વિજલપોરમાં લોકોને હાલાકી ચરમસીમાએ:ફાટક સામે જ બ્રિજનું કામ ચાલતુ હોવાથી અને માર્ગ ખોદાઈ જતા મુશ્કેલી છે ત્યાં હવે ફાટક બંધ થતા હજારો લોકોને દોઢ કિ.મી.નો ચકરાવો

Gujarat5/20/2026, 12:00:00 AM
વિજલપોરમાં લોકોને હાલાકી ચરમસીમાએ:ફાટક સામે જ બ્રિજનું કામ ચાલતુ હોવાથી અને માર્ગ ખોદાઈ જતા મુશ્કેલી છે ત્યાં હવે ફાટક બંધ થતા હજારો લોકોને દોઢ કિ.મી.નો ચકરાવો
નવસારી વિજલપોર રેલવે ફાટક વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામે લોકોનું દૈનિક જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ફાટક સામે ચાલી રહેલા બ્રિજના કામના કારણે માર્ગ સંપૂર્ણ બિસ્માર બની ગયો છે. ગોપાલનગરથી ફાટક સુધી પહોંચવામાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાડા, ધૂળ અને અવ્યવસ્થિત ટ્રાફિક વચ્ચે લોકો પહેલેથી જ ત્રસ્ત હતા ત્યારે હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિજલપોર રેલવે ફાટક મંગળવારથી 27 મે સુધી મરામત કામગીરી માટે બંધ કરી દેવાતા પશ્ચિમ વિસ્તારમાંથી પૂર્વ તરફ જતાં હજારો લોકોને હવે લાંબા ચકરાવા ભોગવવા પડશે. મંગળવારે અચાનક ફાટક બંધ થતાં અનેક વાહનચાલકો ફાટક સુધી પહોંચી ગયા બાદ પરત ફરવા મજબૂર બન્યા હતા. કોઈ સ્પષ્ટ પૂર્વ સૂચના વગર લેવાયેલા નિર્ણયથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ફાટક બંધ રહેતા હવે ટ્રાફિક સ્ટેશન તરફ ડાયવર્ટ કરાશે. પરિણામે બ્રિજના કામ ચાલી રહેલા વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ વધુ વધી શકે છે. પહેલેથી જ સાંકડો અને ખોદકામથી ખરાબ બનેલો માર્ગ વધુ જોખમી બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. રોજિંદા કામકાજ, સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલ જતાં લોકોને આગામી 9 દિવસ પરેશાનીનો સામનો કરવો પડશે. બ્રિજ પૂર્ણ થવાના વિલંબના કારણે 5માં ચોમાસે પણ તોબા પોકારશે હજારો લોકો વિજલપોરમાં રેલવે ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત વર્ષ-2021માં કરવામાં આવ્યું હતું. તે સમયે બે થી ત્રણ વર્ષમાં બ્રિજ તૈયાર થઈ જશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે વિવિધ કારણોસર કામ સતત લંબાતું ગયું. 2021માં તો ખાસ મુશ્કેલી પડી નહતી, પરંતુ 2022ના ચોમાસાથી સતત ચાર ચોમાસા દરમિયાન સર્વિસ રોડ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવી છે. કાદવ, પાણી ભરાવા અને તૂટેલા માર્ગોથી લોકો તોબા પોકારી ગયા હતા. આ વર્ષે 31 માર્ચ સુધી કામ પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી, ત્યારબાદ સમયમર્યાદા વધારી 30 એપ્રિલ કરાઈ, પરંતુ આજે 19 મે સુધી પણ બ્રિજનું ઘણું કામ બાકી છે. હાલની સ્થિતિ જોતા જૂન મહિનામાં પણ કામ પૂર્ણ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરિણામે 2026નું વધુ એક ચોમાસું પણ લોકો માટે મુશ્કેલીભર્યું બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ફાટક બંધ થતા હવે મહત્તમ ટ્રાફિક સ્ટેશન તરફથી જઇ રહ્યો છે. ફાટકની સામે બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું હોય તેની નીચેથી ચાલકો અવરજવર કરી રહ્યાં છે ત્યારે જોખમ પણ છે. આ જોખમ નિવારવા તકેદારી રાખવા જરૂરી બની છે.
Read Original Article →