Editor's View: ઇરાનમાં કતલની રાત:ટ્રમ્પની ડેડલાઇન પહેલા ખાર્ગ આઇલેન્ડ પર મહાવિનાશ, લાખો ઇરાનીઓ મરવા માટે મેદાનમાં, રશિયા-ચીન સીધા અમેરિકાના વિરોધમાં
ઇરાન માટે આજની રાત કતલની રાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પાવર પ્લાન્ટ ડેનું ડેડલી કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. ડેડલાઇન પહેલા અમેરિકાએ ઇરાનના ખાર્ગ આઈલેન્ડ પર હુમલો બોલાવી દીધો છે. હવે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના બ્રિજ, રેલવે નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને વોટર પ્લાન્ટ્સને નિશાન બનાવી શકે છે. જો હોર્મુઝના દરિયાઈ દરવાજા ખોલવાની વાત માનશે નહીં તો આ ટચૂકડા દેશને રાખના ઢગલામાં ફેરવી દેવાનો અમેરિકાનો પ્લાન છે. આવું ન થાય અને આ ધમકી વોર ક્રાઈમ બને એ માટે ઈરાને લોકોને પાવર પ્લાન્ટ અને બ્રિજ ફરતે હ્યુમન ચેઈન બનાવવા અપીલ કરી છે. એક બાજુ તેલના ભાવ આપણા ખિસ્સાં ખાલી કરી રહ્યા છે તો બીજી બાજુ UNની સિક્યોરિટી કાઉન્સિલમાં મહાસત્તાઓ વચ્ચે એવો ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે. જેમાંથી ત્રીજા વિશ્વ યુદ્ધની ગંધ આવી રહી છે. સમાચાર તો એવા પણ છે કે અમેરિકા યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને જર્મનીમાં સારવાર માટે મોકલે છે જેથી કોઈને જાનહાનીની ખબર ન પડી શકે. આ તરફ રશિયા ક્યૂબામાં તેલ ઉતારીને ટ્રમ્પની નાકાબંધીના ધજાગરા ઉડાવે છે. આ સ્થિતિમાં આ યુદ્ધ ગ્લોબલ કેઓસ બની ગયું છે. આજે આપણે યુદ્ધના પાંચ-સાત એવા પાસાઓની વાત કરવી છે જેના પર દુનિયાની નજર ઓછી પડી છે પણ પરિણામો ગંભીર આવી શકે છે. નમસ્કાર... જીઓપોલિટિક્સમાં એક કહેવત છે કે, જે જળમાર્ગ પર કબજો કરે તે વિશ્વના વેપાર પર રાજ કરે છે. હોર્મુઝ સ્ટ્રેઇટ અત્યારે એનું જ એપી સેન્ટર છે. દુનિયાની તેલ સપ્લાયનો લગભગ 20-22 ટકા હિસ્સો આ જ સાંકળી દરિયાઈ પટ્ટીથી પસાર થાય છે. યુદ્ધમાં ઇરાને આ વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે, જેનાં કારણે આખી દુનિયાની ઈકોનોમીની નસ સૂકાવા લાગી છે. અમેરિકાએ દુનિયાને મોંઘવારીના ભરડામાં ધકેલી પણ ખાલી હોર્મુઝમાં જ નહીં, ઈરાનના પ્રોક્સી સપોર્ટર્સ એટલે કે યમનના હુથી બળવાખોરોએ બાબ અલ-બંદેબ નામની સ્ટ્રેઇટમાં પણ તણાવ વધારી દીધો છે. આ બે ચેક પોઈન્ટ જો ચોક થઈ જાય તો તેલ અને ગેસની સપ્લાયમાં કાયમી અંધાધૂંધી થઈ શકે. આનાથી તેલ ને ગેસના ભાવો પણ આસમાને પહોંચી શકે તેમ છે. જો આવું થઈ જાય તો એશિયાથી યુરોપ સુધી આખી દુનિયા મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ જાય. હોર્મુઝ ખોલાવવા UNમાં ખતરનાક શબ્દો આવું ન થાય તેના માટે બહેરિને આગળ આવીને યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં એક નવું યુદ્ધ શરૂ કર્યું. બહેરિને હોર્મુઝ સ્ટ્રેઇટ અને બાબ અલ-મંદેબને ખોલાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ ડ્રાફ્ટમાં કેટલાક ખતરનાક શબ્દ હતા. એ શબ્દ હતા કે બંને બ્લોકેજ ખોલાવવા માટે ઓલ નેસેસરી નીડ (લશ્કરી કાર્યવાહી) કરીને પણ બ્લોકેજ ખોલવામાં આવે. ઈઝરાયલને બગાસું ખાતા પતાસું આમાં અમેરિકા અને ઈઝરાયલને તો બગાસું ખાતાં પતાસું મળવાં જેવું હતું પણ 2026નો વર્લ્ડ ઓર્ડર ટ્રમ્પનાં કારણે બદલાઈ ગયો છે. ટ્રમ્પનાં કારણે દુનિયા ઉંધાચત્તી થઈ ગઈ છે. એવામાં રશિયા અને ચીન ઈરાનની પડખે આવ્યા. રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયા અને ચીનના એમ્બેસેડર ફૂ કોંગે બંને બ્લોકેજમાં લશ્કરી કાર્યવાહી ન કરવા પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે જો ઠરાવમાં બળપ્રયોગની વાત કરવામાં આવશે તો તે વીટો વાપરશે. તેમણે દલીલ રાખી કે પશ્ચિમના કારણે જ આજે ગાઝા પટ્ટીના હાલ બેહાલ થયા છે. જો આવું થાય તો ઈરાન પણ બીજું ગાઝા બની શકે છે. અમે એવું થવા દઈશું નહીં. દુનિયાને ફરી વર્લ્ડ વૉર ભેટમાં મળી શકે સૌથી મહત્ત્વની વાત એ છે કે યુરોપનો ભાગ અને અમેરિકાના મિત્ર હોવા છતા ફ્રાન્સે રશિયા અને ચીનનો સાથ આપ્યો છે. ફ્રાન્સે આ બંને બ્લોક ખોલાવવા લશ્કરી કાર્યવાહી પર નહીં પરંતુ ડિફેન્સિવ નીડ પર ભાર મૂક્યો. આવું એટલા માટે કારણ કે યુરોપ સહિત આખી દુનિયાને ડર છે કે જો લશ્કરી કાર્યવાહી થાય તો સીધું યુદ્ધ ફાટી નીકળે. જો એવું થાય તો દુનિયા ફરી વર્લ્ડ વોરમાં ધકેલાઇ જાય. UNના ઠરાવમાં યુદ્ધના શબ્દો હટાવાયા છેલ્લે, ઠરાવ પસાર કરવાની તૈયારી ચાલી રહી છે અને હવે આ આક્રમક ઠરાવને નબળો બનાવી દેવામાં આવ્યો છે. કારણ કે ઓલ નેસેસરી નીડની જગ્યાએ ઓલ નેસેસરી એન્ડ પ્રોપોર્શિનેટ ડિફેન્સિવ મીન્સ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જોવા જેવી વાત અહીં એ પણ છે કે આ ઠરાવની મંજૂરી જુલાઈ સુધી જ લિમિટેડ છે, પછી તેની એક્સપાયરી ડેટ આવી જશે. UNમાં અમેરિકાની હાર રશિયા-ચીનની જીત એક પ્રકારે UNSCમાં આ અમેરિકાની હાર અને રશિયા-ચીનની જીત છે. 2003માં જેવું અમેરિકાનું એકહથ્થું સાશન ચાલતું હતું એ 2026માં નબળું પડી રહ્યું છે. વોશિંગ્ટનને મન ફાવે તેમ નિર્ણયો લેતા પહેલા મોસ્કો અને બેઈજિંગની પરમિશન લેવી પડે છે. પણ જ્યારે UNમાં ઠરાવની ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે વ્હાઈટ હાઉસમાં વેપારી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનો ખર્ચ કોણ ચૂકવશે એ સવાલ કર્યો. ટ્રમ્પ હોર્મુઝ પર હવે ટોલ વસૂલશે ટ્રમ્પે સજેશન આપ્યું કે ઈરાન જીતી ગયા પછી અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતા બધા જહાજો પાસેથી પર્મનેન્ટ ટોલ વસૂલશે. એક રીતે આ વિચાર લૉ ઓફ ફ્રી ટ્રેડ ઈન ઈન્ટરનેશનલ વોટર્સના કાયદાની વિરોધમાં છે. ટ્રમ્પની ટેક ધ ઓઈલ વાળી નીતિ અહીં ઓગળીને જાય છે કારણ કે હવે તેનું મિશન પરમાણુ નહીં પણ એનર્જી રિસોર્સિઝ છે. ટ્રમ્પની હુમલાની ડેડલાઈન તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે ટ્રમ્પની પાવર પ્લાન્ટ અને બ્રિજ ડેની ધમકીની એક્સપાયરી ડેટ આવી ગઈ હશે. કારણ કે હમણા ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે જો હોર્મુઝના દરવાજા નહીં ખોલવામાં આવે તો 7 એપ્રિલ રાતે 8 વાગ્યા બાદ ઈરાનના બ્રિજ અને પાવર પ્લાન્ટ પર હુમલા શરૂ કરી દેવામાં આવશે. ઈરાનને અંધકારમાં ડૂબાડવા ટ્રમ્પ મરણિયા આ મિસાઈલના હુમલાની ધમકી નથી પણ એક દેશની કરોડરજ્જું તોડી પાડવાની ધમકી છે. ટ્રમ્પનું માનવું છે કે જો ઈરાન અંધકારમાં ડૂબી જશે તો તેની લડવાની ક્ષમતા અને જનતાનો ટેકો બંને છૂટી જશે. આ ધમકી જેટલી આક્રમક છે એટલી જ કાયદાકીય ગુંચવણોથી ભરેલી છે. જીનિવા કન્વેન્શનમાં વોર ક્રાઈમના નિયમો નક્કી થયા જ્યારે કોઈ મહાસત્તા પાવર પ્લાન્ટ્સ, ડેમ, સ્કૂલ, હેલ્થ યુનિટ વગેરે જેવી લોકોની સુખાકારીની વસ્તુઓને તોડી પાડવાની ધમકી આપે ત્યારે તે યુદ્ધ અપરાધ થઈ શકે છે. 1949ના જીનેવા કન્વેન્શન અને 1977ના એડિશનલ પ્રોટોકોલ્સ મુજબ જો યુદ્ધ ફાટી નીકળે તો શેના પર હુમલા થઈ શકે અને શેના પર હુમલા ન થઈ શકે. અહીં હુમલો થાય તો તે યુદ્ધ અપરાધ પાવર પ્લાન્ટ અને પુલ સીધી રીતે સૈન્ય મથકો નથી. જો તેના પર હુમલો કરવામાં આવે અને તેનાથી હોસ્પિટલ, પીવાના પાણી વગેરેને નુકસાન થાય તો તે વોર ક્રાઈમની કેટેગરીમાં આવી જાય. ટ્રમ્પનો હુમલો એટલે વોર ક્રાઈમ પ્રિન્સિપલ ઓફ પ્રપોર્શનાલિટીનો કાયદો કહે છે કે લશ્કરી ફાયદો લેવા માટે નાગરિકોને નુકસાન ન કરી શકાય. ટ્રમ્પની ધમકી આ પ્રિન્સિપલને ચેલેન્જ આપે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને UNના માનવાધિકાર પંચે પહેલેથી જ ચેતવણી આપી છે કે ઈરાનના પાવર ગ્રીડ પર હુમલો એ કલેક્ટિવ પનિશમેન્ટ જેવું ગણાશે. અમેરિકાની ક્રિયા, ઈરાનની પ્રતિક્રિયા સિદ્ધાંત પ્રમાણે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. ટ્રમ્પની ધમકીની ક્રિયાના જવાબમાં ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે. ઈરાનની સકરારે દેશના યુવાનો, કલાકારો અને રમતવીરોને આહવાન કર્યું છે કે તેઓ 7 એપ્રિલ 2026ના બપોરે 2 વાગ્યાથી દેશના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજની આસપાસ હ્યુમન ચેઈન બનાવીને ઉભા રહે. હુમલો ન થાય તેના માટે અહીં માનવ સાંકળ જો ટ્રમ્પ ભૂલથી પણ પાવર પ્લાન્ટ અને બ્રિજ પર મિસાઈલનો મારો ચલાવે અને હજારો લોકોના મોત થાય તો અમેરિકા યુદ્ધ અપરાધી બની જશે. ઈરાનની IRNA, Tasnim અને Farsના રિપોર્ટ મુજબ લોકોએ તો હ્યુમન ચેઈન બનાવવાની પ્લાનિંગ પણ ચાલી કરી દીધી છે. તમે