સ્નેહ સંમેલન:આજના ડિજિટલ યુગમાં સૌની સાથે કદમ મિલાવવા વયસ્કોએ નવું શીખવાની ધગસ રાખવી
ઘર પરિવારમાં શાશ્વત સુખ શાંતિ માટે ઘરના વડીલોએ અહમ મમત્વ છોડી ઘરના સભ્યો સાથે હળીમળીને, વિચાર વિમર્શ કરીને આગળ વધવું. આજના ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધવા વયસ્કોએ સતત નવું શીખવાની ધગસ રાખવી. પૂર્વ ગ્રહો, સંશય ગ્રંથી, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ વગેરે છોડીને ગુણ ગ્રાહક દૃષ્ટિ રાખી સૌની સાથે હળીમળી નિજાનંદમાં મસ્ત રહેવાનું શીખવું. આપણામાંથી અન્ય લોકો પ્રેરણા મેળવે એવું સદાચાર્ય અને આધ્યાત્મથી તરબતર થતું જીવન જીવવું. ઉપરોક્ત શબ્દો ડો. મેહુલભાઈ ઠક્કરે બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી રિજિયનના ત્રિમાસિક સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત સભ્યોને સંબોધતા ઉચ્ચાર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં ઉપસ્થિત સૌ વરિષ્ઠ નાગરિકો પાસે તેમના જીવનના અવનવા અનુભવોનું ભાથુ છે ત્યારે તેમણે સૌને પ્રેરણા મળે એ માટે સતત સેવાકીય પ્રવૃત્તિ માં જોડાયા રહેવું. સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાથી આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે અને અંતરમાં સુખ શાંતિનો અનુભવ થાય છે તથા અન્યને પ્રેરણા મળે છે. તેમણે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતનો સમન્વય સાધી રમાડેલી રમતમાં સૌએ ભાગ લીધો હતો. આવી રમતો માનસિક તણાવવાથી કેવી રીતે મુક્ત રહેવું તે શીખવાડ્યું હતું. ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણવાથી કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સ્થિરતા મેળવી શકાય તેવા પ્રસંગો વર્ણવ્યા હતા. સંમેલનના પ્રારંભે ગત વર્ષે અવસાન પામેલા સભ્યોને સ્મરણાંજલિ અપાઇ હતી. એસો.ના ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર તુષારકાંત દેસાઈએ મહેમાનને શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યું હતું. તેમણે ગત વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી ડો. મેહુલ ઠક્કરનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત આગામી વર્ષ દરમિયાન યોજાનાર પ્રવૃત્તિઓ વિશે વિગતવાર વાતો કરી હતી. આ પ્રસંગે 75 વર્ષ પૂર્ણ કરનાર સભ્ય શૈલેષભાઈ દેસાઈ તથા વસંતભાઈ લાડનું સ્મૃતિ ભેટ અર્પણ કરી અભિવાદન કરાયું હતું. પંકજભાઈ દવે એ કાર્યક્રમનું સંચાલન અને ઉપપ્રમુખ રાજુભાઈ પટેલે સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.
Read Original Article →