Editor's View: દિલ્હી અગ્નિકાંડ, હવે આગમાં રોટલા શેકાશે:સરકારો બદલશે સિસ્ટમ નહીં, દર કલાકે આગની 3 ઘટનાથી રાજધાની બની 'આગધાની'; અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે
દિલ્હીનું માલવીય નગર એટલે ભૂલભૂલૈયા. સાંકડી ગલીઓમાંથી પસાર થાવ ને ઉપર નજર કરો તો મલ્ટીલેવલ જૂનવાણી બિલ્ડીંગ દેખાય. વાયરોના ગુંચળાં એટલા બધા હોય કે આકાશ દેખાય જ નહીં. એવામાં 6 માળના ગેસ્ટ હાઉસમાં ભયાનક આગ લાગે તો શું થાય? ન એમ્બ્યુલન્સ પહોંચી શકે, ન ફાયરની ગાડીઓ... 3 જૂનની સવારે આ જ માલવીય નગરમાં આગની ભયાનક ઘટના બની. આગ રેસ્ટોરન્ટમાં લાગી, ધીમે ધીમે પાંચમા માળ સુધી પહોંચી. પશ્ચિમ આફ્રિકાના નાઈજિરિયા અને સાઉથ આફ્રિકાના નાગરિકો હતાં. 21ના મોત થયાં. દિલ્હીમાં એક સમયે કોંગ્રેસની સરકાર હતી. પછી આમ આદમી પાર્ટીની સરકાર આવી ને હવે ભાજપની સરકાર છે. દિલ્હીમાં સરકારો બદલાય છે, સિસ્ટમ નહીં. આવી ઘટનાઓ થોડા દિવસો માટે આપણી આંખ ખોલે છે. આપણી આત્માને ઢંઢોળે છે. આ થોડા દિવસો વીતી જાય પછી બધું આગના ધુમાડાની જેમ હવા થઈ જાય છે. અને સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે. નમસ્કાર, ગુજરાતની આગની બે મોટી ઘટનાઓ ગુજરાતીઓ ભૂલશે નહીં. 2019માં સુરતના તક્ષશિલા ટ્યુશન ક્લાસિસ અગ્નિકાંડમાં 22 મોત, 2024ના રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 મોત ને 2025ના ગોવા નાઈટ ક્લબ અગ્નિકાંડમાં 25 મોત. ક્લાસિસ, ગેમઝોન, નાઈટ ક્લબ અને દિલ્હીનું આ ગેસ્ટ હાઉસ, બધું જ ગેરકાયદેસર હતું. પરિણામ શું આવ્યું? કોર્ટ કેસ ચાલ્યા, આંદોલનો થયા, પરિવારજનોના આંસુ ગાલ પર જામેલા રહી ગયા ને આરોપીઓ જામીન પર છુટી ગયા. દિલ્હીની ઘટનામાં એવું જ છે. ગેસ્ટ હાઉસને 6 રૂમની મંજૂરી મળી હતી પણ માલિકો લોકેશ બજાજ, અહલુવાલિયા અને તેના પાર્ટનરે બીજા 19 રૂમ ખડકી દીધા. તપાસ થશે, કોર્ટ કેસ ચાલશે ને જામીન મળી જશે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનશે ત્યારે આ જ ચક્ર ફરે છે. આવી આગમાં ઘણાનાં 'રોટલા' શેકાય છે. દિલ્હીની આગની ઘટનામાં આખરે શું થયું, તેનું વર્ણન વાંચો… સવારે 8 વાગ્યે : ફ્લોરિશ ઈન ગેસ્ટ હાઉસ એર-બીએનબી હોવાથી ઓનલાઈન બુક થઈ શકે છે. તેમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લેમન ગ્રીન રેસ્ટોરન્ટ છે. તેમાં રસોઈ બનાવે છે કેસર સિંહ. ત્યાં અદર જ સૂઈ જાય છે. સવારે ઉઠીને તેમણે આઠ-સવા આઠ વાગ્યે ઈલેક્ટ્રોનિક ગેસની સ્વિચ કરી. સ્વિચ કરતાં જ બ્લાસ્ટ થયો ને લાકડાંના ટેબલ પર આગ લાગી. કેસર સિંહ ગભરાયા. રેસ્ટોરન્ટના કિચનમાંથી બહાર દોડીને આવ્યા. જોયું તો હોટેલમાં પહેલેથી આગ લાગેલી જ હતી. લોકો દેકારો કરતા હતા. સવારે 9 વાગ્યે : આગ રેસ્ટોરન્ટના ઉપલા માળે, પહેલા માળે લાગેલી હતી. તે ઉપર તરફ ગઈ ને બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ... એમ કરતાં કરતાં પાંચેય માળ લપેટમાં લઈ લીધા. આસપાસના લોકો દોડી આવ્યા. નજીકમાં ગાદલાં, ગોદડાં બનાવતા વેપારી છે. નામ એનું હાજી ગલ્લુજી. તેમણે પોતે તેમના માણસોને કહ્યું કે, આપણી દુકાનમાં જેટલા ગાદલાં છે હોટેલની નીચે રસ્તા પર પાથરી દો. ઉપરથી લોકોને કૂદીને બચી શકશે. બધાએ ફટાફટ ગાદલાં પાથરી દીધાં. સવારે 9-15 વાગ્યે : ગેસ્ટ હાઉસમાં ઉપરના ભાગેથી બારીમાંથી