Editor's View: કોકરોચ જનતા પાર્ટીનું વાવાઝોડું:ચાર દિવસમાં જ ભાજપને પછાડી, યુવાઓનાં આક્રોશથી ઇન્ટરનેટ પર આગ સુધી, જાણો આંદોલનની ઇનસાઇડ સ્ટોરી
આપણા દેશમાં છેલ્લા કેટલાક સમયથી નેતાઓની ભાષાનું લેવલ સતત નીચે જઈ રહ્યું છે. પણ હવે આ આગ માત્ર રાજકીય રેલીઓ કે ચૂંટણી સભાઓ પૂરતી સીમિત નથી રહી. આ આગ હવે દેશની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગઈ છે. તમે જ વિચારો, જ્યારે દેશની સિસ્ટમ સામાન્ય માણસ પ્રત્યે આવા સંવેદનહીન શબ્દો વાપરે, ત્યારે શું થાય? આજનો યુવાન હવે રસ્તા પર ઉતરીને પથ્થરમારો નથી કરતો, કે નથી બસો સળગાવતો. તે પોતાના મોબાઈલ અને મીમ કલ્ચરથી જ આખી સિસ્ટમને હચમચાવી નાખે છે. મે 2026માં બરાબર આવું જ બન્યું છે. જેને આપણે કોક્રોચ જનતા પાર્ટી કહીએ છીએ, તે આ જ ગુસ્સાનું રિઝલ્ટ છે. આ કોઈ સામાન્ય મજાક નથી, પણ આપણા ભણેલા-ગણેલા છતાં બેરોજગાર યુવાનોનો એક રોષ છે. ચાલો, કોક્રોચ જનતા પાર્ટીની અને દેશમાં ફેલાઈ રહેલી હેટ સ્પીચની વાત કરીએ નમસ્કાર.... તારીખ હતી 15 મે 2026. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં એક સામાન્ય સુનાવણી ચાલી રહી હતી. વિષય હતો દિલ્હી હાઈકોર્ટના સિનિયર વકીલ ડેઝિગ્નેશનની પ્રક્રિયાનો. બેન્ચ પર ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી બેઠા હતા. સુનાવણી દરમિયાન અરજદાર વકીલ સંજય દુબેને કોર્ટે તેમના સોશિયલ મીડિયા પરના વર્તન માટે આકરો ઠપકો આપ્યો. પણ વાત અહીં અટકી નહીં. સુનાવણીના ફ્લોમાં ચીફ જસ્ટિસે એક એવી વાત કરી દીધી જેણે આખા દેશના યુવાનોને સીધો ડંખ માર્યો. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક યુવાનો કોક્રોચ એટલે કે વંદા જેવા થઈ ગયા છે. તેમને કોઈ નોકરી મળતી નથી એટલે તેઓ સીધા મીડિયા, સોશિયલ મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે. કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે આવા લોકો સમાજના પરોપજીવી એટલે કે બીજાના ભોગે જીવનારા છે. બસ, આ જ એ શબ્દો હતા જેણે દેશના યુવાનોમાં રહેલા બારૂદમાં દીવાસળી ચાંપી દીધી. કોક્રોચ જનતા પાર્ટીનો જન્મ કેવી રીતે બની આ આખી મુવમેન્ટ? જેવો સુપ્રીમ કોર્ટનો આ વિવાદ બહાર આવ્યો, કે તરત જ 16 મેના રોજ આમ આદમી પાર્ટીના જૂના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ અને અત્યારે બોસ્ટનમાં ભણતા 30 વર્ષના યુવાન અભિજીત દીપકેએ એક માસ્ટરસ્ટ્રોક માર્યો. તેણે X પર જાહેરાત કરી કે અમે કોક્રોચ જનતા પાર્ટી બનાવી રહ્યા છીએ અને સાથે એક ગુગલ ફોર્મ મૂક્યું. જોતજોતામાં તો આ વાત વાયરલ થઈ ગઈ. સીજેઆઈએ ભલે એ જ દિવસે એમ કહીને ચોખવટ કરી કે તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને તેઓ માત્ર નકલી ડિગ્રીવાળાઓને કહેતા હતા, પણ ત્યાં સુધીમાં તીર કમાનમાંથી છૂટી ગયું હતું. 18 મે આવતા સુધીમાં તો આ પાર્ટીની સત્તાવાર વેબસાઈટ પણ ચાલુ થઈ ગઈ. એની ટેગલાઈન એટલી જોરદાર હતી "આળસુ અને બેરોજગારોનો અવાજ". આ પાર્ટીએ કહ્યું કે અમે એવા લોકો છીએ જેમને દેશની સિસ્ટમ ગણવાનું જ ભૂલી ગઈ છે. આજે 21 મે છે, અને આંકડાઓ સાંભળીને કોઈ પણ ચોંકી જાય. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના 1.6 કરોડ કરતા વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ લોકો તો ફોર્મ ભરીને સત્તાવાર મેમ્બર બની ગયા છે. ઓર્ગેનિક ગુસ્સા સામે IT સેલ ફેલ આ ઘટના શું બતાવે છે? આ એ કહી જાય છે કે આપણા દેશમાં યુવાનોની બેરોજગારી કેટલી હદે હદ વટાવી ગઈ છે. ભારતમાં સ્નાતકોનો બેરોજગારી દર અત્યારે 29.1% છે. એટલે કે ભણેલા લોકો, અભણ લોકો કરતા નવ ગણા વધારે બેરોજગાર છે. દેશમાં દર વર્ષે 80 લાખ યુવાનો ડીગ્રી લઈને બહાર પડે છે, પણ આપણું અર્થતંત્ર તેમને નોકરી આપી શકતું નથી. ચારેબાજુ હતાશા છે. અને જ્યારે આવા સમયે સિસ્ટમ તેમને વંદા કહે છે, ત્યારે લાવા ફાટે જ. પણ આ યુવાનોની કમાલ જુઓ, તેમણે આ સામાજિક આક્રોશને હિંસામાં બદલવાને બદલે એક શાનદાર વ્યંગમાં ફેરવી નાખ્યો છે. આજકાલ આઈટી સેલવાળા કરોડો રૂપિયા ખર્ચીને ટ્રેન્ડ ચલાવે છે, પણ આ યુવાનોના ઓર્ગેનિક અને સાચા ટ્રેન્ડે બધાને પાછળ પાડી દીધા છે. 'કોક્રોચ'ની ભયાનક સાયકોલોજી આપણે બધા જાણીએ છીએ કે કોક્રોચ, ઉધઈ અને પેરાસાઈટ્સ એવા જીવો છે જે કાં તો ગંદકીમાં પેદા થાય છે અથવા તો કોઈ સ્વસ્થ શરીર પર બેસીને તેનું લોહી ચૂસે છે. જ્યારે કોઈ નેતા કે કોઈ મોટી સત્તા પર બેઠેલી વ્યક્તિ જનતાને કે કોઈ ચોક્કસ વર્ગને આવા નામોથી બોલાવે, ત્યારે તે માત્ર એક ગાળ નથી હોતી. સમાજ વિજ્ઞાનમાં આને ડીહ્યુમનાઇઝેશન કહેવાય છે. એટલે કે સામેવાળા વ્યક્તિની માણસાઈ જ છીનવી લેવી. તેને માણસ મટાડીને જંતુ બનાવી દેવો. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે સત્તાધીશોએ લોકો માટે આવા શબ્દો વાપર્યા છે, ત્યારે તેના પરિણામો અત્યંત ભયાનક અને લોહિયાળ આવ્યા છે. રવાંડા અને નાઝી જર્મનીના કાળા પ્રકરણો જો તમારે આ શબ્દોની તાકાત સમજવી હોય તો 1994ના રવાંડાના નરસંહાર તરફ જોવું પડે. માત્ર 100 દિવસમાં ત્યાં 8 લાખથી વધુ લોકોની કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ કોઈ રાતોરાત થયેલો ગુસ્સો નહોતો. ત્યાંના સરકારી રેડિયો અને મેગેઝિનો વર્ષોથી તુત્સી સમુદાયના લોકોને ઇનયેન્ઝી એટલે કે કોક્રોચ કહીને બોલાવતા હતા. આ નફરત એટલી હદે મગજમાં ઘૂસી ગઈ હતી કે નિશાળમાં ભણાવતા શિક્ષકો પણ બાળકોને ઊભા રાખીને તેમને કોક્રોચ કહેતા હતા. જ્યારે તમે કોઈને માણસ મટાડીને જંતુ માની લો છો, ત્યારે તેનું પરિણામ ભયાનક આવે છે. આ જ વસ્તુ રવાંડામાં થઈ. આવું જ કંઈક હિટલરના નાઝી જર્મનીમાં પણ થયું હતું. 2022માં થયેલા એક મનોવૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું છે કે નાઝીઓએ યહૂદીઓ માટે પણ પેરાસાઈટ્સ, ઉંદર અને જંતુઓ જેવા જ શબ્દો વાપર્યા હતા. પ્રોપેગન્ડા એવો ચલાવાયો હતો કે યહૂદીઓ કોઈ માણસ નથી જેમને પીડા થાય. તેમને એક એવા રાક્ષસ તરીકે ચીતરવામાં આવ્યા જે દેશને અંદરથી ખાઈ રહ્યા છે. અને આ બધા પાછળનો તર્ક શું હોય છે? તર્ક એ હોય છે કે જંતુઓ સાથે ક્યારેય વાતચીત ન થાય, તેમને તો દેશ રૂપી શરીરને બચાવવા માટે જડમૂળથી સાફ જ કરવા પડે. એટલે કે નરસંહારને કોઈ ગુનો નહીં, પણ દેશને બચાવવાની સારવાર તરીકે રજૂ કરવામાં આવે છે. ભારતમાં આ શબ્દોનો ઉપયોગ કેમ ખતરનાક છે? હવે ભારતના સંદર્ભમાં સમજો. જ્યારે કોઈ સુપ્રીમ કોર્ટમાં બેસેલા ઉચ્ચ ન્યાયાધીશ બેરોજગાર યુવાનોને કોક્રોચ કે પરોપજીવી કહે, ત્યારે તે કેટલું ગંભીર છે? આનો સીધો અર્થ એવો નીકળે છે કે દેશમાં બેરોજગારી એ સરકારની કે સિસ્ટમની કોઈ નિષ્ફળતા નથી, પણ આ બેરોજગાર યુવાનો પોતે જ એક રોગ છે. જાણે આ યુવાનો દેશને ખોતરી રહ્યા હોય. નોકરી ન મળવી એ એક સરકારની યોજનાઓ સામે સવાલ છે, પણ આવા શબ્દો વાપરીને તેને એક અપરાધ સાબિત કરવાની કોશિશ થાય છે. પણ અહીંયા કોક્રોચ જનતા પાર્ટીને બનાવવાવાળા અભિજીત દીપકેએ ખરેખર માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. એમણે આ અપમાનને જ પોતાનું હથિયાર બનાવી લીધું. એમણે ચોખ્ખું કહી દીધું કે, "હા, અમે કોક્રોચ છીએ. અને કોક્રોચ ક્યાં હોય? જ્યાં ગંદકી અને સડો હોય. જો અમે બહાર આવ્યા છીએ, તો એનો સીધો અર્થ એ છે કે દેશની સિસ્ટમ એટલી હદે સડી ગઈ છે કે હવે કોક્રોચને બહાર આવવું જ પડ્યું છે." યુવાનોએ ડીહ્યુમનાઇઝેશનના હથિયારને જ પોતાની ઢાલ બનાવી લીધી છે, અને આ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક જીત છે. નેતાઓ કેમ વિરોધીઓ માટે આવા શબ્દો વાપરે છે? હવે રાજકારણના થોડા જૂના પાના ફેરવીએ. પોતાના હરીફોને નીચા દેખાડવા માટે પ્રાણીઓ કે જંતુઓના નામ આપવા એ કોઈ નવી બીમારી નથી. અંગ્રેજી ભાષાના એક બહુ મોટા રિસર્ચર છે, ડૉ. લીચ. એમણે બહુ મસ્ત વાત કરી છે. એમનું કહેવું છે કે અપમાન કરવા માટે લોકો હંમેશા કુતરા કે ઉંદર જેવા નામ વાપરે છે, કોઈ ક્યારેય સિંહ કે વાઘ કહીને અપમાન નથી કરતું. દુનિયાના ઈતિહાસમાં નજર કરો, બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચરે અમેરિકાની ગુલામી કરવા માટે પોતાની જ સરકારને બુલડોગ કહી હતી. આપણા દેશમાં પણ જૂના જમાનામાં કમ્યુનિસ્ટોએ નેતાજી સુભાષચંદ્ર બોઝને ગોબેલ્સ અને ટોજોના એટલે કે કુતરા કહ્યા હતા. એ જ રીતે પ્રવીણ તોગડિયાએ સોનિયા ગાંધીને ઈટાલીના શિકારી કુતરા સાથે સરખાવ્યા હતા. જ્યારે બાળ ઠાકરે ચોક્કસ ધર્મના લોકોને પોતાના વિરોધીઓ માનીને તેમના માટે સીધો સાંપ શબ્દ જ વાપરતા હતા. ભારતીય રાજકારણમાં અપમાનનો ટ્રેન્ડ આજના સમયમાં તો નેતાઓએ સંવાદનું સ્તર પાતાળમાં પહોંચાડી દીધું છે. ચાલો આજે હાલના જ રાજકારણના થોડા તાજા અને મોટા ઉદાહરણો જોઈએ, જેનાથી સમજાશે કે આ લોકો કઈ હદે જઈ શકે છે: આ બધા ઉદાહરણો પાછળની આખી વાર્તા બહુ રસપ્રદ છે. મે 2023ની જ વાત છે. કર્ણાટકની ચૂંટણી વખતે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાહેબ કલબુર્ગીની રેલીમાં બોલવાના ફ્લોમાં કહી ગયા કે મોદીજી તો ઝેરીલા સાંપ જેવા છે, ચાટવા જશો તો મરી જશો. પછી તો નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુરે એવો હોબાળો મચાવ્યો કે ખડગે સાહેબે ખુલાસો કરવો પડ્યો કે હું તો ભાજપની વિચારધારાને સાંપ કહેતો હતો. આવો જ એક બીજો કિસ્સો ઓક્ટોબર 2018નો છે. શશિ થરૂરે એક જૂના મેગેઝિનનો હવાલો આપીને મોદીને શિવલિંગ પર બેઠેલો વિંછી કહ્યા. એટલે કે એવો વિંછી જેને હાથથી હટાવાય નહીં ને ચપ્પલથી મરાય નહીં. આમાં તો કેસ છેક સુપ્રીમ કોર્ટમાં ગયો અને સપ્ટેમ્બર 2024માં કોર્ટે જ કહ્યું કે આ તો અજેયતા દર્શાવવા માટેનું એક સારું રૂપક અલંકાર છે. જૂન 2022માં મહારાષ્ટ્રમાં જે શિવસેના તૂટી એ તો તમને યાદ જ હશે. જ્યારે એકનાથ શિંદેના ધારાસભ્યો ગુવાહાટી ભાગ્યા, ત્યારે સંજય રાઉતે એમને જીવતા શબ અને કામાખ્યા મંદિરે બલિ ચડવા ગયેલી 40 ભેંસ કહી દીધા હતા. સામે પક્ષે બળવાખોર નેતાઓએ પણ કહ્યું કે અમને ભૂંડ કહીને ગાળો ભાંડવામાં આવી રહી છે. વિદેશી સંબંધો અને દલિતોનું અપમાન વર્ષ 2018માં અમિત શાહે રાજસ્થાનમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઉધઈ કહ્યાં હતાં. આનાથી બાંગ્લાદેશના ઈન્ફોર્મેશન મિનિસ્ટર હસનુલ હક ઈનુ એટલા ગુસ્સે ભરાયા કે એમણે આ નિવેદનને આંતરરાષ્ટ્રીય સ્તરે વખોડી નાખ્યું. એ જ રીતે 2018માં મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથના એક નિવેદન પર કટાક્ષ કરતા બહુ ગંભીર વાત કહી હતી. એમણે કહ્યું કે આજે આ લોકો દલિતોને હનુમાનજી સાથે સરખાવે છે, જોતા રહેજો ભવિષ્યમાં આ જ લોકો માણસોને કુતરા, બિલાડા અને ઉંદર કહેશે. આ બધી વાતોનો એક જ અર્થ નીકળે છે કે લોકશાહીમાં વિરોધીઓને માનવતાથી પાડી દેવા માટે આ એક બહુ સસ્તો આઈડિયા છે. આઈટી સેલ અને મીમ કલ્ચરનું યુદ્ધ હવે આપણે પાછા કોક્રોચ જનતા પાર્ટીવાળા મુદ્દા પર આવીએ. આજના રાજકારણમાં નેતાઓ પાસે મોટા આઈટી સેલ છે. કરોડો રૂપિયા પાણીની જેમ વહેવડાવીને નકલી વાતો અને ટ્રોલિંગ કરવામાં આવે છે. પણ આ દેશના યુવાનોએ સાબિત કરી દીધું કે કરોડોનો આઈટી સેલ મીમ કલ્ચર સામે પાણી ભરે છે. કોક્રોચ જનતા પાર્ટીને બનાવવાવાળા અભિજીત દીપકેએ AIનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં આખી પાર્ટી ઉભી કરી દીધી. આજના યુવાનોને લાંબા ભાષણોમાં રસ નથી, એમને સાર્કેઝમ એટલે કે કટાક્ષ બહુ ગમે છે. એમણે પાર્ટીમાં જોડાવા માટે શરત જ એવી રાખી કે માણસ દિવસના 11 કલાક ઓનલાઈન રહેતો હોવો જોઈએ અને ફરિયાદો કરવાનો માસ્ટર હોવો જોઈએ. જ્યારે યુવાનોએ જાતે જ સ્વીકારી લીધું કે હા અમે કોક્રોચ છીએ, ત્યારે પેલા ટ્રોલ કરવાવાળા પાસે કોઈ હથિયાર જ ના બચ્યું. આ એક એવી ઓર્ગેનિક ટુલકીટ છે જેણે પેપર લીક અને મોંઘવારી જેવા બીજા સાચા પ્રશ્નોને હસતા હસતા આખા દેશમાં ગુંજતા કરી દીધા. 2029ની ચૂંટણી જીતવા 5 મુદ્દા સમજો આજના સમયમાં કોઈ પણ રાજકીય પક્ષે જો ભવિષ્યમાં ચૂંટણી જીતવી હોય, તો માત્ર ધર્મ કે લાગણીની વાતોથી કામ નહીં ચાલે. આજના જાગૃત યુવાનો અને કોક્રોચ જનતા પાર્ટીના ઓફિશિયલ મેનિફેસ્ટોના 5 મુદ્દા વિશે પણ વાત કરીએ બેરોજગારી નિવારણ અને સ્પષ્ટ પારદર્શિતાઃ
આપણા દેશમાં દર વર્ષે 80 લાખ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે, પણ સ્નાતકોમાં બેરોજગારીનો દર 29.1% જેટલો ભયંકર છે. યુવાનોને માત્ર વાતોના વડાં નથી જોઈતા, તેમને નક્કર નોકરી જોઈએ છે. સાથે જ NEET કે અગાઉ વ્યાપમ જેવી પરીક્ષાઓમાં પેપર ફૂટી જાય છે, તે ભ્રષ્ટાચાર સદંતર બંધ થવો જોઈએ. પક્ષપલટા પર 20 વર્ષનો પ્રતિબંધઃ
આજે કોઈ એક પાર્ટીમાંથી ચૂંટાય છે અને કાલે પૈસા લઈને બીજી પાર્ટીમાં જતો રહે છે. મહારાષ્ટ્રમાં આપણે આ ઉથલપાથલ જોઈ. જનતા હવે આ આયારામ-ગયારામના રાજકારણથી ત્રાસી ગઈ છે. જે નેતા પક્ષ બદલે તેના પર સીધો 20 વર્ષનો ચૂંટણી પ્રતિબંધ લાગવો જ જોઈએ. ન્યાયતંત્ર અને સંસ્થાઓની સંપૂર્ણ ઓટોનોમીઃ
