દુકાનો સીલ કરતા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ:નવસારી સુંદરવન સોસાયટીમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રહીશોમાં આક્રોશ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નં-2, રેલ્વે સ્ટેશન પાસેની સુંદરવન સોસાયટીના રહીશોએ કોમર્શિયલ પ્રવૃતિ કરતા દુકાનને સીલ કરવા કમિશનર અને પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. સુંદરવન સોસાયટીના સ્થાનિકોએ મનપા કમિશ્નર અને કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપી જણાવ્યું કે પ્લાનિંગના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને, શુદ્ધ રહેણાંક હેતુ માટે મંજૂર થયેલી પ્લોટ નં.105, 106વાળી જગ્યા પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અને ગોડાઉન ઊભું કરી દેવાયું છે. કોઈપણ પ્રકારની બી.યુ. પરમિશન વગર આ સ્થળે મોટા પાયે ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો વ્યાપાર અને સંગ્રહ થઈ રહ્યો છે. ફાયર સેફ્ટી વિના જ્વલનશીલ ગેસ અને કમ્પ્રેસરનો આટલો મોટો સ્ટોક રહેણાંક વિસ્તાર માટે બોમ્બ સમાન બન્યો છે. આ ઉપરાંત, ભારે લોડિંગને કારણે વારંવાર વોલ્ટેજ ડાઉન થવા અને શોર્ટ-સર્કિટ થવાનું જોખમ વધ્યું છે. કોમર્શિયલ વાહનોની અવરજવરથી ટ્રાફિક જામ થાય છે, જેથી બાળકો અને વૃદ્ધોનું નીકળવું મુશ્કેલ બન્યું છે. રહીશોએ માંગ કરી છે કે આ ગેરકાયદેસર દુકાનોને તાત્કાલિક સીલ કરવામાં આવે, અન્યથા તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને કાનૂની માર્ગ અપનાવશે. સોસાયટીના લોકોનો જીવ જોખમમાં મુકાયો છે "અમારા રહેણાંક વિસ્તારમાં વગર મંજૂરીએ ગોડાઉન અને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરી દેવાઈ છે. ફાયર સેફ્ટી વિના કમ્પ્રેસર અને ગેસના સિલિન્ડરો રાખવામાં આવ્યા હોવાથી અમારો જીવ જોખમમાં છે. ભારે લોડથી શોર્ટ-સર્કિટનો ડર રહે છે અને મોટા વાહનોને લીધે ટ્રાફિકની ગંભીર સમસ્યા નડે છે. તંત્ર તાકીદે આ દુકાનો બંધ કરાવે તેવી અમારી વિનંતી છે. > જયચંદભાઇ, સ્થાનિક
Read Original Article →