ભાસ્કર એક્સક્લુઝિવ:નવસારીમાં એક જ વર્ષમાં તાપમાન પોણા 3 ડિગ્રી વધ્યું, આગામી વર્ષોમાં વધશે મુશ્કેલી
નવસારીમાં એક જ વર્ષમાં મે મહિનામાં તાપમાનમાં સરેરાશ પોણા ત્રણ ડિગ્રીનો વધારો થયો,હવે જો આગામી વર્ષમાં વધુ વધશે તો ઉનાળામાં લોકોની મુશ્કેલી વધી શકે છે. નવસારી એ દરિયાકાંઠા નજીકનો વિસ્તાર છે અહીં તાપમાન ઊંચું જતા ઉનાળાની ગરમી ત્રણ મહિના માર્ચ, એપ્રિલ અને મે માસમાં વધુ પડે છે. હાલ પૂર્ણ થયેલ મે મહિનામાં લોકોને રાહતની અપેક્ષા હતી પણ તાપમાન ઊંચું જતા ગરમી વધુ સાથે ભેજ પણ વધતા ભારે અકળામણ, બફારો લોકોએ અનુભવ્યો હતો. આંકડાકીય વિગતો છેલ્લા બે વર્ષના મે મહિનાના જોઈએ તો મે 2025 માં સરેરાશ લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી અને મહત્તમ સરેરાશ 33.5 ડિગ્રી રહ્યું હતું જેની સામે વર્તમાન મે 2026 માં લઘુત્તમ ડિગ્રી 26.8 અને મહત્તમ 36.1 ડિગ્રી રહ્યું હતું. આમ એક જ વર્ષમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન અઢી થી પોણા ત્રણ ડિગ્રી વધ્યું. મહત્વની બાબત એ છે કે જ્યાં તાપમાન વધ્યું ત્યાં દિવસે હવામાં ભેજનું પ્રમાણ અનેક દિવસો 60 ટકાથી વધુ રહેતા ભારે બફારો અનુભવાયો હતો. તાપમાન મોડી રાત્રે મળસ્કે પણ ઓછું નહી થયું અને 28 થી 29 ડિગ્રી રહેતા લોકોને રાત્રે યા સવારે પણ રાહત મળી નહીં. હજુ આગામી વર્ષોમાં તાપમાન વધશે ત્યારે લોકોની મુશ્કેલી વધશે. ગરમી સાથે વરસાદ વધશે એવું રિસર્ચ
આબોહવા સહિત અને બાબતો માટે રિસર્ચ કરતી દેશની ટોચની સંસ્થા અઝીમ પ્રેમજી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીએ કોસ્ટલ વિસ્તાર માટે આગામી 15 વર્ષ માટેની ગરમી, વરસાદ વગેરે માટે અનુમાન કર્યું છે, જેમાં નવસારી પણ છે. આ અનુમાન જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં દરિયાકિનારાના નવસારી પંથકમાં તાપમાન વધશે,વધુમાં અહીં ભેજ પણ હોય લોકોની અકળામણમાં વધુ વધારો થશે. ગરમી ઉપરાંત નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ વધશે એવી શક્યતા આ રિસર્ચમાં વ્યક્ત કરી છે. છેલ્લા વર્ષોમાં સૌથી ગરમ મે મહિનો..
છેલ્લા કેટલાક વર્ષોમાં મે કરતા એપ્રિલ મહિનામાં વધુ તાપમાન રહેતું આવ્યું છે અને મે મહિનો ઓછો ગરમ રહે છે. ઉક્ત વર્ષો દરમિયાન સૌથી વધુ લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રીથી અને મહત્તમ તાપમાન 40 .5 ડિગ્રીથી વધ્યું નથી.જોકે ચાલુ સાલ તો લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી અને મહત્તમ તો 41.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તાપમાન સાથે ભેજ પણ વધુ રહેતા અકળામણ પણ વધી હતી. જેના કારણે લોકોને પરસેવાથી ભીંજાવુ પડ્યું હતું. સમુદ્ર નજીક હોય ભેજ વધતા ગરમીમાં અકળામણ વધે..
આપણો નવસારી વિસ્તાર દરિયાકિનારા નજીક છે અને ભેજયુક્ત વિસ્તાર છે. હવે જ્યારે ઉનાળામાં તાપમાન વધે અને તેના કારણે ગરમી સાથે ભેજ મળતા પરસેવો લોકોને વધુ થાય છે અને અકળામણ લોકોની વધે છે. અમદાવાદ યા રાજસ્થાન જેવા સમુદ્રથી દૂર અને સૂકા વિસ્તારમાં તાપમાન વધતા ગરમી તો વધે પણ ભેજ ઓછો હોય પરસેવો ઉનાળામાં ત્યાં ઓછો થાય છે. > ડો. મોટે, હવામાનશાસ્ત્રી, કૃષિ યુનિ., નવસારી પ્રદુષણ, બ્લોક પેવિંગ, કોંક્રિટીકરણ સહિત ગ્લોબલ વોર્મિંગ પણ ખરૂ
આપણા વિસ્તારમાં ગરમીમાં અકળામણ વધવાનું કારણ ભેજ છે સાથે તાપમાન વધી ગરમી વધવાના અનેક કારણો છે. જેમાં વધતા પ્રદૂષણ અને વૃક્ષોની ઓછી થતી સંખ્યા પણ છે. ઠેર ઠેર કોંક્રિટીકરણ ઉપરાંત બ્લોકપેવિંગ, રોડ પણ ગરમી વધારી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક કારણો ઉપરાંત એક મહત્વનું કારણ ગ્લોબલ વોર્મિંગનું પણ છે કારણકે બધે તાપમાન વધી રહ્યું છે. >ડો.જયેશ નાયક, પર્યાવરણવિદ, ખખવાડા
Read Original Article →