પુણા નદીમાં કૂદેલા યુવકનો જીવ બચ્યો:ફાયર વિભાગે 20 મિનિટમાં રેસ્ક્યૂ કરી જીવનદાન આપ્યું

Gujarat4/6/2026, 9:54:33 AM
પુણા નદીમાં કૂદેલા યુવકનો જીવ બચ્યો:ફાયર વિભાગે 20 મિનિટમાં રેસ્ક્યૂ કરી જીવનદાન આપ્યું
નવસારી જિલ્લાના આમડપોર ગામ નજીક પુણા નદીમાં રવિવારે રાત્રે એક યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે, નદી કિનારે માછીમારી કરી રહેલા શખ્સની સતર્કતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે આમડપોર ગામનો રહેવાસી 30 વર્ષીય યુવક પુણા નદીના પુલ પર પહોંચ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. આ સમયે નદી કિનારે ડાભેલ ગામના શાહિદ સલીમ મનસૂર માછલી પકડી રહ્યા હતા. તેમણે યુવકને નદીમાં કૂદતો જોતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ફાયર વિભાગની 6 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રિનો સમય, કાદવ અને પાણીનું પ્રમાણ વધુ હોવા છતાં, જવાનોએ વિલંબ કર્યા વગર નદીમાં ઉતરી શોધખોળ શરૂ કરી. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જવાનોએ યુવકને શોધી કાઢી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. હાલ યુવક સુરક્ષિત છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, અને સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →