Editor’s View: ટ્રમ્પે યુદ્ધમાં હવે ધર્મો ઘૂસેડ્યા!:શું છે એબ્રાહમ એકોર્ડ? ઈરાનને એકલું પાડવાનો માસ્ટર પ્લાન, 78 વર્ષ જૂની દુશ્મનાવટ અને કાશ્મીર કનેક્શન

Gujarat5/28/2026, 2:25:00 PM
શું તમે વિચારી શકો કે જે મિડલ ઈસ્ટના ઈસ્લામિક દેશો મંચ પરથી ઈઝરાયલને ગાળો આપે છે, તે જ દેશો ઈઝરાયલના આકાશમાં લડાકુ એરક્રાફ્ટ ઉડાડવા માટે 50% તેલ આપી રહ્યું છે? આ મિડલ ઈસ્ટના રાજકારણનો આ સૌથી મોટો દંભ છે. આ દંભ ભલે આજે દુનિયાની સામે ખુલ્લો પડતો હોય, પણ તેના મૂળિયાં બહુ ઊંડે સુધી ખૂંપેલા છે. આખો ખેલ સમજવા માટે આપણે હાલના સમાચાર પડતા મૂકીને ભૂતકાળમાં જવું પડશે. દુનિયાના નકશા પર એકવાર નજર નાખો. તમને સેંકડો દેશ દેખાશે. કોઈ દેશ ભાષાના આધારે બન્યો છે તો કોઈ દેશ ભૂગોળના આધારે બન્યો છે. પણ શું તમે જાણો છો? આખી દુનિયામાં માત્ર ત્રણ જ દેશ એવા છે, જેનો જન્મ સો ટકા માત્ર ધર્મના આધારે થયો છે. આ ત્રણ દેશ એટલે આપણું પડોશી પાકિસ્તાન, દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી અને જ્યા યુદ્ધ ચાલી રહ્યું છે તે મિડલ ઈસ્ટનો અને અત્યારે ટીવી પર બધે જ ચર્ચા થઈ રહી છે તે ઈઝરાયલ. આપણે વેટિકનને બાદ કરી દઈ તો, એક દેશ 1947માં મુસ્લિમો માટે બન્યો, અને બીજો દેશ બરાબર નવ મહિના પછી, 1948માં યહૂદીઓ માટે બન્યો. આ બંને દેશોની જન્મકુંડળીમાં એક ગજબની કોમન વાત છે. બંને દેશો બ્રિટિશર્સના ગયા પછી જ બન્યાં. પણ મજાની વાત જુઓ, આ બંને દેશો વચ્ચે આજે 36નો આંકડો છે. બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે. પાકિસ્તાન તો ઈઝરાયલને દેશ જ માનવા તૈયાર નથી. પણ શું આ દુશ્મનાવટ પહેલેથી જ હતી? ચાલો આપણે આ ઈન્ટ્રેસ્ટિંગ મુદ્દાને સમજીએ અને તેની સાથે ટ્રમ્પની એબ્રાહમ એકોર્ડની હઠ અને તે શું છે તેને પણ જાણીએ. નમસ્કાર… આપણે અવારનવાર સમાચારમાં જોઈએ છીએ કે મિડલ ઈસ્ટમાં આગ લાગેલી છે. પણ આ બધી ઘટનાઓને સીધી રીતે સમજવા માટે આપણે ઇતિહાસના પાનાઓ ફેરવવા પડશે. આ કોઈ સામાન્ય પોલિટિકલ લડાઈ નથી, આ ઇતિહાસની એક બહુ મોટી ભૂલ કહો કે મજબૂરી કહો તેની કથા છે. ઝીણાએ ઈઝરાયલને દેશ માન્યો હોત તો? 14 મે 1948. આ એ દિવસ હતો જ્યારે ઈઝરાયલે ઓફિશિયલ રીતે પોતાની આઝાદીની જાહેરાત કરી. ઈઝરાયલના પહેલા વડાપ્રધાન હતા ડેવિડ બેન ગુરિયન. દુનિયામાં આ નવો દેશ બન્યો હતો એટલે તેમને મિત્રોની બહુ જ જરૂર હતી. બેને યુએનના બધા દેશોને એક ઓફિશિયલ ડિપ્લોમેટિક કેબલ મોકલ્યો હતો. બેન ગુરિયનનો પત્ર પાકિસ્તાન દેશ બનાવનાર મોહમ્મદ અલી ઝીણાને પણ મળ્યો હતો. પી. આર. કુમારસ્વામી લિખિત "બિયોન્ડ ધ વેઇલ- ઈઝરાયલ-પાકિસ્તાન રિલેશન્સ" નામના પુસ્તક મુજબ, ડેવિડ બેન ગુરિયને મોકલેલા ટેલિગ્રામમાં લખ્યું હતું કે, “ઈઝરાયલે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે વિશ્વના દેશો વચ્ચે પોતાનું સ્થાન મેળવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આપનો દેશ અને સરકાર ઈઝરાયલને સત્તાવાર માન્યતા આપશે અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં આવશે” પાકિસ્તાન એ વખતે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ હતો. જો ઝીણાએ હા પાડી હોત, તો ઈઝરાયલની આખી દુનિયામાં મોટી વાહ-વાહી થઈ જાત. પણ, ઝીણાએ આ પત્રનો કોઈ જ જવાબ ન આપ્યો. તેમણે સંપૂર્ણ ચૂપ્પી સાધી લીધી. આવું કેમ થયું? તે તો ઝીણા જ જાણતા હશે પણ ઈતિહાસકારો અને પોલિટિકલ પંડિતોનું માનવું છે કે. ઝીણાનું માનવું હતું કે પેલેસ્ટાઈનના આરબ લોકોને હટાવીને ત્યાં યહૂદી દેશ બનાવવો એ ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેમણે તો UNમાં પણ આનો સખત વિરોધ કર્યો હતો અને પેલેસ્ટાઈનનો જ પક્ષ લીધો હતો. જો ઝીણાએ હા પાડી હોત તો? હવે જરા વિચારો. જો મોહમ્મદ અલી ઝીણાએ એ પત્રનો સકારાત્મક જવાબ આપ્યો હોત તો આજે શું સ્થિતિ હોત? આમ તો જો અને તોવાળી વાત છે પણ જો આવું થયું હોત તો દુનિયા અને પાકિસ્તાનનો નકશો જ અલગ હોત. જો બંને દેશ મિત્ર હોત, તો ઈઝરાયલનું વોટર મેનેજમેન્ટ અને ખેતીની લેટેસ્ટ ટેકનોલોજી પાકિસ્તાનને બહુ કામ લાગી હોત. બનવામાં તો એવું પણ બની શકે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1965 અને 1971 ના યુદ્ધોમાં પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર સાવ અલગ હોત. કદાચ ભારત આરબ દેશોની વધુ નજીક હોત. પણ પાકિસ્તાને અલગ જ રસ્તો પસંદ કર્યો. તેણે કટ્ટરવાદ અને આતંકવાદનો માર્ગ પકડ્યો. પેલેસ્ટાઈનને બિનશરતી ટેકો આપ્યો અને ઈઝરાયલનો કાયમી વિરોધ શરૂ કર્યો. આખરે એબ્રાહમ એકોર્ડ શું છે? ઈતિહાસથી પાછા આજમાં આવીએ તો આજકાલ એક શબ્દની બહુ ચર્ચા થઈ રહી છે. જેનું નામ છે. એબ્રાહમ એકોર્ડ. તો સવાલ થાય કે તે છે શું જેની દુનિયા આખી વાતો કરી રહી છે? તો જવાબ મળે છે કે સપ્ટેમ્બર 2020માં અમેરિકાના ત્યારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે રહીને ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર કર્યો હતો. દાયકાઓથી આરબ દેશોની શરત હતી કે પેલેસ્ટાઈનનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઈઝરાયલ સાથે કોઈ જ સંબંધ નહીં રાખીએ. પણ આ કરારથી એ ઐતિહાસિક પરંપરા તૂટી. સૌથી પહેલા UAE અને બહેરીને, અને પછી મોરક્કો અને સુદાને ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપી. માત્ર આટલું જ નહીં આ દેશોએ ઈઝરાયલ સાથે ડિપ્લોમેટિક અને ધંધાના પણ સંબંધો શરૂ કર્યા. આ કરારનું નામ એબ્રાહમ રખાયું કારણ કે એવું માનવામાં આવે છે કે ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ત્રણેય ધર્મોના મૂળ પિતામહ ઇબ્રાહિમ કે અબ્રાહમ છે. આ કરાર ટ્રમ્પે એટલા માટે કર્યો હતો કારણ કે તેમને ઈઝરાયલને ટેકો આપવો હતો, ઈરાન સામે મોરચો માંડવો હતો અને મિડલ ઈસ્ટનો વિકાસ કરવો હતો. આરબ દેશોએ પણ કંઈ મફતમાં ઈઝરાયલ સાથે દોસ્તી નહોતી કરી. આ એક બહુ મોટી લેવડ-દેવડ હતી. UAE એ શરત મૂકી કે ઈઝરાયલ વેસ્ટ બેંક પરનો પોતાનો કબજો અટકાવે તો જ અમે સહી કરીશું. મોરક્કો એટલા માટે તૈયાર થયું કારણ કે બદલામાં અમેરિકાએ વેસ્ટર્ન સહારા પર મોરક્કોના અધિકારને માન્યતા આપી. અને સુદાન આ કરારમાં એટલા માટે જોડાયું કારણ કે અમેરિકાએ તેનું નામ આતંકવાદી દેશોના લિસ્ટમાંથી હટાવી દીધું. જ્યારે મુસ્લિમ દેશો એબ્રાહમ એકોર્ડ પર સહી કરી રહ્યા હતા, ત્યારે પેલેસ્ટાઈનના નેતાઓએ આને પોતાની પીઠમાં ખંજર ભોંકવા જેવું ગણાવ્યું હતું. તેમને લાગ્યું કે તેમના જ મુસ્લિમ ભાઈઓએ વેપાર અને અમેરિકાની શરતો ખાતર પેલેસ્ટાઈનના લોહીનો સોદો કરી લીધો છે. સામેની બાજુ અમેરિકા પણ કંઈ કરે તો એમને એમ જ ન કરે, તેને પણ ગરજ હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો ગેમ પ્લાન શું છે? અત્યારે ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાભરમાં એક જ વાત ચાલે છે કે ટ્રમ્પ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા દેશો પર ભયંકર દબાણ કરી રહ્યા છે. તેઓ તેમને કહી રહ્યા છે અથવા તો ધમકાવી રહ્યા છે કે જો તમારે ઈરાન સાથેના ડખા શાંત કરવા હોય અને ડીલને સફળ બનાવવી હોય, તો તમારે ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપવી જ પડશે. અને એબ્રાહમ એકોર્ડમાં સહી કરવી જ પડશે. પણ સવાલ એ છે કે અમેરિકાને આમાં શું રસ છે? અમેરિકાને એવી તે શું મજબૂરી આવી ગઈ? જુઓ, ટ્રમ્પની સૌથી મોટી રાજકીય ચાલ ઈરાનને ઘેરવાની છે. ઈરાન શિયા મુસ્લિમ દેશ છે, જ્યારે સાઉદી અરેબિયા અને અન્ય મોટા આરબ દેશો સુન્ની મુસ્લિમ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તો પહેલેથી જ ખુલ્લી તલવારો ખેંચાયેલી છે. હવે જો અમેરિકા સુન્ની આરબ દેશો અને ઈઝરાયલને એક મંચ પર લાવી દે, તો ઈરાન ચારે બાજુથી બરાબરનું ઘેરાઈ જાય. બીજું સૌથી મોટું કારણ પેલેસ્ટાઈન છે. જો સાઉદી અને પાકિસ્તાન જેવા દિગ્ગજ ઈસ્લામિક દેશો ઈઝરાયલ સાથે હાથ મિલાવી લે, તો પછી પેલેસ્ટાઈનનો મુદ્દો આપોઆપ સાવ નબળો પડી જશે. તેમને કોઈ સાથ આપવા વાળું બચશે જ નહીં અને આખી વાત પર પૂર્ણવિરામ મુકાઈ જશે. આ સિવાય આમાં મોટો આર્થિક ખેલ પણ ચાલી રહ્યો છે. UAE અને ઈઝરાયલ વચ્ચે કરાર થયા પછી ફક્ત એક જ વર્ષમાં તેમનો વેપાર ત્રણ બિલિયન ડોલર એટલે કે અબજો રૂપિયાની પાર પહોંચી ગયો હતો. વળી, હમણાના યુદ્ધમાં અમેરિકાના 42 જેટલા એડવાન્સ લડાકુ વિમાનો નાશ પામ્યા છે. અમેરિકા હવે લડી લડીને થાક્યું છે. તે ઈચ્છે છે કે મધ્ય પૂર્વના દેશો ઈઝરાયલ સાથે મળીને પોતાની સુરક્ષા જાતે જ સંભાળે, એટલે અમેરિકાના અબજો ડોલર બચી શકે. વળી, ટ્રમ્પ માથે મિડ ટર્મ ઈલેક્શન પણ છે, એટલે ટ્રમ્પ ત્યાંના યહૂદી વોટર્સને ખુશ કરવા પણ આ બધું કરી રહ્યા હોય શકે છે. ઈસ્લામ અને યહુદી: શું કાયમ દુશ્મન હતા? આજે આપણે ટીવીમાં જોઈએ છીએ ત્યારે એવું જ લાગે કે મુસ્લિમો અને યહૂદીઓ તો જન્મજાત દુશ્મન છે. પણ હકીકત સાવ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઇતિહાસમાં સદીઓ સુધી આ બંને ધર્મના લોકોએ એકબીજા સાથે ખૂબ જ શાંતિથી અને ઊંડા ભાઈચારાથી જીવન જીવ્યું છે. બંને ધર્મો એક જ અબ્રાહમિક પરંપરામાંથી આવ્યા છે, એટલે કે બંને એક જ મૂળમાંથી ઉભા થયા છે. ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ વર્લ્ડ રિલિજિયન્સનું માનીએ તો આ ત્રણેય અબ્રાહમિક અને એકેશ્વરવાદી એટલે કે એક જ ઈશ્વરને માનનારા ધર્મો છે. આ ત્રણેય ધર્મો ઇબ્રાહિમ અથવા તો અબ્રાહમને પોતાના મૂળ પિતામહ અને ફર્સ્ટ પ્રોફેટ માને છે. યહૂદીઓનું કહેવું છે કે તેમના ધર્મની શરૂઆત અબ્રાહમ અને ઈશ્વર વચ્ચેના પવિત્ર કરારથી થઈ. તેમાંથી જ ખ્રિસ્તી ધર્મનો જન્મ થયો, ક્રિશ્ચાનિટીમાં ઈસુ ખ્રિસ્તને મસીહા માનવામાં આવ્યા છે. તેના પછી 7મી સદીમાં ઇસ્લામનો જન્મ થયો, જે પયગંબર મોહમ્મદ સાહેબને આ જ પવિત્ર શ્રૃંખલાના અંતિમ સંદેશવાહક કે મેસેન્જર માને છે. એક જ ઈશ્વર અને જેરૂસલેમની પવિત્રતા આ તેમની સૌથી મોટી હિસ્ટોરિકલ લિંક છે. આઠમી સદીમાં જ્યારે યુરોપના દેશોમાં યહૂદીઓ પર ભયંકર અત્યાચાર થતા હતા, ત્યારે સ્પેનમાં મુસ્લિમોનું શાસન હતું. આ સમયગાળાને ઇતિહાસમાં લા કન્વિવેન્સિયા એટલે કે હળીમળીને રહેવાનો સમય કહેવાય છે. મુસ્લિમ શાસકો નીચે યહૂદીઓએ વેપાર, વિજ્ઞાન, ગણિત અને કવિતાઓમાં જબરદસ્ત પ્રગતિ કરી હતી. યહૂદી વિદ્વાનો મુસ્લિમ રાજાઓના દરબારમાં મોટા હોદ્દાઓ પર બેસતા હતા. બંનેએ ભેગા મળીને દુનિયાને ઘણું નવું જ્ઞાન આપ્યું. આ સાબિત કરે છે કે તેમની વચ્ચે કોઈ કાયમી ધાર્મિક દુશ્મનાવટ નથી. આજના જે ઝઘડા છે, તે તો માત્ર જમીન, સત્તા અને રાજકારણની દેન છે. થયું કંઈક એવું કે 1492માં સ્પેનમાંથી મુસ્લિમો અને યહૂદીઓને કાઢી મુકાયા ત્યાં સુધી બંને વચ્ચે પાકી અને અતૂટ દોસ્તી હતી. પવિત્ર જેરૂસલેમનો અસલી વિવાદ હવે સીધો સવાલ એ થાય કે જો બંને વચ્ચે આટલી દોસ્તી હતી, તો પછી અત્યારે કેમ એકબીજાના લોહીના તરસ્યા છે? આનો સીધો જવાબ છે જેરૂસલેમ કે યરૂસલેમ. આ એક એવું પ્રાચીન શહેર છે જ્યાં વિશ્વના ત્રણ સૌથી મોટા ધર્મો એટલે કે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામની ઊંડી આસ્થા જોડાયેલી છે. આ નાનકડી જમીનના ટુકડા માટે સદીઓથી ધર્મો વચ્ચે અવિરત લોહી વહી રહ્યું છે. બધા દેશો અને ધર્મો પોતપોતાની રીતે આ શહેર પર દાવો કરે છે. યહૂદીઓ માટે અહીં ટેમ્પલ માઉન્ટ અને વેસ્ટર્ન વોલ છે, જે દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ મનાય છે. ખ્રિસ્તીઓ માટે અહીં ચર્ચ ઓફ ધ હોલી સેપલ્ચર છે, જ્યાં ઇસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા અને તેઓ ફરીથી જીવતા થયા હતા. અને મુસ્લિમો માટે અહીં અલ-અક્સા મસ્જિદ અને ડોમ ઓફ ધ રોક આવેલું છે. મક્કા અને મદીના પછી ઇસ્લામમાં આ ત્રીજું સૌથી પવિત્ર સ્થાન છે. મુસ્લિમ માન્યતા મુજબ પયગંબર સાહેબ અહીંથી જ સ્વર્ગની યાત્રાએ ગયા હતા. હવે વિચારો, એક જ નાનકડા જેરુસલેમમાં ત્રણેય ધર્મોની જીવથી પણ વહાલી માન્યતાઓ જોડાયેલી છે. યહૂદીઓ જેને પોતાનું પવિત્ર સ્થળ માને છે, બરાબર એ જ જગ્યાને મુસ્લિમો પોતાની પવિત્ર જમીન ગણે છે. હવે તમે જ કહો, આમાં કોણ જતું કરે? કોઈ પણ પક્ષ પોતાની માલિકી છોડવા તૈયાર નથી, કારણ કે જો તેઓ જમીન છોડે તો એમના માટે એ ધર્મ છોડવા જેવું બની જાય છે. યરુસલેમ મામલે ઈઝરાયલ પર ઈસ્લામિક એટેક હવે આપણે ઈઝરાયલ અને ઈસ્લામના સૌથી વિવાદિત પાસાને સાદી રીતે સમજીએ, જે છે પેલેસ્ટાઈન. પેલેસ્ટાઈનનો મૂળ વિવાદ જમીન અને અસ્તિત્વનો છે. 1948માં જ્યારે ઈઝરાયલ દેશ બન્યો, ત્યારે લાખો મૂળ પેલેસ્ટિનિયન આરબોએ પોતાની જમીન અને ઘર છોડીને શરણાર્થી બનવું પડ્યું, જેને તેઓ નકબા એટલે કે મહાવિનાશ કહે છે. આજે પેલેસ્ટિનિયન્સ બે ટુકડાઓમાં વહેંચાયેલા છે: વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી. આ વિસ્તારો પર ઈઝરાયલનું કડક લશ્કરી કન્ટ્રોલ અને ઘેરાબંધી છે. અહીં એક મુવમેન્ટ ચાલે છે જેનું નામ છે ફ્રી પેલેસ્ટાઈન. આ એક વર્લ્ડવાઈડ ચળવળ છે, જેની માગ છે કે ઈઝરાયલનો આ કબજો ખતમ થાય અને પેલેસ્ટિનિયનોને પોતાના સ્વતંત્ર, આઝાદ અને સાર્વભૌમ દેશનો અધિકાર મળે. આ જ જમીનની અને અસ્તિત્વની લડાઈ આજે લોહીયાળ જંગ બની ચૂકી છે. આ વિવાદ પછી એક સવાલ એ પણ થાય કે ઈસ્લામિક દેશો ઈઝરાયલને કેમ માન્યતા આપતા નથી? અને ખાસ કરીને પાકિસ્તાનને ઈઝરાયલથી એવો તે શું વાંધો છે કે બંને વચ્ચે આજ દિન સુધી ક્યારેય ઔપચારિક વાતચીત થઈ શકી નથી? તે પણ જાણો. ઈઝરાયલને કોણ દેશ નથી માનતું? અત્યારે આખી દુનિયામાં એવા કેટલા દેશ છે જે ઈઝરાયલને એક દેશ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી? સંયુક્ત રાષ્ટ્રના 28 સભ્ય દેશો ઈઝરાયલને દેશ જ નથી માનતા આ યાદીમાં પાકિસ્તાનનો કિસ્સો સૌથી અલગ છે, કારણ કે પાકિસ્તાનનો વિરોધ માત્ર ધાર્મિક નથી, પણ કાશ્મીર મુદ્દાના રાજકીય અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. પાકિસ્તાનના નેતાઓને એક બહુ મોટી બીક છે. જો પાકિસ્તાન ધર્મના આધારે બનેલા ઈઝરાયલને માન્યતા આપી દે અને પેલેસ્ટાઈનની જમીન પર ઈઝરાયલનો કબજો માની લે, તો પછી UN જેવા ઈન્ટરનેશનલ મોરચે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો તેમનો કોઈ નૈતિક અધિકાર બચશે નહીં. આના જ લીધે પાકિસ્તાનના પાસપોર્ટ પર છેલ્લા 78 વર્ષથી એક સ્પષ્ટ ચેતવણી છાપેલી છે. "આ પાસપોર્ટ ઈઝરાયલ સિવાયના તમામ દેશો માટે માન્ય છે." પાકિસ્તાનનું સીધું કહેવું છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન અલગ દેશ ન બને, ત્યાં સુધી અમે ઈઝરાયલનું નામ પણ નહીં લઈએ. જ્યારે પાકિસ્તાન અને ઈઝરાયલની સેનાઓ ભટકાઈ ભલે બંને દેશો વચ્ચે ક્યારેય સીધી સરહદ પર યુદ્ધ નથી થયું, પણ એમની સેનાઓ આમને-સામને જરૂર આવી ચૂકી છે. વાત છે 1967ના સિક્સ ડે વોર અને 1973ના યોમ કિપ્પુર યુદ્ધની. આ યુદ્ધોના સમયે પાકિસ્તાન એરફોર્સના પાયલોટોએ આરબ દેશોની વહારે જઈને ઈઝરાયલના લડાકુ વિમાનો સામે સીધી લડાઈ કરી હતી. તેમાં ઇઝરાયલી વિમાનો તોડી પણ પાડ્યા હતા. આનાથી પણ મોટી અને ગુપ્ત ઘટના 1980ના દાયકામાં બની હતી. ઈઝરાયલની ખતરનાક ગુપ્તચર સંસ્થા મોસાદ એક બહુ મોટો પ્લાન બનાવી રહી હતી. એવી વાતો હતી કે મોસાદ ભારતની મદદ લઈને પાકિસ્તાનના પરમાણુ કેન્દ્રો પર હવાઈ હુમલો કરવા માગતી હતી. બિલકુલ એ જ રીતે જે રીતે તેમણે ઈરાકમાં કર્યું હતું. પણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને આની ગંધ આવી ગઈ. તેમણે ઈઝરાયલને સીધી ધમકી આપી દીધી કે જો હુમલો થયો, તો અમે ચૂપ નહીં બેસીએ. આમ એક ભયંકર પરમાણુ યુદ્ધ માંડ માંડ ટળી ગયું હતું. પરવેઝ મુશર્રફનો મોટો દાવ અને ફ્લોપ શો આટલી કટ્ટર દુશ્મનાવટ વચ્ચે પણ સંબંધો સુધારવાનો એક બહુ જ મોટો અને હિંમતવાળો પ્રયાસ વર્ષ 2005માં થયો હતો. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ અમેરિકાને ખુશ કરવા માંગતા હતા. અમેરિકાના ભારે દબાણ પછી મુશર્રફે મોટું જોખમ લીધું. 1 સપ્ટેમ્બર 2005ના રોજ તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં એક ઐતિહાસિક મુલાકાત થઈ. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખુર્શીદ કસૂરી અને ઈઝરાયલના વિદેશ મંત્રી સિલ્વાન શલોમ પહેલીવાર દુનિયાની સામે હાથ મિલાવતા જોવા મળ્યા. થોડા દિવસો પછી ન્યૂયોર્કમાં યુનોની બેઠક વખતે મુશર્રફ અને ઈઝરાયલના વડાપ્રધાન એરિયલ શેરોને પણ આખી દુનિયાની સામે હાથ પણ મિલાવ્યા. મુશર્રફે અમેરિકા જઈને યહૂદીઓના મોટા સંગઠનમાં ભાષણ પણ આપ્યું! યહૂદીઓએ ઊભા થઈને તેમના માટે તાળીઓ પાડી. આંતરરાષ્ટ્રીય મંચ પર મુશર્રફની બહુ વાહ-વાહી થઈ. પણ પાકિસ્તાનમાં ભયંકર આગ ફાટી નીકળી. જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી ધાર્મિક સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા. લોકોનો આક્રોશ એટલો બધો હતો કે છેવટે ડરીને મુશર્રફે આ આખી વાતને હંમેશા માટે પડતી મૂકવી પડી. આ ઘટના પરથી સાબિત થઈ ગયું કે પાકિસ્તાનનો કોઈ પણ નેતા ઈઝરાયલ જોડે દોસ્તી કરવાની ભૂલ કરે, તો એ તેની રાજકીય આત્મહત્યા સમાન બની જાય. અને આર્મી ચીફ મુનીર અને પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ આ ભૂલ બિલકૂલ કરવા નહીં માગે. આ તો થઈ રાજકીય અને કટ્ટરવાદની વાતો. પણ શું તમને ખબર છે કે જે ઈસ્લામિક દેશો દુનિયાની સામે ઈઝરાયલને ગાળો આપે છે, તે જ દેશો અંદરખાને ઈઝરાયલને સૌથી વધુ તેલ અને હથિયારો પૂરા પાડે છે? આ બેવડા ધોરણો વાળી નીતિ વિશે જાણવા માટે આગળ વધવું જરૂરી છે. મુસ્લિમ દેશોની બેવડી નીતિ: બોલે કંઈક અને કરે કંઈક આંતરરાષ્ટ્રીય રાજકારણનો સૌથી મોટો દંભ એટલે મુસ્લિમ દેશોની ઈઝરાયલ પ્રત્યેની નીતિ. UNમાં જે મુસ્લિમ દેશો પેલેસ્ટાઈનના નામે મોટા મોટા ભાષણો આપે છે અને ઈઝરાયલને ગાળો ભાંડતા થાકતા નથી, અંદરખાને એ જ દેશો ઈઝરાયલના યુદ્ધ મશીન અને અર્થતંત્રને જીવંત રાખે છે. આ યાદીમાં પાકિસ્તાનનો કિસ્સો સૌથી અલગ છે, કારણ કે પાકિસ્તાનનો વિરોધ માત્ર ધાર્મિક નથી, પણ કાશ્મીર મુદ્દાના રાજકીય અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે. કડવી વાસ્તવિકતા એ છે કે ઈઝરાયલને અત્યારે સૌથી વધુ ક્રૂડ ઓઈલ મુસ્લિમ દેશો જ પૂરા પાડી રહ્યા છે! આંકડાઓ જુઓ તો આશ્ચર્ય થશે: સૌથી મોટી મજાક તો એ છે કે આ તેલ તુર્કના બંદરોથી જ ઈઝરાયલ પહોંચે છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન દુનિયાની સામે પેલેસ્ટાઈનના સૌથી મોટા મસીહા હોવાનો દાવો કરે છે, પણ એમના જ બંદરો પરથી લાખો ટન તેલ ઈઝરાયલ જાય છે! આ તો થઈ તેલની વાત, હવે હથિયારોની વાત કરીએ. એબ્રાહમ એકોર્ડમાં જોડાયેલા મુસ્લિમ દેશ મોરક્કોએ હમણા જ ઈઝરાયલની સૌથી મોટી હથિયાર કંપની ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે 500 મિલિયન ડોલર એટલે કે અંદાજે અડધો અબજ ડોલરનો પ્રચંડ કરાર કર્યો છે. મોરક્કોએ ઈઝરાયલ પાસેથી બરાક MX નામની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. આ સાબિત કરે છે કે રાષ્ટ્રીય સ્વાર્થ અને પૈસા સામે ધાર્મિક ભાઈચારો ઘણીવાર સાવ પોકળ અને નમાલો સાબિત થાય છે. પાકિસ્તાનની હાલત: આગળ કૂવો, પાછળ ખાઈ આ બધા વચ્ચે પાકિસ્તાનની હાલત અત્યારે સૌથી ખરાબ છે. ટ્રમ્પનું સીધું દબાણ છે કે એબ્રાહમ એકોર્ડ સાઈન કરો, નહીંતર ઈરાન સાથે કોઈ ડીલ નહીં થાય. પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ કે આર્મી ચીફ અસીમ મુનીર આમાં સહી કરવાનું સપનામાં પણ વિચારી શકે તેમ નથી. આના બે સીધા કારણો છે. પહેલું, પાકિસ્તાનની જનતામાં અત્યારે ઈઝરાયલ સામે ભયંકર ગુસ્સો છે, કારણ કે ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 72,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. બીજું, પાકિસ્તાનના પોતાના જ પાળેલા આતંકી સંગઠનો હવે તેમને કરડી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા જેવા કટ્ટર સંગઠનોએ પાકિસ્તાન સરકારને ખુલ્લી ધમકી આપી છે. હમણા જ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી નવી ડિલ મુજબ પાકિસ્તાનના લડાકુ વિમાનો સાઉદીના એરબેઝ પર પહોંચ્યા છે. આતંકીઓનું કહેવું છે કે, આનાથી ઈઝરાયલ અને પાકિસ્તાન વચ્ચેનું ડિસ્ટન્સ જે પહેલાં 4,000 કિલોમીટર હતું, તે ઘટીને હવે ખાલી 400 કિલોમીટર રહી ગયું છે. ઈઝરાયલ પર એટોમ બોમ્બ ફોડોઃ પાક. આતંકીઓ લશ્કરના ડેપ્યુટી ચીફે સીધી ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનનો કોઈ પણ નેતા ઈઝરાયલ સાથે હાથ મિલાવશે, તો દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને તે નેતાને જીવતો નહીં છોડાય. આતંકીઓએ એ પણ ધમકી આપી છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, તો ઈઝરાયલ પર પરમાણુ હુમલો કેમ નથી કરતા? જ્યારે આવો કટ્ટર માહોલ હોય, ત્યારે એબ્રાહમ એકોર્ડ સાઈન કરવો એ પાકિસ્તાન સરકાર માટે રાજકીય અને ભૌતિક આત્મહત્યા જેવું જ ગણાય. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ છેક 2011માં જ દુનિયાને ચેતવણી આપી હતી કે, દુનિયાનો સૌથી મોટો ખતરો એ છે કે પાકિસ્તાન પર તાલિબાન કે કટ્ટરપંથીઓનો કબજો થઈ જાય અને તેના પરમાણુ હથિયારો આતંકીઓના હાથમાં જતા રહે. આજે એવું લાગી રહ્યું છે કે નેતન્યાહૂની એ દાયકા જૂની વાત સાચી પડતી દેખાય છે. આ ઐતિહાસિક અને આજના રાજકીય સમીકરણોને જોતાં એક વાત તો સાફ છે કે મધ્ય પૂર્વ અને પાકિસ્તાન વચ્ચેની આ ડિપ્લોમેટિક ખાઈ રાતોરાત પુરાવાની નથી. 1947માં બનેલા પાકિસ્તાન અને 1948માં બનેલા ઈઝરાયલ વચ્ચેની દુશ્મનાવટ ઐતિહાસિક છે. ભલે અમેરિકા કે ટ્રમ્પ ગમે તેટલું દબાણ કરે, પણ જ્યાં સુધી જેરૂસલેમની પવિત્ર જમીન અને પેલેસ્ટાઈનના અધિકારોનો કોઈ વાંધો ન ઉઠાવે તેવો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી મુસ્લિમ દેશો અને ઈઝરાયલ વચ્ચે સાચી શાંતિ અશક્ય છે. અને છેલ્લે… આ આખી જીઓપોલિટિકલ ગેમના સેન્ટરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઈગો છુપાયેલો છે. કારણ કે મુદ્દો એ છે કે એબ્રાહમ એકોર્ડ નામની ડીલને મનાવવા માટે ટ્રમ્પે તેને ઈરાન યુદ્ધ સાથે જોડી દીધું છે. યુદ્ધ રોકવાની શરતોમાં ટ્રમ્પે એબ્રાહમ એકોર્ડને જોડીને આડકતરી રીતે મિડલ ઈસ્ટ સહિત ઈસ્લામિક દેશોને પોતાની વાત મનાવવી છે. માત્ર આટલું જ નહીં ટ્રમ્પ ઈચ્છે છે કે જે રીતે 2015માં ઓબામાએ ઈરાન સાથે ડિલ કરી હતી તે તેનાથી ચડિયાતી ડિલ કરી શકે છે. આવું દેખાડીને તે દુનિયા સામે એવું દેખાડવા માગે છે કે તે માસ્ટર સ્ટ્રોક રમનાર માસ્ટર માઈન્ડ છે. પોતાના ઈગોમાં કરેલી જીદ અને ઓબામાથી મહાન દેખાવાની લ્હાયમાં ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ કરીને દુનિયાનું તેલ કાઢી નાખ્યું છે. હવે સવાલ એ આવે છે કે ટ્રમ્પના આ તરંગી નિર્ણયમાં દબાઈને કંગાળ પાકિસ્તાન ઈઝરાયલ સાથે હાથ મિલાવીને ભીખ માગવાનો રસ્તો શોધશે કે કટ્ટરવાદને વળગીને પોતાની આર્થિક તબાહીને નોતરશે.? સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →