વાંસદામાં ખાતરની અછત: ખેડૂતો પરેશાન:વહેલી સવારથી લાઈનો છતાં અનેક ખેડૂતો ખાલી હાથે પરત
વાંસદા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેતીની સિઝન પૂર્વે ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઉભા રહે છે, તેમ છતાં ઘણા ખેડૂતોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. ખેડૂતોમાં ખાતરનો મર્યાદિત જથ્થો ખૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, ખાતરનો પુરવઠો સપ્તાહમાં માત્ર એક કે બે વાર જ આવે છે અને તે પણ એક ગાડી જેટલો મર્યાદિત હોય છે. તાજેતરમાં 560 ગુણી ખાતરનો જથ્થો આવ્યો હતો. તેની સામે મોટી માંગ હોવાથી સંઘ દ્વારા પ્રતિ ખેડૂત માત્ર 2-2 ગુણી ખાતર ફાળવવામાં આવી રહ્યું છે. વાંસદાના અંબાપાણી, માનકુન, થાંભલા અને ચોરાવણી જેવા અંતરિયાળ ગામોથી ખેડૂતો અહીં ખાતર લેવા આવે છે. જોકે, પૂરતો જથ્થો ન હોવાને કારણે અનેક ખેડૂતોને નિરાશા સાંપડે છે. ખાંભલા ગામના રહેવાસી નીતાબેન વલ્લભભાઈ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખાતર મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હજી સુધી સફળતા મળી નથી. દરરોજ સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહીને અંતે ખાલી હાથે ઘરે પરત ફરવું પડે છે. અમારો આખો દિવસ અહીં જ બગડી રહ્યો છે." તેવી જ રીતે નવાનગરથી આવેલા મેહરવાનજીએ જણાવ્યું કે, "હું છેલ્લા ચાર-પાંચ દિવસથી ખાતર માટે ફાંફાં મારી રહ્યો છું. સવારના 10 વાગ્યાથી લાઈનમાં ઉભો છું. મારે માત્ર બે ગુણ ખાતરની જરૂર છે, જો તે નહીં મળે તો ખેતીનું કામ અટકી પડશે. અત્યારે ખાતરની અતિશય અછત છે, જેની સીધી અસર અમારા પાક પર પડશે." હાલમાં ખાતરની ભારે અછતને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને સંઘના અધિકારીઓ પણ મર્યાદિત જથ્થાને કારણે લાચાર જણાઈ રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ઉપરના સ્તરેથી ખાતરનો જથ્થો વધારવામાં આવે જેથી વાવણીના સમયે તેમને મુશ્કેલી ન પડે. જો આગામી દિવસોમાં પુરવઠો નિયમિત નહીં થાય, તો ખેતીકામ ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે.
Read Original Article →