નવસારીમાં સ્ટેમ્પ પેપરના વધુ નાણાં વસૂલતું દંપતી ઝડપાયું:સુરત અને નવસારી ACBની ટીમે ડીકોય ટ્રેપ ગોઠવીને બન્નેને રંગેહાથ ઝડપ્યાં
નવસારીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે આવેલા સી.એસ.સી. (CSC) સેન્ટર પર સ્ટેમ્પ પેપરની સરકારે નિયત કરેલી કિંમત કરતાં વધુ નાણાં વસૂલતા એક દંપતીને સુરત અને નવસારી ACBની ટીમે ડીકોય ટ્રેપ ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યું છે. જાગૃત નાગરિકની મદદથી આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી અનુસાર, નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે CSC સેન્ટર ચલાવતા સ્ટેમ્પ વેન્ડર દ્વારા ગ્રાહકો પાસેથી સ્ટેમ્પ પેપરની મૂળ કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ ACBને મળી હતી. આ ફરિયાદના આધારે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે ACBએ એક જાગૃત નાગરિકના સહયોગથી ડીકોય ટ્રેપનું આયોજન કર્યું. ડીકોય ટ્રેપ દરમિયાન, ₹50, ₹300 અને ₹700ના સ્ટેમ્પ પેપરની ખરીદી કરવામાં આવી હતી. આ સ્ટેમ્પ પેપર્સની સરકારી નિયત કિંમત કુલ ₹1050 થતી હતી. જોકે, સ્ટેમ્પ વેન્ડરે ગ્રાહક પાસેથી ₹1140ની માંગણી કરી, જે નિયત કિંમત કરતાં ₹90 વધુ હતા. નિયમ વિરુદ્ધ જઈને વધારાના ₹90ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે લાયસન્સ ધારક પતિ તુકારામ કાનકાંટે અને તેની પત્ની કરીશ્માબેન કાનકાંટે (બંને રહે. નવસારી)ને દબોચી લીધા હતા. ઘટનાસ્થળેથી લાંચ પેટે લેવાયેલી વધારાની રકમ અને અન્ય શંકાસ્પદ રકમ મળીને કુલ ₹140/- રિકવર કરવામાં આવ્યા છે. ACBએ બંને આરોપીઓની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર સફળ ઓપરેશન સુરત ACBના મદદનીશ નિયામક બી.એમ. પટેલના સીધા સુપરવિઝન હેઠળ નવસારી ACB પી.આઈ. એન.બી. સોલંકી અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
Read Original Article →