Editor's View: યુદ્ધવિરામનું અસલી સત્ય:ચીન-અમેરિકાની ગેમમાં પાકિસ્તાન બરાબર ફસાયું, ઇઝરાયલને ગાળિયો પહેરાવી ટ્રમ્પ છટકવાની ફિરાકમાં
શું ખાલી 10 મિનિટમાં જ આખી દુનિયા બદલાઈ શકે? ગઈકાલે 8 એપ્રિલે લેબનોનમાં એ જ થયું. એક બાજુ ઈસ્લામાબાદમાં શાંતિની ટેબલ સજાઈ રહી હતી, ત્યારે બીજી બાજુ ઈઝરાયેલે હિઝબુલ્લાહને હરાવવા 10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક કરી. જેમાં 254 લોકોના મોત થયા અને હજારો ઘાયલ થતા હોસ્પિટલ ઓવરફ્લો થઈ. દુનિયાએ જેને યુદ્ધવિરામ સમજ્યું, ત્યાં અત્યારે લોહીની નદીઓ વહી રહી છે! અસલી ટ્વિસ્ટ તો એ છે કે ટ્રમ્પ કહે છે લેબનોન તો નાની ઝપાઝપી છે, એને શાંતિ મંત્રણા સાથે કોઈ લેવાદેવા નથી! આ સાંભળીને ઈરાન લાલઘૂમ થયું અને ફરીથી હોર્મુઝ બંધ કરીને દુનિયાની સપ્લાય ચેઈનની નસ દાબી દીધી. હવે સવાલ એ છે કે આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદની શાંતિ મીટિંગમાં વાતચીત થશે કે ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓ? આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ચીન કેવી રીતે પાકિસ્તાનને આગળ ધરીને પડદા પાછળ યુદ્ધ વિરામની ગેમ રહ્યું છે. મિડલ ઈસ્ટના રણમેદાનની પળેપળની વાત કરીએ નમસ્કાર... ગઈકાલનો દિવસ લેબનોનના ઈતિહાસમાં છેલ્લા 30 વર્ષનો સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે, જેને હવે બ્લેક વેડનેસડે તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે ઓપરેશન ઈટર્નલ ડાર્કનેસ ચલાવીને લેબનોનમાં હિઝબુલ્લાહ પર હવાઈ હુમલા કર્યાં. આ હુમલાઓ એટલા ભયાનક હતા કે બેરૂતના દહિયેહ, બેકા વેલી અને દક્ષિણ લેબનોનના વિસ્તારો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. લેબનોનના હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ આંકડાઓ કહે છે કે આ હુમલામાં અત્યાર સુધીમાં 254 લોકોના મોત થયા છે અને 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બેરૂતની હોસ્પિટલો અત્યારે 200% ક્ષમતા પર કામ કરી રહી છે, ત્યાં બ્લડ સપ્લાય ખૂટી પડ્યો છે અને મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઈઝરાયેલનો દાવો છે કે આ હુમલાઓ હિઝબુલ્લાહના અંડરગ્રાઉન્ડ કમાન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારોના ડેપોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને સિક્રેટ ઈન્ફોર્મેશન મળી હતી કે હિઝબુલ્લાહ મોટા પાયે ડ્રોન હુમલા કરવાની તૈયારીમાં હતું. યુદ્ધવિરામની સ્થિતિ વચ્ચે ભીષણ હુમલો અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થીથી 2 અઠવાડિયાના યુદ્ધવિરામની વાત ચાલી રહી હતી, ત્યારે આટલો મોટો હુમલો કેમ થયો? આની પાછળ એક મોટી ડિપ્લોમેટિક અને લશ્કરી ગૂંચવણ જવાબદાર છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટપણે માને છે કે પાકિસ્તાને જે યુદ્ધવિરામ કરાવ્યો છે, તે માત્ર ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ પૂરતો જ લિમિટેડ છે. ટ્રમ્પનું એ નિવેદન અને ટ્વિસ્ટ ટ્રમ્પ સરકારનું કહેવું છે કે લેબનોનમાં જે થઈ રહ્યું છે તે એક અલગ અથડામણ છે. તેને ઈરાન સાથેના યુદ્ધવિરામ સાથે કોઈ લેવાદેવા નથી. ઈઝરાયેલનું એવું કહેવું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો પૂરી રીતે ખતમ ન થાય, ત્યાં સુધી તે લેબનોનમાં હુમલા રોકશે નહીં. બીજી બાજુ, ઈરાને આ હુમલાઓને યુદ્ધવિરામનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાનનો અલ્ટીમેટમ છે કે જો લેબનોન પરના હુમલા નહીં અટકે, તો તે પસ્તાવો થાય તેવી તાકાતથી વળતો પ્રહાર કરશે. બીજી બાજુ, અમેરિકા અને ઈઝરાયેલ લેબનોનને આ યુદ્ધવિરામથી અલગ જ રાખવા માંગે છે. ઇરાન હિઝબુલ્લાહને પંપાળે છે પણ એક સવાલ થાય કે ઈરાન કેમ નથી ઈચ્છતું કે લેબનોન પર હુમલા ન થાય? જવાબ છે તેમનું જ પોષેલું પ્રોક્સી ગ્રુપ હિઝબુલ્લાહ. લેબનોનમાં હિઝબુલ્લાહનો અડ્ડો અને પ્રભાવ છે. જે ઈઝરાયલ માટે મોટો ખતરો છે કારણ કે ઈઝરાયલને પતાવી દેવાની હિઝબુલ્લાહે કસમ ખાધી છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ફરી ધમકી આપી કે જો ઈરાન યુદ્ધ બંધ નહીં કરે તો એટલી તાકાતથી ગોળીબાર થશે કે દુનિયાએ ક્યારેય નહીં જોયો હોય. દુનિયાના 7 યુદ્ધ રોકાવવાનો દાવો કરીને પોતાની પીઠ થબથબાવતા ટ્રમ્પ શાંતિ દૂતથી શાબ્દિક હુમલાખોર બની ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી ઇરાને નસ દબાવી જેના કારણે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGCએ એક એવો નિર્ણય લીધો છે જે ફરી આખી દુનિયાની ઈકોનોમીને હચમચાવી નાખે તેવો છે. ઈરાને ફરી હોર્મુઝના જલડમરુંને બંધ કરી દીધું છે. ઈરાનનું કહેવું છે કે જો લેબનોન પર હુમલાઓ ચાલુ રહેશે તો સીઝફાયર પૂરો નહીં કહેવાય. આના લીધી જે તેલ અને ગેસના ભાવ થોડા તો થોડા પણ ઘટ્યા હતા તે ફરી આસમાને આવી શકે છે. એશિયન બજાર પણ ગઈકાલે જોરમાં હતી પણ સવારે ખુલતાની સાથે જ ભોંય તળીએ બેસી ગઈ. આવું કરીને ઈરાને અમેરિકાને બીટવીન ધ લાઈન્સ ધમકી આપી છે કે તમે કેમ તેમ દુનિયા ન ચાલે. હોર્મુઝમાં ટોલ વસૂલવાનો ઇરાનનો પ્લાન ગઈકાલે આપણે વાત કરી હતી કે ઈરાન હોર્મુઝમાંથી જેટલા પણ તેલ કે