હુમલો કરશો અમે શહીદ થઈશુંનો સંદેશ આવું એટલા માટે થયું કારણ કે ઈરાની સુપ્રીમ કાઉન્સિલ ફોર યુથ એન્ડ એડોલેસેન્ટ્સના સચિવ અલીરેઝા રહીમીએ ટીવીમાં ઈરાની જનતા અને દુનિયાને કહ્યું કે, "અમે હાથમાં હાથ પરોવીને ઉભા રહીશું અને વિશ્વને કહીશું: માનવીય જરૂરિયાતો જેવી કે વીજળી અને પાણીના સ્ત્રોતો પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે." વિરોધીઓ જ બન્યા દેશના રક્ષકો પણ આપણે એક ચોંકાવનારી વાત અહીં મિસ કરી જઈએ છીયે. જે ઈરાની જનતા એક સમયે ઉદ્ધ પહેલા ઈરાનની ઈસ્લામિક સરકારની સામે બાંયો ચઢાવીને વિરોધ પ્રદર્શનો કરી રહી હતી તે અત્યારે ઈરાનને બચાવવા માનવ સાંકળો બનાવી રહી છે. ઈરાનમાં રાષ્ટ્રવાદનો ઉભરો જ્યારે બહારનો દુશ્મન એટલે અહીં ઈરાનના કોન્ટેક્સમાં અમેરિકા આખા દેશને પથ્થર યુગમાં મોકલી દેવાની ધમકી આપે, ત્યારે જનતા આંતરિક મતભેદો ભૂલીને રાષ્ટ્રવાદના રંગે રંગાઈ જાય છે. ટ્રમ્પની આક્રમક ભાષાએ અજાણતા જ ઈરાન સરકારને આંતરિક મજબૂતી આપી દીધી છે. સરકાર સામે લડવા ટ્રમ્પે ઈરાનીઓને હથિયારો આપ્યા ગઈકાલે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે અનેક મોટા ધડાકા કર્યા હતા. તેમાંથી એક હતું કે જ્યારે ઈરાની લોકો ઈસ્લામિક સરકારના વિરોધમાં હતી ત્યારે તેમણે ઈરાની જનતાને સરકાર સામે વિરોધ કરવા યુદ્ધ પહેલા હથિયારો આપ્યા હતા. અમેરિકા આ હથિયારો કુર્દીશની મદદથી ઈરાન મોકલવાનું હતું પણ ટ્રમ્પે ફોડ પાડી કે તેમની સાથે તો ગેમ થઈ ગઈ છે. કુર્દોએ તે હથિયારો પોતાની પાસે જ રાખી લીધા અને તહેરાન કે ઈસ્ફહાનના પ્રદર્શનકારીઓ સુધી પહોંચાડ્યા જ નહીં. આનાથી ટ્રમ્પને એ વાતની તો ખબર પડી કે પ્રોક્સી વોર હંમેશા ધાર્યા પરિણામો આપે એ જરૂરી નથી. તો હથિયારોથી વાત ન બની તો ટ્રમ્પે સીધા બોમ્બમારા શરૂ કર્યા. અમેરિકન સૈનિકની માહિતી કોણે લીક કરી? પણ 21મી સદીના યુદ્ધો માત્ર જમીન કે આકાશમાં જ નથી લડાતા, સ્માર્ટફોન અને ટીવી સ્ક્રિન પર લડાય છે. ઈરાનમાં હમણા અમેરિકાએ લડાકુ વીમાનોએ આકાશથી મારો ચલાવ્યો. ઈરાને જવાબ આપ્યો અને હમણા જ સમાચાર આવ્યા કે અમેરિકાનું એફ-15 વિમાન તોડી પાડ્યું. એક પત્રકારે માહિતી લીક કરી દીધી કે આ તૂટેલા વિમાનમાંથી એક અમેરિકન સૈનિક ઈરાનના પહાડોમાં ફસાઈ ગયા છે. ટ્રમ્પે ધમકી આપી કે આ લીકને બીલકુલ નહીં સહન કરી શકાય. ઘાયલ સૈનિકોને જર્મનીમાં છૂપાવે છે અમેરિકા? અમેરિકાની સારા લક કે સૈનિક બચી ગયા અને અમેરિકાએ તેને બચાવી લીધા, પણ બધા બચતા નથી. અમુક શહીદ પણ થાય છે અને અમુકને જાનહાની પણ થાય છે. ભારતના એક વરિષ્ટ પત્રકાર આર. એન. ભાસ્કરનું કહેવું છે કે અમેરિકા અત્યારે પણ 2003ના ઈરાક યુદ્ધ જેવી રણનીતિ વાપરી રહ્યું છે. તેમણે ધડાકો કર્યો કે અમેરિકાના ઘાયલ સૈનિકોને વોશિંગ્ટનને બદલે જર્મનીના LRMC હોસ્પિટલમાં