ફસાયેલા લોકો જોતા હતા કે નીચે ગાદલાં પાથર્યાં છે એટલે જીવ બચાવવા હિમંત કરીને ઠેકડા માર્યા. ત્રીજા માળે એક માતા સાત મહિનાના બાળકને છાતીસરસું ચાંપીને ઊભી હતી. તેણે પણ હિંમત કરીને ત્રીજા માળેથી ધુમાડા વચ્ચે ઠેકડો માર્યો. મા-બાળક બંને બચી ગયા પણ માતાનો પગ ભાંગી ગયો. સવારે 9-30 વાગ્યે : બીજી તરફ ફાયર ફાયટરની સાત ગાડીઓ સમયસર પહોંચી ગઈ હતી. તેમના જવાનો અંદર જઈને રેસક્યૂ કરી રહ્યા હતા. બેઝમેન્ટમાંથી 3 વ્યક્તિને બચાવી લીધા. આગ ઓલવવા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવ્યો. નજીકમાં આવેલી મેક્સ હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ. 45 લોકોને બચાવી શકાયા. બપોરે 2 વાગ્યે : ઘટનામાં 21નાં મોત થયાં. મૃતકોમાં મોટાભાગના સેન્ટ્રલ એશિયા અને આફ્રિકાના હતા. તમામને હોટેલથી તદ્દન નજીક આવેલી મેક્સ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. મેક્સ હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને કહ્યું કે, આગની ઘટના બાદ અહીં 39 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 18 લોકોના પહેલાથી જ મોત થઈ ચૂક્યા હતા. ગંભીર હાલતમાં 15 લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 8 વેન્ટિલેટર પર છે. બધાની હાલત ગંભીર છે. 5 લોકોને સામાન્ય ઈજા થઈ હતી, બધાને રજા આપી દેવામાં આવી છે. એક દર્દી ગંભીર રીતે દાઝી ગયો છે, તેને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં સ્થાનિક અને વિદેશી નાગરિકો બંને છે. વિદેશના નાગરિકો આ ગેસ્ટ હાઉસમાં કેમ ઉતર્યા હતા? આવો સવાલ ઘણાને થાય. પણ આફ્રિકન દેશોમાં મેડિકલ ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે. તેની સામે આ દેશોમાં ગરીબી બહુ છે. એટલે ત્યાંના લોકો સારવાર માટે ભારત આવે છે. આ ગેસ્ટ હાઉસથી વોકિંગ ડિસ્ટન્સ પર મેક્સ નામની હોસ્પિટલ છે. ત્યાં ઘણા દર્દીઓ દાખલ છે અને દર્દીના સગાં વ્હાલાં આ ફ્લોરિશ ઈન ગેસ્ટ હાઉસમાં ઉતરે છે. નાઈજિરિયા અને બીજા દેશોમાંથી જે નાગરિકો આવ્યા હતા તેના સગાં વ્હાલાં મેક્સ હોસ્પિટલમાં દાખલ જ છે પણ તેના સગાં સ્વસ્થ થાય તે પહેલાં જ પોતાના પર ઘાત આવી પડી. હોસ્પિટલના બિછાને રહેલા મા, બાપ, પતિ, પત્ની, ભાઈ, બહેન કે સગાંને ખબર પડે કે નજીકની હોટેલમાં આગ લાગી છે ને હવે મારા પોતાના લોકો જીવતા નથી તો તેમના મન પર શું વિતશે? નેતાઓએ ટ્વિટનો મારો ચલાવ્યો, ‘સ્ક્રિપ્ટેડ સંવેદના’ વ્યક્ત કરી દિલ્હીની આગની ઘટનામાં 21નાં મોત થયાની જાણ થતાં જ નેતાઓએ ટ્વિટનો મારો ચલાવીને હાજરી પુરાવી દીધી. બધા નેતાઓએ સ્ક્રિપ્ટેડ સંવેદના જ વ્યક્ત કરી. દરેકે લખ્યું કે, ઘટનાથી અમને દુ:ખ થયું છે. અમારી સંવેદના પીડિત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના. ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ... ધેટ્સ ઈટ. આ નેતાઓ પણ જાણે છે કે ઘટનાની ઊંડી તપાસ થવાની છે પણ અંતે તો ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે. જેવું તક્ષશીલા, TRP ગેમઝોનમાં થયું. દિલ્હીમાં પણ અગાઉ આગની ઘણી ઘટના બની હતી. હજુય દિલ્હી સળગતું રહે છે પણ આ આગની જ્વાળાઓમાં સરકારની સંવેદના પણ બળી જાય છે. ગેસ્ટ હાઉસની આગ ઠરી, હવે શરૂ થશે રાજકારણના ભડકા ફ્લોરિશ ઈન ગેસ્ટ હાઉસમાં લાગેલી આગ તો ઠરી ગઈ પણ દિલ્હીમાં હવે રાજકારણની આગના ભડકા થશે. એવું કહેવાય છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી તે 1980માં બનેલું છે. અહલુવાલિયાના બિલ્ડીંગ તરીકે તે જાણીતું છે. શરૂઆતમાં અહીંયા ખાદી ભંડાર હતો. પછી માલિકી હક્ક માટે કોર્ટ કેસ ચાલ્યો ને ખાદી ભંડારની જગ્યાએ ગેસ્ટ હાઉસ બન્યું. ધીમે ધીમે ઉપરના માળ બનતા ગયા. પણ સવાલ એ છે કે આ મંજૂરી આપી કોણે? દિલ્હીમાં 1993થી 1998 ભાજપની સરકાર હતી. 