એક સર્વિસ રોડ ચમકે તો બીજો ધૂળિયો:એરુ માર્ગ પર બ્રિજ કામ વચ્ચે અસમાન વ્યવસ્થા, હજારો વાહનચાલકો રોજ પરેશાન
નવસારીના વિજલપોર વિસ્તારમાં ફાટકથી એરુ તરફ જતા માર્ગ પર હાલ એક અજીબ સ્થિતિ સર્જાઇ છે. અહીં માર્ગ તો એક જ છે, પરંતુ બંને બાજુના સર્વિસ રોડની હાલત આકાશ-પાતાળ જેટલી અલગ જોવા મળી રહી છે. એક બાજુનો સર્વિસ રોડ ડામર અને કેટલાક ભાગે આર.સી.સી.થી મજબૂત બનાવાયો હોવાથી વાહન ચાલકો સરળતાથી પસાર થાય છે, જ્યારે બીજી બાજુનો સર્વિસ રોડ હજુ પણ ધૂળિયો અને ખાડાભર્યો જ રહેતા સ્થાનિકો તથા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વિજલપોર ફાટકથી ગોપાલનગર સુધી અંદાજે 300થી 350 મીટર વિસ્તારમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે વિકાસના કામ વચ્ચે જ અસમાનતાનું ચિત્ર દેખાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખરાબ માર્ગને કારણે બાઈકચાલકો ધૂળની ડમરી વચ્ચે પસાર થવા મજબૂર બને છે, જ્યારે વરસાદ આવે તો કાદવની સમસ્યા ઉભી થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે અનેક વાહનચાલકો જોખમ લઈને રોંગ સાઈડ સારા ડામર રોડવાળા સર્વિસ રોડ પર જવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે એક બાજુનો રોડ બની શકે છે તો બીજી બાજુનો રોડ વર્ષોથી અધૂરો કેમ રાખવામાં આવ્યો છે તે મોટો સવાલ છે. એક તરફ વિકાસ, બીજી તરફ ધૂળનો ત્રાસ 300-350 મીટર વિસ્તારમાં અસમાન સર્વિસ રોડ એક બાજુ ડામર અને RCC રોડ, બીજી બાજુ કાચો ધૂળિયો માર્ગ રોજ હજારો વાહનચાલકો મુશ્કેલીમાં રોંગ સાઈડ વાહનચાલનથી અકસ્માતનો ખતરો ઉભો થયો છે. જેને લઇને સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી વધી છે.
Read Original Article →