બેંક સાથે ઠગાઈ:બેંકે જેના પર વિશ્વાસ મુક્યો એ જ સોનીએ મિલીભગતથી બેંકને 21.39 લાખનો ચૂનો ચોપડ્યો, સોની સહિત 5ની અટક

Gujarat5/17/2026, 12:28:04 AM
બેંક સાથે ઠગાઈ:બેંકે જેના પર વિશ્વાસ મુક્યો એ જ સોનીએ મિલીભગતથી બેંકને 21.39 લાખનો ચૂનો ચોપડ્યો, સોની સહિત 5ની અટક
નવસારી જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં માત્ર સોનાનો ઢોળ ચડાવેલા નકલી દાગીના ગીરવે મૂકી બેંક સાથે રૂ. 21.39 લાખની છેતરપિંડી આચરનાર ટોળકીનો જલાલપોર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સામેલ મુખ્ય સૂત્રધાર, લોન લેનારાઓ અને ખોટું સર્ટિફિકેટ આપનારા સોની સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા આપેલ સૂચનાના આધારે નાયબ પો.અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જલાલપોર પીઆઇ એલ.જી. રાઠોડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. બેંક મેનેજર પોરસભાઈ કેફીભાઈ ભાઠેનાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી ચાર આરોપીઓને નવસારીમાંથી અને એક આરોપીને સુરતથી દબોચી લીધો હતો.પકડાયેલા આરોપીમાં રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. જલાલપોર), રામસિંગ નિર્મલ (રહે. માધવ પાર્ક સોસાયટીમાં, વિજલપોર), સુરેશકુમાર યાદવ (રહે. વિજલપોર રોડ), મૌલિક ટંડેલ (રહે. સુરત) અને જીતેન્દ્રકુમાર ધનજીભાઈ કોરાટ (સોની, રહે. જલાલપોર)નો સમાવેશ થાય છે. કેવી રીતે આચરી છેતરપિંડી.. ​જલાલપોરની બેંક ઓફ બરોડા શાખામાં મુખ્ય ષડ્યંત્ર કરનાર રાજેશ પરમારને પૈસાની જરૂર હોય તેણે તેના મળતિયાઓને લઈ સોનાના દાગીના ગીરવે મૂકી લોન માટે અરજી કરી હતી. બેંક દ્વારા હાયર કરેલા સોની જીતેન્દ્રકુમાર કોરાટને અમુક નાણાંની લાલચ આપી સુરત કે અમદાવાદના જય નામના વ્યક્તિ સોનાના દાગીના આપી જતો હતો. આ નકલી સોનાને અસલી હોવાનું પ્રમાણિત કર્યું હતું. જેના આધારે બેંકમાં રાજેશ પરમાર દ્વારા 3 લોન ખાતામાં રૂ. 8.05 લાખ લીધા હતા. બાદમાં સુરેશ યાદવ મૌલિક ટંડેલના નામે રૂ.3.33 લાખ, રામસિંગ નિર્મલના નામે એક લોન એકાઉન્ટ પર 3.25 લાખ મળી ચાર વ્યક્તિઓના નામે રૂ.18.49 લાખની ખોટા દાગીના 535.03 ગ્રામ મૂકી ગોલ્ડ લોન મેળવી હતી. 2022 થી 2026 બે મેનેજર બદલાઈ ગયા પણ ફરિયાદ ન થઇ તત્કાલીન પોલીસ અધિકારીએ પોતાના જિલ્લામાં ઝીરો ક્રાઈમ બાબતે તમામ અધિકારીઓને સૂચના આપી માત્ર અરજી જ લેતા હતા, ત્યારબાદ કાર્યવાહીમાં સમાધાન કરવાની વાતો કરીને જિલ્લામાં થતો ક્રાઇમ રેટ દબાવ્યો જેનો લાભ ઘણા અધિકારીઓએ લીધો. વર્ષ 2022માં ડુપ્લીકેટ સોનુથી ગોલ્ડ લેવાની ઘટના ખબર પડી. બરોડા બેંકમાં બે મેનેજર દ્વારા અરજી અપાઈ પણ પોલીસ કાર્યવાહી થઇ ન હતી. બાદમાં બન્ને મેનેજર બદલાઇ જવા છતાં પણ ફરિયાદ થઇ ન હતી. આખરે નવા એસપી સાથે નવા પોલીસ અધિકારી આવ્યા અને ગુનેગારો ઉપર લગામ કસી અને કાયદાનું ભાન કરાવ્યું. નવસારી કોર્ટે 19 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા બેંકમાં ગોલ્ડ લોન માટે નકલી સોનાનાં દાગીના ઉપર લોન લઈ બેંક સાથે રૂ.21.39 લાખની છેતરપિંડી કેસમાં પાંચ આરોપીની અટક કરી હતી. જેમને ખોટા દાગીના જય નામનો વ્યક્તિ મુખ્ય આરોપી રાજેશ પરમાર ને આપી જતો અને બેન્કમાં જમા કરાવતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ કોર્ટમાં રજૂ કરતા તા.19 મે સુધીમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ તપાસ ચાલુ છે. > એલ.જી.રાઠોડ, પીઆઇ, જલાલપોર
Read Original Article →