Editor's View: પુતિને મોદીની મુશ્કેલી વધારી:મારતે ઘોડે ચીન પહોંચ્યા, જિનપિંગ સાથે સિક્રેટ ડીલ, દુનિયાના નકશા પર નવો ખેલ ખેલાયો, ટ્રમ્પ પણ ટેન્શનમાં
દુનિયામાં અત્યારે બે મોટા ડખા ચાલી રહ્યા છે. એક બાજુ અમેરિકા અને ઈરાન બાખડી પડ્યા છે, તો બીજી બાજુ યુક્રેન અને રશિયા વચ્ચેનો જંગ વધારે ખતરનાક અને ભયાનક બની ગયો છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા છે. આ એમની પાંચ-દસ નહીં પણ 25મી ચીન મુલાકાત છે. પણ ધ્યાનથી સમજજો, આ કોઈ ચા પીવાની મુલાકાત જરાય નથી. થોડા દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીન જઈ આવ્યા હતા. હવે વિચાર કરો, એક જ મહિનામાં દુનિયાના બે સૌથી મોટા દુશ્મનો, એટલે કે અમેરિકા અને રશિયાના નેતાઓ ચીનના દરબારમાં હાજરી આપી રહ્યા છે. જો કે પુતિન એકલા નથી ગયા, એમની સાથે 5 ડેપ્યુટી પીએમ અને 8 મોટા મંત્રીઓની આખી ફોજ ગઈ છે. તમારા મનમાં સવાલ એ થાય કે આટલી મોટી ફોજ લઈને પુતિન ચીન કેમ ગયા? શું રશિયા ભીખ માંગી રહ્યું છે? ના ભાઈ ના, પુતિન ભીખ માંગવા નથી ગયા, પણ દુનિયાના નકશા પર પોતાનું અને પોતાના દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા ગયા છે. આજે આપણે ડ્રેગન અને બેરના ડેડલી કોમ્બોથી ભારતને શું લેવા-દેવા તેની વાત કરીએ નમસ્કાર... તમને એમ થશે કે પુતિનને અચાનક ચીનની આટલી બધી તાત્કાલિક જરૂર કેમ પડી ગઈ? તો એની પાછળનું મોટું કારણ યુક્રેન છે. યુક્રેને હમણાં હમણાંથી રશિયાના નાકમાં એટલો દમ કરી દીધો છે કે વાત ના પૂછો. યુક્રેને એવા ઘાતક ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે કે રશિયાની મોટી મોટી એર ડિફેન્સ સિસ્ટમ પણ સાવ ફેલ થઈ ગઈ છે. યુક્રેને ક્યાં નિશાન તાક્યું છે ખબર છે? સીધા રશિયાના તેલના કૂવાઓ અને રિફાઇનરીઓ પર. મોસ્કો અને રિયાઝાન જેવી મોટી ઓઈલ રિફાઈનરીઓ પર આકાશમાંથી ડ્રોન પડ્યા છે. ત્યાં એવી ભયાનક આગ લાગી છે કે કંપનીઓનું કામકાજ સાવ બંધ કરવું પડ્યું છે. આ હુમલાઓમાં 7 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે વિચાર કરો, જે રશિયા પોતાની મિલિટરી તાકાત પર હંમેશા ગર્વ કરતું હતું, ત્યાં 2007 પછી પહેલીવાર એવું બન્યું કે તેમની વિક્ટરી ડે પરેડમાં મોટી કે મહાકાય ટેન્ક જોવા ના મળી! આ બતાવે છે કે પુતિન અત્યારે કેટલા મોટા ટેન્શનમાં છે અને ઘરની અંદર એમની હાલત કેટલી ખરાબ છે. પુતિનનો ચીન પાસે માંગેલો મોટો ટેકો જ્યારે ઘરમાં આગ લાગી હોય ત્યારે માણસ પાડોશી પાસે જ પાણી માંગવા જાય ને! બસ પુતિનનું પણ અત્યારે એવું જ છે. રશિયાની હાલત અત્યારે એવી છે કે તેલ અને ગેસ વેચાય તો જ એમનો દેશ ચાલે. પણ તેલ કાઢવાના મશીનો અને રિફાઈનરીઓ સળગી રહી છે. પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવી દીધા છે, એટલે કોઈ નવો સામાન કે સ્પેરપાર્ટ્સ તેમને મળતા જ નથી. એટલા માટે જ પુતિન સીધા શી જિનપિંગના દરબારમાં મદદ માટે પહોંચ્યા છે. પુતિનનો ચીન પાસે જવાના 5 ટાર્ગેટ શું છે તે સમજીએ... રશિયાને હવે પૂરેપૂરી ખબર પડી ગઈ છે કે ચીન પાસે અત્યારે અઢળક પૈસો પણ છે અને પાવર પણ છે. ચીન અત્યારે બહુ મોટી ગેમ રમી રહ્યું છે. એક બાજુ તે અમેરિકા સાથે વેપાર વધારીને ડૉલર કમાય છે, અને બીજી બાજુ રશિયાને સસ્તા ભાવે તેલ માટે પોતાની તરફ જોરથી ખેંચી રહ્યું છે. આ આખી રમતનો સીધો મતલબ એ છે કે અમેરિકા ભલે ગમે તેટલા કૂદકા મારે, પણ એશિયામાં તો હવે ચીનનો જ સિક્કો ચાલશે. અમેરિકા અને રશિયા બંને દેશોને ચીન અત્યારે પોતાના ઈશારે નચાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બંધ બારણે ચીન અને રશિયાની ગુપ્ત ડીલ હવે આપણે થોડી અંદરની અને ગુપ્ત વાતો કરીએ. પુતિન અને શી જિનપિંગ જ્યારે બંધ બારણે એકબીજા સાથે બેઠા છે, ત્યારે ત્યાં હકીકતમાં શું રંધાઈ રહ્યું છે? આ બંને દેશો મળીને 5 મોટા મુદ્દાઓ પર બહુ જ મોટી ગેમ રમી રહ્યા છે. આ કોઈ નાની સૂની વાત જરાય નથી. આનાથી દુનિયાનો આખો નકશો અને અત્યાર સુધીની જે સિસ્ટમ છે, તે બધું જ બદલી નાખવાની તૈયારી ચાલી રહી છે. બધાને સમજવામાં એકદમ સહેલું પડે તે માટે, આ ગુપ્ત ડીલના ઈન્ટરનેશનલ મીડિયામાં જે 5 નિર્ણયો સામે આવ્યા છે તે પણ જાણી લો ડ્રેગન અને રીંછની આ નવી પાક્કી દોસ્તી તમે જુઓ, ચીન એટલે ચાલાક ડ્રેગન અને રશિયા એટલે તાકાતવર રીંછ. આ બંનેની નવી દોસ્તીમાં એક બહુ મોટી શરત છે. ચીન સીધી રીતે રશિયાને કહે છે કે અમે તમને બધી જ મદદ કરવા તૈયાર છીએ, પણ તમારે અમને સાવ સસ્તા ભાવે, કાયમ માટે ક્રૂડ ઓઈલ અને ગેસ આપવો પડશે. રશિયા પાસે અત્યારે યુદ્ધના કારણે બીજો કોઈ રસ્તો પણ બચ્યો નથી. એટલે એ ચીનની બધી શરતો ચૂપચાપ માની રહ્યું છે. આ ડીલની સૌથી મોટી વાત એ છે કે તેઓ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરને સંપૂર્ણપણે બાયપાસ કરી રહ્યા છે. એટલે કે, અમેરિકાના પૈસાની હવે એમને કોઈ જરૂર નથી પડવાની, તેઓ પોતાના ચલણમાં જ લેવડદેવડ કરશે. બીજી મહત્વની વાત એ છે કે, પશ્ચિમી દેશોએ જે આકરા પ્રતિબંધો લગાવ્યા છે, તેનો આ બંને દેશો ખુલ્લેઆમ અને ડર્યા વગર વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે દુનિયામાં હવે અમેરિકા અને યુરોપનો જે દબદબો છે, તે ઓછો થાય. ટૂંકમાં સમજી લો કે આખી દુનિયામાં હવે ઊર્જા, આધુનિક ટેકનોલોજી અને પૈસા... આ ત્રણેય મોટા મોરચે આ બંને દેશો એક થઈ ગયા છે. અને સૌથી મોટી વાત એ છે કે રશિયા અત્યારે પોતાની મજબૂરીના કારણે ચીન સામે થોડું નમી ગયું છે, એટલે દુનિયાના નકશા પર ચીનનું કદ હવે બહુ મોટું અને ખતરનાક થઈ ગયું છે. ચીન આર્થિક રાજા, રશિયા પરમાણુ મહારાજા હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે કે આ બંનેમાં સૌથી વધુ પાવરફુલ કોણ છે? કોનું પલ્લું ભારે છે? ભાઈ, બંનેની તાકાત સાવ અલગ-અલગ છે. જો પૈસાની વાત કરીએ તો ચીન એ આર્થિક રાજા છે. ચીનની જીડીપી લગભગ 18 થી 19 ટ્રિલિયન ડોલર જેટલી જંગી છે. જ્યારે રશિયાની જીડીપી માત્ર 2 ટ્રિલિયન ડોલર જ છે! એટલે કે ચીન પાસે રશિયા કરતાં નવ ગણા વધારે પૈસા છે. આજે આખી દુનિયાને ચીનના સામાનની ગરજ છે, જ્યારે રશિયાની કમાણી માત્ર જમીનમાંથી નીકળતા તેલ, ગેસ અને ખેતરમાં પાકતા ઘઉં વેચીને જ થાય છે. પણ જો સૈન્ય તાકાત અને ફોજની વાત આવે, તો ત્યાં બાજી આખી અલગ છે. ચાલો આપણે સૈન્યના આંકડા સીધી રીતે સમજીએ: દરિયાઈ અને પરમાણુ તાકાતનો મોટો મુકાબલો જો દરિયાઈ તાકાત જોઈએ, તો ચીનની નેવી આજે દુનિયામાં સૌથી પાવરફુલ બની ગઈ છે. દરિયામાં વિમાનો ઉતારવા માટે ચીન પાસે અત્યારે 3 મોટા એરક્રાફ્ટ કેરિયર છે અને અસંખ્ય આધુનિક સબમરીન છે. જ્યારે રશિયા પાસે માત્ર 1 જૂનું એરક્રાફ્ટ કેરિયર છે. પણ હા, આકાશમાં રશિયા પાછળ નથી. રશિયા પાસે 4 હજારથી વધુ મિલિટરી વિમાન અને એટેક હેલિકોપ્ટર છે. સામે ચીન પાસે 3,300 જેટલા લડાકુ વિમાનો છે. અને હવે વાત કરીએ દુનિયાના સૌથી ખતરનાક હથિયારની, એટલે કે પરમાણુ બોમ્બની. આ બાબતમાં તો રશિયા આખી દુનિયાનો બાપ છે, એ નંબર વન પરમાણુ મહારાજા છે! રશિયા પાસે અત્યારે 5,580 જેટલા પરમાણુ બોમ્બનો ખડકલો છે. જ્યારે ચીન પાસે માત્ર 500 થી 600 બોમ્બ છે. એટલે છેલ્લે સીધો અને સાદો નિચોડ કાઢીએ તો, પૈસા, અર્થતંત્ર, સૈનિકોની સંખ્યા અને દરિયાઈ નેવીમાં ચીન બહુ આગળ છે. પણ, પરમાણુ બોમ્બનો જથ્થો અને અસલી મેદાનમાં યુદ્ધ લડવાનો અનુભવ રશિયા પાસે સૌથી વધારે છે. આ બંને દેશો ભેગા થાય એટલે સમજો કે ચીનનો અઢળક પૈસો અને રશિયાના ઘાતક હથિયાર... આ એક એવી જોડી બની ગઈ છે જે આખી દુનિયાને હંફાવી શકે તેમ છે. રશિયા અને ચીનની દોસ્તી: ભારત માટે સૌથી મોટું ટેન્શન રશિયા અને ચીન કેવી રીતે એકબીજાની સાવ નજીક આવી ગયા છે. પણ આ બધી રામાયણની વચ્ચે આપણા દેશ ભારતનું શું? આ સવાલ આપણા સૌના મનમાં થવો એકદમ વ્યાજબી છે. કારણ કે એક બાજુ રશિયા છે, જે ઐતિહાસિક રીતે દાયકાઓથી આપણો ખૂબ જ ભરોસાવાળો અને સુખ-દુઃખનો સાથી રહ્યો છે. અને બીજી બાજુ ચીન છે, જે આપણો પાડોશી હોવા છતાં આપણો કટ્ટર દુશ્મન છે. ગલવાન ઘાટી હોય કે અરુણાચલ પ્રદેશ, સરહદ પર વારંવાર ચીન સાથે આપણો ડખો થતો જ રહે છે. હવે જરા શાંતિથી વિચાર કરો, તમારો સૌથી જૂનો મિત્ર તમારા જ સૌથી મોટા દુશ્મન સાથે હાથ મિલાવી લે, તો ટેન્શન કોને થાય? સીધી અને સાદી વાત છે, ભારતને જ સૌથી મોટું ટેન્શન થાય. રશિયાનું ચીન તરફ આટલું બધું ઢળી જવું એ આપણા દેશ માટે ભૌગોલિક રાજનીતિમાં બહુ મોટી માથાકૂટ સમાન છે. એશિયામાં હવે સત્તાનું કેન્દ્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતને અત્યારે શું મોટા ફાયદા થઈ રહ્યા છે? હવે તમને એમ થશે કે જો આટલો મોટો ખતરો છે, તો પછી ભારત કેમ ચૂપ છે? આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતો, માત્ર અને માત્ર પોતાના દેશના ફાયદા જોવાય છે. અત્યારે ટૂંકા ગાળા માટે ભારતને રશિયાની આ મજબૂરીથી બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. ચાલો સીધી અને સાદી રીતે સમજીએ કેવી રીતે: દુનિયાની મોટી કંપનીઓ હવે માત્ર ચીન પર ભરોસે રહેવાને બદલે ભારતના બજાર પર વધુ ભરોસો કરી રહી છે, જેનો સીધો ફાયદો આપણા અર્થતંત્રને મળી રહ્યો છે. લાંબા ગાળે ભારતને કેટલું મોટું અને ભયંકર નુકસાન થશે? આ તો થઈ અત્યારના ફાયદાની વાત, પણ ભવિષ્યનું શું? લાંબા ગાળે આ ડ્રેગન અને રીંછની જોડી આપણને બહુ ભારે પડી શકે છે. રશિયા હવે આર્થિક રીતે ચીન પર નિર્ભર થઈ રહ્યું છે તો બની શકે કે ચીનની કોઈ પણ વાત ટાળી ન શકે. ચીન અને રશિયા વચ્ચે અત્યારે વાર્ષિક 240 બિલિયન ડોલરનો મોટો વેપાર ચાલી રહ્યો છે. આ આંકડો કેટલો મોટો છે ખબર છે? ભારતના આખા વર્ષના ડિફેન્સ બજેટ કરતા લગભગ ત્રણ ગણો મોટો! આવામાં બની શકે કે ભવિષ્યમાં ભારતનું ટેન્શન વધી શકે છે. સૌથી મોટો અને સળગતો સવાલ એ છે કે, જો આવતીકાલે હિમાલયની સરહદો પર ફરીથી ભારત અને ચીન વચ્ચે ભીષણ યુદ્ધ થાય, તો રશિયા કોનો સાથ આપશે? સાચું અને કડવું સત્ય એ છે કે 1962ના ભારત-ચીન યુદ્ધની જેમ રશિયા કદાચ ચૂપચાપ બેસી રહેશે અથવા સાવ તટસ્થ રહી શકે. ચીનનું દબાણ એટલું ભયંકર હશે કે રશિયા ખુલ્લેઆમ ભારતની મદદે ક્યારેય નહીં આવે. રશિયા માટે અત્યારે પોતાનું ડૂબતું અર્થતંત્ર બચાવવું વધારે જરૂરી છે, અને એ બચાવવા માટેનો શ્વાસ ચીન પાસેથી જ આવે છે. એટલે રશિયા ભલે કાગળ પર આપણો ઓલ-વેધર મિત્ર હોય, પણ અસલી યુદ્ધના મેદાનમાં એ ચીન સામે આંખ નહીં કાઢી શકે. ભારતઃ સૌ સાથે પણ એક સાથે નહીં આવી ખતરનાક અને ભીંસવાળી પરિસ્થિતિમાં ભારત અત્યારે બહુ જ સ્માર્ટ ગેમ રમી રહ્યું છે. આપણા દેશના વિદેશ નીતિ ઘડવૈયાઓ બહુ હોંશિયાર છે. તેમણે એક જબરદસ્ત બેલેન્સ બનાવી રાખ્યું છે જેને મલ્ટી એલાઈનમેન્ટ કહેવાય છે. ભારત બરાબર જાણે છે કે કોઈ એક જ મહાસત્તા પર આંખ બંધ કરીને નિર્ભર રહેવું એ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું ખતરનાક છે. એટલે ભારતે બધા સાથે સારા સંબંધ રાખવાની સચોટ નીતિ અપનાવી છે. આ ઐતિહાસિક કૂટનીતિ નીચે મુજબ છે: ટૂંકમાં કહીએ તો, દુનિયાને ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે અમે વિકાસ માટે સૌની સાથે છીએ, વિનાશમાં એક સાથે પણ નહીં. દુનિયાના નકશા પર રમાઈ રહેલો નવો ખેલ મે 2026ની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ બેઇજિંગ મુલાકાત કોઈ સામાન્ય પ્રવાસ નથી. આ માત્ર બે પાડોશી દેશોનો બાયલેટરલ ડિપ્લોમસી કાર્યક્રમ જરાય નથી. વાસ્તવમાં આ મુલાકાતે 21મી સદીના ભૌગોલિક રાજકારણ અને આખા આર્થિક માળખાનું એક સાવ નવું કેન્દ્રબિંદુ ઉભું કરી દીધું છે. યુક્રેને જે સતત, આક્રમક, હાઈ-ટેક અને મિડ-રેન્જ ડ્રોન હુમલાઓ કર્યા, તેનાથી રશિયાની અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી પણ સાવ નબળી પડી ગઈ છે. આ જ ગંભીર મજબૂરીના કારણે પુતિનને આજે ચીન પાસે શસ્ત્રોના સ્પેરપાર્ટ્સ, મોટી આર્થિક સુરક્ષા અને નવી ટેકનોલોજીનો આશ્રય લેવાની સીધી ફરજ પડી છે. ચીને બહુ જ ચતુરાઈથી રશિયાની આ ઐતિહાસિક મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લીધો છે. ડ્રેગને અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર કરતા સાવ સસ્તા ભાવે પોતાની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા પાક્કી કરી લીધી છે અને સાથે સાથે રશિયાના વિશાળ બજારને પોતાના પૂરા કબજામાં લઈ લીધું છે. હવે રશિયાના બજારમાં પશ્ચિમી દેશોના બદલે માત્ર ચીની સામાન જ વેચાય છે. અમેરિકાના દબદબાને ખતમ કરવા ચીન-રશિયાની એક આ મુલાકાતમાં બંધ બારણે જે મોટા કરારો થયા છે, તે સીધા જ અમેરિકાની ગ્લોબલ સત્તાને ખુલ્લી ચેલેન્જ ફેંકે છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં વેપાર હવે 70 ટકાના આંકડા સુધી પહોંચી ગયો છે, એટલે કે બંને દેશો વચ્ચે ડી-ડોલરાઈઝેશન હવે પૂરેપૂરું અને શાનદાર રીતે સફળ થઈ ગયું છે. ડ્યુઅલ-યુઝ ટેક્નોલોજીનું સીમલેસ આદાનપ્રદાન અને બ્રિક્સ તથા એસસીઓ જેવા સંગઠનો મારફતે આ બંને દેશો અમેરિકન વર્ચસ્વને તોડવાની બહુ મોટી રણનીતિ ઘડી રહ્યા છે. તેઓ આખી દુનિયાને ચોખ્ખો સંદેશ આપે છે કે હવે દુનિયા માત્ર પશ્ચિમી દેશો અને અમેરિકાના નિયમો પર નહીં ચાલે. તેઓ એક નવી મલ્ટી પોલર ગ્લોબલ સિસ્ટમ ઊભી કરવા માટે પૂરી રીતે તૈયાર થઈ ચૂક્યા છે. પશ્ચિમી દેશો માટે આ એક બહુ મોટો અને જોખમી ઝટકો છે. આપણા માટે આવનારો સમય કેટલો કપરો હશે? હવે આપણે સૌથી મહત્વની વાત આપણા પોતાના દેશ ભારતની કરીએ. ભારત માટે આ ઉભરતી અને મજબૂત રશિયા-ચીન ધરી એક ખૂબ જ ગંભીર ચેતવણી અને બહુ મોટો પડકાર જેવી છે. ભલે રશિયા ઐતિહાસિક રીતે ભારતનું જૂનું, ગાઢ અને ભરોસાપાત્ર મિત્ર હોય, પણ આજની આર્થિક વાસ્તવિકતાની નજરે જોતા આખું ચિત્ર સાવ અલગ છે. વાસ્તવિકતા એ છે કે રશિયા હવે ચીનની ભ્રમણકક્ષામાં પૂરી રીતે બંધાઈ ગયેલો દેશ છે. રશિયા હવે આર્થિક અને લશ્કરી રીતે ચીન પર નિર્ભર માત્ર એક જુનિયર પાર્ટનર બનીને રહી ગયું છે. બેઇજિંગની મરજી વગર રશિયા હવે કોઈ મોટો આંતરરાષ્ટ્રીય નિર્ણય લઈ શકે તેવી મજબૂત સ્થિતિમાં નથી. આ કડવું સત્ય ભારતીયોએ સ્વીકારવું જ પડશે. જો ક્યારેય ભારત અને ચીન વચ્ચે હિમાલયની સરહદ પર ભીષણ યુદ્ધ ફાટી નીકળે, તો ભારત રશિયા પાસેથી કોઈ જ મોટી સૈન્ય મદદની અપેક્ષા રાખી શકે નહીં. કારણ કે રશિયાને પોતાનું યુદ્ધ અને અર્થતંત્ર ચલાવવા માટે ચીનનો જ પૈસો જોઈએ છે. અને છેલ્લે... ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બેઈજિંગના તિયાનમેન સ્વેર પર દુનિયાના બે શક્તિશાળી નેતા એટલે કે વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ આંટા મારી રહ્યા હતા. ત્યારે તેમની વચ્ચેની એક સિક્રેટ વાતચીત વાયરલ થઈ ગઈ હતી. બંને લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસના જીવનને વધારાની વાતચીત કરી રહ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે બંને નેતાઓ દાયકાઓથી સત્તા પર બેઠા છે તો શું હજુ વધુ પાવરમાં રહેવા માટે અમર થવાના રસ્તા શોધી રહ્યા છે? શું સત્તાનો નશો માણસને અમર થવા સુધી લઈ જાય છે? સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →