શિક્ષણ કાર્ય ખોરવાયું:રાનકૂવામાં શિક્ષકો તાલીમમાં જતા અન્ય શાળાના શિક્ષકે પરીક્ષા લીધી
ચીખલી તાલુકામાં વાર્ષિક પરીક્ષાઓ વચ્ચે શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમમાં બોલાવાતા શિક્ષણ કાર્ય ખોરવાયું છે, જેના કારણે અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની નોબત આવતા અગવડતા સર્જાઇ હતી. ચીખલી તાલુકાની 177 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ખાનગી શાળાઓમાં 6 એપ્રિલના રોજથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. આગામી 26 એપ્રિલના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને તેના માટે ગુરૂવારના રોજ સવારના 10:30 વાગ્યેથી જ ઝોનલ અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ રાખવામાં આવી હતી. જેને પગલે ચાલુ વાર્ષિક પરીક્ષા દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ચાલુ પરીક્ષા છોડીને ચૂંટણીલક્ષી તાલીમ લેવા જવાની ફરજ પડી હતી. ચીખલીના રાનકૂવા પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકો પૈકી બન્નેનો ગુરૂવારના રોજ ચૂંટણીની તાલીમ માટે ઓર્ડર કરાયો હતો. શાળામાં ધોરણ-3થી 5ની ચાલતી વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે રાનકૂવા મુખ્ય પ્રાથમિક શાળામાંથી જે શિક્ષકોનો ચૂંટણીની તાલીમનો ઓર્ડર ન હતો તેને તાત્કાલિક અસરથી પટેલ ફળિયા વર્ગ પ્રા. શાળામાં પરીક્ષા લેવા મોકલવામાં આવ્યા હતા.
Read Original Article →