કોઈ પણ ચીફ જસ્ટિસ કે ઉચ્ચ ન્યાયાધીશ જ્યારે નિવૃત્ત થાય, ત્યારે તેમને રાજ્યસભાની સીટ કે સરકારી કમિશનના ચેરમેન પદની લાલચ ન હોવી જોઈએ. લોકશાહી બચાવવા બંધારણીય સંસ્થાઓનું સ્વતંત્ર હોવું અને કાયદાનું શાસન ચાલવું અત્યંત જરૂરી છે. રાજકીય ફંડિંગ, મીડિયામાં પૂરી ટ્રાન્સપરન્સી
ચૂંટણીમાં આવતા અનામી ફંડ એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ્સની અપારદર્શિતા હવે કોઈ સાંખી નહીં લે. પીએમ કેર ફંડની સામે CJPએ કટાક્ષમાં જ ઐતિહાસિક જાહેરાત કરી કે અમે કોક્રોચ કેર્સ ફંડ નહીં બનાવીએ! આરટીઆઈ એક્ટનો કડક અમલ થવો જોઈએ અને ગોદી મીડિયાના નાણાકીય વ્યવહારોની પણ તપાસ થવી જોઈએ. મહિલાઓને 50% અનામત, સમાન ન્યાય.
કેબિનેટમાં અને નીતિઓ બનાવવામાં મહિલાઓ માટે સીધી 50% અનામતની માંગ યુવાનોની હાલની આઈડિયોલોજી કેવી છે તે કહી જાય છે. ગાંધી, આંબેડકર અને નેહરુના વિચારો પર ચાલતો આ યુવા વર્ગ જાતિવાદનો સખત વિરોધ કરે છે અને સૌને સમાન હિસ્સેદાર ગણે છે. ન્યાયાલયમાં કથળતી ભાષા: લોકશાહી માટે ખતરો રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગમે તેવું બોલે તે આપણે પચાવી શકીએ, પણ જ્યારે દેશની સૌથી મોટી અદાલતોમાંથી આવા શબ્દો નીકળે, ત્યારે તે બહુ મોટી સંસ્થાગત કટોકટી છે. જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ કે બેરોજગાર યુવાનોને જંતુ કે પરોપજીવી કહેવામાં આવે, ત્યારે આપણા બંધારણના બે સૌથી મહત્વના આર્ટિકલ સીધા તૂટે છે. આર્ટિકલ 19 આપણને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે. કારણ કે અગાઉ શ્રેયા સિંઘલ કેસમાં ઓનલાઈન વાણી સ્વાતંત્ર્યને કોર્ટે જ રક્ષણ આપ્યું હતું. અને બીજો છે આર્ટિકલ 21, જે આપણને માત્ર પ્રાણીઓ જેવું નહીં, પણ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મેનકા ગાંધી અને પુટ્ટાસ્વામી કેસમાં આ વાત સ્પષ્ટ કરી છે. જો સુપ્રીમ કોર્ટ જ નાગરિકોને જંતુ કહેશે, તો નીચેની અદાલતો અને સરકારી અધિકારીઓ સામાન્ય માણસને શું ગણશે? લવ જેહાદથી થૂંક જેહાદની હેટ સ્પીચ પેટર્ન બીજી બાજુ, યુએનના રબાત પ્લાન મુજબ હેટ સ્પીચમાં, કોણ બોલે છે તેનાથી બહુ મોટો ફરક પડે છે. ઇન્ડિયા હેટ લેબના 2025ના રિપોર્ટમાં ચોખ્ખું કહેવાયું છે કે દેશમાં લઘુમતીઓ સામે 1,318 હેટ સ્પીચની ઘટનાઓ બની હતી. નેતાઓ લવ જિહાદ, વોટ જિહાદ, થૂંક જિહાદના નામે લોકોને ઉધઈ કે ભૂંડ કહી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે 2025ના હેટસ્પીચ કિસ્તાઓમાં 98 ટકા કિસ્સાઓ લઘુમતિ સમાજ માટે હતા. ટૂંકમાં સમાજમાંથી જ આ માનસિકતા નીકળીને કોર્ટ પરિસરના દરવાજા તોડીને અંદર ઘૂસી ગઈ છે. જો અદાલતો આવા શબ્દો વાપરશે, તો સમાજમાં નફરત ફેલાવતા તત્વોને જાણે સત્તાવાર માન્યતા મળી જશે. માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, તાજેતરમાં અમુક હાઈકોર્ટમાં પણ આવા ચિંતાજનક દાખલા બન્યા છે: જ્યારે ન્યાયાધીશો આવી ધામધડા વગરની ભાષા વાપરે છે, ત્યારે ન્યાયપ્રણાલી પરથી સામાન્ય માણસનો વિશ્વાસ ઉઠી જાય છે. આખી વાતનો નીચોડ એ છે કે કોક્રોચ જનતા પાર્ટી એ કોઈ સામાન્ય સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી. આ આપણા સમાજની સડેલી વ્યવસ્થા સામેનો એક ડિજિટલ બળવો છે. નેતાઓએ અગાઉ કૂતરા, બિલાડા કે સાંપ કહીને એકબીજાને નીચા દેખાડ્યા, પણ જ્યારે સિસ્ટમ પોતાના જ દેશના બેરોજગાર યુવાનોને આવા જંતુના નામે બોલાવે છે, ત્યારે લોકશાહીના પાયામાં ઉધઈ લાગે છે. IT સેલને ભારે પડી કોક્રોચ જનતા પાર્ટી આજના જેનઝી યુવાનોએ સાબિત કરી દીધું છે કે કરોડો રૂપિયાનું આઇટી સેલ અને મોંઘું પ્રોપેગન્ડા મશીન એક સ્માર્ટ, ટેક-સેવી અને કટાક્ષથી ભરેલા ઓર્ગેનિક રોષ સામે સાવ વામણું છે. સત્તાધીશો અને ન્યાયતંત્ર માટે આ એક મોટી લાલબત્તી છે. આગામી ચૂંટણીઓમાં માત્ર ધાર્મિક ભાષણોથી કામ નહીં ચાલે. રોજગાર, ટ્રાન્સપરન્સી અને મહિલા સશક્તિકરણ જેવા નક્કર મુદ્દાઓ પર જવાબદેહીની જરૂર જ પડશે. આપણે બધાએ એ માનવું પડશે કે લોકશાહીમાં નાગરિકો ક્યારેય પેરેસાઈટ નથી, તેઓ જ દેશનું હાર્દ છે. જો તેમની ગરિમા સાથે રમત રમાશે, તો આ કોક્રોચ બનીને ભેગો થયેલો ડિજિટલ ગુસ્સો આવનારા સમયમાં એવી ઐતિહાસિક ક્રાંતિ લાવશે, જેની અસર ભારતીય રાજકારણ પર દાયકાઓ સુધી જોવા મળશે. અને છેલ્લે… નેપાળમાં કેપી શર્મા ઓલી સરકારે 26 સોશિયલ મીડિયા એપ્સ પર બેન લગાવી દીધો હતો. ત્યાર બાદ જેનઝી આંદોલનની ચિનગારી ભડકો થઈ હતી અને સરકાર પાડી દીધી હતી. અત્યારે આ વાત એટલા માટે યાદ કરવી પડે કારણ કે સીજેપીનું એક્સ હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યું છે અથવા થઈ ગયું છે. તો શું નેપાળની સ્ક્રિપ્ટ ભારતમાં એપ્લાય થશે કે સરકાર નોકરી આપીને યુવાનોના બળવાને ડામશે? એ તો સમય જ બતાવશે. સોમવારથી શુક્રવાર રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
Read Original Article →