધો જ ખેડૂત માટે કમાણીનો બીજો રસ્તો હોય છે, તે પણ હવે છીનવાઈ શકે છે. બીજી બાજુ ટામેટા અને ડુંગળી જેવા પાક ગરમી સામે ટકી શકતા નથી. માત્ર એક જ મહિનામાં હીટવેવના કારણે ટામેટા 34 ટકા મોંઘા થઈ ગયા છે. આકરી ગરમીમાં ખેતરમાં કામ કરતા મજૂરો માટે હીટવેવથી મોતનો ખતરો અન્ય લોકો કરતા 35 ગણો વધી જાય છે. દેશમાં ઐતિહાસિક અને જીવલેણ જળ સંકટ દુષ્કાળનો સાચો અંદાજ માત્ર વરસાદ પરથી નથી આવતો, પણ ડેમોમાં કેટલું પાણી બચ્યું છે તેના પરથી આવે છે. સેન્ટ્રલ વોટર કમિશન એટલે કે CWCના નવા આંકડા બહુ જ ડરામણા છે. ચોમાસું બેસે તે પહેલા જ દેશના 166 જેટલા મુખ્ય ડેમોનું તળિયું દેખાવા લાગ્યું છે. 30 એપ્રિલ 2026ના રોજ આ ડેમોમાં 38.72 ટકા પાણી હતું, જે માત્ર બે અઠવાડિયામાં જ ઘટીને 34.45 ટકા થઈ ગયું. આનો સીધો મતલબ એ છે કે ભયંકર ગરમી અને પાણીના ભારે વપરાશને કારણે દેશે માત્ર 14 દિવસમાં જ 8 બિલિયન ક્યુબિક મીટર જેટલું કિંમતી પાણી ગુમાવી દીધું છે. અત્યારે દેશમાં ડેડ સ્ટોરેજની સ્થિતિ ઉભી થઈ રહી છે. મહારાષ્ટ્રનો ભીમા ઉજ્જૈની ડેમ, બિહારનો ચંદન ડેમ કે ઉત્તર પ્રદેશનો મૌદહા ડેમ સાવ શૂન્ય પર આવી ગયા છે. ડેડ સ્ટોરેજ એટલે ડેમનું એવું છેલ્લું તળિયું જ્યાંથી હવે મશીનથી પણ પાણી બહાર કાઢી શકાતું નથી. આની સાથે ભૂગર્ભજળ એટલે કે જમીનની અંદરના પાણીનું પણ ભારે શોષણ થઈ રહ્યું છે. જ્યારે ડેમમાં પાણી ન હોય ત્યારે લોકો જમીનમાં બોરવેલ કરીને પાણી કાઢે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં વધુ પાણી પીતા પાકો લેવાથી જમીનના તળ 1000 ફૂટ ઊંડે જતા રહ્યા છે. આ સ્થિતિ ખરેખર યુનાઇટેડ નેશન્સની ભાષામાં ગ્લોબલ વોટર બેન્કરપ્સી એટલે કે વૈશ્વિક જળ નાદારી સમાન છે. હવે જો ચોમાસું પણ નબળું રહેશે, તો આપણી પાસે ખેતી કે પીવા માટે કોઈ બેકઅપ પ્લાન બચ્યો નથી. ગુજરાત પર તોળાતું ભયંકર દુષ્કાળનું સંકટ હવે આપણે ખાસ ગુજરાત રાજ્યની ભૌગોલિક અને જળ સંકટની પરિસ્થિતિની વિગતવાર વાત કરીએ. આખા દેશ પર આસમાની આફત તોળાઈ રહી છે, પણ આપણું ગુજરાત તો પહેલેથી જ અર્ધ-શુષ્ક એટલે કે ઓછો વરસાદ ધરાવતો પ્રદેશ છે. આપણા ખેડૂતો હંમેશા વરસાદની અનિયમિતતાનો સામનો કરતા આવ્યા છે. એટલે કે બધી જ જગ્યાએ એકસરખો વરસાદ નથી પડતો. ઉપરથી આ વખતે હવામાન ખાતાની આગાહી આપણા માટે જરાય પ્રોત્સાહક નથી. પણ આ ઘેરાતા કાળા વાદળો વચ્ચે આપણા માટે એક મોટા અને ખૂબ જ રાહતના સમાચાર એ છે કે આપણી જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે સંતોષકારક પાણી છે. આ ડેમ 60 ટકાથી વધુ ભરેલો છે. ગયા વર્ષ કરતા આ જળસ્તર 9 ટકા વધુ છે, જે એક બહુ જ હકારાત્મક પાસું છે. આ ડેમ 3 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી અને 13 લાખ જેટલા ખેડૂત પરિવારોને ખેતીનું પાણી પૂરું પાડે છે. પરંતુ ગુજરાતમાં જળાશયોના પાણીની વહેંચણીમાં બહુ મોટી પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના શુષ્ક વિસ્તારોમાં સેંકડો તળાવો તો ભરાયા છે, પણ છેવાડાના ગામડાઓમાં અને ખેતરોમાં પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબ-માઇનોર એટલે કે નાની કેનાલોનું નેટવર્ક હજુ પૂરી રીતે સારું બનેલું નથી. એટલે જો વરસાદ નહિ આવે તો ત્યાં ભયંકર પાણીની ખેંચ ઉભી થશે અને ખેડૂતોને