જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા:ચૂંટણી પૂર્વે નવસારીમાં GSTના દરોડા, બિલ્ડર લોબીમાં ખળભળાટ
નવસારીમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જાણીતા પ્રોજેક્ટ પર જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ શરૂ થતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના જાણીતા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યવહારોમાં મોટાપાયે જીએસટીની ચોરી થઈ હોવાની ગુપ્ત બાતમીના આધારે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રોજેક્ટના સ્થળ અને તેની સાથે સંકળાયેલી કચેરીઓ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ હિસાબી દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં ટેક્સ ચોરી સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની ચકાસણી બાદ ટેક્સ ચોરીના મોટા આંકડાઓ સામે આવવાની પ્રબળ શક્યતા છે. દરોડા દરમિયાન કેટલાંક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આગામી દિવસોમાં તપાસના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.નવસારી જેવા શહેરમાં બિલ્ડર પ્રોજેક્ટ પર જીએસટીના દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ આ તપાસને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ડેટા એનાલિસિસના આધારે આવી કડક કાર્યવાહી તેજ કરાઇ છે.
Read Original Article →