1999થી 2013 કોંગ્રેસની સરકાર હતી. 2014થી 2024 આમ આદમી પાર્ટીની સરકાર હતી. હવે 2025થી ફરીવાર ભાજપની સરકાર છે. રાજનેતાઓ હવે ચલક ચલાણું રમશે. એજન્સીઓ તપાસમાં ચાંચુડી ઘડાવશે. એકબીજા ઓળિયો ઘોળિયો નાખ્યા કરશે. દિલ્હીની આગના આ 5 તારણ સવાલો ઊભા કરે છે 1. 6 રૂમની મંજૂરી છે, તો બીજા 19 રૂમ કેવી રીતે ઊભા થઈ ગયા? દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવનું કહેવું છે કે આ ગેસ્ટ હાઉસને 6 રૂમની જ મંજૂરી આપવામાં આવી હતી. તો ઉપરના ભાગે બીજા 19 રૂમ કોની મંજૂરીથી બનાવી લીધા? આ પહેલાં પણ વિવેક વિહાર અને પાલમમાં આવી જ ઘટનાઓ બની હતી છતાં સરકાર જાગતી નથી. 2. ગેસ્ટ હાઉસ પાસે ફાયર NoC નહોતું ફ્લેરિસ સ્ટે ગેસ્ટહાઉસને બેડ એન્ડ બ્રેકફાસ્ટ કોન્સેપ્ટ હેઠળ લાયસન્સ આપવામાં આવ્યું હતું. આ હેઠળ 6 રૂમની પરવાનગી હતી, પરંતુ કુલ 25 રૂમ બનાવવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ હોટલના રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં પણ ઘણા લોકો ફસાયા હતા. તેમાં અંદર જવા અને બહાર નીકળવાનો એક જ રસ્તો હતો, જે ખૂબ જ સાંકડો હતો. હોટલ પાસે ફાયર NoC પણ નહોતું. 3. મેઈન ડોર પર ડિજિટલ લોક, ઈમરજન્સી એક્ઝિટ નહીં આગ લાગ્યા બાદ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો સતત મદદ માટે વિનંતી કરી રહ્યા હતા. બિલ્ડિંગનો મુખ્ય દરવાજે ડિજિટલ લોક હતું. આગના કારણે લાઈટ ગઈ ને લોક બંધ થઈ ગયું. લોકોનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો. ગેસ્ટ હાઉસમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ ડોર પણ નહોતું. 4. બેઝમેન્ટમાં પણ રેસ્ટોરન્ટ ચલાવાતું હતું આ ગેસ્ટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર તો રેસ્ટોરન્ટ છે જ પણ નાનું રેસ્ટોરન્ટ બેઝમેન્ટમાં પણ ચાલતું હતું. તેના કારણે બેઝમેન્ટમાં પણ ઘણા લોકો ફસાયા હતા. તેમાંથી બહાર આવવાના રસ્તા પરના ચેનલ ગેટ પર તાળું લગાવેલું હતું. આ કારણે આગ લાગતા લોકો બહાર નીકળી શક્યા નહીં અને ફસાઈ ગયા. ફાયર બ્રિગેડે બેઝમેન્ટનો દરવાજો કટરથી તોડીને લોકોને બહાર કાઢ્યા. 5. બિલ્ડીંગમાં હોટેલ ચલાવવાની જ પરમિશન નહોતી લીધી ઘટનામાં સૌથી મોટી ગંભીર બાબત સામે એ આવી છે કે આ બિલ્ડીંગમાં ગેસ્ટ હાઉસ ચલાવવા માટે જરૂરી પરમિશન નહોતી લેવામાં આવી. બધું ગેરકાયદે ચાલતું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પરમિશન લેવાઈ નહોતી. ગેસ્ટ હાઉસના માલિકો સામે તો કેસ ચાલવો જોઈએ પણ જેમની બેદરકારીથી આ બિલ્ડીંગમાં ગેસ્ટ હાઉસ ધમધમતું હતું તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હવે, આગની મોટી ત્રણ ઘટનાઓ વિશે જાણો... સુરત, 2019 : 24 મે, 2019ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના ચોથા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ચોથા માળે ગેરકાયદેસર રીતે ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ સ્ટ્રક્ચર ઊભા કરીને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હતા. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા AC યુનિટમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગ ફ્લેક્સ બેનરોના સહારે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. બિલ્ડિંગમાં ઉપર જવા-આવવા માટે માત્ર એક જ સાંકડી લાકડાની સીડી હતી, જે આગની ઝપેટમાં સૌથી પહેલા સળગી ગઈ હતી. બચવાનો કોઈ રસ્તો ન રહેતા ગૂંગળામણ અને દાઝી જવાને કારણે બાળકોના મોત થયા હતા, જ્યારે કેટલાક માસૂમોએ જીવ બચાવવા ચોથા માળેથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી, જેના દ્રશ્યો જોઈ આખો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાના કેસની સ્થિતિ : આજે 7 વર્ષ પછી આ કેસના તમામ 14 આરોપીઓ જામીન પર મુક્ત થઈને ખુલ્લી હવામાં ફરી રહ્યા છે. રાજકોટ, 2024 : 25 મે 2024ને શનિવારનો દિવસ. સાંજના 5.30 વાગ્યે રાજકોટ શહેરના નાના મવા રોડ પર TRP ગેમ ઝોનમાં અનેક યુવક યુવતીઓ ગેમ્સનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે પતરાંના શેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 3 લોકો વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા. જ્યાં આ વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં નજીક ટાયર પડ્યા હતા અને તેનાથી થોડે દૂર જ ફોમ શીટ પડેલી હતી. સ્નો પાર્ક બનાવવા ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. આ વેલ્ડિંગના તણખાં ફોમ શીટ અને ટાયર પર પડતાં ગેમઝોન આગનગોળો બની ગયો. અંદર ગેમ રમી રહેલા મોટાભાગના લોકોને બહાર નીકળવાનો સમય ન મળ્યો ને 27 જિંદગી આગમાં હોમાઈ ગઈ. ઘટનાના કેસની સ્થિતિ : આજે 2 વર્ષ પછી આ કેસના તમામ 16માંથી 2 આરોપીનાં મોત થઈ ચૂક્યાં છે. બાકીના 14માંથી 11 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. ગોવા, 2025 : 6 ડિસેમ્બર 2025 શનિવારની રાત્રે ગોવાના આરપોરા વિસ્તારમાં આવેલા નાઈટ ક્લબ ‘બર્ચ બાય રોમિયો લેન’માં રાત્રે આગ લાગવાથી 25 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા. આગ ડાન્સ ફ્લોર પરથી શરૂ થઈ હતી. બેલી ડાન્સર ડાન્સ કરતી હતી ને અચાનક આગ લાગી ગઈ. મૃતકોમાં 5 પ્રવાસીઓ અને 20 સ્ટાફનો સમાવેશ થતો હતો. ઘટનાના કેસની સ્થિતિ : 7 મહિના પછી આ ઘટનામાં ક્લબ ચલાવનાર લૂથરા બ્રધર્સ અને અજય ગુપ્તાને થાઈલેન્ડથી ઝડપી લેવામાં આવ્યા. EDએ દરોડા પાડીને તેમની 29 કરોડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરી. અત્યારે ત્રણેય ભારતની જેલમાં છે ને કેસ ચાલી રહ્યો છે. છેલ્લે, ડિપાર્ટમેન્ટ ઓફ દિલ્હી ફાયર સર્વિસના આંકડા ચોંકાવનારા છે. 2026 ના પહેલા ચાર મહિનામાં આગની 7,800 ઘટના બની. દિલ્હીમાં દર કલાકે 3 અને રોજ 65 જગ્યાએ આગ લાગે છે. દિલ્હીમાં આગના કારણે 2024-25માં 1300 લોકોનાં મોત થયાં હતાં. હવે રાજધાનીને 'આગધાની' બનતી અટકાવવા રેખા ગુપ્તાની સરકારે એક્શન પ્લાન બનાવવો જ પડશે. નહીંતર આગ લાગતી રહેશે ને ધુમાડા ઉઠતા રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
Read Original Article →