કટોકટીના સમયે પૂરતું પાણી મળવું મુશ્કેલ બનશે. આફત સામે સરકારનો માસ્ટર પ્લાન આટલી મોટી રાષ્ટ્રીય આફત સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ પર હાથ ધરીને બેસવાને બદલે યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવાનું શરૂ કરવું પડશે. જો કે અમુકે તો સૂચનો આપવાની શરૂ પણ કરી દીધું છે. દિલ્હીથી કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બધા જ રાજ્યોને કડક આદેશ આપ્યા છે કે જિલ્લા લેવલે કટોકટીનો પ્લાન તાત્કાલિક એક્ટિવ કરો. જો બે-ચાર અઠવાડિયા વરસાદ ખેંચાય, તો ખેડૂતોને ફરી વાવણી કરવા માટે ઓછા પાણીએ અને ટૂંકા સમયમાં પાકતા બિયારણો પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે આ આયોજનો માત્ર સરકારી કાગળ પર ન રહેવા જોઈએ, પરંતુ જમીન પર તેનો સીધો અમલ થવો જ જોઈએ. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાણી બચાવવા મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉનાળા અને નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ આયોજન કર્યું છે: અર્થતંત્રને બચાવવાનો છેલ્લો રસ્તો અંતમાં, આ 2026નું વર્ષ માત્ર વરસાદની અછતનું સામાન્ય વર્ષ નથી. આ એક એવી જટિલ પરિસ્થિતિ છે જ્યાં ઈરાન યુદ્ધ અને અલ નીનો બંને ભેગા મળીને દેશના સામાન્ય માણસ અને ખેડૂતને બેવડો માર મારી રહ્યા છે. ઇનપુટ ખર્ચ બમણો થઈ રહ્યો છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે. આનાથી દેશનો આર્થિક વિકાસ દર લગભગ અંદાજે 6.1 ટકાથી પણ નીચે જતો રહેશે. સરકારે હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે રહેલા અનાજના ભંડારનો ખૂબ જ બુદ્ધિ વાપરીને ઉપયોગ કરવો પડશે, જેથી બજારમાં અનાજની કમી ન થાય અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ 5થી 6 ટકાની અંદર કંટ્રોલમાં રહે. રાહતની વાત એ છે કે આપણી પાસે અનાજનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જે આ આફત સામે લડવા માટે આપણું સૌથી મોટું શસ્ત્ર છે. ગુજરાતના ખેડૂતો અને નાગરિકોએ પણ એક વાત ખાસ મગજમાં બેસાડવી પડશે કે સિસ્ટમમાં પાણી મર્યાદિત છે. નર્મદાના પાણીનો ઉપયોગ માત્ર પ્રાથમિક જરૂર પૂરતો જ કરવો પડશે. ખેતીમાં હવે છૂટું પાણી પાવાને બદલે ફરજિયાતપણે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ એટલે કે માઇક્રો ઇરિગેશન જ અપનાવવી પડશે. આ પરફેક્ટ સ્ટોર્મ અને ભયંકર દુષ્કાળમાંથી બચવાનો ખાલી એક જ ટકાઉ રસ્તો છે: પાણી માત્ર જીવનનો આધાર નથી, પણ તે આપણા દેશના અર્થતંત્રનું ચાલકબળ છે. આપણે પાણી બચાવીશું, તો જ આપણું ભવિષ્ય અને અર્થતંત્ર સુરક્ષિત રહેશે. અને છેલ્લે.... હૈદરાબાદમાં ગેરકાયદેસર રીતે નદી, નાળા અને સરકારી જમીન પર કબજો કર્યો હોય તેના પર એક્શન લેવા માટેની એક એજન્સીનું નામ હાઈડ્રા રખાયું છે. આ વાત અત્યારે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ત્યાના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે, “મેં હિટલરથી પ્રેરણા લઈને આ નામ રાખ્યું છે કારણ કે તેની કોર ટીમનું નામ હાઈડ્રા હતું.” આ વાતને લઈને વિવાદ ઉભો થયો છે કારણ કે ઈતિહાસમાં આ નામતાનાશાહી, નફરત અને લાખો લોકોના મોતને કારણે યાદ કરે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →