Editor's View: હવે લાઇટ બિલમાં 440 વોટનો ઝટકો લાગશે:ઘર બંધ હશે તો પણ તોતિંગ બિલ આવશે, વેપારીઓ-ઉદ્યોગો પર ડબલ મારની તૈયારી, ફિક્સ ચાર્જનાં નામે વસૂલીનો કારસો
માની લો કે અત્યારે 2026માં તમારા 2 મહિનાના લાઈટબિલમાં 50 રૂપિયા ફિક્સ ચાર્જ આવે છે અને તમારું બે મહિનાનું બિલ 2 હજાર રૂપિયા થાય છે. પણ 2030માં તમારું આ બિલ જોરદાર વધી જશે! જો તમારું 2000 રૂપિયાનું બિલ હોય, તો તેના ફિક્સ ચાર્જમાં 25%નો તોતિંગ ભાવ વધારો ઝીંકાશે! પછી તમે ઘરમાં વીજળી વાપરો કે ના વાપરો, આટલા પૈસા તો તમારે ફરજિયાત આપવા જ પડશે. આવું કેમ થશે આજે તેની વાત કરીએ કારણ કે આના લીધે કરોડો લોકો પર અસર થવાની છે. આ વાત એટલા માટે પણ કરવી જરૂરી છે કારણ કે યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ-ડીઝલના વધારા સાથે આ નવો ઝટકો સરકાર આપવાની છે. નમસ્કાર... અત્યારે સરકારી વીજ કંપનીઓની આર્થિક સ્થિતિ સારી નથી. એની ખોટ પૂરી ફિક્સ ખર્ચને પહોંચી વળવા માટે સરકાર આ નવો ફિક્સ ચાર્જનો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. વીજળીના બિલમાં હવે માત્ર વીજ વપરાશના જ નહીં, પણ ફિક્સ ચાર્જના નામે એક એવો મોટો ફટકો પડવા જઈ રહ્યો છે, જેની અસર આવનારા ચાર વર્ષમાં દરેક ઘરના બજેટ પર દેખાશે. અત્યારે ભલે આપણે માનીએ કે 2026માં 45 કે 50 રૂપિયા ફિક્સ ચાર્જ આપીએ છીએ, પણ 2030નું ચિત્ર સાવ બદલાઈ જશે. સરકારી વીજ કંપનીઓ ખાઈ રહી છે ખોટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી CEA ના રિપોર્ટ મુજબ, વીજ કંપનીઓના કુલ વાર્ષિક ખર્ચમાં ફિક્સ કોસ્ટનો ભાગ 38%થી 56% જેટલો તોતિંગ છે. આ ખર્ચમાં થર્મલ પાવર પ્લાન્ટનું પેમેન્ટ, ટ્રાન્સમિશન ચાર્જિસ, કર્મચારીઓના પગાર, પેન્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી જેવી બાબતો આવી જાય છે. વીજ કંપનીઓએ આ ખર્ચ તો કરવાનો જ હોય છે, ભલે ગ્રાહક એક યુનિટ પણ વીજળી ન વાપરે. પણ અહીં જ અસલી ગેમ શરૂ થાય છે. કારણ કે આ કંપનીઓ ગ્રાહકો પાસેથી જે ફિક્સ ચાર્જ વસૂલે છે, તે તેમના કુલ રેવન્યુના માત્ર 9% થી 20% જ છે. આટલો મોટો તફાવત કંપનીઓની કમર તોડી રહ્યો છે. એટલે કે, સરકારી વીજ કંપનીઓ પોતાની મુખ્ય મૂડી તો યુનિટના ભાવ વધારીને વસૂલવાનો પ્રયત્ન કરે છે. ખોટ કંપનીઓની અને વસૂલી ગરીબો પાસે પણ એ પણ સમજવું પડે કે તે આવું કેમ કરી રહી છે? વાત જાણે એમ છે કે સિસ્ટમ દાયકાઓથી ચાલતી હતી, પણ હવે સોલર ક્રાંતિએ આ આખી ગણતરી ઉથલાવી દીધી છે. જ્યારે લોકો પોતાના ધાબા પર સોલર પેનલ લગાવી રહ્યા છે, ત્યારે તેમનો વીજળીનો વપરાશ ઘટી રહ્યો છે. જેના કારણે, વીજ કંપનીઓને મળતી આવક સાવ ઘટી ગઈ છે, પણ પેલો 50% જેટલો ફિક્સ ખર્ચ તો ત્યાંનો ત્યાં જ છે. કંપનીઓ હવે પોતાની આ ખોટ પૂરી કરવા માટે લાઈટના વપરાશ પર આધાર રાખવાને બદલે સીધો ફિક્સ ચાર્જ વધારવા માંગે છે, જેથી સોલર લગાવનારા કે સામાન્ય ગ્રાહક કોઈ પણ સ્થિતિમાં કંપનીને બેઠા પૈસા મળતા રહે. તમારા બિલના કેટલા રૂપિયા વધશે? સરકારનું નવું પ્લાનિંગ એવું છે કે 2030 સુધીમાં ઘર અને ખેતીમાં જે વીજળીના મીટર લાગેલા છે તેની માટે ફિક્સ કોસ્ટ રિકવરી 25% સુધી લઈ જવી, અને ઈન્ડસ્ટ્રી અને બિઝનેસ માટે તો આ આંકડો 100% સુધી પહોંચાડવાનો છે. આ નિર્ણય માત્ર આર્થિક નથી, પણ એક એવી નીતિ છે જેની સીધી અસર ગરીબ અને મિડલ ક્લાસ પર થવાની છે. જે ગ્રાહક પાસે સોલર લગાવવાની કેપેસિટી નથી, તે આ મોંઘવારીનો ભાર ઉઠાવશે. તો માની લો કે ઈન્ડસ્ટ્રીનો હાલનો ફિક્સ ચાર્જ ₹475/kVA/month છે. જો 2030માં ફિક્સ ચાર્જ 100 ટકા થઈ જાય તો ₹475/kVA/month છે, તે વધીને 2 ગણો થઈ શકે છે. એટલે કે 950 રૂપિયા. વીજ કંપનીઓની ડિઝાઈન બાબા-આદમ જમાનાની વીજળી કંપનીઓનો ફિક્સ ખર્ચ 38%થી 56% જેટલો ઊંચો હોવા છતાં, હાલની વ્યવસ્થામાં ફિક્સ ચાર્જથી ખાલી 9% થી 20% આવક જ વસૂલાઈ રહી છે. આટલો મોટો તફાવત એ વાતનો પુરાવો છે કે આપણી સરકારી વીજળી કંપનીઓની હાલની ટેરિફ ડિઝાઇન હવે જૂની અને અસર વગરની બની ચૂકી છે. જ્યારે ફિક્સ ખર્ચ વસૂલવાની જવાબદારી માત્ર વીજળીના વેચાણ પર આધારિત હોય, ત્યારે તેને વોલ્યુમ રિસ્ક કહેવામાં આવે છે, જે DISCOMs જેવી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે એક મોટી નાણાકીય સમસ્યા છે. વીજ કંપનીઓએ થર્મલ જનરેટર્સ સાથે ટેક-ઓર-પે કરાર કર્યા હોય છે. આનો અર્થ એ છે કે, વીજળી કંપની ગ્રાહકોને વીજળી વેચે કે ન વેચે, તેમણે જનરેટર્સને ફિક્સ ક્ષમતા ચાર્જ તો ચૂકવવા જ પડે છે. જો કોઈ કારણોસર, જેમ કે આર્થિક મંદી અથવા ઉનાળાના કારણે વીજ વપરાશ ઘટે, તો કંપનીની આવક તૂટી પડે છે, પણ પગાર-પેન્શન-મેઈન્ટેનેન્સ વગેરોનો ખર્ચો તો ચાલુ જ રહે છે. જેના લીધે, વર્ષના અંતે કંપનીઓ ખોટમાં જાય છે અને કંપનીની નાણાકીય સ્થિરતા જોખમાય છે. હાલના સમયની સૌથી મોટી સમસ્યા ઓપન એક્સેસ અને રૂફટોપ સોલરના ગ્રાહકો છે. આ એવા ઉદ્યોગો અથવા રહેણાંક ગ્રાહકો છે જેઓ પોતાની વીજળી જાતે જ પેદા કરે છે. જોકે, તેઓ જ્યારે સોલર ન હોય ત્યારે અથવા જરૂર પડે ત્યારે ગ્રીડનો ઉપયોગ કરવા માટે કનેક્શન તો ચાલુ રાખે જ છે. સોલરવાળા ભલે ઓછી ખરીદે પણ વાયર અને પ્લાન્ટનું કનેક્શન તો વીજ કંપનીઓનો રહેવાનું જ છે. ટૂંકમાં સોલરવાળા પાસેથી કોઈ આવક નહીં થાય અને તેમને સર્વિસ પણ સરકારી કંપનીને આપવી પડી રહી છે. જેના કારણે તેમને ખોટ થઈ રહી છે. સરકારી વીજ કંપનીઓને આ ખોટને હવે વધારવી છે અને તેના માટે જ હવે તે જેના ઘરના ધાબે સોલર લગાવેલું છે લોકો પાસેથી પણ ફિક્સ પેની મસમોટી રકમ વસૂલશે. અત્યારની રીતમાં મોટી ગરબડ છે. અમુક લોકોએ કનેક્શન તો મોટું અને પાવરફુલ લીધું હોય, પણ વીજળી ઓછી વાપરે, એટલે તેઓ લાઈન સાચવવાનો પૂરો ખર્ચ આપતા નથી. આના કારણે જે લોકો લાઈટ વધારે વાપરે છે કે મોટી ફેક્ટરીઓ ચલાવે છે, તેમણે બીજાના લાઈનનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી ભરવો પડે છે. આ રીતે વીજળીનું તંત્ર લાંબો સમય ચાલી શકે નહીં, તે તો ખોટમાં જ જવાનું છે. ખેડૂતો પાસે 50% ફિક્સ પે વસૂલીનો હતો પ્લાન સરકાર અને પાવર મિનિસ્ટ્રી આ મુદ્દે લાંબા સમયથી મથામણ કરી રહી છે. વર્ષ 2018માં ડ્રાફ્ટ નેશનલ ટેરિફ પોલિસીમાં ચોખ્ખો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો કે વીજ કંપનીઓએ ઘરેલુ અને ખેતીના ગ્રાહકો માટે 50% અને અન્ય માટે 75% ફિક્સ કોસ્ટ વસૂલવી જોઈએ. જોકે, જ્યારે આને અમલમાં મૂકવાની વાત આવે છે, ત્યારે સ્થિતિ ઘણી અઘરી બની જાય છે. ભારત એક બહુ મોટો દેશ છે જેમાં અલગ-અલગ રાજ્ય અને ભૂગોળ છે. જો ફિક્સ ચાર્જ નીતિ બનાવવામાં આવે તો તે અઘરી બની શકે છે. જો વેપારીઓ સરકારી વીજળી નહીં લે તો? ઘણા માને છે કે ફિક્સ ચાર્જ વધારવાથી કંપનીઓને કમાણી થશે, પણ આમાં જોખમ બહુ મોટું છે. જો સરકાર ફેક્ટરીઓ પર આ બોજ વધારશે, તો ફેક્ટરીના માલિકો કંટાળીને સરકારી લાઈન છોડી દેશે અને પોતાનું સોલર કે બીજા રસ્તા શોધી લેશે. કંપનીઓને એમ લાગશે કે પૈસા મળશે, પણ ઊલટું થશે... તેમના મોટા ગ્રાહકો જ હાથમાંથી જતા રહેશે. ટૂંકમાં, વધુ પૈસા લેવાની લાલચમાં કંપનીઓ પોતે જ ઉદ્યોગોને સરકારી લાઈન છોડવા માટે મજબૂર કરી