ફરિયાદ:નવસારીના અલીફનગરમાં બર્થડે‎પાર્ટી બાદ બે જૂથ વચ્ચે હિંસક બબાલ‎

Gujarat5/19/2026, 12:00:00 AM
ફરિયાદ:નવસારીના અલીફનગરમાં બર્થડે‎પાર્ટી બાદ બે જૂથ વચ્ચે હિંસક બબાલ‎
નવસારીના અલીફનગર વિસ્તારમાં મદીના ચિકન સેન્ટર પાસે યોજાયેલી જન્મદિવસની ઉજવણી બાદ બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ અનુસાર, અલીફનગરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ઉમેશભાઈ મોહનભાઈ નાયકા પરિવાર સાથે ઘર બહાર બેઠા હતા, ત્યારે પાડોશમાં શાબાન શાહની દીકરીની બર્થડે પાર્ટી પત્યા બાદ કેટલાક માણસો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ ટોળું ઝઘડતાં ઝઘડતાં અગ્રવાલ કોલેજ રોડ તરફ ગયું, જ્યાં ઉમેશભાઈના ભાઈ સંદીપની પત્ની અને બાળકીને ધક્કો વાગતાં તેઓ નીચે પડી ગયા હતા. સંદીપે ઝઘડો કરવાની ના પાડતાં ટોળામાં રહેલા સમીર, સદ્દામ, હમીદ અને રમજાન નામના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. સમીરે ઉમેશભાઈને ઢીકમુક્કીનો માર માર્યો હતો અને સંદીપના માથામાં લાકડાનો પાટીયો ફટકારી દીધો હતો, જ્યારે અન્ય ત્રણ શખ્સોએ તેને પકડી રાખી માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સંદીપને માથાના ભાગે 4 ટાંકા આવ્યા હતા. પોલીસે કલેક્ટરના હથિયાર બંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં જૂથ અથડામણ અને મારામારીના વધી રહેલા કિસ્સા નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય બાબતો, અંગત અદાવત કે તહેવારો- ઉજવણીઓ દરમિયાન ક્ષણિક ઉશ્કેરાટમાં આવીને થતી જૂથ અથડામણો અને મારામારીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. અલીફનગર, વિજલપોર અને જલાલપોર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જાહેર માર્ગો પર તીક્ષ્ણ હથિયારો કે લાકડીઓ વડે હુમલાના કિસ્સા અવારનવાર બને છે. સ્થાનિક કલેક્ટરના હથિયારબંધી જાહેરનામા છતાં આવી ઘટનાઓ બનતાં પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠી રહ્યા છે.
Read Original Article →