સિક્રેટ રીતે લઈ જવામાં આવે છે. એટલે અમેરિકાના કેટલા સૈનિકો ઘાયલ થયા તે અમેરિકાથી દુનિયાને ખબર ન પડે. હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી રોકવામાં આવી તે સાબિતી છે કે લગભગ ખરેખર યુદ્ધના ઘાયલ અમેરિકન સૈનિકોને જર્મની જ લઈ જવામાં આવે છે. વેનેઝુએલામાં ટ્રમ્પની તેલ ગેમ પણ જ્યારે દુનિયાની નજર ઈરાન પર હતી, ત્યારે અમેરિકાએ પોતાના બેકયાર્ડ લેટિન અમેરિકામાં મોટો ખેલ પાડ્યો છે. જાન્યુઆરી 2026માં અમેરિકી દળોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને ન્યુયોર્કમાં ખસેડ્યા છે. આપણે એ બધી વાત કરી કે કેવી રીતે ટ્રમ્પ વેનેઝુએલાના તેલ ભંડારો પર કબજો જમાવ્યો. 100 મિલિયન બેરલ વેનેછુએલાનું તેલ અત્યારે અમેરિકા પ્રોસેસ કરી રહ્યું છે. ટ્રમ્પનું માનીએ તો તેલ યુદ્ધમાં મળેલો માલ છે અને તેમાં તેનો હક છે. આનાથી તેલ બજારમાં અમેરિકાની તાકાત તો વધી પણ ઈન્ટરનેશનલ સોવેર્નિટીના ચીંથરેહાલ પણ ઉડી ગયા. ક્યૂબામાં અમેરિકાને રશિયન તમાચો અમેરિકાના આ જ ડોનરો ડોક્ટ્રિનને ટક્કર મારવા ક્યૂબામાં રશિયાએ મોટો દાવ રમ્યો છે. અમેરિકી બ્લેકજ હોવા છતાં, એનાટોલી કોલોડકીન નામનું રશિયન તેલ ટેન્કર સક્સેસફુલી 7 લાખ 30 હજાર બેરલ જેટલું તેલ લઈને ક્યૂબાના માતાંઝાસ બંદરે પહોંચ્યું છે. ટ્રમ્પને ગમ્યું તો નથી પણ મજબૂરીમાં તેણે રશિયાના કામને માનવીય કામ ગણાવ્યું. અમેરિકા ઓલરેડી ઈરાન સાથે યુદ્ધમાં છે તે એવી બિલકુલ હાલતમાં નથી કે રશિયા સામે મોરચો માંડે. રશિયાએ ક્યૂબામાં તેલ આપીને સાબિત કરી દીધું છે કે તે અમેરિકાના ઘર આંગણે પણ પોતાની તાકાત બતાવી શકે છે. યુદ્ધ ગમે તે જીતે પણ માનવતા હારશે તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે જો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે તો તે માત્ર ઈરાનનો અંધકાર જ નહીં હોય પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ કાયમી અંધકાર હશે. કારણ કે બંદૂકના જોરે કોઈ દેશની જનતાને નથી બદલી શકાતી, ઊલટાનું બહારના હુમલાએ ઈરાની જનતાને તેમની સરકાર સાથે વધુ મજબૂત રીતે જોડી દીધા છે. અમેરિકા હવે દુનિયાનો એકમાત્ર શક્તિશાળી પોલીસમેન નથી, રશિયા અને ચીને યુએન અને કેરેબિયનમાં સાબિત કર્યું છે કેવી રીતે તેઓ અમેરિકાની આંખમાં આંખ પરોવી શકે છે. યુદ્ધમાં જીત ભલે ગમે તેની થાય પણ હાર હંમેશા સામાન્ય નાગરિકની જ થાય છે. શાળામાં પડતા બોમ્બ અને હોસ્પિટલમાં થીજી ગયેલા સૈનિકો 2026નું સૌથી કદરૂપું સત્ય છે. અને છેલ્લે... અમેરિકાની ધમકી વચ્ચે ઈરાનના જાણીતા મ્યુઝિશિયન અલી ગમસારીએ દમાવંદ પાવર પ્લાન્ટ સામે બેસીને માય હોમલેન્ડ નામનું મ્યૂઝિક વગાડ્યું હતું. તેમનું સંગીત શાંતિ સંદેશ હતો. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
Read Original Article →