દેશે. વળી, એવી ચર્ચા પણ છે કે જેઓ સોલર વાપરે છે કે ખાનગી કંપનીની વીજળી લે છે, તેમને પણ આ ફિક્સ ચાર્જમાંથી છોડવામાં આવશે નહીં. જો કંપનીઓ ફિક્સ ચાર્જ એટલા વધારી દે કે ગ્રાહકને સોલર-પ્લસ-સ્ટોરેજમાં 2 થી 5 વર્ષમાં જ પૂરા પૈસા પાછા મળી જાય, તો પછી કોઈ ગ્રાહક કંપનીની મોંઘી લાઈટ વાપરવાનું કેમ પસંદ કરે?. આ સ્થિતિમાં ઉદ્યોગો માટે ગ્રીડનો વિકલ્પ છોડીને સોલર તરફ વળવું વધુ સસ્તું પડશે. અમેરિકા, યુકે અને યુરોપ જેવા દેશોમાં પણ ટુ-પાર્ટ ટેરિફ એટલે કે ફિક્સ અને વેરીએબલ ચાર્જનું મોડલ વપરાય છે. જોકે, ત્યાં ગરીબ પરિવારોને બચાવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. બીજા દેશોમાં ગરીબોને રાહત આપવા માટે ઘરોમાં ફિક્સ ચાર્જ ખૂબ ઓછો રાખવામાં આવે છે, જ્યારે મોટી ફેક્ટરીઓ પાસે વધારે ચાર્જ લેવાય છે. આપણે પણ આ સમજવું પડશે કે ઘર અને ફેક્ટરી બંને એક નથી. ફેક્ટરીઓને ભારે મશીનો ચલાવવા મોટી અને પાવરફુલ લાઈન જોઈએ, એટલે એમનો ખર્ચ પણ વધારે હોય છે. જ્યારે સામાન્ય માણસ તો નાનું જોડાણ જ વાપરે છે. જો સરકાર બધાને એક જ લાકડીએ હાંકશે, તો બિચારો ગરીબ માણસ તો આ મોંઘવારીમાં પિસાઈ જ જશે. સરકારે ખાલી કંપનીઓની તિજોરી ભરવાનું જ ન જોવું જોઈએ, પણ સામાન્ય માણસ કેટલું ભરી શકે તેમ છે, તે જોવું પણ એટલું જ જરૂરી છે. ગરીબોને ડામ આપવાનું બંધ કરો. વીજ કંપનીઓનું નાટક જોઈ લો! જુઓ, એક બહુ મોટી ગરબડ છે જે કોઈને જલ્દી સમજાશે નહીં. વીજ કંપનીઓ કહેશે કે ફિક્સ ચાર્જ વધારીએ છીએ, તો સામે લાઈટના યુનિટના ભાવ ઘટાડી દઈશું. પણ સાંભળો, અહીં જ મોટો લોચો છે. અત્યારે દિવસમાં સોલર વાપરો તો જે ડિસ્કાઉન્ટ મળે છે, તે યુનિટના ભાવ ઘટવાને કારણે સાવ કિંમત વગરનું થઈ જશે, એટલે કોઈ ફાયદો જ નહીં રહે. વળી, જે વધારાના ટેક્સ કે સરચાર્જ લાગે છે, તેની અસર યુનિટના ભાવ ઘટવાથી ઊલટાની વધારે દેખાશે. ટૂંકમાં, કંપનીઓ તમને યુનિટમાં રાહત આપવાનું નાટક કરશે, પણ અસલમાં તો બીજા છૂપા ચાર્જ તમારા પર મોટો બોજ બનીને પડશે. સામાન્ય માણસને આ ગણિત સમજાશે જ નહીં અને અંતે તો મોંઘવારીનો માર તમને જ સહન કરવો પડશે. આ એક એવી જાળ છે જેમાં તમે સપડાઈ જશો. બિલનો મોટો ભાગ જ ફિક્સ ચાર્જનો બીજી સૌથી કડવી વાસ્તવિકતા એ છે કે, જે ગ્રાહકો ઓછી વીજળી વાપરે છે અથવા જેઓ ભાડાના મકાનમાં રહે છે, તેમની પર ફિક્સ ચાર્જનો બોજ પ્રમાણસર ઘણો વધારે પડવાનો છે. રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આંકડા જોઈએ તો, ઓછો વપરાશ કરતા ગ્રાહકો પહેલેથી જ પોતાના બિલના મોટા હિસ્સા તરીકે ફિક્સ ચાર્જ ચૂકવે છે. જો સરકાર અહીં પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર આડેધડ ફિક્સ ચાર્જ વધારશે, તો તે સામાજિક રીતે અન્યાયી ગણાશે. આ સમસ્યાના ઉકેલ માટે, સરકારે પર કનેક્શન ને બદલે પર kWના આધારે ફિક્સ ચાર્જ વસૂલવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. વીજ કંપનીઓ સુધરવા માંગતી હોય, તો ગ્રાહકોના ખિસ્સા કાપતા પહેલા તેમણે આ સુધારા કરવા જોઈએ: વીજ કંપનીઓની હાલત ખરાબ છે એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે એ બધો ભાર સામાન્ય માણસના ખિસ્સા પર નાખી દેવાય. કંપનીઓએ પહેલા એ જોવું જોઈએ કે 20% કે તેથી વધુ વીજ નુકસાન ક્યાં થાય છે, જૂના વાયરો કેમ છે અને પોતાનો વધારાનો વહીવટી ખર્ચ કેવી રીતે ઘટે. જો કંપનીઓ પોતાની ભૂલો સુધારવાને બદલે માત્ર ફિક્સ ચાર્જ વધારીને જનતાને લૂંટશે, તો લોકોનો ગુસ્સો શાંત નહીં થાય પણ ભડકશે. વીજળી એ તમારો હક છે, કોઈની લૂંટનો સામાન નથી. સરકાર અને મોટા સાહેબોએ એવા રસ્તા શોધવા જોઈએ જેમાં કંપની પણ બચે અને ગરીબ માણસ પણ મરે નહીં. ગરીબના ખિસ્સા ખાલી કરવાને બદલે કંપનીએ પોતાની કામ કરવાની રીત પારદર્શક અને વ્યવસ્થિત બનાવવી પડશે, તો જ આ વીજળીનો વહીવટ લાંબે ગાળે ટકી શકશે. અને છેલ્લે…. એક બાજું પાકિસ્તાન અમેરિકા સાથે સંબંધો સુધારી રહ્યું છે, તો બીજી તરફ ગુપચુપ રીતે ચીન પાસે ગ્વાદર બેઝના બદલામાં સેકન્ડ સ્ટ્રાઈક કેપેસિટીવાળી ન્યુક્લિયર સબમરીનની માંગ કરી રહ્યું છે. આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન પાસે પરમાણુ હુમલો કરવાની તાકાત એટલે કે ન્યુક્લિયર ટ્રાયડ મેળવવા હવાતિયાં મારી રહ્યું છે. આ ડબલ ગેમ માત્ર દક્ષિણ એશિયા જ નહીં, પણ વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો છે. જો પાકિસ્તાન હાથમાં જો સમુદ્રની ઊંડાઈએથી ન્યુક્લિયર મિસાઈલ દાગવાની તાકાત આવી જાય તો ભારત કે દુનિયાનું ભવિષ્ય કેવું? સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે જોતા રહો 'એડિટર્સ વ્યૂ'.
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.
(રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →