Editor's View: એક નહીં બબ્બે યુદ્ધ, મોંઘવારી કેટલી વધશે?:રશિયાનો હાયપરસોનિક હુમલો, યુદ્ધ પૂરું થાય તો પેટ્રોલના ભાવ ઘટતા કેટલો સમય લાગે? સમજો રસોડા સુધીનું ગણિત
વિચારો કે આજની સવારે અમદાવાદના એસ.જી. હાઈવે કે આશ્રમ રોડ પર ટ્રાફિકની વચ્ચે એક સામાન્ય નોકરિયાત માણસ, સમજો ને કે આપણો કલ્પેશ, ઓફિસે જવા નીકળે છે. રસ્તામાં બાઈક કે કારમાં પેટ્રોલ ઓછું છે એટલે એ પેટ્રોલ પંપે ઊભો રહે છે. જેવો એ મીટર સામે જુએ છે, એના મગજનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે! કેમ? કારણ કે મીટર પર પેટ્રોલનો ભાવ ₹101.81 અને ડીઝલનો ભાવ ₹94.64 દેખાઈ રહ્યો છે. કલ્પેશને એમ કે હજુ તો ગયા અઠવાડિયે જ ભાવ વધ્યા હતા, આ વળી પાછો નવો ડામ? આ કોઈ સામાન્ય ભાવવધારો નથી ભાઈ. ખાલી આ મે મહિનાના પંદર જ દિવસમાં ચોથી વખત આ તેલ કંપનીઓએ ભાવ વધાર્યા છે. દિલ્હીમાં પેટ્રોલ ₹102ને વટાવી ગયું છે અને મુંબઈમાં તો વાત જ જવા દો, ₹113 ની ઉપર કૂદી ગયું છે. કલ્પેશ પેલા પેટ્રોલ પંપના ભાઈ જોડે માથાકૂટ કરે છે કે આ સરકાર કેટલો ટેક્સ લેશે? પણ કલ્પેશને એ ખબર નથી કે આ પેટ્રોલના ભાવનું રિમોટ કંટ્રોલ દિલ્હીની સંસદમાં નથી. આ રિમોટ કંટ્રોલ તો અહીંથી હજારો કિલોમીટર દૂર ઈઝરાયલના તેલ અવીવ, ઈરાનના તહેરાન અને દરિયાની એક સાંકડી ગલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છુપાયેલું છે. આ કોઈ સાદી રાજકીય ઘટના નથી. આ એક એવી નદી છે, જેનો પ્રવાહ શરૂ થાય છે મિડલ ઈસ્ટના રણમાંથી અને વહેતો વહેતો સીધો તમારા અને મારા રસોડામાં આવીને પડે છે. મહિનાઓથી શાંત પડેલા પેટ્રોલના ભાવ અચાનક કેમ ભડકે બળ્યા? કારણ કે હજારો કિલોમીટર દૂર ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે ઈઝરાયલની મિસાઈલો ઈરાનમાં પડે છે કે રશિયાની નવી નક્કોર હાઈપરસોનિક મિસાઈલો યુક્રેનમાં ધડાકા કરે છે, ત્યારે તેનો સીધો બોમ્બ આપણા ખિસ્સા પર ફૂટે છે. માટે આજે આપણે આ જ ગૂંચવણને એકદમ સીધી અને દેશી ભાષામાં ઉકેલીશું. કે કેવી રીતે આ વિદેશી લડાઈ તમારા ઘરના શાકભાજી, બાળકો માટે આવતા દૂધ અને તમારી લોનના હપ્તાને ખાઈ રહી છે. નમસ્કાર ચાલો, સૌથી પહેલા એ સમજીએ કે અત્યારે બરાબર આ જ સમયે મિડલ ઈસ્ટમાં થઈ શું રહ્યું છે? ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે ફેબ્રુઆરી 2026 માં સીધી લડાઈ શરૂ થઈ હતી, તેણે હવે આખી દુનિયાના અર્થતંત્રને બાનમાં લઈ લીધું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, એક બાજુ ટેબલ પર હાથ મિલાવવાની વાતો ચાલે છે અને બીજી બાજુ બોર્ડર પર મિસાઈલો ફૂટે છે. અમેરિકા શું કરે છે? અમેરિકા અત્યારે બહુ મોટો ખેલ પાડી