જન્મદિવસે જ યુવકની હત્યા કરનાર 4 આરોપીઓ ઝડપાયા:રૂ. 3 લાખની ઉઘરાણીમાં સુરતની કુખ્યાત ગેંગે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

Gujarat5/16/2026, 1:35:58 PM
જન્મદિવસે જ યુવકની હત્યા કરનાર 4 આરોપીઓ ઝડપાયા:રૂ. 3 લાખની ઉઘરાણીમાં સુરતની કુખ્યાત ગેંગે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
નવસારી રિંગરોડ પર થયેલી 23 વર્ષીય યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના કલાકોમાં સુરતની એક ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્રણ લાખની ઉઘરાણીમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના 14 મેની રાત્રે બની હતી. નવીન નગર વિસ્તારમાં રહેતો અને ગાડી લે-વેચનો વ્યવસાય કરતો યાશીન યુસુફ મેમણ ઓર્ગેટ એપાર્ટમેન્ટ સામે રિંગ રોડ પર મિત્રો નબીલ, અયાન અને ફરહાન સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. તે સમયે એક સફેદ કારમાં ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા ભાઠેના વિસ્તારના ટીપુ નામના શખ્સે યાશીન પર હુમલો કર્યો હતો. અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ યાશીનને પકડી રાખી માર માર્યો હતો, જ્યારે ટીપુએ ચપ્પુ વડે તેના જમણા પગ અને થાપાના ભાગે ઉપરા-ઉપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. યાશીને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીપુ પણ ગાડી લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને નાણાકીય લેતી-દેતીની જૂની અદાવતમાં તેને ધમકીઓ આપતો હતો. લોહીલુહાણ હાલતમાં યાશીનને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. હત્યાની ગંભીરતાને જોતા સુરત રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ અને નવસારી પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે LCB ના સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાને આરોપીઓને ઝડપી પાડવા આદેશ આપ્યા હતા. માંડવી-બારડોલી રોડ પરથી કાર સાથે 4 આરોપી ઝડપાયા જેના પગલે LCB, પેરોલ ફર્લો સ્કોર્ડ અને ટેકનિકલ સેલના પીઆઈ એસ.વી. આહિર, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત અને પીએસઆઈ આર.જી. વસાવા (SOG) સહિતની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, હત્યાના આરોપીઓ આઈ-20 કારમાં બેસીને માંડવીથી બારડોલી રોડ તરફ ભાગી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી કંતાલી ગામ નજીકથી ચારેય આરોપીઓને આંતરી લીધા હતા. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ યાશીન મેમણની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ચારેયને નવસારી ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. હત્યાનું કારણ આ હત્યા ત્રણ લાખની ઉઘરાણીમાં કરવામાં આવી હોવાની હકીકત આરોપીઓએ પોલીસને જણાવી છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેમના પર અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. મોઇનુદીન ઉર્ફે ટીપુ: ખટોદરા પોલીસ મથકમાં ચોરી, લૂંટ અને પાસા (PASA) હેઠળ ગુના નોંધાયેલા છે. મોહમ્મદ લતીફ: લીંબાયત, પુણા, ખટોદરા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં ચોરી, મારપીટ, ધાક-ધમકી અને પ્રોહિબિશન (દારૂ) ના 8 જેટલા ગુના નોંધાયેલા છે. બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખ: આ આરોપી સૌથી વધુ માથાભારે છે. તેના પર સલાબતપુરા અને વરાછામાં પોક્સો (POCSO), બળાત્કાર, હત્યાનો પ્રયાસ (307), છેડતી, લૂંટ અને પાસા (PASA) સહિત 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એજાજ મુનાફ શેખ: તેના પર ખેરગામ અને સલાબતપુરા પોલીસ મથકમાં ધાર્મિક લાગણી દુભાવવા, પશુ ક્રૂરતા અને અટકાયતી પગલાં (BNSS 126) ના 6 ગુના નોંધાયેલા છે.
Read Original Article →