ગુજરાત બનશે એક્વાકલ્ચરનું હબ:કેન્દ્રીય મંત્રીએ આપ્યો અગ્રેસરનો મંત્ર

Gujarat6/6/2026, 12:23:22 AM
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ ICAR-CIBA, ચેન્નઈ અને ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે અસ્પી ઓડિટોરિયમમાં ‘7મુ જિંગા કિસાન સંમેલન યોજાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતને જિંગા ઉત્પાદનમાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. એક્વેટિક રિફરલ લેબ્સ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ એન્ડ ડિસીઝ ડાયગ્નોસ્ટિક્સ લેબનું ખાતમુહૂર્ત કરાયું. ​ગુજરાતના દરિયાકાંઠે સુપર-ઇન્ટેન્સિવ પ્રિસિઝન એન્ડ નેચરલ શ્રિમ્પ ફાર્મિંગ પ્રોજેક્ટનો શુભારંભ થયો હતો. ​ICAR-CIBA, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે મત્સ્યઉદ્યોગના વિકાસ માટે મહત્વના ત્રિપક્ષીય કરાર થયા હતા. ‘એટલાસ ઓફ પોટેન્શિયલ બ્રેકિશવોટર એક્વાકલ્ચર ઝોન્સ ઇન ગુજરાત (પાર્ટ-1)’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ​કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, "ગુજરાતનો વિશાળ દરિયાકિનારો અને અનુકૂળ હવામાન એક્વાકલ્ચર માટે વરદાન સમાન છે. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી માછીમારોની આવક વધશે અને નિકાસક્ષમ ઉત્પાદન વધવાથી રાજ્યની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે." ​તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને રોગ નિયંત્રણ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેથી માછીમારો આત્મનિર્ભર બની શકે. સંમેલનની સાથે મંત્રીએ નવસારીમાં ચાલી રહેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, "વરસાદી પાણીનો સંગ્રહ એ માત્ર ખેતી માટે નહીં, પણ પીવાના પાણી અને પર્યાવરણના સંતુલન માટે પણ અનિવાર્ય છે. નવસારીને રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં મોડેલ જિલ્લો બનાવવા માટે જનભાગીદારી ખૂબ જ જરૂરી છે." ​આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, બન્ને યુનિ.ના કુલપતિઓ, ICAR ના ડાયરેક્ટર ડો. કુલદીપ લાલ તેમજ પ્રગતિશીલ ખેડૂતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Read Original Article →