નકલી સોના કૌભાંડ:નકલી દાગીના પર ખોટા હોલમાર્ક છાપી 21.39 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Gujarat5/22/2026, 12:00:00 AM
નકલી સોના કૌભાંડ:નકલી દાગીના પર ખોટા હોલમાર્ક છાપી 21.39 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો
નવસારી જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાના દાગીના પર ખોટા હોલમાર્ક છાપી બેંક સાથે રૂ.21.39 લાખની લોન મેળવી છેતરપિંડી આચરવાના ગુનામાં જલાલપોર પોલીસે મુખ્ય આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. જલાલપોર પીઆઇ એલ.જી. રાઠોડ અને તેમની ટીમે બેંક મેનેજર પોરસભાઈ ભાઠેનાની ફરિયાદના આધારે અગાઉ નવસારી, સુરત અને રાજસ્થાન બોર્ડર શામળાજીથી આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું કે નકલી દાગીના બનાવનાર મુખ્ય આરોપી અમદાવાદના સોલા વિસ્તારમાં છે. જેથી જલાલપોર પોલીસે સોલા (ભાડજ)થી સુનીલકુમાર માણેકલાલ ચોક્સી (ઉ.વ.59)ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીઓબીમાં નકલી દાગીના મુકવાના કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ આવી જ રીતે કોઇ બેંક સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે પણ પોલીસ માટે હાલ તપાસનો વિષય બન્યો છે. નકલી સોના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સહિત 7 જેલભેગા બેંક ઓફ બરોડા નકલી સોના કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શરૂઆતમાં નવસારી અને સુરતથી 5 આરોપી ત્યારબાદ રાજસ્થાન બોર્ડરથી દાગીના સપ્લાય કરનાર 1 વોન્ટેડ આરોપી અને અંતે અમદાવાદથી નકલી સોનુ બનાવનાર મુખ્ય આરોપી સુનીલકુમાર ચોક્સી સકંજામાં આવ્યા છે. જેમાં આરોપી સુનિલના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. > એલ.જી. રાઠોડ, પીઆઇ, જલાલપોર
Read Original Article →