રહ્યું છે. એમના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અત્યારે નવી દિલ્હીમાં છે અને એમણે કીધું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા માટે ઈરાન સાથેની ડીલ બસ હવે ગણતરીના કલાકોમાં જ ફાઈનલ થઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર કહી દીધું છે કે વાટાઘાટો છેલ્લા સ્ટેજમાં છે. પણ ટ્રમ્પ પૂરા વેપારી છે, એમણે કીધું છે કે કોઈ ઉતાવળ નથી કરવાની, સમય આપણી સાથે જ છે. આ ડીલમાં મેઈન વાત એ છે કે ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવવાનું સપનું છોડી દેવું પડશે અને પોતાનું ઊંચી ગુણવત્તાવાળું યુરેનિયમ ખતમ કરવું પડશે. પણ આ એટલું સહેલું નથી! ઈરાનના કટ્ટરપંથી લોકો અને એમની સેના IRGC આ વાતનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગણી છે કે પહેલા અમેરિકા હોર્મુઝના દરિયામાંથી પોતાની નેવી હટાવે અને અમારા રોકેલા પૈસા ફ્રી કરે. બોર્ડર પર હજુ પણ લોહીયાળ જંગ કેમ ચાલુ છે? કાગળ પર ભલે 60 દિવસમાં પ્રતિબંધ હટાવવાની શાંતિની વાતો થતી હોય, પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ બહુ જ ખરાબ અને ડરામણી છે. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલના ડ્રોન વિમાનો સળંગ બીજા દિવસે લેબેનોનની રાજધાની બેરૂતમાં બહુ નીચે ઉડી રહ્યા છે. લોકોના જીવ પડીકે બંધાયા છે. દક્ષિણ લેબેનોનમાં તો ઈઝરાયલે ડબલ-ટેપ સ્ટ્રાઈક ચાલુ રાખી છે. આ ડબલ ટેપ એટલે શું? એક વાર બોમ્બ ફેંકે, પછી લોકો બચાવવા ભેગા થાય એટલે પાછો બીજો બોમ્બ ફેંકે. આમાં બચાવવા ગયેલા ડોક્ટરો અને એમ્બ્યુલન્સવાળા પણ મરી જાય છે. લેબેનોનના રાષ્ટ્રપતિએ તો ચોખ્ખું કહી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલ પાછું નહીં હટે ત્યાં સુધી શાંતિ ભૂલી જાઓ. બીજી બાજુ હીઝબુલ્લાહવાળા પણ જીદ પર ચડ્યા છે કે અમે કોઈ કાળે હથિયાર નીચે નહીં મૂકીએ. આવી ડખાવાળી પરિસ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ વચેટિયા બનવા આવ્યા હતા. એમણે અમેરિકા અને ઈરાનને પાકિસ્તાનમાં વાતચીત કરવા બોલાવ્યા હતા. એક બહુ મોટી અપડેટ એ પણ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અત્યારે કોઈ સિક્રેટ જગ્યાએ સંતાઈ ગયા છે અને ત્યાંથી ઓર્ડર્સ આપી રહ્યા છે. કહેવાય છે કે એ ખાલી ચિઠ્ઠીઓથી જ વાત કરે છે, કોઈ ફોન કે ઇન્ટરનેટ વાપરતા નથી. આના લીધે ઈરાનની અંદર પણ નિર્ણયો લેવામાં બહુ અંધાધૂંધી ચાલી રહી છે. આ આખો ઘટનાક્રમ આપણને એટલું જ સમજાવે છે કે જ્યાં સુધી દરિયામાં કાગળ પર સત્તાવાર સહી ન થાય અને વહાણો માટે રસ્તો ચોખ્ખો ન થાય, ત્યાં સુધી આખી દુનિયાના બજારમાં આવો જ ભય રહેશે. અને હજુ તો આપણે ખાલી મિડલ ઈસ્ટની જ વાત કરી રહ્યા છીએ. દુનિયા હજુ ઈરાનના ટેન્શનમાંથી શ્વાસ પણ નહોતી લઈ શકી, ત્યાં રશિયાએ મોડી રાત્રે યુક્રેન પર એક ભયાનક હુમલો કરી દીધો છે. આ હુમલાએ આખી ગ્લોબલ સપ્લાય ચેઈનની કમર તોડી નાખવાની તૈયારી કરી લીધી છે. રશિયા-યુક્રેન: હાઈપરસોનિક મિસાઈલનો આતંક અત્યારે આખી દુનિયાના મોટા મોટા નેતાઓ અને એક્સપર્ટનું ધ્યાન માત્ર ઈઝરાયલ અને ઈરાન પર ચોંટેલું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બરાબર આ જ તકનો ફાયદો ઉઠાવ્યો. દુનિયા હજુ મિડલ ઈસ્ટના ટેન્શનમાંથી બહાર આવે, એ પહેલા જ 4 વર્ષ જૂના રશિયા-યુક્રેન યુદ્ધે એકદમ નવો અને ભયાનક વળાંક લઈ લીધો છે. 23 અને 24 મે 2026ની રાતે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ઇતિહાસનો સૌથી મોટો હવાઈ હુમલો કરી દીધો. આ હુમલો કોઈ સામાન્ય હુમલો નહોતો. રશિયાએ એમાં પોતાની નવી નક્કોર ઓરેશ્નિક હાઈપરસોનિક મિસાઈલ વાપરી છે. આ હાઈપરસોનિક મિસાઈલ એટલે શું? સાદી ભાષામાં સમજીએ તો, આ મિસાઈલ અવાજની ઝડપ કરતાં દસ ગણી વધારે સ્પીડથી ઉડે છે. દુનિયાની ગમે તેવી આધુનિક એર-ડિફેન્સ સિસ્ટમ હોય, એ આ મિસાઈલને હવામાં તોડી નથી શકતી. રશિયાએ એકસાથે 600 ડ્રોન અને 90 મિસાઈલોનો મારો ચલાવ્યો. આમાં વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર્સ અને રહેણાંક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. પુતિનની આ બહુ મોટી ગેમ છે. એમને ખબર છે કે અત્યારે અમેરિકા અને યુરોપ ઈરાનના ડખા સોલ્વ કરવામાં વ્યસ્ત છે, એટલે આ ગ્લોબલ ડિસ્ટ્રેક્શનનો ફાયદો ઉઠાવીને રશિયા યુક્રેન પર છેલ્લો પ્રહાર કરવા માંગે છે. વિચારો, જો રશિયા ભૂલથી પણ આ મિસાઈલ સાથે પરમાણુ બોમ્બ ફોડી દે, તો યુરોપમાં ગેસ અને અનાજનો સપ્લાય કાયમ માટે બંધ થઈ જશે. અને એની સીધી અસર ભારતના બજારમાં ઘઉં અને ખાતરના ભાવ પર પડશે. અમેરિકા અને યુરોપની આર્થિક ભીંસ આપણે ત્યાં કહેવત છે ને કે બે ઘરનો પરોણો ભૂખ્યો રહે. અત્યારે અમેરિકા અને યુરોપની હાલત એવી જ છે. વિશ્વની કોઈપણ મહાસત્તા માટે એકસાથે બે મોટા યુદ્ધ લડવા કે એમાં પૈસા પાણીની જેમ વહાવવા બહુ અઘરા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા પછી અમેરિકાની નીતિ આખી બદલાઈ ગઈ છે. ટ્રમ્પે ઘસીને કહી દીધું છે કે અમેરિકા ફર્સ્ટ. અમેરિકાની જનતા પણ હવે એવું જ ઈચ્છે છે કે અમારા ટેક્સના અબજો ડોલર વિદેશના યુદ્ધમાં ન વેડફાય. એટલે અમેરિકાએ યુક્રેનને અપાતી સૈનિકોની અને હથિયારની મદદ પર બ્રેક મારી દીધી છે. પણ હા, અહીં એક મોટો વિરોધાભાસ છે. અમેરિકાએ યુક્રેનની મદદ ભલે રોકી દીધી, પણ ઈઝરાયલને તો હજુ બેફામ હથિયારો આપી જ રહ્યું છે. એટલે જ અમૂક લોકો આને 'અમેરિકા ફર્સ્ટ' નહીં પણ 'ઈઝરાયલ ફર્સ્ટ' નીતિ કહે છે. અમેરિકાએ હાથ ઊંચા કરી દેતા હવે યુક્રેનને બચાવવાની આખી જવાબદારી યુરોપિયન યુનિયન પર આવી પડી છે. યુરોપ પોતે આર્થિક રીતે નબળું પડી રહ્યું છે છતાં એમણે અત્યાર સુધીમાં $235 બિલિયનની મદદ યુક્રેનને કરી છે. પણ ગોળા અને બારૂદ ખૂટી રહ્યા છે. એક્સપર્ટ્સ કહે છે કે જો હથિયારો નહીં મળે, તો યુક્રેને મજબૂરીમાં પોતાની અડધી જમીન રશિયાને આપીને સમાધાન કરવું જ પડશે. હોર્મુઝની નાકાબંધી અને ભાડામાં ઉછાળો હવે ફરી પાછા આવીએ પહેલા ભાગમાં વાત કરેલા કલ્પેશભાઈ અને અમદાવાદના પેટ્રોલ પંપ પર. આ પેટ્રોલ 100 રૂપિયાને પાર કેમ ગયું? આનું સીધું કનેક્શન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે છે. હોર્મુઝ એટલે ઓમાન અને ઈરાન વચ્ચેનો દરિયાનો એક બહુ જ સાંકડો રસ્તો. આ આખી દુનિયાની જીવાદોરી છે. દુનિયાનું 20-22% ક્રૂડ ઓઈલ અને ભારતનું 54% LNG ગે આ જ રસ્તેથી આવે છે. ઈરાને શું કર્યું? ફેબ્રુઆરીમાં થયેલા હુમલા પછી ઈરાનની સેનાએ આ રસ્તો જ બ્લોક કરી દીધો છે. ઈરાને તો ત્યાં દરિયામાં એક પ્રકારની ખંડણી શરૂ કરી છે. જે જહાજે અહીંથી નીકળવું હોય એણે ઈરાનને ટેક્સ આપવો પડે એટલે કે રૂપિયા આપવા પડશે. આનાથી દરિયામાં જતા જહાજના માલિકો અને વીમા કંપનીઓ ફફડી ઉઠ્યા છે. પરિણામ એ આવ્યું કે દરિયામાં મિસાઈલોના ડરથી જહાજોનું ભાડું અને વીમો રાતોરાત આસમાને પહોંચી ગયા. ફ્યુચર ટ્રેડિંગનો સટ્ટો અને રસોડાની આગ જ્યારે હોર્મુઝના દરિયામાં મિસાઈલો ફૂટતી હોય, ત્યારે વહાણના માલિકો અને વીમા કંપનીઓને પરસેવો છૂટી જાય છે. સાદી વાત છે, અબજો રૂપિયાનું જહાજ ડૂબે તો કોને પોસાય? આ ડરના લીધે બે મોટી આર્થિક અસરો જન્મે છે. કંપનીઓએ આ વિસ્તાર માટે વૉર રિસ્ક પ્રીમિયમ એટલે કે યુદ્ધના જોખમનો વીમો રાતોરાત 5 ગણો વધારી દીધો છે. લાંબા રસ્તે જવાથી જહાજનું ડીઝલ અને સમય બંને બગડે છે. અમેરિકાએ ભલે 40 બિલિયન ડોલરની નવી વીમા સુવિધા ઊભી કરી, પણ આ બધો જ વધારાનો ખર્ચો છેલ્લે આપણા પેટ્રોલ પંપના મીટરમાં ગ્રાહક તરીકે આપણે જ ચૂકવવાનો આવે છે. યુદ્ધના ડરથી રમાતો અબજો ડોલરનો સટ્ટો હવે એક મોટો અને અદ્રશ્ય ખેલ સમજો. જ્યારે દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે ત્યારે ખાલી સપ્લાય તૂટવાથી જ ભાવ નથી વધતા. સૌથી મોટું કારણ છે ડર. બજારના વેપારીઓને બીક લાગે છે કે કદાચ ભવિષ્યમાં તો તેલ મળશે જ નહીં. એટલે લોકો આજની રોકડી નહીં, પણ ભવિષ્યની તારીખોના એડવાન્સ સોદા કરવા તૂટી પડે છે. આને ઈકોનોમીની ભાષામાં ફ્યુચર ટ્રેડિંગ કે અગોતરો વેપાર કહેવાય. જ્યારે બીક લાગે, ત્યારે ટ્રેડર્સ ગમે તે ઊંચો ભાવ આપીને તેલનો સ્ટોર કરવા કે સંઘરવા માંડે છે. આ ડરના વેપારને બેકવર્ડેશન કહેવાય છે. એક તાજું ઉદાહરણ આપું. માર્ચ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે ખાલી એક મેસેજ કર્યો કે અમે ઈરાન પર હુમલો થોડો મોડો કરીશું. એ મેસેજ આવવાની થોડી જ મિનિટો પહેલાં કોમ્પ્યુટરથી 800 મિલિયન ડોલરના તેલના શંકાસ્પદ સોદા થઈ ગયા! અમુક વેપારીઓ મિનિટોમાં જ કરોડો રૂપિયા રળી ગયા. આ સટ્ટાખોરીના લીધે જમીન પર તેલ એટલું મોંઘું નથી હોતું, જેટલું કાગળ પર ડર ઊભો કરીને કરી દેવાય છે. રશિયન તેલનો જાદુ અને સરકારી કંપનીઓની લાચારી તમને મનમાં થશે કે ભારત તો રશિયા પાસેથી દબાવીને સસ્તું તેલ લે છે, તો આપણને પેટ્રોલ કેમ મોંઘું પડે છે? સાચી વાત, 2022થી આપણે રશિયા પાસેથી સસ્તું તેલ લઈને દેશમાં ભાવ કાબૂમાં રાખ્યા. પણ હવે આ મે 2026 માં રમત આખી બદલાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે બ્રેન્ટ તેલનો ભાવ ઉછળ્યો, ત્યારે રશિયાના યુરલ ક્રૂડનો ભાવ પણ 101 ડોલરને પાર કરી ગયો. હવે રશિયા પણ પાકું વેપારી થઈ ગયું છે, એ આપણને પહેલા જેવું મોટું ડીસ્કાઉન્ટ આપતું જ નથી. આની સીધી અને ભયાનક અસર આપણી સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે IOCL, BPCL, HPCL વગેરે પર પડી. આ કંપનીઓએ ફેબ્રુઆરીથી મે મહિના સુધી ગ્રાહકો પર સીધો બોજ ન નાખ્યો, પણ પોતાનું બેલેન્સશીટ ફાડ્યું. કંપનીઓએ દસ જ દિવસમાં ચાર વાર ભાવ વધારીને પેટ્રોલ અને ડીઝલમાં લિટરે સાડા સાત રૂપિયા આસપાસનો ડામ સામાન્ય જનતાને આપી દીધો. ડીઝલનો ભડકો એટલે ઘરનું આખું બજેટ ખોરવાય જો પેટ્રોલ મોંઘું થાય તો ખાલી એક નોકરિયાત માણસનું ખાનગી બજેટ બગડે. પણ જ્યારે દેશમાં ડીઝલ મોંઘું થાય ને ત્યારે આખા દેશનું અર્થતંત્ર રડવા માંડે છે. આપણા ભારતમાં 70 ટકાથી વધુ માલસામાન હાઈવે પર ટ્રકોમાં જ ફરે છે. એક ટ્રક ચલાવવાનો 65 ટકા ખર્ચો ખાલી ડીઝલનો જ હોય છે. આથી AITWAના ટ્રાન્સપોર્ટ વાળાના સંગઠનએ એક નવો કડક નિયમ લાગુ કરી દીધો, જેને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફેક્ટર કહે છે. આ નિયમ બહુ સીધો અને આકરો છે: જો ડીઝલના ભાવમાં એક રૂપિયો વધે, એટલે ટ્રકના ભાડામાં સીધો 0.65% નો વધારો લાગુ પડી જાય. હવે તમે ગણતરી કરો, ડીઝલ પાંચ રૂપિયા મોંઘું થયું, તો ટ્રાન્સપોર્ટ ખર્ચ સીધો સવા ત્રણ ટકા ઉછળી ગયો. આ સિવાય ટોલ ટેક્સ અને નવા જમાનાની ટ્રકોમાં વપરાતા AdBlue જેવા પ્રવાહીના ભાવ પણ બમણા થઈ ગયા છે. આ બધો જ ખર્ચો કોઈ મોટી કંપની કે ખેડૂત પોતાના ખિસ્સામાંથી કે નફામાંથી નથી કાઢતો. આનો પૂરો ભાર સપ્લાય ચેઈન મારફતે હરતો-ફરતો છેલ્લે આપણાં પર જ પડે છે. આ એક એવી સાંકળ છે જેમાંથી કોઈ છટકી શકતું નથી. છેલ્લે દેશમાં છૂટક મોંઘવારી એવી માઝા મૂકે છે કે ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી જાય છે અને રસોડામાં ચિંતા ઘર કરી જાય છે. ગગડતો રૂપિયો: દેશનું આયાત બિલ અને તમારો ખર્ચો અત્યાર સુધી આપણે ડીઝલ અને શાકભાજીની વાત કરી, પણ એક બહુ મોટો રાક્ષસ હજુ બાકી છે, અને એ છે ડૉલર. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો બધો જ વેપાર અમેરિકી ડૉલરમાં થાય છે. જ્યારે દુનિયામાં યુદ્ધના કારણે તેલ મોંઘું થાય, ત્યારે ભારતે બહારથી એટલું જ તેલ મંગાવવા માટે વધારે ડૉલર ચૂકવવા પડે છે. આનાથી થાય છે શું? દેશના વિદેશી હૂંડિયામણ બજારમાં ડૉલરની માંગ અચાનક વધી જાય છે. સીધી અને દેશી ભાષામાં જાણીએ તો, ભલે તેલનો ભાવ ના વધ્યો હોય, પણ રૂપિયો ગગડવાથી ખાવાનું તેલ, મોબાઈલના સ્પેરપાર્ટ્સ, અને બીમારીની દવાઓ બનાવવાનું કાચું મટિરિયલ બધું જ આપણા માટે મોંઘું થઈ જાય છે. મોંઘા તેલને લીધે રૂપિયો તૂટે અને તૂટેલા રૂપિયાને લીધે તેલ વધારે મોંઘું લાગે! આ એક એવું ભયાનક ચક્કર છે જેમાં દેશની ઈકોનોમી અને સામાન્ય માણસ બંને પીસાઈ જાય છે. RBIની મજબૂરી: મોંઘવારીની દવા અને હપ્તા જ્યારે બજારમાં ચારેબાજુ મોંઘવારી ફાટી નીકળે, શાકભાજીથી લઈને દૂધ સુધી બધું મોંઘું થઈ જાય, ત્યારે તેને કાબૂમાં લેવાની છેલ્લી જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ખભા પર આવે છે. RBI પાસે આ આગ ઓલવવાનું એક જ હાથવગું હથિયાર છે: વ્યાજદરમાં વધારો કરવો. બેંકો માટે પૈસા મોંઘા કરી દેવા જેથી બજારમાં માંગ ઘટે. હવે આની સીધી અસર તમારા ઘરના આયોજન પર પડે છે. આરબીઆઈ વ્યાજ વધારે એટલે એસબીઆઈ કે એચડીએફસી જેવી તમારી બેંકો તરત જ પોતાની નુકસાની ભરપાઈ કરવા તમારા હપ્તા વધારી દેશે. જો તમારી 20 વર્ષની 50 લાખની હોમ લોન ચાલતી હોય અને વ્યાજમાં ખાલી એક ટકાનો વધારો થાય, તો તમારા મહિનાના EMIમાં મોટો ઉછાળો આવે છે. આખી લોન પૂરી થાય ત્યાં સુધીમાં તમારે દસ લાખ રૂપિયાથી વધારે વધારાનું વ્યાજ ભરવું પડે છે. એટલે યુદ્ધનો પહેલો ફટકો પેટ્રોલ પંપ પર પડે અને બીજો, સૌથી દર્દનાક ફટકો મહિનાની પહેલી તારીખે બેંકમાંથી કપાતા હપ્તામાં પડે. યુદ્ધ અટકે તો પણ રાહત ક્યારે? હવે તમારા મનમાં સૌથી મોટો અને વ્યાવહારિક સવાલ એ ઊભો થશે કે ધારો કે કાલે સવારે ઈરાન અને અમેરિકા વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ, તો શું પરમદિવસે અમદાવાદમાં પેટ્રોલ પાછું સસ્તું થઈ જશે? આનો એકદમ કડક અને ઈતિહાસના ડેટા આધારિત સાચો જવાબ છે: ના ભાઈ ના. આવું ક્યારેય નથી થતું. છેલ્લા 3 દાયકાનો આર્થિક ઈતિહાસ જોઈ લો. કાગળ પર નેતાઓ સહી કરી દે, એનાથી કંઈ દરિયામાં સળગેલા જહાજો રાતોરાત ચાલતા નથી થઈ જતા. વીમા કંપનીઓને ફરીથી વિશ્વાસ બેસતા અને વહાણોને સાચા રસ્તે આવતા મહિનાઓ નીકળી જાય છે. અબુ ધાબીની નેશનલ ઓઈલ કંપની ADNOCએ તો અત્યારથી જ ચેતવણી આપી દીધી છે કે જો મે-જૂનમાં લડાઈ અટકે, તો પણ બજારને પૂરેપૂરું નોર્મલ થતાં અને ગોડાઉન ભરાતા 2027નો વારો આવી જશે. ભૂ-રાજકીય ડર વર્ષો સુધી બજારને દબાવી રાખે છે. તમે ચૂકવો છો અદ્રશ્ય 'યુદ્ધનો ટેક્સ' આપણા રિપોર્ટની શરૂઆતમાં આપણે જે અમદાવાદના પેટ્રોલ પંપની વાત કરી હતી, ત્યાં પાછા ફરીએ. સોમવારની સવારે પેલો નોકરિયાત માણસ જ્યારે ₹101.81 ની કિંમત ચૂકવે છે, ત્યારે એ ખાલી પેટ્રોલના કે સરકારના ટેક્સના પૈસા નથી આપતો. એમાં દુનિયાભરના ડખાની કિંમત છુપાયેલી છે. આજે 21મી સદીમાં દુનિયા એટલી જબરદસ્ત રીતે એકબીજા સાથે જોડાઈ ગઈ છે કે તેલ અવીવમાં ફૂટતો બોમ્બ કે કિવમાં પડતી રશિયાની ઓરેશ્નિક મિસાઈલ, સીધી રીતે ભારતના ટ્રાન્સપોર્ટવાળા માટે ડીઝલનો ડબ્બો મોંઘો કરી દે છે. આ લોજિસ્ટિક્સ મોંઘુ થવાથી તમારા ઘરના દૂધ-શાકભાજી મોંઘા થાય છે અને પછી બજારને કંટ્રોલ કરવા બેંક તમારા લોનના હપ્તા વધારે છે. જ્યાં સુધી દુનિયાના નેતાઓ માત્ર ટીવી પર નિવેદનબાજી કરવાને બદલે શાંતિ કરારને સાચા અર્થમાં જમીન પર લાગુ નહીં કરે અને સપ્લાય ચેઈન ફરીથી ધમધમતી નહીં થાય, ત્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થા અને તમારા ખિસ્સા પર આ અદ્રશ્ય 'વોર ટેક્સ' લાગતો જ રહેશે. છેલ્લે એક વાત મગજમાં ઉતારી લેવા જેવી છે: તમારું રસોડું, તમારું ઘર અને તમારી બચત હવે માત્ર તમારી મહેનતના હાથમાં નથી, તે સાત સમંદર પાર રમાતી રાજકારણની રમતો અને ખેંચાતી ભૌગોલિક રેખાઓને પૂરી રીતે ભરોસે છે. અને છેલ્લે.... ભારતમાં અત્યારે થોડા દિવસથી એક પાર્ટી પીક ફોર્મમાં છે. ભાજપ કે કોંગ્રેસ નહીં, પણ કોક્રોચ જનતા પાર્ટી. યુવાનોને અત્યાર સુધી પોતાની ખીજ કાઢવાનું પ્લેટફોર્મ નહોતું. હવે છે તો ત્યાં બધી જ ભડાસ કાઢે છે. પણ હેકિંગ અને સરકારી બેન વચ્ચે નવા રિપોર્ટ એવા આવ્યા છે જેનાથી યુવાનો માથે પરસેવો વળી શકે છે. તમે એક કાર્ટુન જોયું હશે ઓગી એન્ડ ધ કોક્રોચીઝ. આમાં કોક્રોચ ઓગીને હેરાન કરતા હોય છે અને ઓગી તેને ખતમ કરવાના ફાંફા મારતો હોય છે. તો હવે હકિકતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીને રોકવા ઓગી જનતા પાર્ટી ઉભી કરવામાં આવી છે. જોવાનું રહેશે આગળ હવે શું ખેલ ખેલાશે. સોમવારથી શુક્રવાર રાતે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →