નવસારી મનપાનો કેટલ સેડ સવા મહિનામાં કાર્યરત થશે:ખંભલાવમાં કામ પુરુ થતા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દૂર થશે, રાત્રિના સમયે અકસ્માતનું જોખમ પણ ઘટશે

Gujarat5/23/2026, 12:00:00 AM
નવસારી મનપાનો કેટલ સેડ સવા મહિનામાં કાર્યરત થશે:ખંભલાવમાં કામ પુરુ થતા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દૂર થશે, રાત્રિના સમયે અકસ્માતનું જોખમ પણ ઘટશે
નવસારી શહેરમાં વધતી રખડતા પશુઓની સમસ્યા, ટ્રાફિક અવરોધ અને અકસ્માતના ભય વચ્ચે હવે મહાનગરપાલિકાએ કાયમી ઉકેલ તરફ પગલાં તેજ કર્યા છે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયએ શુક્રવારે વહેલી સવારે ખંભલાવ ખાતે વિકસિત થઈ રહેલી નવી પાંજરાપોળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સીએનસીડી વિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી આગામી આયોજન પર ચર્ચા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવે શહેરના રખડતા ઢોરોને તબક્કાવાર રીતે ખંભલાવ સ્થિત નવી અત્યાધુનિક પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ માટે ગૌ રક્ષક સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને શહેરના અગ્રણીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વહીવટી તંત્ર અને સમાજ વચ્ચે સંકલન સાધી પશુ વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનાવવા મુદ્દે ચર્ચા થઈ હતી.કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે નવી પાંજરાપોળમાં પશુઓ માટે પીવાનું પાણી, શેડ, ઘાસચારો અને તબીબી સારવાર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાથે જ ગૌ રક્ષકો અને અગ્રણીઓ પાસેથી મળેલા સૂચનોને પણ અમલમાં લેવામાં આવશે જેથી પશુઓને કોઈ અસુવિધા ન પડે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારે મનપાની આ કામગીરીને શહેર માટે લાંબા ગાળાના ઉકેલ તરીકે જોવામાં આવી રહી છે. છાપરા-મોગાર રોડ પર અકસ્માત બાદ મુદ્દો ગંભીરતાથી લેવાયો નવસારીમાં રખડતા ઢોરોની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ગંભીર બની રહી છે. ખાસ કરીને જાન્યુઆરી 2026માં છાપરા-મોગાર રોડ પર રખડતી ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના મુદ્દે ફરી ચિંતા ઉભી કરી હતી. ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે જોડતા વિસ્તારોમાં અવારનવાર નાના-મોટા અકસ્માતોની ફરિયાદો પણ સામે આવતી રહી છે. પરંતુ લાંબા સમય બાદ આ દિશામાં હવે કામગીરી ઝડપી બની છે.
Read Original Article →