ગેસના ટેન્કર આવશે તેની પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવાનું છે. આપણે એવી પણ વાત કરી હતી કે ઈરાને ઓમાનને આ ટેક્સના રૂપિયા શેર કરવાની વાત કરી હતી. પણ આજે અપડેટ કંઈક એવું છે કે ઓમાને ઈરાનની હોર્મુજ ટોલ ઉઘરાણી લેવાની જ ના પાડી દીધી છે. ઓમાનનું કહેવું છે કે તે ઈન્ટરનેશનલ મેરિટાઈમ રૂલ્સ ફોલો કરશે અને ગેરકાયદેસર રીતે કોઈ પાસેથી ટેક્સ નહીં વસૂલે. એક અંદાજ મુજબ જો ઈરાન હોર્મુઝથી નીકળતા તેલના દર બેરલે ખાલી 1 ડોલર પણ ટેક્સ લે તો વર્ષે ઈરાનને 67 હજાર કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થઈ શકે છે. ખાસ વાત અહીં એ છે કે આ પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં જ લેવામાં આવશે એટલે અમેરિકાના ડોલરના ડોમિનન્સને ટક્કર આપી શકાય. ટ્રમ્પને રોકવા અમેરિકામાં પ્રસ્તાવ લવાશે રિપોર્ટ એવા પણ આવી રહ્યા છે કે અમેરિકી સેનેટમાં ટ્રમ્પની યુદ્ધ લડવાવાળી તાકાત પર કન્ટ્રોલ કરવા મહત્વના પ્રસ્તાવો પર મતદાન પણ થઈ શકે છે. આનો મતલબ એવો થાય કે ટ્રમ્પ હવે ઈરાન સામે પોતાની સંસદની મંજૂરી વગર મનફાવે તેમ લશ્કરી કાર્યવાહી નહીં કરી શકે. ટૂંકમાં ટ્રમ્પ પોતાના જ દેશમાં પોલિટિકલ વિરોધનો સામનો કરી રહ્યા છે. જો ખરેખર આ સાચું હોય તો આવતીકાલે પાકિસ્તાનમાં યુદ્ધ પૂરું કરવા મીટિંગ થવાની છે તેમાં અમેરિકા નહીં પણ ઈરાન મજબૂત દેખાશે. 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા યુદ્ધના મેદાનમાં ગાજતી તોપો વચ્ચે આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુદ્ધ બંધ થાય તેના માટે અમેરિકા અને ઈઝરાયલની મીટિંગ થવાની છે. એકબાજુ ઈરાનના 10 પોઈન્ટના તો બીજી બાજુ અમેરિકાનો 15 પોઈન્ટના મુદ્દા છે. જો કે વ્હાઈટ હાઉસથી તો ભરી પ્રેસ કોન્ફરન્સમાં એવી વાત કહી દેવામાં આવી છે કે ટ્રમ્પે ઈરાનના 10 પોઈન્ટના પ્રસ્તાવને ફાડીને કચરાપેટીમાં ફેંકી દીધો છે. ટ્રમ્પે આવું કેમ કર્યું તેના તેમના મુજબ 3 કારણ હોઈ શકે. સવાર સવારમાં ટ્રમ્પે તડાફડી બોલાવી ટ્રમ્પે વહેલી સવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરીને જણાવ્યું કે ઈરાનનો આ પ્લાન અમેરિકાના લોકોનું અપમાન છે. ઈરાને આ પ્રસ્તાવમાં તમામ પ્રતિબંધો હટાવવા અને મધ્ય પૂર્વમાંથી અમેરિકી સૈન્યની સંપૂર્ણ વાપસીની માંગ કરી હતી, જે ટ્રમ્પ માટે સ્વીકારવી અશક્ય છે.ઈરાન પાસે હાલમાં 60% શુદ્ધતા ધરાવતા યુરેનિયમનો મોટો જથ્થો છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર મજબૂત કાપ મૂકવા તૈયાર ન થાય, ત્યાં સુધી કોઈ પણ સંધિ ન થઈ શકે છે. ઈરાને શરત મૂકી હતી કે ઈઝરાયેલે લેબનોન પરના હુમલા તાત્કાલિક બંધ કરવા પડશે. ટ્રમ્પે આ શરતને ધરાર નકારી કાઢતા કહ્યું કે ઈઝરાયેલને હિઝબુલ્લાહ સામે કાર્યવાહી કરવા પૂરી છૂટ આપવી જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પનો આ એગ્રેસિવ એટિટ્યૂડ તેમની આર્ટ ઓફ ધ ડિલનો એક ભાગ હોઈ શકે છે. ઈસ્લામાબાદ સમિટ પહેલા તેઓ ઈરાનને પોતાની અપેક્ષાના તળીયે લઈ જવા માગતા હોય શકે. કારણ કે ટ્રમ્પ ઈરાનને એવો સંદેશ આપી રહ્યા છે કે અમેરિકા પોતાની શરતો પર જ સમજૂતી કરશે. પોતાના જ લોકો કહી રહ્યા છે કે યુદ્ધમાં ટ્રમ્પે પીછેહઠ કરી છે જ્યારે તે પોતાની નજરમાં ન પડી જાય તેના માટે પોતાને જ એવો અહેસાસ કરાવી રહ્યા છે કે તેઓ ઈરાન સામે જરા પણ સોફ્ટ નથી થયા. એક એંગલ એ પણ હોઈ શકે કે ટ્રમ્પ ઈન્ડાયરેક્ટ્લી ચીનને મેસેજ મોકલવા માગતા હોઈ શકે કે તમે તમારા દોસ્ત ઈરાનને સમજાવો કે બરોબર નિર્ણય લે બાકી મજા નહીં આવે. આ બધા વચ્ચે આવતીકાલે યુદ્ધ બંધ થાય તેના માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનની મીટિંગ થઈ શકે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે ઈસ્લામાબાદ ટોક્સ માટે જોરદાર તૈયારીઓ કરી છે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે.
પાકિસ્તાન પ્યાદું, પડદા પાછળ ડ્રેગન ચીન આ મંત્રણામાં પડદા પાછળ મોટી ભૂમિકા ભજવશે તેવી અંદરખાને ચર્ચાઓ છે. આ સિવાય મીટિંગના એજન્ડાની વાત કરીએ તો આવતીકાલે 2 અઠવાડિયાના વિરામને કાયમી વિરામમાં બદલવામાં આવે તેવી ચર્ચાઓ થઈ શકે. અમેરિકા પોતાના 15 પોઈન્ટ અને ઈરાન પોતાના 10 પોઈન્ટ પર પોતાના વ્યૂ આપી શકે છે. ગ્લોબલ ઓઈલ સપ્લાય માટે હોર્મુઝને કાયમી રીતે ખુલ્લું કરાવવાની પણ વાતચીત થઈ શકે. એવી પણ ચર્ચા છે કે ઈરાનને ટ્રાન્ઝિટ ફી લેવાની મંજૂરી આપી શકાય, જેનો ઉપયોગ ઈરાન યુદ્ધ પછી જે નુકસાન થયું છે તેની ભરપાઈ માટે કરી શકે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન હંમેશ માટે ન્યૂક્લિયર અખતરા બંધ કરે પણ ઈરાન એ વાત પર અડગ છે કે અમે અમારા નાગરિકોના બચાવ માટે ન્યૂક્લિયર મામલે કાર્યક્રમો ચાલુ રાખીશું જ. મંત્રણામાં લેબનોન ગળાનું હાડકું બની શકે પણ મીટિંગમાં એક મોટું જોખમ ઈઝરાયલન લેબનોન હુમલાનું છે. જો લેબનોનમાં ઈઝરાયલના એટેક નહીં અટકે તો એવું પણ બની શકે કે ઈરાન મીટિંગમાં આવે પણ નહીં. પાકિસ્તાન અત્યારે જેટલો દમ છે તેટલો લગાવીને પ્રયાસો કરી રહ્યું છે કારણ કે જો નિષ્ફળતા જાય તો કંગાળિયું પાકિસ્તાન ઓર મુસીબતમાં આવી શકે તેમ છે. અત્યારે તો પાકિસ્તાનમાં હળવું લોકડાઉન પણ લગાવવાની સરકારે જાહેરાત કરી છે. સામેની બાજુ અમેરિકાની વાત કરીએ તો ટ્રમ્પનું કહેવું છે કે જો હોર્મુઝ ખોલવામાં નહીં આવે કે ઈરાન તેમની વાત નહીં સાંભળે તો ઈરાનના દરિયાઈ વિસ્તારોમાં અમેરિકાના જહાજો ઉભા જ છે. બંને દેશોની ગરમા-ગરમીમાં પાકિસ્તાન બંને માથે બરફ મૂકવામાં કેવી રીતે સફળ થશે તે અલગ ચર્ચાનો વિષય છે. પણ એક સવાલ અત્યારે સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે કે યુદ્ધ વિરામ કરાવનાર અસલી ખેલાડી કોણ છે? પાકિસ્તાન ભલે આગળ રહીને મધ્યસ્થી કરાવી રહ્યું હોય પણ પડદા પાછળ આ બધુ કોણ કરાવી રહ્યું છે? અંદરખાને વાતો એવી આવી રહી છે કે આખી રમતનો માસ્ટરમાઈન્ડ ડ્રેગન હોઈ શકે છે. કારણ કે, ચીને આ યુદ્ધવિરામ માટે માત્ર ફોન કોલ્સ નથી કર્યા, પણ પોતાના રૂપિયાના પાવરનો પણ ઉપયોગ કર્યો છે. ચીન અત્યારે ઈરાનના તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ છે. કહેવાય છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ ઈરાનને ચોખ્ખી ચેતવણી આપી છે કે જો તેઓ યુદ્ધવિરામ માટે પોઝિટિવ નહીં રહે તો ચીન ઈરાનનું તેલ નહીં ખરીદે. વાંગ યી એ આ શાંતિ સ્થાપવા માટે રશિયા, ઈઝરાયેલ અને ગલ્ફ દેશો સાથે કુલ 26 હાઈ-લેવલ ફોન કોલ્સ કર્યા હતા. ચીને યુદ્ધ રોકવા માટે ફાઈવ-પોઈન્ટ પીસ પ્લાન રજૂ કર્યો છે, જે હાલમાં ઈસ્લામાબાદ મંત્રણાનો પાયો છે. આ પ્લાનમાં માત્ર યુદ્ધ રોકવાની જ નહીં, પરંતુ યુદ્ધ પછીની રાખ પર સિમેન્ટ ચઢે અને ઈમારતો બને તેવો પણ છે. એકવાત એવી પણ છે કે પાકિસ્તાનને ટ્રમ્પે જ આગળ કર્યું હતું જેથી અમેરિકા ઈરાન સામે ઝૂકતું ન દેખાય. જે. ડી વાન્સે ઈસ્લામાબાદ સાથે સિક્રેટ શરતો પણ નક્કી કરી છે જેમાં પાકિસ્તાનને ઈકોનોમિક સપોર્ટ કે સિક્યોરિટીનું ગાજર પણ બતાવાયું હોઈ શકે છે. જો ખરેખર આવું હોય તો અમેરિકા અને ચીન જે બંને વિરોધી છે તે પાકિસ્તાનનો ખરેખર ટોઈલેટ પેપરની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન પાડોશીના કહેવાથી જ નહીં પણ ગ્લોબલ પ્રેશનમાં પણ મધ્યસ્થી કરવા તૈયાર થયું હોઈ શકે. અને છેલ્લે... અડધા અધૂરા કાચા યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાનની એક ટીવી ડિબેટમાં એક પેનાલિસ્ટે એવી જાહેરાત કરી દીધી કે શાંતિનો નોબલ પુરસ્કાર તો પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને જ મળવો જોઈએ. અંદરથી એવું લાગ્યું હશે કે બહુ વધુ તો નહીં થઈ ગયું હોય ને? એટલે હળવેથી એવું પણ કહી દીધું કે ટ્રમ્પને પણ મળવો જોઈએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)
Read Original Article →