પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ:નવસારી,ડાંગમાં આજથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી
નવસારી અને ડાંગ જિલ્લામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાના એંધાણરૂપ શુક્ર, શનિ બે દિવસ છૂટાછવાયા વિસ્તારમાં સાધારણ વર્ષા પડવાની આગાહી થઈ છે. નવસારી જિલ્લામાં 18 મે સુધી તાપમાનનો પારો ઊંચો રહ્યો અને ભારે ગરમી પડ્યા બાદ છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણ પલટાયું છે. બુધવારે મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયા બાદ ગુરુવારે પણ 35 ડિગ્રી જ રહ્યું હતું. જોકે હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા બપોરે પણ રહેતા ઉકળાટ અનુભવાયો હતો. બીજી તરફ વાતાવરણ શુક્રવારે વધુ બદલાઈ શકે છે. ગુરુવારે મોસમ વિભાગે જે બુલેટિન જારી કર્યું હતું તેમા નવસારી અને ડાંગ જિલ્લામાં શુક્રવાર અને શનિવારે બધી જગ્યાએ નહીં પણ છૂટાછવાયા વિસ્તારમાં સાધારણ વરસાદ ગાજવીજ સાથે થઈ શકે છે એમ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ચોમાસુ બેસવાને હજુ વાર છે ત્યારે હવે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે એમ આગાહી પરથી કહી શકાય. ડાંગર અને કેરીને નુકસાની થઈ શકે.. મોસમ વિભાગે કરેલ આગાહી મુજબ જો વરસાદ પડે તો ખેતીના પાકને નુકસાની થઈ શકે હાલ ઉનાળુ ડાંગરનો પાક તૈયાર છે, કાપણી ચાલી રહી છે ત્યારે તેમાં નુકસાની થઈ શકે. વધુમાં કેરીની સિઝન પણ ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે કેરી પણ નુકસાનીગ્રસ્ત થઈ શકે.
Read Original Article →