ઠગાઇ:ગણદેવીમાં વેપારીના બેંક ખાતામાંથી ‘ઓટો-પે’ એક્ટીવેટ કરી રૂ. 21,791ની ઓનલાઇન છેતરપિંડી
ગણદેવીના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન સરાફુદ્દીનખાન પઠાણના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સે તેમની જાણ બહાર UPI ઓટો-પે સિસ્ટમ એક્ટિવેટ કરી કુલ રૂ.21,791 ની રકમ સેરવી લીધી હતી. ઇમરાનભાઈ ગણદેવીમાં એપેક્ષ હોટલ પાસે લારી ચલાવે છે અને પેમેન્ટ માટે ગુગલ-પે સ્કેનરનો ઉપયોગ કરે છે. ગત 7 મે 2026ના રોજ તેમના મોબાઈલમાં ₹2422 કપાયાનો મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે 7 માર્ચ 2025 થી 7 મે 2026 દરમિયાન તેમના ખાતામાંથી દર મહિને પોસ્ટ-પેઇડ રિચાર્જના નામે નાની-મોટી રકમ કપાઈ રહી હતી. બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા જણાયું કે કોઈ ઇસમે છેતરપિંડીથી તેમના ખાતામાં UPI ઓટો-પે સિસ્ટમ ચાલુ કરી દીધી હતી. આ અંગે ગણદેવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં સાયબર ફ્રોડના ઘણા કેસો સામે આવ્યા છે. જેમાં ફસાઇને લોકોએ પોતાની જીવનની મુડી ખોઇ બેઠા છે માટે સાવચેત રહેવું જરૂરી છે. સાયબર છેતરપિંડીથી બચવા "ઓટો-પે" અને UPI સુરક્ષા અંગે સતર્કતા જરૂરી
બેંક ખાતામાં અજાણી "ઓટો-પે" (Auto-pay) સિસ્ટમ સક્રિય થવી જોખમી છે. નાગરિકોએ સમયાંતરે બેંક સ્ટેટમેન્ટ તપાસવું જોઈએ અને શંકાસ્પદ UPI મેન્ડેટ કે ઓટો-ડેબિટ રિક્વેસ્ટ તાત્કાલિક કેન્સલ કરવી જોઈએ. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં તુરંત 1930 નંબર અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો. > ચિરાગ લાડ, સાયબર એડવોકેટ
Read Original Article →