તંત્ર નિંદ્રાધીન:આંબાપાણી, વાંગણ, ચોરવણી અને ખાટાઆંબા સહિતના ગામોમાં સર્વેક્ષણ કરી બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ
વાંસદાના બોર્ડર વિલેજમાં ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર અછત જોવા મળી રહી છે. આંબાપાણી, વાંગણ, ચોરવણી અને ખાટાઆંબા સહિતના લોકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જળસંચય યોજના હેઠળ નદીઓ અને કોતરો પર લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમો બનાવ્યા હતા. હેતુ ચોમાસામાં વહેતું પાણી રોકીને ભૂગર્ભ જળસ્તર વધારવાનો અને વર્ષભર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. દર વર્ષે ચેકડેમોની મરામત માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાતી હોવાનો પણ ઉલ્લેખ થાય છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ચેકડેમોમાં પાણી સંગ્રહ થતો નથી. અનેક સ્થળોએ ચેકડેમોની બારીઓ તૂટી ગઈ છે અથવા ગાયબ છે. પરિણામે વરસાદી પાણી અટકતું નથી અને સીધું વહી જાય છે. ઉનાળામાં ચેકડેમો સુક્કા દેખાય છે અને કેટલાકમાં પાણીનું ટીપું પણ નથી.ગ્રામજનોમાં ચર્ચા છે કે જાળવણીના અભાવે યોજનાનો મૂળ હેતુ સિદ્ધ થતો નથી. ભૂગર્ભ જળસ્તર વધારવાની યોજના પણ અસરકારક ન રહી હોવાનો દાવો કરવામાં આવે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ તાલુકાના તમામ ચેકડેમોનું તાત્કાલિક સર્વેક્ષણ કરે, ગાયબ થયેલી બારીઓ પુનઃસ્થાપિત કરવામાં આવે, જળસંચય યોજનાઓની ગુણવત્તા અને જાળવણીમાં બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. ચેકડેમમાં પાણી સંગ્રહ રાખવા તંત્ર આટલુ કરે તો.. નિયમિત ડીસિલ્ટિંગ: ચોમાસા પહેલાં કાંપ અને માટી દૂર કરી ચેકડેમની ઊંડાઈ વધારવી. તિરાડોનું સમારકામ: દીવાલો અને પાળના લીકેજ વોટરપ્રૂફ સિમેન્ટથી બંધ કરો. સીપેજ અટકાવવું: છિદ્રાળુ જમીન હોય ત્યાં પાણી વહેતા ડાયાફ્રામ વોલ બનાવવી. વૃક્ષારોપણ: બાષ્પીભવન ધીમું કરવા ચેકડેમની આસપાસ વૃક્ષો વાવવા. નહેરોની સફાઈ: ઉપરવાસના વહેણ સાફ રાખવા જેથીપાણી ચેકડેમ સુધી પહોંચે. લોખંડના દરવાજા: ચેકડેમમાં ગેટ મૂકવા જેથી ચોમાસાના અંતે પાણીને સંપૂર્ણ બ્લોક કરી સંગ્રહી શકાય. જનભાગીદારી: સ્થાનિક ગ્રામજનો અને પંચાયત દ્વારા દેખરેખ સમિતિ બનાવવી. યોજના અમલમાં આવે છે પણ પાણી આવતું નથી વાંસદા તાલુકામાં સરકારની યોજના નલ સે જલ 100 ટકા ફેલ છે. સરકારની જળ સંચય યોજનામાં કરોડોના ખર્ચે નદીઓ, કોતરો પર ચેકડેમ બનાવાઇ રહ્યા છે ચેકડેમોની બારીઓ પણ ચોરાઈ જતી હોય છે તેમજ દર વર્ષે ચેકડેમો રિપેરિંગ પાછળ કરોડોની ગ્રાન્ટ વપવામાં આવતી હોવા છતાં સિંચાઈનું તેમજ પીવાનું પાણી મળવું મુશ્કેલ છે. પાણી માટે યોજના અમલમાં આવે છે પણ પાણી આવતું નથી. >અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી જાળવણીના અભાવે ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી અમારા વિસ્તારમાં ઉનાળા દરમિયાન સિંચાઇનું પાણી મળતું નથી. ચોમાસા દરમિયાન નદી કોતરોમાં પુષ્કળ પાણી આવતું હોય છે પરંતુ ચેકડેમોમાં બારીઓ નથી અને સંબંધિત વિભાગની જાળવણીના અભાવે ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી. જેને લઈ ચેકડેમો ભરઉનાળે ખાલીખમ દેખાઈ રહ્યા છે છતાં દર વર્ષે કરોડોના ખર્ચે ચેકડેમ રિપેર થઈ રહ્યાં છે. >ધર્મેશભાઈ ભોયા, સભ્ય, તા.પં.,
Read Original Article →