લોકોના જીવને જોખમ:નગીન જીવણની ચાલમાં જર્જરિત મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ

Gujarat5/22/2026, 12:00:00 AM
લોકોના જીવને જોખમ:નગીન જીવણની ચાલમાં જર્જરિત મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ
નવસારીના નગીનજીવણ ચાલમાં આવેલ મકાન ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હોય તેને હટાવી લેવા સ્થાનિકોએ મનપાને ફરિયાદ કરી છે. નવસારીના રેલવે સ્ટેશન નજીક નગીન જીવણ ચાલમાં આવેલા એક જર્જરિત મકાનને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી છે. નવસારી મહાપાલિકાના વોર્ડ-2ના સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં નવીન જીવન ચાલમાં ઘર નંબર 1197ના ઉપરના બે માળ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. ઉપરના ભાગના રૂમ ખાલી છે, પરંતુ નીચેના ભાગમાં પરિવારો રહે છે. મકાન માલિક અશોક ગુપ્તા અને મીનાબેન ગુપ્તાને વારંવાર જાણ કરવા છતાં સંતોષકારક જવાબ મળતો નથી એવો આક્ષેપ સ્થાનિકો કરે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ દુર્ઘટના થાય તે પહેલાં મહાનગરપાલિકા તાત્કાલિક તપાસ કરીને જોખમી ભાગ ઉતારી લે અને જરૂરી સુરક્ષા પગલાં લે. નગીન જીવણ ચાલમાં જર્જરિત બે માળના મકાન. જર્જરિત મકાનો અંગે કાયદો શું કહે છે? મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર, જો કોઈ ખાનગી મકાન જાહેર જનતા કે આજુબાજુના લોકો માટે જોખમી બને, તો તંત્ર જીપીએમસી એક્ટ હેઠળ મકાનમાલિકને નોટિસ આપી શકે છે. કાયદાકીય જોગવાઈ મુજબ, મકાનમાલિકની બેદરકારીને કારણે જો મકાન તૂટી પડે અને કોઈ દુર્ઘટના સર્જાય, તો મકાનમાલિક સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે. જેથી કોઈ હોનારત થાય તે પહેલાં મનપા તંત્ર અને મકાનમાલિક બંનેએ જાગવું જરૂરી છે. લોકોના જીવને જોખમ ઉભુ થયુ છે ચોમાસું નજીક હોવાથી આ બાંધકામ ગમે ત્યારે તૂટી પડી શકે છે. આવી સ્થિતિમાં નીચે રહેતા લોકોના જીવને જોખમ છે. આ મુદ્દે અગાઉ પણ તંત્રને લેખિત અરજીઓ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. > મનોજકુમાર બાબુભાઇ, સ્થાનિક રહીશ
Read Original Article →